Surendranagar Vastadi bridge: બોરસદ નજીકનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 13 લોકોના મોત થયા છે. દર વખતે બને છે તેમ, આ દુર્ઘટના પછી સરકાર અને તેના તંત્ર ઉંઘમાંથી જાગ્યું છે અને જૂના-જર્જરિત બ્રિજોની ચકાસણી શરૂ કરી દીધી છે. જો કે, સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે આવેલો બ્રિજ છેલ્લાં 3 વર્ષથી તૂટી પડ્યો હોવા છતાં તંત્ર દ્વારા નવો બનાવવામાં આવતો નથી. પરિણામે આસપાસના 40 ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. લોકો જીવના જોખમે ભોગાવો નદી ક્રોસ કરીને બીજી તરફ જાય છે. આ મામલે ગામલોકો સ્થાનિક ધારાસભ્ય, કલેક્ટર અને અધિકારીઓને રજૂઆત કરીને થાક્યા છે, છતાં ત્રણ વર્ષથી સ્થિતિ જેમની તેમ છે. પરિણામે ચોમાસામાં ભોગાવો નદીમાં પાણી આવતું હોવા છતાં 40 ગામના લોકો તેમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યાં છે.
બે વર્ષ પહેલા વસ્તડીનો બ્રિજ તૂટી પડ્યો હતો
બે વર્ષ પહેલા ભોગાવો નદી પર આવેલો વસ્તડી ગામનો બ્રિજ તૂટી પડ્યો હતો. હાલ આ પુલ નવો બનાવવાનું કામ શરૂ થયુ છે. પરંતુ તેનું ડાયવર્ઝન વર્તમાન ચોમાસામાં જ ધોવાઈ ગયુ છે. તા. 24-9-23ના રોજ સાંજના સમયે વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે ભોગાવા નદી પરનો પુલ ધરાશાયી થયો હતો. જોકે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ વઢવાણથી બોટાદ તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. હજુ ગત 17 માર્ચના રોજ જ આ પુલ રૂપીયા 14.92 કરોડના ખર્ચે નવો બનાવવાના કામનું ખાતમુર્હુત થયું છે. ત્યારે હાલ ચોમાસમાં આ પુલનું ડાયવર્ઝન ફરી ધોવાયુ છે.
ડાયવર્ઝન ધોવાતા ગામના લોકોને 5 કિમીનો ફેરો
બે વર્ષ પહેલા વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે પુલ ધરાશાયી થયો હતો. આથી સામાકાંઠાની મેલડી માતાના મંદિર પાસેથી ડાયવર્ઝન અપાયું છે. પરંતુ આ ડાયવર્ઝન પર ભોગાવાના પાણી ફરી વળતા લોકોને 5 કિમીનો ફેરો ફરવો પડતો હતો. જેના અહેવાલો બાદ તંત્રે હાલ ડાયવર્ઝન રિપેરીંગ હાથ ધર્યું પણ ગ્રામજનો પુલ ન બને ત્યાં સુધી પાકું અને ઊંચું ડાયવર્ઝન બનાવવા માંગ છે.
આ પણ વાંચોઃ વસ્તડીના મેલડી માતાના મંદિરમાંથી તસ્કરો દાનપેટી ચોરી ગયા
કાચું ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ ગયું
ચુડા તાલુકાને જોડતો પુલ ધરાશાયી થયો છે. આથી 100 ગામોના હજારો લોકોને પારાવાર પરેશાની થઇ રહી છે. તંત્રે ભોગાવામાં ડાયવર્ઝન આપ્યું છે. જેમાં સામા કાંઠાના મેલડી માતાના મંદિર પાછળથી વૈકલ્પિક રસ્તો જાય છે. આ ડાયવર્ઝન કાચુ પાકુ બનાવી તેના પર કાંકરી પાથરી દીધી છે. તાજેતરના વરસાદમાં ભોગાવોમાં પાણી આવતા આ કાચું ડાયવર્ઝન વહી ગયું હતું. ત્યારે હાલ તાત્કાલિક ધોરણે રસ્તાઓનું રિપેરીંગ કામ હાથ ધરાઈ રહ્યું છે. ભારે વરસાદથી વસ્તડી ડાયવર્ઝનમાં થયેલા નુકસાન સામે તંત્રે રિપેરીંગની કામગીરી શરૂ કરી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં મોરબીનો પુલ જર્જરિત હાલતમાં
બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં અંગ્રેજોના સમયમાં બનેલ મોરબીનો પુલ અને દૂધરેજ કેનાલ પરનો પુલ પણ જર્જરિત હાલતમાં છે. દૂધરેજ કેનાલ પરના પુલમાં તો અવારનવાર ગાબડા પડે છે. ત્યારે આવી કોઈ દુર્ઘટના થાય તે પહેલા તંત્ર સજાગ બને તે જરૂરી છે. સુરેન્દ્રનગર શહેરના ટાવર રોડથી રાજકોટ તરફ જવાના રસ્તે આવેલો સરદારસિંહ રાણા પુલ કે જેને લોકો મોરબીના પુલ તરીકે ઓળખે છે તે અંગ્રેજોના સમયમાં બનાવાયો હતો. અંગ્રેજોના સમયમાં બનાવેલા પુલને 100 વર્ષ કાંઈ થયુ ન હતુ. પરંતુ ત્યારબાદ 22 વર્ષ પહેલા નવીનીકરણ કર્યા પછી પુલ બિસમાર બની ગયો છે.
દૂધરેજ કેનાલ રોડ 20 વર્ષ જૂનો, અનેકવાર ગાબડાં પડે છે
બીજી તરફ દુધરેજ કેનાલ પર આવેલ પુલ પણ કેનાલ બની ત્યારનો એટલે કે, અંદાજે 20 કરતા વધુ વર્ષ જુનો છે. જેમાં અગાઉ અનેકવાર ગાબડા પડવાના બનાવો બન્યા છે. ત્યારે શહેરમાં મહત્વના એવા આ બે પુલ પર કોઈ ગંભીર દુર્ઘટના બને તે પહેલા તંત્ર કોઈ અસરકારક કામગીરી કરે તે જરૂરી છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના કેસરિયામાં સરપંચ દલિતોને પાણી ભરવા દેતા નથી