Dalit News: દલિતો પર અત્યાચારની ઘટનાઓમાં સતત ઉમેરો થતો રહ્યો છે અને સૌ જાણે મૂકપ્રેક્ષક બનીને જોતા રહેતા હોય તેવી સ્થિતિ છે. દલિત અત્યાચારની આવી જ વધુ એક ઘટનામાં એક કૉલેજિયન દલિત વિદ્યાર્થીએ સવર્ણ જાતિના લોકો દ્વારા માર મારી અપમાન કરવામાં આવતા આપઘાત કરી લીધો છે.
મામલો તમિલનાડુ(Tamil Nadu)નો છે. અહીંના વિલ્લુપુરમ જિલ્લામાં કથિત જાતિ ભેદભાવ(casteism)નો એક દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દલિત વિદ્યાર્થીએ કોલેજેમાં સાથે ભણતા સવર્ણ જાતિના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા જાતિવાદી હુમલા અને અપશબ્દોથી દુઃખી થઈને આપઘાતનો પ્રયાસ(Dalit youth commits suicide) કર્યો હતો. એ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ICUમાં 10 દિવસ સુધી રહ્યા બાદ તેનું મોત થઈ ગયું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ, આ હૃદયદ્રાવક ઘટનામાં 18 વર્ષીય દલિત વિદ્યાર્થી એસ. ગજનીનું મંગળવારે હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું છે. તે વાદકુચિપાલયમનો રહેવાસી હતો અને સરકારી અરિગ્નાર અન્ના આર્ટ્સ કોલેજમાં ઇતિહાસનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો.
આ પણ વાંચો: સરકારી ભરતીઓમાં SC/ST માટે લાયકાત ગુણ ઘટાડવા માંગ કરાઈ

મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના 6 નવેમ્બર 2025ના રોજ બની હતી. ગજની એક હોટલથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે વન્નિયર જાતિના ત્રણ લોકો, જેઓ કથિત રીતે નશાની હાલતમાં હતા અને એક જ બાઇક પર સવાર હતા, તેમણે એસ.ગજનીના ટુ-વ્હીલરને ટક્કર મારી હતી.
આ ટક્કર બાદ વિવાદ થયો હતો. આરોપ છે કે ગજની દલિત સમાજનો છે તે જાણ્યા પછી, ત્રણેય આરોપીઓએ તેને જાતિસૂચક અપશબ્દો કહ્યા અને તેના પર હુમલો કરી દીધો. ઘટનાની જાણ થતા ગજનીના પિતા દોડી આવ્યા હતા અને દરમિયાનગીરી કરી હતી, એ પછી ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.
ઘટનાના ત્રણ દિવસ પછી, ગજનીએ ઘરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેના પરિવારે તેને તાત્કાલિક મુંડિયામ્બક્કમની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં 10 દિવસની સારવાર બાદ મંગળવારે વહેલી સવારે તેનું મોત થઈ ગયું.
આ પણ વાંચો: વિધિના નામે તાંત્રિકે મહિલાને ટોઈલેટનું ગંદુ પાણી પીવડાવતા મોત
પોલીસ તપાસ પર સવાલો ઉઠ્યાં
દલિત અત્યાચારની મોટાભાગની ઘટનાઓમાં જેમ બને છે તેમ, આ ઘટનામાં પણ પોલીસની ઢીલી કામગીરી પર સવાલો ઉઠ્યા છે. શરૂઆતમાં પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી. બાદમાં દલિત યુવકનું મોત થઈ જતા તે એક્શનમાં આવી હતી. હવે વિલ્લુપુરમ તાલુકા પોલીસે ત્રણ અજાણ્યા લોકો સામે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થી હુમલાખોરોને સ્પષ્ટ રીતે ઓળખી શક્યો ન હતો, જેના કારણે શંકાસ્પદોને પકડવામાં મુશ્કેલી પડી રહી હતી. જોકે, પરિવારનો દાવો છે કે ગજનીએ એક આરોપીને ઓળખી કાઢ્યો હતો.
યુવકના પરિવારે કહ્યું- “અમને ન્યાય જોઈએ છે”
મૃતક દલિત વિદ્યાર્થીના પિતા પી. સેમ્મેનેરીએ પોલીસ કાર્યવાહી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, “મોબાઇલ ટાવર સિગ્નલ ટ્રેક કરવાનું આટલું મુશ્કેલ કેવી રીતે હોઈ શકે? પોલીસ યોગ્ય તપાસ કરી રહી નથી, મારો પુત્ર હવે જીવિત નથી. અમને ન્યાય જોઈએ છે.”
ગજનીના પિતાએ બસ સ્ટોપ તરફ જતા માર્ગ પર દલિતોને સુરક્ષિત રાખવાની પણ માંગ કરી. દરમિયાન, જિલ્લા આદિ દ્રવિડ કલ્યાણ વિભાગે પરિવાર માટે રૂ.6 લાખ નું વળતર મંજૂર કર્યું છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થી બ્રાહ્મણના ટિફિનને અડી જતા માર માર્યો










