તેલંગાણામાં કોંગ્રેસના દલિત નેતા અનિલ મારેલીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અનિલ મારેલી તેલંગાણા કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના સભ્ય હતા. તેમની હત્યાને લઈને રાજ્યના દલિત સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, તેલંગાણાના મેડક જિલ્લાના રહેવાસી અનિલ મારેલી, હૈદરાબાદના ગાંધી ભવનથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલોમાં તેમનું મૃત્યુ માર્ગ અકસ્માતમાં થયું હોવાની શંકા છે, પરંતુ વધુ તપાસ કરતા તેમના શરીર પર ગોળીઓના નિશાન જોવા મળ્યા છે.
આ પણ વાંચો: ‘તારે ફોન રેકોર્ડ કરવો હોય તો કરી લે, હું તને પતાવી દઈશ?’
તેલંગાણા પોલીસે જણાવ્યું છે કે અનિલને જમણા ખભામાં બે ગોળીઓ વાગી હતી. તેમની પીઠ અને હાથ પર પણ ઈજાના નિશાન મળી આવ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી ગોળીઓના શેલ પણ જપ્ત કર્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે, “અનિલની કાર પર કોઈ ગોળીના નિશાન મળ્યા નથી. આના પરથી એવું અનુમાન કરી શકાય છે કે જ્યારે તે કારમાં બેઠા હતા ત્યારે તેમને નજીકથી ગોળી મારી દેવામાં આવી હશે. કારની સીટ પર લોહીના ડાઘ પણ મળી આવ્યા હતા. ઘટના પછી કાર રસ્તા પરથી ઉતરી ગઈ અને ખેતરો તરફ વળી ગઈ.”
હૈદરાબાદના કોલ્ચરમ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ગૌસે ઘટનાસ્થળની મુલાકાત લઈ મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મેડક શબઘરમાં મોકલી આપ્યો છે. ગૌસેએ કહ્યું છે કે, “અમને શંકા છે કે આ હત્યા પાછળ કોઈ સુનિયોજિત કાવતરું હતું. અમે આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરવા અને હત્યા પાછળનો હેતુ શોધવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.”
ચોંકાવનારી વાત એ છે કે, અનિલ મારેલીની હત્યા પછી કોંગ્રેસના એક પણ નેતા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. એટલું જ નહીં, કોઈ મોટા નેતાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી નથી. જેને લઈને રાજ્યના ઘણા દલિત નેતાઓ અને સંગઠનોએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે અને કેસની નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી છે.
આ પણ વાંચો: ‘હું કાળો જાદું જાણું છું, 11 લાખ આપ એટલે 2 કરોડનો વરસાદ કરું’