મહિલાઓ માટે નર્ક ગણાતું રાજસ્થાન જાતિવાદ અને દલિત અત્યાચારોની ઘટનાઓ માટે પણ એટલું જ કુખ્યાત છે. દર વર્ષે લગ્નની સિઝન દરમિયાન અહીં ચોક્કસ જાતિના લોકો દ્વારા દલિત વરરાજાના વરઘોડા કે બારાત પર હુમલો કરવામાં આવે છે. આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા અહીંના ઝુંઝનૂમાં બની હતી. જ્યાં ત્રણ લુખ્ખા તત્વોએ એક દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળતા હુમલો કરી દીધો હતો અને તેમને નીચે ઉતારવા પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા હવે ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
રાજસ્થાનના ઝૂંઝનૂના તિતનવાડની ઘટના
મામલો ઝૂંઝનૂના ગુઢા ગૌડજી પોલીસ સ્ટેશનના તિતનવાડ વિસ્તારનો છે. વરરાજાના પરિવારે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ગત તા. 19 જુલાઈ 2025ના રોજ તેમના દીકરાના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. વરઘોડો જ્યારે ગામની મુખ્ય બજારમાં પહોંચ્યો ત્યારે ગામનો બ્રાહ્મણ યુવક રમેશ શર્મા તેના સાગરિતો દલિપ સિંહ, રણવીર સિંહ અને અભિષેક સાથે મળીને ઘોડી પર બેઠેલા વરરાજાને જાતિસૂચક અપશબ્દો બોલીને તેને નીચે ઉતરી જવા માટે પ્રયાસ કરવા લાગ્યા. એ દરમિયાન ઝપાઝપી થતા વરઘોડામાં નાસભાગ મચી ગઈ હતી.
આ પણ વાંચો: આદિવાસી બાળકીને કોબ્રા કરડ્યો, હોસ્પિટલ પહોંચવા રસ્તો ન હોવાથી મોત
આરોપીઓએ કહ્યું, “દલિતોને ઘોડી પર બેસવાનો અધિકાર નથી”
સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓનું કહેવું હતું કે, વરરાજા દલિત સમાજના છે અને તેમને ઘોડી પર બેસવાનો અધિકાર નથી. તેથી તેણે નીચે ઉતરી જવું જોઈએ. વરરાજાના પરિવારજનોએ મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો પરંતુ આરોપીઓ માન્યા નહોતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે વરરાજાના પરિવારે એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે 20 દિવસ બાદ આરોપીઓની ધરપકડ કરી
એ પછી ઝૂંઝનૂના એસપી બ્રિજેશ જ્યોતિ ઉપાધ્યાયના આદેશ મુજબ નવલગઢના એએસપી દેવેન્દ્રસિંહ રાજાવતની આગેવાનીમાં એક ટીમ તૈયાર કરવામાં આવી હતી અને ત્રણેય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આરોપીઓ ઘટના બાદથી ફરાર થઈ ગયા હતા. પોલીસ છેલ્લાં 20 દિવસથી આરોપીઓને શોધી રહી હતી. પોલીસે મુખ્ય આરોપી રમેશ કુમાર ઉર્ફે છોટુ, દલીપ સિંહ અને રણવીર સિંહની ધરપકડ કરી. રમેશ કુમાર વિરુદ્ધ સાત અને દલીપ સિંહ વિરુદ્ધ ચાર કેસ નોંધાયેલા છે.
આ પણ વાંચો: મુસ્લિમ યુવકે હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા, જાણો પછી ગામલોકોએ શું કર્યું