ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના આદિવાસી પટ્ટામાં જાદુટોણાની આડમાં આદિવાસી પરિવારો પર ટોળા દ્વારા હુમલા કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. હજુ ત્રણ દિવસ પહેલા જ એક વૃદ્ધાને ટોળાએ ડાકણ કહીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે હવે તેનાથી પણ ભયાનક ઘટના બની છે, જેમાં જાદુટોણાની શંકામાં આદિવાસી દંપતી અને પુત્રની કુહાડી મારી હત્યા કરી દેવામાં આવી છે.
મામલો આદિવાસી સમાજની બહુમતી ધરાવતા ઝારખંડનો છે. અહીંના ગોડ્ડા જિલ્લાના દેવદાનર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડાંગ ટોલામાં ‘જાદુટોણા’ (Witch-hunting) કરવાની આશંકાના આધારે એક આદિવાસી પરિવારના ત્રણ સભ્યોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. સોમવારની મોડી રાત્રે બનેલી આ ઘટનામાં આદિવાસી દંપતી અને તેમના માસૂમ સગીર પુત્ર પર કુહાડી વડે ઘાતકી હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી. મંગળવારે સવારે જ્યારે પોલીસને આ અંગે જાણ થઈ ત્યારે ઘટનાસ્થળે પહોંચીને ત્રણ લોહીલુહાણ મૃતદેહો કબજે કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલી અંધશ્રદ્ધાને સમાજ સામે લાવી દીધી છે.

સંબંધીઓએ જ ઘડ્યું હત્યાનું કાવતરું
એસડીપીઓ અશોક રવિદાસે મીડિયાને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આ હત્યા કોઈ અજાણ્યા બહારના શખ્સોએ નહીં, પરંતુ પીડિતોના નજીકના સંબંધીઓએ જ અંજામ આપી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓને એવો પાકો વહેમ હતો કે આ પરિવાર જાદુટોણા કે મેલી વિદ્યાનો પ્રયોગ કરી રહ્યો છે. આરોપીઓના મનમાં એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે પરિવારમાં આવી રહેલી માંદગી, આર્થિક નુકસાન કે પશુઓના મૃત્યુ પાછળ આ દંપતી જવાબદાર છે. આ અંધશ્રદ્ધામાં અંધ બનેલા સંબંધીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી રાત્રિના સમયે જ્યારે પરિવાર સૂતો હતો ત્યારે કુહાડી લઈને તૂટી પડ્યા હતા. નિર્દોષ બાળકને પણ આ નરાધમોએ છોડ્યો નહોતો.
આ પણ વાંચો: ડાંગના આદિવાસી યુવકે ‘હાલરડાં’ પર PhD કર્યું, ગામનો પહેલો ડોક્ટરેટ બન્યો
ત્રણની આરોપીઓની ધરપકડ કરી હથિયાર કબજે લેવાયા
પોલીસે આ મામલે અત્યંત ઝડપી કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં જ જાદુટોણાના વહેમમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, “આરોપીઓએ સ્વીકાર્યું છે કે તેઓ પીડિત પરિવારની ગતિવિધિઓથી ડરેલા હતા અને તેમને લાગતું હતું કે જો તેઓ આ પરિવારનો ખાતમો નહીં કરે તો તેમના પોતાના પરિવાર પર આફત આવશે.” પોલીસે ગુનામાં વપરાયેલી લોહીથી ખરડાયેલી કુહાડી પણ રિકવર કરી લીધી છે. હાલ પોલીસ આ આખી ઘટનામાં અન્ય કેટલા લોકો પડદા પાછળથી ઉશ્કેરણી કરી રહ્યા હતા તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.
આદિવાસી પટ્ટામાં ડાકણ પ્રથાનો ડર
ઝારખંડના ગોડ્ડા, ગુમલા, સિંઘભૂમ અને ખુંટી જેવા આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં જાદુટોણા અને ‘ડાકણ પ્રથા’ (Witch-hunting) એ એક ગંભીર સામાજિક સમસ્યા બની ગઈ છે. આ વિસ્તારોમાં અંધશ્રદ્ધાનું ઝેર એટલી હદે પ્રસરેલું છે કે લોકો તેની આડમાં નિર્દોષ લોકોનો જીવ લેતા પણ ખચકાતા નથી. અંધશ્રદ્ધા એટલી મજબૂત છે કે, તર્ક કે વિજ્ઞાન ત્યાં ટકી શકતું નથી.

ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર નીચું હોવાથી લોકો કુદરતી આપત્તિ કે બિમારીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવાને બદલે ‘મેલી વિદ્યા’ સાથે જોડી દે છે. હોસ્પિટલ દૂર હોવાથી લોકો ઓઝાઓ અને તાંત્રિકો પાસે જાય છે, જેઓ ઘણીવાર અંગત અદાવત કાઢવા માટે કોઈને ‘ડાકણ’ કે ‘જાદુગર’ જાહેર કરી દે છે. તપાસમાં એવું પણ અનેકવાર બહાર આવ્યું છે કે જાદુટોણા તો માત્ર એક બહાનું હોય છે, અસલ હેતુ પીડિતની જમીન કે મિલકત હડપવાનો હોય છે.
આ પણ વાંચો: ‘શું હવે અમારે કચરો ઉપડાવવા ઢે#ઓના પગ પકડવાના?’
ભૂતકાળની લોહિયાળ ઘટનાઓનું પુનરાવર્તન
ઝારખંડમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના આંકડા મુજબ, ઝારખંડમાં ડાકણ પ્રથાના નામે થતી હત્યાઓનો દર દેશમાં સૌથી વધુ પૈકીનો એક છે. અગાઉ લોહરદગામાં પણ એક જ પરિવારના સભ્યોને જીવતા સળગાવી દેવાની કોશિશ થઈ હતી. ખુંટીમાં પણ પાંચ મહિલાઓની સામૂહિક હત્યાની ઘટનાએ દેશને હચમચાવી દીધો હતો. વર્ષોથી ચાલી આવતી આ પ્રથાને ડામવા માટે રાજ્ય સરકારે ‘ડાકણ પ્રથા નિવારણ અધિનિયમ’ બનાવ્યો છે, પરંતુ જમીની સ્તરે તેની અસરકારકતા ઓછી જોવા મળે છે કારણ કે આખો સમાજ ઘણીવાર ગુનેગારોને સાથ આપતો હોય છે.
વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી લોકોને અપીલ કરી
ગોડ્ડાની આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ડાંગ ટોલા ગામમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. એસડીપીઓ અશોક રવિદાસે સ્પષ્ટ કર્યું છે કે, “કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે પણ પોલીસ કડક હાથે કામ લેશે.” પોલીસે ગ્રામજનો સાથે બેઠક યોજીને સમજાવ્યું છે કે માંદગી કે અકસ્માત એ કુદરતી પ્રક્રિયા છે, તેના માટે કોઈને જવાબદાર ઠેરવી હત્યા કરવી એ જઘન્ય અપરાધ છે.
આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન છે કે માત્ર કાયદા બનાવવાથી આવી હત્યાઓ નહીં અટકે, તેના માટે છેવાડાના ગામડાઓ સુધી જાગૃતિ અભિયાન ચલાવવું અનિવાર્ય છે.
આ પણ વાંચો: આદિવાસી હોસ્ટેલમાં ત્રણ વિદ્યાર્થીનીઓ ગર્ભવતી બનતા ખળભળાટ











