Adivasi News: એક બાજુ મોદી સરકારનું પ્રચારતંત્ર ભારત વિશ્વગુરૂ બની ગયું હોવાનો પ્રચાર કરે છે, બીજી તરફ દલિત, આદિવાસીઓ પાયાની જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરી રહ્યાં છે. આ સંઘર્ષ કેટલો આકરો છે તેની પ્રતીતિ આ ઘટનામાં થાય છે.
ગુના જિલ્લાના બાગેરી ખાતર વિતરણ કેન્દ્ર પર બે દિવસથી લાઇનમાં રાહ જોતી ભૂરિયાબાઈ નામની આદિવાસી મહિલાનું ઠંડી અને ખરાબ તબિયતને કારણે મોત થઈ ગયું. એમ્બ્યુલન્સ ન મળતાં એક ખેડૂત તેને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેની હાલત વધુ ખરાબ થતાં તેને રિફર કરવામાં આવી હતી. પણ તેને બચાવી ન શકાઈ.
ઘટના ગુના જિલ્લાના બામહોરી વિધાનસભાના બાગેરી ગામનો છે. અહીં ખાતર લેવા આવેલી એક આદિવાસી મહિલાના મૃત્યુએ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. મૃતક મહિલાનું નામ ભૂરિયાબાઈ હતું, જે આશરે 50 વર્ષની હતી. પરિવારના સભ્યોનું કહેવું છે કે ભૂરિયાબાઈ છેલ્લા બે દિવસથી ખાતર માટે લાઇનમાં રાહ જોઈ રહી હતી. ખેડૂતો હાલમાં ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે અને વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો લાગી છે.
આ પણ વાંચો: આદિવાસી સમાજનો મોટો નિર્ણય, લગ્નમાં ડીજે અને દારૂ પર પ્રતિબંધ
ભુરિયાબાઈ મંગળવારે બાગેરી ખાતર વિતરણ કેન્દ્ર પર યુરિયા ખરીદવા ગયા હતા. મંગળવારે તેમને ખાતર મળી શક્યું ન હતું અને બુધવારે પણ તેમને ખાતર મળી શક્યું ન હતું. બે દિવસ રાહ જોયા પછી, જ્યારે બુધવારે મોડી રાત્રે પણ તેમને ખાતર ન મળ્યું, ત્યારે તેઓ કડકડતી ઠંડીમાં ખાતર વિતરણ કેન્દ્રની બહાર સૂઈ ગયા. એ દરમિયાન અચાનક તેમની તબિયત બગડી ગઈ.
પરિવારના સભ્યો અને નજીકના લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી, પરંતુ એમ્બ્યુલન્સ ન આવી. એક ખેડૂતે તેમને પોતાના ખાનગી વાહનમાં બામોરી આરોગ્ય કેન્દ્ર લઈ ગયો. પરંતુ ભૂરિયાબાઈની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેમને ગુના રિફર કરવામાં આવ્યા. આખરે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. ભૂરિયાબાઈ ગુના જિલ્લાના કુસેપુર ગામની રહેવાસી હતી.
આ પણ વાંચો: ચેતી જજો, ચૂંટણી પંચ લોકશાહીને ખતમ કરી રહ્યું છે!’
પરિવારના સભ્યોનું કહેવું છે કે ગરીબોને મદદ કરવા માટે કોઈ આગળ આવતું નથી. તેમનો આરોપ છે કે જો એમ્બ્યુલન્સ સમયસર પહોંચી હોત તો મહિલાનો જીવ બચાવી શકત. જે ખેડૂતે તેમને હોસ્પિટલ લઈ ગયા હતા તેમણે એમ પણ કહ્યું કે ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હતી અને તેમને ખાનગી વાહનમાં લઈ જવાની ફરજ પડી હતી.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આ વિસ્તારના પ્રવાસે હતા, ત્યારે જ આદિવાસી મહિલા ખેડૂતના મોતના સમાચારથી વહીવટી સ્તરે ખળભળાટ મચી ગયો છે. સિંધિયાએ વહીવટીતંત્રને અસરગ્રસ્ત પરિવારને મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે, જોકે તેમણે ખાતરની અછત અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
આ પણ વાંચો: બિરસા મુંડા કોણ હતા, શા માટે તેમને ‘ભગવાન’ કહેવામાં આવે છે?
ગ્રામજનોએ એમ્બ્યુલન્સ ન મળવાનો આરોપ લગાવ્યો
ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર ઉંઘતું ઝડપાયું હતું. કલેક્ટર કિશોર કુમાર કન્યાલે જણાવ્યું હતું કે મહિલાને ગંભીર ડાયાબિટીસ હતો, જેના કારણે તેનું મોત થયું છે. તેમણે ઉમેર્યું હતું કે મોડી રાત્રે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહોતી. તેમણે ખેડૂતોને ખાતર વિતરણ કેન્દ્રો પર રાત ન રોકાવાની પણ અપીલ કરી હતી. કલેક્ટરે દાવો કર્યો હતો કે જિલ્લામાં ખાતર પૂરતું ઉપલબ્ધ છે અને સવારે અને સાંજે ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ખેડૂતોએ કહ્યું, ખાતરની અછત છે, લાઈનોમાં લાગવું પડે છે
આ તરફ સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે ખાતરની અછત અને કેન્દ્રો પર અવ્યવસ્થિત વિતરણને કારણે લોકોને માત્ર દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ જાગતા રહેવાની ફરજ પડે છે. ઘણા ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે બાગેરી કેન્દ્રમાં ₹274 ની કિંમતની ખાતરની થેલી ₹400 સુધી કાળા બજારમાં વેચાઈ રહી છે. આ એજ કેન્દ્ર છે, જ્યાં મહિલાનું મૃત્યુ થયું હતું. ઘટનાની રાત્રે કોંગ્રેસના ધારાસભ્ય ઋષિ અગ્રવાલ ફૂડ પેકેટનું વિતરણ કરવા પહોંચ્યા હતા, પરંતુ મહિલાનું સવારે 3 વાગ્યે મૃત્યુ થયું હતું. આ ઘટનાએ ખાતર વિતરણ વ્યવસ્થા, એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા અને વહીવટી જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: ટોઈલેટમાં લપસી જતા ધો.3માં ભણતી આદિવાસી વિદ્યાર્થીનીનું મોત












