પ્રવીણ ગઢવી સાહેબના આ સંસ્મરણો કાયમ યાદ રહેશે

'સવાયા દલિત સાહિત્યકાર' પ્રવીણ ગઢવી સાહેબના પરમ મિત્ર નટુભાઈ પરમાર ગઢવી સાહેબની પ્રતિભાને છાજે તેવી શબ્દાંજલિ અર્પણ કરે છે.
praveen gadhvi

નટુભાઈ પરમાર

પ્રવીણ ગઢવી. આ નગર – ગાંધીનગરમાં વસતો રહેલો એક નિષ્ઠાવાન સાહિત્યકાર, રેશનાલિસ્ટ અને જાતપાતના બંધનોને તિલાંજલિ આપીને ‘સવાયા દલિત સાહિત્યકાર’ની હુલામણી ઓળખ પામેલો એક સાચુકલો માનવતાવાદી સર્જક, હવે આપણી વચ્ચે નથી રહ્યો. હજી ૧૩મે ૨૦૨૫એ જેમના ૭૩મા જન્મદિવસની સૌએ શુભકામનાઓ પાઠવી હતી, એ સૌના પ્યારા ‘ગઢવી સાહેબે’ ૨૦ મે ૨૦૨૫એ આપણી વચ્ચેથી આઘાતજનક વિદાય લઈ લીધી છે.

શહેર ગાંધીનગરને પહોંચેલી આ બહુ મોટી ખોટ તો છે જ, કિન્તુ ગુજરાતી સાહિત્ય જગતે પણ પ્રવીણ ગઢવીના જવાથી એનું એક આગવું, વિશિષ્ટ અને વિચક્ષણ સાહિત્યરત્ન ગુમાવ્યું છે.

‘ગુજરાત લેખક મંડળ’ના અને સાથે જ ‘ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી’ના પણ અધ્યક્ષ એવા પ્રવીણ ગઢવી પચાસથી વધુ પુસ્તકોના સર્જક રહ્યા છે. ગુજરાતમાં દલિત સાહિત્યના આરંભના સાહિત્યકારોમાંના એક અને તેય બીનદલિત એવા ચારણ-ગઢવી આ સાહિત્યકારે સ્વૈચ્છાથી- હ્રદયની ખરી લાગણીથી દલિત સાહિત્યકાર બની રહેવાનું પોતાને ખુદને આપેલું વચન આજીવન નિભાવ્યું હતું.

આ પણ વાંચો: ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું

praveen gadhvi

સનદી અધિકારી રૂપે કલેક્ટર-અમરેલી, સમાજ સુરક્ષા નિયામક, લેબર વેલ્ફેર બોર્ડના નિયામક અને સામાજિક ન્યાય અને અધિકારી કચેરીના નિયામક સહિત અનેક સરકારી ઉચ્ચ હોદ્દાઓને જેમણે એમના માનવતાવાદી અભિગમ સાથે દીપાવ્યા અને સાચ અર્થમાં જેમણે એક અધિકારી રૂપે પીડિતજનોની વેદના-વ્યથાને સમજી તેને નિવારવાનો પ્રયાસ કર્યો છે, તેમની તે સેવા અદ્વિતીય રહી છે. તો નોકરીની સાથે જ સાહિત્યસર્જન દ્વારા પણ પીડિતોની પડખે રહી, શોષિત-વંચિત વર્ગના વિતકને વાચા આપવાનું તેમનું જીવનકર્મ પણ નિશ્ચિતપણે અજોડ રહ્યું છે.

દલિત સાહિત્ય પરના એમના કોઈ પણ લખાણને – પછી ચાહે તે કવિતા, વાર્તા, નિબંધ કે સાહિત્યના અન્ય સ્વરૂપે હોય – વાંચતા એમાં આ વર્ગ પ્રતિની તેમની પ્રતિબધ્ધતા સ્પષ્ટપણે અનુભવી શકાતી. એ એક કર્મઠ સરકારી અધિકારી અને પ્રતિબધ્ધ સાહિત્યકાર પ્રવીણ ગઢવી જ હતા કે જેમના સમાજ કલ્યાણ નિયામક કાળે ગુજરાતી દલિત સાહિત્યકારોને તેમના સાહિત્યસર્જન માટે પુરસ્કાર આપવાની યોજના અમલમાં આવી. એ એમની મોટાઈ, નિષ્ઠા ને ઉદારતા કે એ પુરસ્કારો આપવાની શરતોમાં એમણે પોતે જ એવી કલમ ઉમેરાવી કે, ‘જેઓ જન્મે દલિત ન હોય તેઓ આ પુરસ્કાર માટે અરજી કરી શકશે નહીં.’

આમ કરીને ખુદ એક નીવડેલા દલિત સાહિત્યકાર હોવાછતાં ભવિષ્યમાં – નિવૃત્તિ પછી પણ પોતાને ફાળે દલિત સાહિત્યનો કોઈ પુરસ્કાર ન પહોંચે એની આગોતરી સાવચેતી દાખવીને એમની સરકારી અધિકારી તરીકેની પારદર્શક પ્રામાણિકતા અને સાહિત્યકાર તરીકેની તટસ્થતાનો, અને તે સૌથી ઉપર એમની અનન્ય દલિતનિષ્ઠાનો પરિચય આપ્યો હતો.

સમૃધ્ધ અંગત લાયબ્રેરીના માલિક પ્રવીણ ગઢવીના હજ્જારો પુસ્તકો પણ જાણે આજે રડી રહ્યા છે. એમના ઘરે અવારનવાર અમે મિત્રો મળતા રહેતા. નીચેના ખંડમાં લલિત-દલિત સાહિત્યના થોકબંધ પુસ્તકો તો એમના શયનખંડમાં વેદો-પુરાણો સમેતના અસંખ્ય ધાર્મિક ગ્રંથોની ભરમાર. અખંડ વાચક એવા પ્રવીણ ગઢવી સાહેબે એ તમામને આખ્ખેઆખ્ખા વાંચ્યા હોવાનું પ્રમાણ તે તેમના ગ્રંથો : ‘શૂદ્રપર્વ’, ‘અસુરસર્ગ’ અને ‘અસુરસ્કંધ’.
આ એ ગ્રંથો છે જે પુરાણકથાઓને દેવો, આર્યો કે રાજવીઓની નહીં પણ અસુરો, રાક્ષસો, અનાર્યો અને શૂદ્રોની દષ્ટિએ ફેરતપાસ કહો કે પુન:મૂલ્યાંકન આદરે છે. ગુજરાતી સાહિત્ય – દલિત સાહિત્યમાં આ પ્રકારનો વિશિષ્ટ આયાસ – પ્રયોગ કરનાર પ્રવીણ ગઢવી એકમેવ બની રહ્યા.
મને યાદ છે, મારા મિત્ર અને એક સમયે માહિતીખાતા પ્રકાશિત ‘ગુજરાત’ના કાર્યવાહક તંત્રી – અધિક નિયામક પુલકભાઈ ત્રિવેદીને ગઢવી સાહેબે પુરાણ આધારિત એક વાર્તા પ્રકાશિત કરવાને મોકલી ત્યારે એમાં વાર્તાના પાત્રો અને એના પરિવેશનું પૌરાણિક શબ્દો સાથેનું એવું આલેખન કરેલું કે એને યથાતથ મુકવામાં અમારા કોમન મિત્રની એ વાર્તાને સુયોગ્ય રીતે રજૂ કરવા ને સાથે વાંચવા મને પુલકભાઈએ તેમની પાસે બોલાવ્યો હતો.

આ પણ વાંચો: મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેદ ઉડાડીને નહીં

સાહિત્યકાર ડો. કેશુભાઈની નાદુરસ્ત તબિયત સમયે પુલકભાઈ, હું ને ગઢવી સાહેબ સાથે ખબર કાઢવા ગયેલા ત્યારે માર્ગમાં એમની વાર્તાના ઘણાં બધાં સંસ્કૃતપ્રચૂર શબ્દો સાથે ‘શૂદ્રપર્વ’ થકીના એમના વિશિષ્ટ સાહિત્યકર્મના પણ અમે ઓવારણા લેતા રહ્યા હતા. છેલ્લે પુલકભાઈ અને એમના દીકરાના બે પુસ્તકોના લોકાર્પણમાં પણ એ ઉમળકાભેર આવ્યા હતા, પણ ૧૮ મે એ યોજાયેલા પુલકભાઈના પુસ્તક લોકાર્પણમાં એ નાદુરસ્ત તબિયતને કારણે ન આવી શક્યા એનો છેલ્લે સુધી એમને રંજ રહ્યો.

મારૂં સદભાગ્ય કે ‘શૂદ્રપર્વ’ પરનો સૌ પ્રથમ પરિચયલેખ મારે લખવાનો થયો, જે ‘પરબ’માં અને પછી રાષ્ટ્રીય સ્તરે હિન્દી સાહિત્ય પત્રિકા ‘હંસ’માં પ્રકાશિત થયો. ત્યાં તેણે વાચકોમાં એટલી ઉત્સુકતા જગાવી કે ‘શૂદ્રપર્વ’ પછી હિન્દીમાં અને અંગ્રેજીમાં પણ અનુવાદિત થયો. આ સિવાય પણ એમના દશથી વધુ ગ્રંથો અંગ્રેજી અને હિન્દીમાં અનુવાદિત થયા.

ખૂબ જ વાંચતા અને ખૂબ જ લખતા પ્રવીણ ગઢવીનું ઘર તમામ સાહિત્યિક સામયિકોનું એક ઠેકાણું જાણે. આઠ-આઠ દૈનિક પત્રો રોજેરોજ અને પાર વિનાના સામયિકોના વાંચનથી જ્ઞાનસમૃધ્ધ પ્રવીણ ગઢવી ઈતિહાસના પણ પાક્કા જાણતલ. અમે એમની સાથે દેશ અને દેશ બહાર અનેક પ્રવાસો ખેડ્યા છે. કોઈ પણ ખૂણે, કોઈ અજાણ્યા સ્થળે તેમની સાથે તમે પહોંચો, એ સ્થળની ભોમિયા કરતાંય વધારે માહિતી જો કોઈની પાસે રહેતી તો તે એક માત્ર ‘અમારા ગઢવી સાહેબ’ પાસે!

સાચા પક્ષીવિદ પ્રવીણ ગઢવી આકાશમાં ક્યાંય પણ ઉડતા કે કોઈ પણ ખૂણે બોલતા કોઈ પણ પક્ષીને તત્ક્ષણ એના નામ સાથે ઓળખી બતાવતા! અમે મિત્રોએ તેમની સાથે હિમાલયનો પ્રવાસ કેવળ હિમાલયના પક્ષીઓના દર્શન માટે કર્યો હતો!

આ પણ વાંચો: બહુજન સાહિત્યમાં ભવો-ભવ, આવતા ભવ, ગયા ભવ જેવી વાતો કેમ સ્વીકાર્ય નથી?

પ્રકૃતિએ અત્યંત સંવેદનશીલ, સ્નેહાળ અને પરોપકારી પ્રવીણ ગઢવી અમારા જેવા આછુંપાતળું લખતા લેખકો માટે અને કંઈ કેટલાય નવોદિતો માટે સાચા રાહબર અને પ્રોત્સાહક હતા. કંઈ લખો અને એ લખાણના શીર્ષકની તમને શોધ હોય તો આખુંય લખાણ વાંચીને એ એનું સુંદર શીર્ષક સૂચવવામાં ક્યારેય ‘મને સમય નથી’ એમ ન કહેતા અને પ્રેમપૂર્વક આગળ વધવા ઉત્સાહિત કરતા.

તેઓ બીમાર છે એવી ખબર મળતા જ હું, પ્રવીણ શ્રીમાળી, સાહિલ પરમાર, પુલક ત્રિવેદી, રમણ વાઘેલા એમને મળવા પહોંચેલા. હોસ્પિટલથી ચેકઅપ કરાવી ઘરે પહોંચેલા અમને બધાને એમણે એમણે હજી બે જ દિવસ પહેલા એમની પાસે પહોંચેલા એમના અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તકો સપ્રેમ ભેટ ધરેલા.

ગઢવી સાહેબે ઘણું લખ્યું છે ને હજી ઘણું લખવાના એમના ઓરતા હતા. એમની એ અંતરેચ્છા પણ એ બીમારીની ક્ષણે પણ એમણે અમારી સમક્ષ વ્યક્ત કરી હતી, કિન્તુ એમની ક્રાન્તિકારી કલમે પણ એમની સાથે જ કાયમી વિરામ લઈ લીધો છે.

અમને મિત્રોને હ્રદયની નિર્ભેળ – નિર્વ્યાજ લાગણીથી ચાહનારો, અમારા સુખ-દુ:ખની અમારાથીય વધારે ચિંતા કરનારો, પ્રવીણ ગઢવી જેવો, ‘સર્વજ્ઞાનસંગ્રહ કોશ’ સમો મિત્ર ફરી અમને હવે આ બચેલા આયખામાં મળે તેમ નથી. અમને એમના મિત્રોને પડેલી આ ખોટ અસહ્ય છે, દુર્નિવાર છે.
મારે ગત ૧૪મેની રાત્રે દીકરા પાસે કેનેડા નીકળવાનું થયું ત્યારે સુખરૂપ પહોંચવાની મને એમણે શુભેચ્છા તો પાઠવી જ, સાથે અહીં પહોંચ્યો એની મેસેજ કરીને ખાતરી પણ કરી લીધી. મિત્રોની પળેપળ ભાળ-સંભાળ રાખનારા પ્રવીણ ગઢવી સાહેબ, આપને અમારી અશ્રુભરી અંજલિ અને વિનમ્ર શ્રધ્ધાસુમન. અલવિદા પ્રવીણ ગઢવી સાહેબ.

(લેખક પૂર્વ સંયુક્ત માહિતી નિયામક અને પ્રવીણ ગઢવી સાહેબના જીગરી મિત્ર છે.)

આ પણ વાંચો: ‘સવાયા દલિત સાહિત્યકાર’ પ્રવીણ ગઢવીની અણધારી વિદાય

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં SC-ST-OBC યુવકોને અન્યાય થાય છે?
0
Would love your thoughts, please comment.x
()
x