વર્ષ 2026નું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે અને તેની સાથે જ દલિત અત્યાચારની ઘટનાઓ પર શરૂ થઈ ચૂકી છે. મોદી-ભાજપના શાસનમાં મુસ્લિમો, દલિતો બાદ હવે ખ્રિસ્તીઓ પર પણ જાતિવાદી તત્વો દ્વારા હુમલાઓ વધ્યાં છે. નાતાલ દરમિયાન એકબાજુ વડાપ્રધાને ચર્ચમાં જઈ ઈશુને પ્રાર્થના કરી પોતે સેક્યુલર હોવાનો ઢોંગ કર્યો હતો.
બીજી તરફ RSS પ્રેરિત બજરંગ દળ, વીએચપી અને અન્ય હિંદુત્વવાદી સંગઠનના ગુંડાઓએ નિર્દોષ લોકોને ધર્મના નામે હેરાન કર્યા હતા. આશ્ચર્યની વાત એ રહી કે, સેલિબ્રિટીઓના જન્મદિવસે, રમતોમાં ખેલાડીઓની મહેનતના કારણે ભારત જીત મેળવે, ત્યારે તરત જશ ખાટવા ટ્વિટ કરીને લાઈમલાઈટમાં આવી જવા મથતા વડાપ્રધાને દેશમાં દલિતો, મુસ્લિમો, ખ્રિસ્તીઓ પર થતા હુમલાઓ મામલે કદી મોં ખોલ્યું નથી.
નવા વર્ષની શરૂઆતમાં જ લખનઉમાં બે દલિત યુવકોને માત્ર દુકાનમાં ખુરશી પર બેસવા મુદ્દે એક જાતિવાદી ગુંડાએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. ઘટના લખનૌની છે. અહીંના સૈરપુર વિસ્તારમાં એક દુકાનમાં ખુરશી પર બેસવા બદલ બે દલિત યુવાનોને માર મારવામાં આવ્યો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. સૈરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બબલુ કુમાર કોરીએ જણાવ્યું કે પીડિતની ફરિયાદના આધારે SC/ST એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: માણસ-હાથી વચ્ચેનો સંઘર્ષ આટલો વિકરાળ કેમ બન્યો?
ખુરશી પર બેસવા બદલ માર માર્યાની ફરિયાદ
સૈરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બબલુ કુમાર કોરીએ જણાવ્યું કે બઢૌલી છઠામિલનો રહેવાસી બબલુ કુમાર ગૌતમ અને તેનો મિત્ર ઉમેશ કુમાર ગૌતમ તે જ ગામના મોનુ સિંહની દુકાનમાં કામ કરે છે. મંગળવારે રાત્રે લગભગ 7:40 વાગ્યે બંને યુવાનો દુકાનમાં ખુરશીઓ પર બેઠા હતા, ત્યારે બાજુના ગામ તરહિયાનો રહેવાસી અમરસિંહ ત્યાં પહોંચ્યો હતો અને બંનેને ખુરશી પરથી ઉભા કર્યા હતા.
બંને દલિત યુવકોને લાત અને મુક્કા મારવામાં આવ્યા
સૈરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે જ્યારે બબલુએ ખુરશી પરથી ઉભા થવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપી અમર સિંહ ગુસ્સે થઈ ગયો. તેણે કથિત રીતે જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો, બંનેનું અપમાન કર્યું અને પૂછ્યું, “તું દલિત જાતિનો છે, તારી ખુરશી પર બેસવાની હિંમત કેવી રીતે થઈ?” જ્યારે બંને દલિત યુવકોએ તેનો પ્રતિકાર કર્યો, ત્યારે આરોપીએ બંને યુવાનોને લાત અને મુક્કા મારવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો: દલિત અધિકારી પર હુમલો કરનાર ભાજપ નેતાનું સ્વાગત કરાયું
દલિત યુવકોને મારી નાખવાની ધમકી આપી
આ હુમલામાં બબલુને આંખો, કાન અને ગરદનમાં ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે ઉમેશને પેટ અને છાતીમાં આંતરિક ઈજાઓ થઈ. હુમલાનો અવાજ વધતાં દુકાન માલિક હર્ષ બહાદુર ચૌહાણ ઉર્ફે મોનુ સિંહ ત્યાં પહોંચ્યો હતો. તેને આવતો જોઈને આરોપી અમર સિંહ તેને મારી નાખવાની ધમકી આપી અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
પોલીસે શું કહ્યું
પીડિત બબલુ કુમાર ગૌતમ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે સૈરપુર પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસે બંને ઘાયલ યુવકોની તબીબી તપાસ કરાવી છે. સ્ટેશન ઇન્ચાર્જ બબલુ કુમાર કોરીએ જણાવ્યું હતું કે કથિત જાતિવાદી દુર્વ્યવહાર અને હુમલાની તપાસ ચાલી રહી છે. આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરાઈ છે. જોકે, હજુ સુધી આરોપી પકડાયો નથી.
આ પણ વાંચો: ભેંસનું માંસ લઈને જતા મુસ્લિમને ટોળાએ ગૌતસ્કર સમજી માર્યો!











