સુપ્રીમ કોર્ટ દ્વારા મનાઈ ફરમાવાઈ હોવા છતાં દેશભરમાં સફાઈકર્મીઓને ગટર અને ટાંકીઓ સાફ કરવા માટે ઉતારવામાં આવે છે. મોટાભાગના કેસોમાં તેમને સલામતીના કોઈ જ સાધનો પુરા પાડવામાં આવતા નથી, જેના કારણે તેઓ ગેસ ગળતર થતા જ મોતને ભેટે છે. આવો જ એક કિસ્સો આજે સુરતમાંથી સામે આવ્યો છે. અહીંના માંગરોળના નાના બોરસરામાં ગેસ ગળતરના કારણે બે મજૂરોના મોત નીપજ્યા છે. બંને મજૂરો ટાંકી સાફ કરવા માટે અંદર ઉતર્યા હતા, એ દરમિયાન ગેસ ગળતરની દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર મામલે કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બંને મૃતકો યુપી અને બિહારના રહેવાસી
આ ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, ‘અંકલેશ્વરની હોસ્પિટલમાંથી અમને બે કામદારોના મોત થયા હોવાની જાણકારી મળી હતી. બંને મજૂરો યુપી અને બિહારના છે અને ટાંકીની સફાઈ કરવા માટે અંદર ઉતર્યા હતા. એ દરમિયાન ગેસનું ગળતર થવાથી બંનેના મોત થયા હોવાનું સામે આવ્યું છે. હાલ આ ઘટનાને લઈને મંગલમૂર્તિ બાયોટેક કંપનીમાં સ્થળ તપાસ શરૂ કરવામાં આવી છે.’
આ પણ વાંચો: વોટ્સએપ યુનિવર્સિટી કરતા પણ કોર્પોરેટ કથાકારો વધુ જુઠ ફેલાવે છે
બંને કામદારો બે વર્ષથી કંપનીમાં કામ કરતા હતા
આ ઘટના સુરતના માંગરોળના નાના બોરસરા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન ટાંકી સાફ કરવાની કામગીરી વખતે બની હતી. ટાંકીની સફાઈ દરમિયાન ગેસ ગળતર થતા રાજન શર્મા અને રાજન સિંગ નામના બે કામદારોને ઝેરી ગેસની અસર થતાં તાત્કાલિક અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ બંનેના મોત નીપજ્યા હતા.
બંને મૃતક કામદારો છેલ્લા 2 વર્ષથી કંપનીમાં કામ કરતાં હતા. ગેસ ગળતરની ઘટનાને લઈને કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ‘અનિરુદ્ધે મને પ્રેગનન્ટ કરી, મામાએ ગન બતાવી ગર્ભપાત કરાવ્યો’