આદિવાસી મિત્રની ડિગ્રી પર સવર્ણ યુવક ડોક્ટર બની ગયો

આદિવાસી મિત્રની ડિગ્રી પર સવર્ણ યુવક MBBS કરી ડોક્ટર બની સાત વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. એક દર્દીનું મોત થયું અને આખો ભાંડો ફૂટી ગયો.
tribal youth

તમને વર્ષ 2009માં આવેલી આમીર ખાનની સુપરહિટ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ યાદ હશે. જેમાં ફુંગશુંક વાંગડુ તેના મિત્ર રણછોડદાસ ચાંચડના નામ પર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હોય છે. હવે આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના જબલપુરમાંથી આવ્યો છે. અહીં એક સવર્ણ જાતિના યુવકે તેના આદિવાસી મિત્રની ડિગ્રી પર આદિવાસી ક્વોટાનો લાભ લઈને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. યુવકે પાંચ વર્ષ અભ્યાસ કર્યો અને MBBS ની ડિગ્રી મેળવીને પછી ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવાનું પણ શરૂ કરી દીધું. પરંતુ હવે સાત વર્ષ પછી તેની બેદરકારીને કારણે એક દર્દીનું મોત થતા ભાંડો ફૂટી ગયો છે.

મહિલા દર્દીનું મોત થયું અને કૌભાંડ પકડાયું

સપ્ટેમ્બર 2024માં મનોજ કુમાર મહાવર નામના વ્યક્તિએ જબલપુર પોલીસમાં એક ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરની બેદરકારીને કારણે તેમની માતાનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો:  અહીં OTP મેળવવા આદિવાસીઓએ પહાડ ચડવો પડે છે

tribal youth

મનોજ કુમાર મહાવરની માતાને 1 સપ્ટેમ્બરના રોજ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બીજા દિવસે તેમનું અવસાન થયું હતું. મનોજ મહાવરે તેમની માતાની સારવારની મેડિકલ ફાઇલો તપાસી. જેમાં તેને ખબર પડી કે ૧ સપ્ટેમ્બરની રાત્રે આઈસીયુમાં ડૉ.બ્રિજરાજ સિંહ ઉઇકે ફરજ પર હતા. જેના આધારે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

અસલી બ્રિજરાજે નકલી બ્રિજરાનો ભાંડો ફોડ્યો

જ્યારે પોલીસ બ્રિજરાજ સિંહ ઉઇકેને શોધતી શોધતી તેના ઘરે પહોંચી ત્યારે તે ચોંકી ગઈ. અહીં તેને ખબર પડી કે તેમની પાસે જે વ્યક્તિનો ફોટો છે તે આ વ્યક્તિ નથી. અહીં જ તેને એ પણ ખબર પડી કે બ્રિજરાજ સિંહ ઉઇકે ડોક્ટર નહીં પરંતુ એક વોલ પેઈન્ટર છે. એ દરમિયાન પોલીસે અસલી બ્રિજરાજને ડૉક્ટર બ્રિજરાજનો ફોટો બતાવ્યો. જે જોઈને તેણે કહ્યું, “આ મારો મિત્ર સતેન્દ્ર છે!”

આદિવાસી મિત્રની ડિગ્રીનો ઉપયોગ કરી એસટી ક્વોટામાં એડમિશન લીધું

એ પછી પોલીસે સતેન્દ્ર કુમારની પૃષ્ઠભૂમિની તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને ખ્યાલ આવ્યો કે સતેન્દ્ર પોતે સવર્ણ જાતિનો યુવક છે અને તેણે આદિવાસી ક્વોટાનો લાભ મેળવવા માટે તેના મિત્ર બ્રિજરાજસિંહ ઉઈકેને અંધારામાં રાખીને તેની ડિગ્રીઓનો ઉપયોગ કરીને મેડિકલમાં એડમિશન મેળવીને ડોક્ટર બની ગયો હતો. સતેન્દ્ર ભણવામાં એટલો હોંશિયાર નહોતો એટલે જ તેણે આદિવાસી સમાજમાંથી આવતા મિત્ર બ્રિજરાજસિંહને અંધારામાં રાખીને તેની જાણ બહાર તેની ડિગ્રીઓનો ઉપયોગ કરીને મેડિકલમાં એડમિશન મેળવી લીધું હતું. હવે તેની બેદરકારીને કારણે મનોજ મહાવરની માતાનું મોત થઈ જતા તેના કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો.

છેતરપિંડીનો ભાંડો ફૂટી જતા સતેન્દ્ર ફરાર

પોલીસને જાણવા મળ્યું હતું કે સતેન્દ્રે મિત્ર બ્રિજરાજસિંહ ઉઇકેના નામ અને આદિવાસી જાતિનો ઉપયોગ કરીને નેતાજી સુભાષ ચંદ્ર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ ૨૦૧૮માં તેણે એમબીબીએસ પૂર્ણ કર્યું હતું અને એક ખાનગી હોસ્પિટલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે સતેન્દ્ર કુમાર હાલમાં ફરાર છે. તેની સામે છેતરપિંડી અને કાવતરું રચવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે.

સેંકડો ‘સતેન્દ્રો’ એસસી-એસટીની અનામત ખાઈને બેઠાં છે

આ ઘટના એની પણ સાબિતી છે કે, જે સવર્ણો કાયમ દલિત, આદિવાસી સમાજની અનામતનો વિરોધ કરે છે, તે જ લોકો ગરીબ-વંચિત વર્ગના હકની અનામત ઝૂંટવી લેવામાં જરાય લાજ શરમ અનુભવતા નથી. આ ઘટના તો ફક્ત એક ઉદાહરણ માત્ર છે, જો ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આવા સેંકડો સતેન્દ્ર મળી આવે તેમ છે, જે ભલાભોળાં દલિત, આદિવાસી અને ઓબીસીના બ્રિજરાજોના નામે ગરીબ-વંચિતોની અનામત પર નકલી સર્ટિફિકેટો બનાવી લાગવગથી સરકારી નોકરીઓ મેળવીને બેઠાં છે. આવા હલકટ તત્વોને પાઠ ભણાવવો રહ્યો.

આ પણ વાંચો: હસમુખ પટેલનું વલણ જાતિવાદી, GPSC માંથી હટાવો’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં SC-ST-OBC યુવકોને અન્યાય થાય છે?
0
Would love your thoughts, please comment.x
()
x