ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં હોળીના અવસર પર દલિતવાસમાં લોકો પર બળજબરીથી રંગો લગાવવાના વિરોધમાં થયેલા પથ્થરમારામાં 10 લોકો ઘાયલ થયા હતા. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે આ કેસમાં નવ આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કથિત સવર્ણ જાતિનો યુવક રાહુલ તેના કેટલાક મિત્રો સાથે જૈંત પોલીસ સ્ટેશન વિસ્તારના બાટી ગામના દલિતવાસમાં પહોંચી ગયો હતો અને બળજબરીથી રંગો લગાવવાનું શરૂ કર્યું હતું. જેનો દલિતવાસના લોકોએ વિરોધ કર્યો હતો. જો કે, રાહુલ અને તેના સાથીઓ માન્યા નહોતા અને દાદાગીરી પર ઉતરી આવી બોલાચાલી કરવા લાગ્યા હતા. એ દરમિયાન કોઈએ પથ્થર ફેંકતા રાહુલ અને તેના મિત્રોએ પથ્થરમારો શરૂ કરી દીધી હતો, જેના જવાબમાં દલિતવાસના લોકોએ પણ પથ્થરમારો કરવાની ફરજ પડી હતી. બંને પક્ષો વચ્ચે પથ્થરમારામાં 10 લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો: જન્મના પ્રમાણપત્રમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં પડે
અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મળ્યા બાદ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગુલ્લા ઉર્ફે કૃષ્ણકુમાર, દિનેશ, પ્રદીપ, રાજુ, સંતોષ, ચંદ્રપાલ, બન્ટુ, કરણ અને માનવેન્દ્રની ધરપકડ કરી. જૈંત પોલીસ સ્ટેશનના વડા અશ્વિની કુમારે જણાવ્યું હતું કે પથ્થરમારામાં ઘાયલ થયેલા 10 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ બે લોકોને રજા આપી હતી.
સવર્ણ યુવકોએ દલિતવાસમાં આવી પરાણે રંગ લગાવવાનું શરૂ કર્યું હતું. જેને લઈને પથ્થરમારો થતા 10 લોકો ઘાયલ થઈ ગયા હતા. જોકે પોલીસે સવર્ણોની ફરિયાદ લઈ 24 દલિતો સામે ફરિયાદ નોંધી.#mathura #bati_village #UPpolce pic.twitter.com/5uCojyYLim
— khabar Antar (@Khabarantar01) March 17, 2025
ચોંકાવનારી વાત એ છે કે, આ ઘટનામાં દલિતવાસમાં ઘૂસીને રંગ લગાવનાર આરોપીઓ રાહુલની પોલીસે ફરિયાદ લીધી હતી. રાહુલે ફરિયાદ નોંધાવી છે કે દલિતવાસના લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો અને તેને મારવાના ઇરાદાથી ગાળાગાળી કરી હતી. પોલીસે ઉલટાનું દલિત સમાજના શૈલેન્દ્ર ઉર્ફે નાથુઆ સહિત 24 લોકો સામે હત્યાના ઈરાદાથી હુમલો કરવા અને અન્ય આરોપો માટે કેસ નોંધ્યો છે.
સામે દલિત સમુદાયના લોકોનો આરોપ છે કે પહેલા તેમના પર ઇંટો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમણે સ્વ-બચાવમાં પથ્થરમારો કર્યો હતો. જો કે, પોલીસ કોનું સાંભળી રહી છે, તે આ ઘટનાક્રમ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે.
આ પણ વાંચો: સાબરકાંઠાના ચડાસણામાં મધરાતે દલિત યુવકને નગ્ન કરીને ફેરવ્યો