ગુજરાતમાં ભાજપના રાજમાં VHP-બજરંગ દળ સહિતના હિંદુત્વવાદી સંગઠનો બેફામ બની ગયા છે, તેઓ ખૂલ્લેઆમ ગુંડાગર્દી પર ઉતરી આવે તો પણ પોલીસ તેમને કશું કરતી નથી. આવા તત્વોને રાજ્યાશ્રય મળેલો છે તેનો વધુ એક પુરાવો ઓઢવમાં ચર્ચમાં બનેલી ઘટનામાં સામે આવ્યો છે.
જ્યાં ઈસ્ટર સન્ડેની પ્રાર્થનામાં આ સંગઠનોના કાર્યકરો ઘાતક હથિયારો સાથે ઘૂસી ગયા હતા અને પ્રાર્થના કરતા લોકોને ધમકાવ્યા હતા, આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી પણ પોલીસે 6 લોકોની ધરપકડ કરી હોવાનું કહ્યું છે. પણ શું ખરેખર પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે ખરી?
આ મામલે khabarantar.in દ્વારા આ કેસના ફરિયાદી ઈમાન્યુએલ ક્રિશ્ચિયન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “મારી જાણકારી મુજબ પોલીસે હજુ સુધી એકેય આરોપીની ધરપકડ કરી નથી. જો ખરેખર પોલીસે આરોપીઓની ધરપકડ કરી હોત તો હજુ પણ જે રીતે બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો મારા ઘર સામે ઉભા રહીને આંખોથી અમને ડરાવે છે તેવું ન થતું હોય. પોલીસ આરોપીઓને છાવરી રહી છે.”
ફરિયાદી ઈમાનુએલ ક્રિશ્ચિયને વધુમાં જણાવ્યું હતું કે, “સવારે જ્યારે આ હુમલો થયો, એ પછી અમે લગભગ બપોરે 11.30 થી 12.00 વાગ્યા વચ્ચે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. પણ પોલીસે તેમની જાતે અરજીઓ લખી હતી અને તેના પર મને સહી કરી દેવા જણાવ્યું હતું. પણ મેં જે થયું છે તે મુજબ ફરિયાદ નોંધવા માટે આગ્રહ રાખતા તેમણે એ મુજબ ફરિયાદ નોંધવાનો ઈનકાર કરી દીધો હતો. એ પછી તેમણે આખો દિવસ અમારી ફરિયાદ લીધી નહોતી અને છેક મોડી રાત્રે 10.30 વાગ્યા આસપાસ દબાણ વધતા અમારી ફરિયાદ નોંધી હતી.
અમદાવાદ શહેર પોલીસ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કોમેન્ટ કરે છે કે, તેમણે આ મામલે 6 લોકોની ધરપકડ કરી છે, પરંતુ તે ખોટી વાત છે, પોલીસે એકેય આરોપીની ધરપકડ કરી હોવાનું મારી જાણમાં નથી. જો ધરપકડ કરી હોય તો તેના ફોટોગ્રાફ્સ અને વીડિયો બતાવે. જો ખરેખર આરોપીઓની ધરપકડ થઈ હોય તો હજુ પણ જે રીતે બજરંગદળ અને વીએચપીના કાર્યકરો મારા ઘર આગળ આંટા મારી અમને આડકતરી રીતે ડરાવવા મથી રહ્યાં છે તેવું ન થાય. પોલીસ ખોટું બોલી રહી છે.”
ઘટના શું હતી?
20 એપ્રિલ 2025ના રોજ સવારે 10.30 વાગ્યે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પેન્ટિકોસ્ટલ ચર્ચમાં ઈસ્ટર સનડેની પ્રાર્થનામાં 20-25 બજરંગળ/ VHPના કાર્યકરો હાથમાં ડંડાઓ અને કમરે છરો લટકાવી ચર્ચામાં ઘૂસી જઈ ‘હર હર મહાદેવ’ અને ‘જયશ્રી રામ’ના સૂત્રો બોલી મહિલાઓ, બાળકોને ધમકાવ્યા હતા. આ આખી ઘટનાનો વીડિયો વાયરલ થયો હોવા છતાં ઓઢવ પોલીસે એક પણ આરોપીની ધરપકડ કરી નથી. જે સાબિત કરે છે કે, ભાજપના રાજમાં આવા તત્વોને રાજકીય આશરો મળેલો છે. આરોપીઓએ સાડી પહેરેલી મહિલાઓ હિન્દુ જ હોય તેમ કહીને તેમને અલગ બેસવાની ફરજ પાડી હતી. સવાલ એ છે કે કોઈને ક્યો ધર્મ પાળવો એ નક્કી કરવાની ઓથોરિટી વીએચપી-બજરંગદળને કોણે આપી?
આ પણ વાંચો: મુસ્લિમો પ્રત્યે નફરત હિન્દુ બાળકોનો સ્વભાવ બની રહી છે
આ અસામાજિક તત્વો છે તે સ્પષ્ટપણે દેખાતું હોવા છતાં ઓઢવ પોલીસે ‘કોઈ અનિચ્છનીય ઘટના બની નથી!’ એમ કહીને એક પણ આરોપીની ધરપકડ કરી નથી. વીડિયો વાયરલ થયા બાદ ભારે ઊહાપોહ થતાં પોલીસે મોડી રાત્રે ફરિયાદ નોંધી હતી. જો કે આ FIRને પોલીસ કમિશનર અમદાવાદ સિટીએ સેન્સેટિવ ગણી ગુપ્ત રાખી છે.
પુરાવા વિના પોલીસે બજરંગ દળના કાર્યકરની અરજી સ્વીકારી
પોલીસે કઈ હદે બજરંગ દળ અને વીએચપી સામે શરણાગતિ સ્વીકારી લીધી છે તેનું વધુ એક ઉદાહરણ જુઓ. પોલીસે અગાઉ આ મામલે બજરંગ દળ અને VHPના કાર્યકર્તા દર્શન જયેશ જોશીની 20 એપ્રિલ 2925ના રોજ અરજી લીધી હતી કે “ઓઢવ રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા પાસે એક બિલ્ડીંગમાં આજે કેટલાંક માણસો ભેગા થઈ હિન્દુત્વ વિરુદ્ધ ભાષણ કરી ધર્મ પરિવર્તન કરાવવા ઈચ્છે છે તેમ મારા કાર્યકર્તા દ્વારા જાણવા મળેલ. જેથી હું, જિગ્નેશ અંબાબ સોનાગરા, જીતુભાઈ બઠેડા, મયુર દવે, યોગેશ રાવળ, સુનિલ પંડિત સ્થળ પર ગયા હતા અને અમે પોલીસ કંટ્રોલને ફોન કર્યો હતો. પોલીસ આવતા અમે પોલીસ સ્ટેશને આવ્યા અને આ અરજી ફરિયાદ આપું છું. તો યોગ્ય કાર્યવાહી કરવા વિનંતિ છે. હાલ મારી પાસે કોઈ આધાર પુરાવા નથી. પરંતુ ભવિષ્યમાં આ બાબતે પુરાવા મળશે તો હું રજૂ કરીશ.” આવી પુરાવા વિનાની અરજી પોલીસે સ્વીકારી લીધી હતી પરંતુ ખ્રિસ્તી સમાજના ચર્ચમાં ઘૂસી દંડા, છરા સહિતના ઘાતક હથિયારો સાથે ગુંડાગર્દી કરતા બજરંગદળ અને વીએચપીના ગુંડાતત્વો સામે તેમણે પુરાવા હોવા છતાં આખો દિવસ ફરિયાદ નોંધી નહોતી. શું VHP-બજરંગદળની દાદાગીરીને રાજ્યાશ્રય મળેલો છે?
લોકોએ ક્યો ધર્મ પાળવો એ બજરંગ દળ-VHP નક્કી કરશે?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાયરલ વીડિયોમાં જે ખ્રિસ્તીઓ દેખાય છે તે વંચિત,દલિત સમાજના લોકો છે. તેમણે હિંદુ ધર્મમાં દાખવવામાં આવતા ભેદભાવથી ત્રાસીને હિન્દુધર્મનો ત્યાગ કર્યો છે, છતાં તેમને ચર્ચમાં જઈને વીએચપી-બજરંગદળના કાર્યકરો ધમકીઓ આપે છે. ઈસ્ટર સન્ડેની પ્રાર્થનામાં વિક્ષેપ ઉભો કરનાર, ધમાલ કરનાર, ધર્માંતરણનો ખોટો આક્ષેપ કરનાર, બાળકો અને મહિલાઓ સમક્ષ આતંક મચાવનાર બજરંગ દળ/VHPના કાર્યકરો સામે પોલીસે કોઈ ગુનો નોંધ્યા વિના તેમને પોલીસ સ્ટેશનમાંથી જવા દીધા તે શું સૂચવે છે? જો કે આ કાર્યકર્તાઓ નથી, ગુંડાઓ છે.
અમદાવાદના ઓઢવમાં ઈસ્ટર સંડેની પ્રાર્થના દરમિયાન વિશ્વ હિંદૂ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ છરીઓ, દંડા સાથે ચર્ચમાં ઘૂસી મહિલાઓ અને બાળકોને ડરાવી, ધમકાવી “જય શ્રી રામ”ના નારા લગાવ્યા. પોલીસ કહે છે 6 લોકોની ધરપકડ કરી, પણ ફરિયાદીનું કહેવું છે કે કોઈની ધરપકડ નથી થઈ.#ahmedabad pic.twitter.com/t43PBPBtpy
— khabar Antar (@Khabarantar01) April 22, 2025
આ ગુંડાઓએ બંધારણના આર્ટિકલ-25નું ઉલ્લંઘન કર્યું છે. કોઈપણ નાગરિકને મનગમતો ધર્મ પાળવાની અંત:કરણની સ્વતંત્રતા છે, એનું ભાન પણ પોલીસને નહીં હોય? PASA- Gujarat Prevention of Anti-Social Activities Act, 1985 હેઠળ તાત્કાલિક જેલમાં પૂરવા જોઈએ. ‘હાલ ધર્મપરિવર્તનના પુરાવા નથી, મળશે તો આપીશ’ આવી અરજી પોલીસ લઈ લે અને આ આતંકી કૃત્યનો વીડિયો હોવા છતાં કોઈ બનાવ બન્યો નથી, તેમ કહી પોલીસ ફરિયાદીની આખો દિવસ ફરિયાદ ન નોંધે તો પોલીસ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
હાઈકોર્ટ, માનવ અધિકાર પંચ કાર્યવાહી કરશે?
ગુજરાતમાં લઘુમતીઓને ભયમાં જ જીવવાનું આ ગુજરાત મોડેલ કેવું? શું ગુજરાત હાઈકોર્ટ અને માનવ અધિકાર પંચ પોતાની સંવેદનશીલતા દર્શાવશે? શું બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો ધાકધમકી, ઘાતક હથિયારો, દંડા અને છરાથી ભય ઉભો કરીને ધર્મપરિવર્તન રોકવા માંગે છે? આવી રીતે ધર્માંતરણ રોકાય ખરું? લોકો ધર્મપરિવર્તન શું ખુશ થઈને કરે છે? આ બધાં સવાલોથી પણ મોટો અને મહત્વનો સવાલ એ છે કે, આ લોકો કોણ છે ધર્માંતરણ રોકવાવાળા, તેમને કોણે તેની ઓથોરિટી આપી, શા માટે પોલીસ આવા તત્વોને છાવરે છે? શું ગુજરાત હાઈકોર્ટ અને માનવ અધિકાર પંચ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે ખરાં?
આ પણ વાંચો: VHPના કાર્યક્રમમાં પહોંચ્યા હાઈકોર્ટના સિટિંગ જજ, રામ મંદિરની પ્રશંસા કરી
શરુઆતમાં તો આવું કહેતી પોલીસ
*ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસ સાહેબનાં વડપણ હેઠળ એક સ્પેશિયલ આદેશ જાહેર કરવામાં આવે કે
જાહેર જનતાની શાંતિને ડહોળવાનું દુષ્કૃત્ય કરતાં હોય
તેવાં લોકોને તાત્કાલિક અસરથી જેલભેગા કરવા
જોઈએ એ જ વર્તમાન સમયની માંગ છે!