14મી એપ્રિલના દિવસે ડો.આંબેડકરની જન્મજયંતિના દિવસે તેમના જન્મસ્થળ ઈન્દોરમાં એક દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશીને દર્શન નહોતા કરવા દેવાયા. હવે ઇન્દોરમાં જ ફરી એકવાર વધુ એક દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે. દલિત યુવક વરરાજા બનીને ભગવાનના દર્શન કરવા માટે ઘોડી પર સવાર થઈને મંદિર પહોંચ્યો હતો, પરંતુ ગામલોકોએ તેને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યો હતો.
ઈન્દોરના નિહાલપુર મુંડીની ઘટના
ઘટના નિહાલપુર મુંડી ગામની છે. જ્યાં દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશતો રોકવા માટે આખું ગામ મંદિર બહાર ભેગું થઈ ગયું હતું અને દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશતા અટકાવી દીધા હતા. દલિત વરરાજા ઘોડી પર ચઢીને રંગેચંગે ભગવાનના દર્શન કરવા માટે મંદિર તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ જ્યારે તે મંદિર પાસે પહોંચ્યા કે તરત ગામના જાતિવાદી તત્વોએ તેમને મંદિરમાં પ્રવેશવા પર મનાઈ ફરમાવી દીધી હતી. એ પછી દલિત વરરાજાએ મંદિરની બહાર ઉભા રહીને દર્શન કર્યા અને જાન લઈને લગ્ન સ્થળે જવા માટે રવાના થઈ ગયા.
દલિત વરરાજા આવે તે પહેલા ગામ ભેગું થઈ ગયું
આ સમગ્ર ઘટના મંગળવારે સાંજે બની હતી. વિશાલ ચૌહાણના લગ્ન પાલડા ગામે થવાના છે. તે નિહાલપુર મુંડીથી જાન લઈને નીકળ્યો હતો. ત્યાં રામ મંદિર પાસે જાન રોકાઈ હતી અને વરરાજા દર્શન માટે નીચે ઉતર્યા હતા, પરંતુ ગામલોકો પહેલેથી જ ત્યાં ભેગા થઈ ગયા હતા અને તેમણે વરરાજાને મંદિરમાં પ્રવેશવાની ના પાડી દીધી.
પોલીસે જાતિવાદી ગામલોકો સામે કોઈ કાર્યવાહી ન કરી
પોલીસને આ અંગે પહેલાથી જ માહિતી મળી ગઈ હતી, જેના કારણે પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે હાજર હતી. જો કે તેણે કાયદા મુજબ કામ કરવાને બદલે જાતિવાદી ગામલોકોની તરફદારી કરી હતી. ગામના સવર્ણ જાતિના લોકો પોલીસની નજર સામે એક દલિત યુવકને મંદિરમાં ન પ્રવેશવા દઈ આભડછેટ પાળતા હોવા છતાં પોલીસે ગામલોકો સામે કાયદાનો દંડો ઉગામ્યો નહોતો અને કોઈની પણ સામે કાર્યવાહી નહોતી કરી. આવી પોલીસ હોય ત્યાં કાગળ પર કાયદો ગમે તેટલો મજબૂત હોય તો પણ કોઈ અસર ઉભી કરી શકતો નથી.
આ પણ વાંચો: 8 સવર્ણ શિક્ષકોએ મળી દલિત વિદ્યાર્થીના બંને હાથ ભાંગી નાખ્યા
ડો.આંબેડકરે સાચું જ કહ્યું હતું કે, કોઈપણ દેશનું બંધારણ કાગળ પર ગમે તેટલું મજબૂત હોય પરંતુ તેનો અમલ કરનારા સક્ષમ ન હોય તો તેનાથી ધારી અસર ઉભી થઈ શકતી નથી. આ કેસ તેનો પુરાવો છે. આવી પોલીસ સમક્ષ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
વરરાજાને ધમકીઓ મળી રહી છે
વરરાજાના ભાઈએ કહ્યું કે અમે બલાઈ સમાજના છીએ અને ગામ ખાટી સમાજનું છે. તેમણે કહ્યું કે વરરાજાને ગામના કોઈપણ મંદિરમાં દર્શન કરવા નહોતા દેવાયા. આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું હતું. પોલીસ પણ ત્યાં હાજર હતી પણ કંઈ કર્યું નહીં. તેમણે આરોપ લગાવ્યો કે આ ઘટનાના ફોટા અને વીડિયો સામે આવ્યા બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી, હવે જાતિવાદી તત્વો દ્વારા મારા ઘરે ધમકીઓ આપવામાં આવી રહી છે.
વીડિયો સામે આવ્યા
આ ઘટનાના કેટલાક ફોટા અને વીડિયો સામે આવ્યા છે. જેમાં મંદિરની બહાર લોકોની ભીડ એકઠી થયેલી જોવા મળે છે. એક વીડિયોમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે, આમને અંદર ન જવા દો. વરરાજા સાથે કેટલાક પોલીસકર્મીઓ પણ જોવા મળે છે. પણ તે જાતિવાદી તત્વો સામે કોઈ જ કાર્યવાહી કરતા નથી. વરરાજા મંદિરના દ્વાર પર ભગવાનના દર્શન કરતા જોવા મળે છે.
હું મારી પત્ની સાથે દર્શન કરવા આવીશઃ વરરાજા
બીજી તરફ ઘટનાની જાણ થતા સહાયક પોલીસ કમિશનર રૂબીના મિઝવાનીએ જણાવ્યું હતું કે પોલીસને માહિતી મળી હતી કે દલિત સમાજના લોકો મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે, પરંતુ તેમને દર્શન કરતા રોકવામાં આવી શકે છે. આ મામલે પોલીસ ત્યાં હાજર હતી. છતાં ગામલોકો દ્વારા વરરાજાને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એ પછી તેમણે ગેટ બહાર ઉભા રહીને દર્શન કર્યા અને ત્યાંથી લગ્નની જાન લઈને નીકળી ગયા. તેમને આ મામલે ફરિયાદ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી આ મામલે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. વરરાજાએ કહ્યું છે કે તે કન્યા સાથે મંદિરમાં દર્શન કરવા આવશે.
આ પણ વાંચો: ગેંગરેપ પીડિતા દલિત દીકરીનું આરોપીઓએ ઘર સળગાવી દીધું
બાબાસાહેબ પાસે કશું શીખ્યા નથી.