ડૉ. રાજેશ લકુમ, સમાજશાસ્ત્રી, અમદાવાદ
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ વર્ષ ૧૮૫૧માં ‘જ્ઞાતિ વ્યવસ્થા’ પર સારો નિબંધ લખે તેને રૂ. ૧૫૦નું ઈનામ આપવાનું ઠરાવ્યું હતું. જે અંતર્ગત ૧૯મી સદીમાં રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલપતરામના ‘જ્ઞાતિ નિબંધ’ને રૂ. ૧૫૦નું ઈનામ આપવામાં આવ્યું હતું. જો કે, આ નિબંધમાં શુદ્રો ઉર્ફે દલિતો વિશે જે લખાયું છે તે ચોંકાવનારું છે. આ નિબંધમાં જ્ઞાતિની ઉત્પતિ, જ્ઞાતિભેદ, જ્ઞાતિના આચાર-વિચાર અને જ્ઞાતિના ફાયદા અને ગેરફાયદા વિશે સવિસ્તાર માહિતી દર્શાવી છે. ડૉ. ગૌરાંગ જાની જણાવે છે કે ‘દલપતરામનો જ્ઞાતિ નિબંધ એટલે ગુજરાતી જ્ઞાન પરંપરા છે. કવિ હોવાથી સાથે દલપતરામ એક વિચારક અને સુધારક પણ હતા. ગુજરાતમાં જ્ઞાતિ વિશે અભ્યાસપૂર્ણ લખાણની શરૂઆત દલપતરામે કરી એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી’ (જાની, ૨૦૨૩).
પ્રસ્તાવનાની શરૂઆતમાં લેખક કહે છે કે “વેદમાં લખ્યું છે કે પરમેશ્વરે પોતાના મુખમાંથી બ્રાહ્મણ, બાહુમાંથી ક્ષત્રિય, પેટમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્રને ઉપજાવ્યા તે લખવાનો મતલબ એમ સમજવો કે એ તો કવિએ કલ્પના કરી છે (પૃ. ૪-૫). તો અર્થ એમ કરી શકાય કે પ્રાચીન ગ્રંથોની રચના પણ કવિની કલ્પના જ છે. પરતું પ્રસ્તાવનાના અંત ભાગમાં લેખક પોતે જણાવે છે કે “ઘણું કરીને અસલ હિન્દુશાસ્ત્રથી વિરુદ્ધ વાતો નહિ લખું, તે એટલા સારું કે તેણે કરીને મારા પંડિત સ્વદેશિયો આ ગ્રંથ વાંચીને પ્રસન્ન થાય” (પૃ. ૮). પ્રસ્તુત ‘જ્ઞાતિ નિબંધને બૌદ્ધિક (Rational) અને સમીક્ષાત્મક (Critical) અભિગમ દ્વારા મૂલવીએ. પુસ્તકમાં શું છે? તે કઈ રીતે બન્યું? તેમ બનવાનું કારણ શું? આ સવાલો દ્વારા આપણે જ્ઞાતિ ઉત્પતિ, જ્ઞાતિભેદ, જ્ઞાત્યાચાર (જ્ઞાતિના આચાર-વિચાર) અને જ્ઞાતિના ફાયદા/ગેરફાયદાઓ વગેરે માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું.
જ્ઞાતિ ઉત્પતિ વિશે પુસ્તકમાં શું લખાયું છે?
પુસ્તકના ભાગ ૧માં “પેહેલો સવાલ જેમ- ઘણું કરીને નાતો બાંધવાનું કારણ શું છે? તે બાબતે તમો જાણવા હો તો કહો” તે વિશે જવાબમાં લેખકે પ્રથમ બાર પ્રકરણમાં જ્ઞાતિ ઉત્પતિમાં બ્રાહ્મણો, ઔદિચ્ય બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ અને અન્ય બ્રાહ્મણોની ઉત્પતિ તેમજ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વગેરેની ઉત્પતિ વિશે ધર્મગ્રંથોમાં કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેની માહિતી પાનાં નંબર ૦૧થી ૫૯ સુધી આપવામાં આવી છે. લેખક પ્રકરણ ૧માં ‘બ્રાહ્મણોની ઉત્પતિ’ વિશે શ્લોક દ્વારા જણાવે છે કે ब्राह्मक्षात्रतथावैश्यं, शौर्द्रकर्म्मचतुष्टयं ॥ सृष्टंजनेच्योलोकेस्मि, न्येनतंप्रणमाम्यहम् १ (પૃ. ૧). અને તેનો અર્થ આપ્યો છે, ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ, અને અધમ, એ ચાર પ્રકારના ધંધા, જગતમાં લોકો વાસ્તે જેણે રચ્યા, તેને હું નમસ્કાર કરું છું’.
કર્મશીલ રાજુ સોલંકી કહે છે કે, “શું દલપતરામ ખરેખર સમાજ સુધારક હતા? પુસ્તકની શરૂઆતમાં જ તેઓ કહે છે કે “બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર પ્રકારના ધંધા જગતમાં લોકો વાસ્તે જેણે રચ્યા છે એને હું નમસ્કાર કરું છું”. તેમણે પ્રારંભમાં જ બ્રાહ્મણ એટલે ઉત્તમ, ક્ષત્રિય એટલે મધ્યમ, વૈશ્ય એટલે કનિષ્ઠ અને શુદ્ર એટલે અધમ આવો અર્થ આપીને સ્પષ્ટ કરી દીધું કે તેઓ મનુસ્મૃતિ પ્રેરિત વર્ણ વ્યવસ્થામાં માને છે. આવા જાતિવાદી વિચારો પેટમાંથી ઉપજે છે અને પછી ગુદામાંથી નીકળે છે, ત્યારે સમગ્ર નભોમંડળ, સચરાચરના પ્રાણીમાત્ર તેની દુર્ગંધથી સ્તબ્ધ થઈ જાય છે” (સોલંકી, ૨૦૨૫).
બ્રાહ્મણ એટલે કોણ? તેના જવાબમાં લેખક લખે છે કે “નાસ્તિકપણું જેમાં ન હોય, ને સદા આસ્તિક હોય, એ બ્રાહ્મણના સ્વભાવનું કર્મ છે એટલે એવા ગુણ જેમાં હોય તે બ્રાહ્મણ કહેવાય (પૃ. ૧૦). બીજા શબ્દોમાં કહીએ તો “અસલમાં કોઈ કુળનું નામ બ્રાહ્મણ નહોતું, પણ કે વિદ્યા ભણીને અક્રોધપણા આદિક ગુણ મેળવીને લોકોને ધર્મનો ઉપદેશ કરતાં હતા, તેઓ બ્રાહ્મણ કહેવાતા હતા” (પૃ. ૧૧). શંકરસ્વામી મુજબ સારા ગુણ આવે તે બ્રાહ્મણ થાય. પછી એવા એક જથો બંધાયો હશે તે બ્રાહ્મણ જાતિ કહેવાયા (પૃ. ૧૨). સમાન ગુણવાળા અને રોજગારવાળી જુદી જુદી નાતો ભેગા થઈને બેસે છે. જેમ કે વિવાહના કામમાં પોતાની નાતમાં પણ વિદ્રાનની દીકરી વિદ્રાનને ધેર દેવાય. અને વેપારીની દીકરી વેપારીને ધેર જાય તો લોકો પરસ્પર ઘણા રાજી થાય છે. એજ બ્રાહ્મણની નાત બાંધવાનું મૂળ કારણ જણાય છે (પૃ. ૧૩).
હર્બર્ટ રીઝલે (H.H. Risley) કહ્યું છે કે ‘ભારતમાં જાતિ અને વ્યવસાય એકબીજા સીધા જોડાયેલા છે. અને વ્યવસાય પણ ચોક્કસ જ્ઞાતિ મુજબ હોય છે’ (રીઝલે, ૧૮૯૧). આગળ પુસ્તકમાં લેખક જણાવે છે કે બ્રાહ્મણના ધર્મનો મૂળ દિવસ એટલે બળેવ. તે દિવસે બ્રાહ્મણો જૂની જનોઈ કાઢીને નવી પહેરે છે ત્યારે ઋષિનું પૂજન કરે છે (પૃ. ૧૪). આમ બ્રાહ્મણ ઉત્પતિ વિશે પૃ. ૯થી ૧૪ સુધીમાં ધર્મગ્રંથો જેવા કે ભગવત ગીતા, મોક્ષધર્મ અને વર્જાસૂચિકોપનિષદ વગેરેમાં બ્રાહ્મણ જ્ઞાતિના કર્મ, ગુણો અને ઋષિઓની ચર્ચા કરી છે.
પ્રકરણ ૨માં કેવી રીતે જુદી-જુદી નાતો પ્રમાણે જુદા-જુદા મત બંધાયા તેના વિશે માહિતી આપવામાં આવી છે. લેખકના મતે જુદા જુદા મતવાળાને ભેગા કરવા “વિક્રમથી અગાવ આશરે વર્ષ ૧૦૦ ઉપર શંકરાચાર્ય સંન્યાશીનો ધર્મ ચલાવીને જૈનમતને હઠાવ્યો. અને બ્રાહ્મણોમાં સંપ કરાવીને એકબીજા મતની નિંદા કરવી નહિ, અને જે-જે ઋષિના મતને જેઓ માનતા હોય તેના વંશના જે થાય તેઓએ એજ મત માનવો એવો ઠરાવ કરીને ટંટો (સમસ્યાનું) સમાધાન કીધો હોય એમ જણાય છે” (પૃ. ૧૮).
આગળ પ્રકરણ ૩માં જૂના પુસ્તકો જેવા કે વાલ્મિકીનું ‘રામાયણ’, પાણીની ‘વ્યાકરણ’, મહાભારત, પુરાણો અને સ્મૃતિઓ વિશે થોડી સમજૂતી આપવામાં આવી છે. પ્રકરણ ૪માં બ્રાહ્મણોમાં ૮૪ નાત્યો કેવી રીતે બંધાય તેની માહિતી આપેલ છે. પ્રકરણમાં ૫માં લેખકે ઔદિચ્યની ઉત્પતિ વિશે મૂળગ્રંથ પ્રબંધચિંતામણિ, કુમારપાળચરિત્ર વગેરે ગ્રંથોમાંથી માહિતી મેળવીને લખે છે કે ટોળકિયા ઔદિચ્ય, સિહોરા ઔદિચ્ય, સિદ્ધપુરા ઔદિચ્ય વગેરે એમ બ્રાહ્મણોની ત્રણ મુખ્ય નાતો એકબીજા ઘેર જમવા બેસે અને સગપણ સંબંધ પણ કરે છે (પૃ. ૨૮. ૨૯). પ્રકરણમાં ૬માં શ્રીમાળી બ્રાહ્મણ તથા વાણિયાની ઉત્પતિ વિશે માહિતી સ્કંદપુરાણમાં ‘શ્રીમાળમહાત્મ્ય’ ગ્રંથમાં આપવામાં આવી છે. શ્રીમાળનગર (હાલ ભીનમાલ) ત્યાં બ્રાહ્મણોને બોલાવી વસાવ્યાં (પૃ. ૩૧). પ્રકરણમાં ૭માં નાગર બ્રાહ્મણોની ઉત્પતિ વિશે સ્કંદપુરાણમાં ‘નગરખંડ’ ગ્રંથ મુજબ વડનગરમાં થઈ હતી (પૃ. ૩૫). વર્ષ ૨૦૦ અથવા ૪૦૦ની અંદર તો એક-એક નાત્યમાંથી જુદા-જુદા સભા અસ્તિત્વમાં આવી છે. જેમ કે અમદાવાદી સભા, સુરતી સભા, ઇડરીયા, જૂનાગઢીયા વગેરે જુદી-જુદી સભામાં નાગરોનું સામાજિક બંધારણ બંધાયું છે (પૃ. ૩૮). પ્રકરણમાં ૮માં પરચૂરણ બ્રાહ્મણોની ઉત્પતિ વિશે જણાવે છે જે મોઢ બ્રાહ્મણ ‘મોઢેરા ગામ’ માંથી, ત્રિવેદી ‘ત્રણ વેદ ભણનાર’, ચતુર્વેદી ‘ચાર વેદ ભણનાર’ વગેરે ઉત્પતિ થઈ હતી (પૃ. ૩૯-૪૦). આ પુસ્તકના પૃ. ૧૧થી ૪૨ સુધી બ્રાહ્મણોની ઉત્પતિ વિશે વર્ણન કરેલ છે.
પ્રકરણમાં ૯માં ક્ષત્રિયોની ઉત્પત્તિ વિશે શ્રીમદ્દભાગવત, પૃથીરાજ રાસા અને રત્નકોશ ગ્રંથોમાં માહિતી આપી છે. લેખક કહે છે કે “બ્રાહ્મણ વંશમાં કેટલાએક પુરુષો એવા થાય કે, પોતાના શરીરના જોરથી માણસોને મારીને પોતાને તાબે કરવા લાગ્યા. ત્યારે એ કામ બ્રાહ્મણોના મતથી ઉલટું થયું, તેથી એ બે પ્રકારના જથા બંધાયા, તે બ્રાહ્મણ અને ક્ષત્રી. અને તેઓ પ્રથમ તો વિધ્યાચલ પર્વત, અને હિમાળાની વચ્ચે, જે આર્યાવર્ત ક્ષેત્ર કહેવાય છે, ત્યાં રહેતા હતા. જમદગની ઋષિના દીકરા પરશુરામ ઋષિના વખતમાં બ્રાહ્મણો તથા ક્ષત્રિયોની વચમાં મોટી લડાઈ ચાલી હતી. પણ આખર રામચંદ્રજીએ પરશુરામને જીત્યા. એ વખતમાં એ રીતે મૂળ બ્રાહ્મણના વંશમાંથી ક્ષત્રી થતા હતા, અને ક્ષત્રીના વંશમાંથી બ્રાહ્મણ થતાં હતા. અને એક બીજાની કન્યા લેતા દેતા હતા, અને ધર્મ તો વેદનો એ બંને માનતા હતા (પૃ. ૪૨-૪૩).
મહાત્મા જ્યોતિરાવ ફુલે કહે છે પરશુરામે સેંકડો લોકોની હત્યાઓ કરીને તેમની પત્ની-બાળકોની ભયંકર ખરાબ હાલત કરી હતી (ફુલે, ૧૮૭૩). પ્રકરણમાં ૧૦માં વૈશ્યની ઉત્પતિ વિશે લેખક કહે છે વૈશ્ય એટલે કે જે મુખ્ય તો ખેતી કરનારા તથા ગાયો પાળનારા કારીગર લોકો સર્વે, વેપાર કરનારા, તેઓ વૈશ્ય જાતિ કહેવાય. વેપાર રોજગારમાં મુખ્ય વાણીઆની નાતો ૮૪ છે. તેઓની ઉત્પતિ પણ ક્ષત્રીના વંશમાંથી જણાય છે (પૃ. ૪૬). આ નાત્યોમાંથી કેટલીએક નાત્યોમાં દશા, તથા વીશા એવા ભેદની બે-બે નાત્યો છે. વળી જુદા ધર્મના કારણથી તથા જુદે ગામ વસવાથી એક એક નાત્યમાંથી બીજી ઘણી નાત્યો થઈ છે (પૃ. ૪૮-૪૯).
પ્રકરણમાં ૧૧માં શુદ્ર વર્ણની ઉત્પતિ વિશે લેખક જણાવે છે કે “જે લોકોના ધંધામાં કાંઇ વિદ્યા ભણવાની જરૂર નથી, પારકા હૂકમથી ફક્ત શરીરની મહેનત કરવી પડે છે, અને ઘણી બુદ્ધિ પણ વાપરવી પડતી નથી, એવા જે હજામ, ધોબી, વઘારી, ભીલ, ઢેડિયા વગેરે તે સર્વે શુદ્ર જાતિ કહેવાય. હાલ સુધી હિંદુસ્તાનના રાજાઓની પણ એવી રીત છે કે, કોઈ હજામ, કુંભાર વગેરે પોતાનો ધંધો છોડીને બીજો વેપાર રોજગાર કરવા ચહાય, તો રાજા તેને શિક્ષા કરે છે. અને એ શુદ્ર લોકો પોતાને રહેવા ઘણાં સારાં ઘર બનાવે, અથવા જરિયાનનાં લૂગડાં વેગેરે પેહેરે, તો પણ રાજા તેને શિક્ષા કરે છે. એ રીતે તેઓને શુદ્રપણામાં રાખેલાં છે (પૃ. ૪૯-૫૦).
લેખક દલિતો વિશે જણાવે છે “ઢેડ લોકોમાં પણ ચાવડા, ચુહાણ, વાઘેલા વગેરે અટકવાળા છે, અને તેઓના વૈવંચા પણ છે. તેઓ એમ કહે છે કે એ પણ સર્વે અસલ રાજપૂત હતા, પણ ગરીબ અવસ્થામાં આવ્યાથી એવો ધંધો કીધો, અને શુદ્ર થયા. વળી ઢેડનાં ગોર જે (ઢેડગરોડા) તે પણ કહે છે કે, એમ ઋષિનાં વંશના છીએ અને એ ઢેડગરોડા જનોઈ પહેરે છે. જોતિષ તથા રામકથા વગેરે ભણે છે, અને ઘણી કરીને કબીરનાં ધર્મને તેઓ માને છે. તેઓમાં પણ ઢેડ, અને ઓળગાણા (ભંગિયા), એવી બે જાતો છે. જેમાં ઢેડ ઓળગાણાથી વટલાય છે” (પૃ. ૫૦).
લેખક કહે છે કે હિંદૂલોકોમાં એકબીજાની નાત્યનું પાણી પીવાથી વટલાયાનો ચાલ ચાલ્યો, તેનું મૂળ એ છે કે, જ્યારે જૈન મતવાળાઓએ પોતાનો ધર્મ હિંદુઓમાં ઘણો ફેલાવ્યો ત્યારે તથા ત્યારબાદ, મુસલમાનોએ હિંદુઓને વટલાવવા માંડયા, ત્યારે હિંદુઓના કેટલાએક આચારજોએ એવો બંદોબસ્ત કીધો કે અજાણ્યાની જોડે બેસીને જમવું નહિ, તથા તેનું પાણી પીવું નહિ અને જે સારો આચાર (નહાવા ધોવા વગેરે) પાળે નહિ તે નાત્યવાળા સાથે પણ ખાવાપીવાનો વહેવાર રાખવો નહિ. હિંદુશાસ્ત્રમાં પણ ભંગિયા જેવી (શુદ્ર) જાતવાળાનું પાણી પીવું નહિ, એટલું જ ફક્ત સ્મૃતિમાં લખેલું છે. હિંદુશાસ્ત્રમાં પતિત થવાના કારણો, જે મોટાં મોટાં પાપ, મદ્યપાન, સોનાની ચોરી વગેરે લખ્યાં છે, તે બંધ થઈને ફક્ત પાણી પીવાથી તથા જમવાથી જ પતિત થાય છે, એટલું રહ્યું, તેનું કારણ એ છે કે, લોકો વિદ્યા ભણ્યા નથી, તેઓને માલમ નથી, કે આપણા ધર્મશાસ્ત્રમાં શું લખ્યું છે, અને આપણે શી રીતે ચાલીયે છીએ (પૃ. ૫૧-૫૨).
શુદ્રોની દશા વિશે મહાત્મા જ્યોતિરાવ ફુલે કહે છે કે “વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ; નીતિ વિના ગતિ ગઈ, ગતિ વિના સંપત્તિ ગઈ, સંપત્તિ વિના શુદ્ર નાસીપાસ થયો, આટલો મોટો ઘોર અનર્થ; એકલી વિદ્યા વિના થયો” (બૌદ્ધ, ૨૦૨૪). લેખકે આ ભાગમાં ઔદિચ્ય બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ અને અન્ય બ્રાહ્મણોની ઉત્પતિ તેમજ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર-એમ ચાર વર્ણની ઉત્પતિ વિશે પોતાનો મત ધર્મશસ્ત્રો મુજબ આપ્યો છે.
જ્ઞાતિ ભેદને દલપતરામ કેવી રીતે ન્યાયી ઠેરવે છે?
પુસ્તકના ભાગ ૨માં “બીજો સવાલ- જાતોમાં વિભાગ થવાની કેટલીક બાબતો સાબેતી વાળી હોય, તેનું વર્ણન કરો, ને શા કારણથી વિભાગ થયા, તે વાત પણ કહો”. તેના જવાબમાં લેખક જણાવે છે કે નાત્યો જુદી થવાનું કારણ એ છે કે, એક ધંધો કરનારાઓની એક નાત્ય થઈ સઘળી નાત્યો જુદી થઈ. ગ્રંથો કરનારા લખે છે કે, એક વર્ણનાં પુરુષ બીજા વર્ણની સ્ત્રી સાથે અનુલોમ, પ્રતિલોમ લગ્ન કીધા. તથા વ્યભિચાર અને જારકર્મથી ઉપજેલી જાતિઓ પ્રગટ થઈ. પરતું નાત્યો બાંધવાનું મૂળ કારણ બ્રાહ્મણો છે. કેમ કે સૌ પહેલી બ્રાહ્મણોની નાત્ય બંધાઈ (પૃ. ૫૮).
બ્રાહ્મણ પોતાનું ગુજરાન ચલાવવા અન્ય જાતિનાં ગોર થયા. ત્યારબાદ બંદોબસ્ત કરીને નાતો બાંધી. પ્રકરણમાં ૧૫માં જોઈએ તો નાગરી નાત્યોમાંથી જુદા સંભા બંધાયાનું કારણ દર્શાવે છે કે આનર્ત દેશનાં રાજાને ચમત્કાર બાદ નાગની ઉત્પતિ ઘણી થઈ, તેઓએ ઘણાં માણસોને કરડી ખાધાં, તેથી કેટલાક બ્રાહ્મણો નાશી છૂટયા. પછી એક અપમાન કરેલે બ્રાહ્મણે (ત્રિજાતકે) મંત્રણો ઉપાય કર્યો, તથા એ સઉ બ્રાહ્મણોએ મળીને લાકડી પથરા વગેરેથી હજારો નાગરે મારી નાંખ્યા. ત્યારે એ શહેરનું નામ નગર (ઝેર વિનાનું) ઠર્યું, ને તે બ્રાહ્મણો નાગર કહેવાયા (પૃ. ૬૧).
નાગરો વિશેની આ એક કપોળ વાર્તા જ છે. એટલે કે આ વાર્તામાં ‘નાગ’ નહિ, પરતું ‘નાગ વંશ’ વિશે છે. જેઓ ભારતમાં એક સમયે રાજશાસકના વંશજો હતા. પ્રકરણ ૧૬માં રાજપૂત, કારડીયા રાજપૂત, વગેરે રાજભ્રષ્ટ થયાથી પોતાની નાત્ય જુદી બાંધીને પોતાની જ નાત્યમાં દીકરીનો વિવાહ કરે છે તથા નતરાં કરે છે. પણ બીજા રાજપૂતો સાથે જમવાનો વહેવાર રાખે છે (પૃ. ૬૭). જ્યારે પ્રકરણમાં ૧૭માં વાણિયાની નાત્યોમાંથી જુદી નાત્યો થવાનું કારણ હતું કે જેઓનું કુલ દશવશા ઉત્તમ, અને જેઓનું વીશવસા ઉત્તમ હતું, તે ‘દશા’ અને ‘વીશા’ થયા. મહાજન ભેળું થાય ત્યારે વીશા વાણિયાને પ્રથમ ચાંદલો થાય છે. ‘દશા’ અને ‘વીશા’ એકબીજાની દીકરી લેતા દેતા નથી (પૃ. ૬૮). પ્રકરણમાં ૧૮માં સુતાર વગેરે નાત્યોમાં પણ ભેદ જોવા મળે છે. સુતાર ત્રણ જાત છે. ૧. ગુજર સુતાર, ૨. સઈ સુતાર, ૩. મેવાડા સુતાર. ગુજર સુતાર સઈ સુતારથી વટલાય છે (પૃ. ૭૦). પ્રકરણમાં ૧૯માં સુરતનું નાત્યો વિશે ૧૮૨૭માં સુરતનાં બારડોલ સાહેબે નાત્યોનાં શિરસ્તા લખાવ્યાં છે. જેમાં સુરત શહેરમાં ૨૦૭ જેટલી જુદી જુદી નાત્યો છે, તેટલી ગુજરાતનાં બીજા કોઈ શહેરમાં નથી (પૃ. ૮૨). પ્રકરણમાં ૨૦માં એ નાત્યોનાં નામ લખવાનું કારણ જણાવે છે. લેખકે કહે છે કે “એક એક નાત્યમાંથી કેટલી-કેટલી નાત્યો થઈ છે! તે કાંઇ પરમેશ્વર જુદી પાડી નથી, માણસો એજ જુદી પાડી છે. અને સુરત આશરે ૫૦૦ વર્ષ થયા વશ્યું છે. કદાપિ આપણને પરમેશ્વર સહાયતા આપે, ને આપણે માંહો-માંહી ભાઈયોનાં જેવુ હેત કરીને બે નાત્યોની એક નાત્ય કરીએ અથવા એક નાત્યનો બ્રાહ્મણ બીજી નાત્યનાં બ્રાહ્મણની કન્યા લાવે, તો તેમાં પરમેશ્વરનો ગુન્હો શો થશે? કાંઇ નહિ થાય (પૃ. ૮૩). સ્વદેશમાં અથવા પરદેશમાં તે ઔદિચ્ય બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણને દુ:ખમાં શી સહાયતા કરી શકે? કેમ કે તેની બનાવેલી રસોઈ નાગરે ખવાય નહિ. એ વહેમ આપણાં દેશમાંથી ક્યારે જાય અને લોકોનું કલ્યાણ થાય! (પૃ. ૮૪).
છેલ્લે લેખકના કહે છે કે હિંદુશાસ્ત્રમાં શી રીતનો ધર્મ લખ્યો છે? અને માણસોએ હાલમાં શા શા બંદોબસ્ત કીધા છે? તે વાત મારે સારી પેઠે તપાસવી. પછી તો યમસ્મૃતિ, શાતાતપસ્મૃતિ, વ્યાસસ્મૃતિ, અંગિરાસ્મૃતિ, યાજ્ઞવાલ્કયસ્મૃતિ, મનુસ્મૃતિ વગેરે જેટલી સ્મૃતિઓ મળી શકી, તેટલી વાંચીને મે સારી પેઠે નિશ્ચય કીધો કે, બ્રાહ્મણ વગેરેની નાત્યોમાંથી જુદા જુદા વિભાગ થયા, તેનું કારણ તો વહેમ તથા લડાઈ છે, બીજું કાંઇ નથી (પૃ. ૮૬). આમ જ્ઞાતિભેદનાં કારણો બીજા નાત્યો કરતાં સારો આચાર, નહાવા અને ધોવાના વ્યવહાર તથા અલગ વસવાટ અને ધર્મનાં સંઘર્ષ દ્વારા નાતો જુદી થઈ છે.
જ્ઞાત્યાચાર (જ્ઞાતિના આચાર-વિચાર)
પુસ્તકના ભાગ ૩માં “ત્રીજો સવાલ– એક નાતના લોકોનો ચાલ બીજી નાતના લોકોના ચાલથી જૂદો પડે છે તે કહો. ને એ જૂદો પાડવાનું કારણ શું હશે તે બતાવો”. તેના જવાબમાં બ્રાહ્મણો કેવી રીતે વ્યક્તિ, વસ્તુઓથી અભડાઇ જાય છે તે દર્શાવ્યું છે. પ્રકરણ ૨૪માં બ્રાહ્મણો ની નાત્યોની જમવા બેસવાની રીત. બ્રાહ્મણ સ્ત્રી અને પુરુષો એ કેવા કપડાં પહેરી અને કોની સાથે જમવા બેસાય તેની વાત કરી છે. પ્રકરણ ૨૫માં વાગડ, પારકર, પ્રગણાનાં બ્રાહ્મણોનો જમવા બેસવાના આચારમાં કપડાંનું મહત્ત્વ નથી તેની જાણકારી મળે છે (પૃ. ૯૬). પ્રકરણ ૨૬માં બ્રાહ્મણોની રસોઈની જગ્યા તથા વાસણ બાબતમાં ઘર બહારથી આવેલ વાસણને લીપણ કરીને ઉપયોગમાં લે છે. પ્રકરણ ૨૭માં એઠવાડ બાબત એટલે કે ઘઉં, બાજરી વગેરે અનાજનો લોટ હોય, તેમાં પાણીનો છાંટો પડે તો તે એઠવાડ કહેવાય છે. અથવા આખું અન્ન ચાવ્યા પછી એઠું કહેવાય છે. પ્રકરણ ૨૮માં તળેલું, શેકેલું, દૂધ વગેરેથી બાંધેલું પવિત્ર ગણાય. કેમ કે લોટમાં પાણીનો છાંટો પડયાથી અભડાય છે. એટલે કે સમાજશાસ્ત્ર હટ્ટને (Hutton) આ સંદર્ભમાં કાચું ભોજન અને પાકું ભોજન પરના પ્રતિબંધ વિશે વાત કરી છે. પ્રકરણ ૨૯માં પાણી બાબતનો એક એક નાત્યથી જુદો ચાલ. તેમજ નિમ્ન જ્ઞાતિ વાળા પાણી ભારે તો ઊંચ જ્ઞાતિ વાળા પાણી ભરતા નથી. મૃત્યુ પ્રસંગ જો કોઈ પાણી ભરેલું બેડું લઈને સામું મળે તો બેડું નાંખી દે છે અથવા અવળા ફરી જાય છે (પૃ. ૧૧૪). પ્રકરણ ૩૦ માં વિવાહ સંબંધી જુદા ચાલ વિશે ચર્ચા કરી છે (પૃ. ૧૨૧-૧૨૨). અમેરિકન સમાજશાસ્ત્રી કોલેન્ડા (Pauline Kolenda) એ ભારતમાં જાતિ આધારિત આહાર અને લગ્નના રિવાજો, વારસાહીક અશુદ્રતા એ જાતિ વ્યવસ્થાને મજબૂત કરે છે. આ ભાગમાં લેખક કહે છે કે “હરેક નાત્યના ચાલ જુદા જુદા પરણેતર ક્રિયા, નાત્યવરા વગેરેના છે…જેટલા ચાલ વહેમ ભરેલા છે.. એવા એવા જુદા ચાલ, જે એકબીજાનું પાણી પીવું નહિ, એક બીજાથી અભડાવું, દીકરીઓના નાનપણમાં પરણાવીને દુ:ખમાં નાંખવી; ફલાણાની બાઈડીઓ રેશમી લૂગડાં પહેરીને જમતી નથી. વાસ્તે તે ભ્રષ્ટ છે અને રેશમી પહેરે છે તે આચારવાળાં છે, એવા એવા વહેલ ભરેલા ચાલ એક-એક નાત્યથી તથા ગામથી જુદા-જુદા છે…આ જુદા-જુદા ચાલ નાત્યોના બંધાયા છે, એ કાંઇ ધર્મની વાત નથી. એ તો માણસોની મરજી પ્રમાણે ચાલ બંધાયા છે. વાસ્તે જે-જે ચાલથી હરકત પડે છે, તે ચાલ આપણે ફેરવીને સુધારીએ તો કાંઇ પણ પાપ લાગશે નહિ” (પૃ. ૧૨૧-૧૨૨).
જ્ઞાતિના ફાયદા/ગેરફાયદાઓ
ભાગ-૪માં “ચોથો સવાલ- નાતના કાયદાથી ધરમેળે તથા જાહેરાંત સર્વ મનુષ્ય પ્રાણી ઉપર શો દોર ચાલે છે, તે વર્ણવો. ને નાતથી કાયદા ને ગેરફાયદા થતા હોય તે બતાવો”. તેના વિશે માહિતી આપી છે. પ્રકરણ ૩૩ માં નાત્યથી ફાયદા બાબતમાં લેખક જણાવે છે કે સર જમસેદજી જીજીભાઈ મોટા તાલેવંત થયા છે. તેઓએ પોતાની નાત્યના ગરીબોને બક્ષિત આપીને મોટા ફાયદો કરાવ્યો છે (પૃ. ૧૨૫).
આગળ લેખક લખે છે કે “બીજું એ કે, અમદાવાદ વગેરેના ઢેડિયાઓમાં જેને ઘણાં પાયખાનાઓનું કામ કરવું પડે છે, તે એની નાત્યમાં મોટો ગરાશીયો કહેવાય છે, ને તે બાપદાદાના ઊઘમમાં આનંદ પામે છે. પણ જો ઢેડની નાત્ય ના બંધાઈ હોય તો, એનું કામ ગરીબ અવસ્થામાં આવેલા ખાનદાનના ફરજંદોએ કરવું પડે, ત્યારે તેના દીલમાં ઘણું માઠું લાગે, ને તેને કોઈ પોતાની દીકરી પરણાવે નહિ” (પૃ. ૧૨૬-૧૨૭).
રાજુ સોલંકીની આ વિષય પરની ફેસબૂક પોસ્ટની કોમન્ટમાં વિરોધરૂપે કર્મશીલ ડૉ. જયંતિલાલ માંકડિયા લખે છે કે “ભારતમાં જેને ‘સાક્ષર’ કહેવાયા તે બધા આવા નીચલા સ્તરના નીચ છે. એને મોકો મળે એટલે એનું વર્ણભિમાન અને જાતિગત નીચતાની વિષ્ટા વિખેરતા રહ્યાં છે”. આ સિવાય સુતાર, લુવાર, સોની વગેરે કારીગર જ્ઞાતિઓ પોતાનું જાતિગત વ્યવસાય પોતાના બાળકોને શીખવાડવો. એ રીતે નાત્યો બાંધનારાઓએ તો સારા વિચારથી બાંધી હશે (પૃ. ૧૨૭).
પ્રકરણ ૩૪ માં નાત્યોના ગેરફાયદામાં લેખક લખે છે કે “નાત્યોના હાલના કાયદાથી હિન્દુ ધર્મને પણ ઘણું નુકસાન લાગે છે કેમ કે હિંદુ શાસ્ત્રમાં લખ્યું છે, “દીકરા વિનાનું માણસ મરી જાય તેનો મોક્ષ થાય નહિ, ને સ્વર્ગને પણ ન પામે તે ન જ પામે. વાસ્તે જે તે ઉપાયથી પણ પુત્રની ઉત્પત્તિ કરવી. હવે એ લખવાની મતલબ તો એવી છે કે પોતાના વર્ણની કન્યા મળે નહીં તો બીજા વર્ણની કન્યા લાવીને પણ પુત્રની ઉત્પત્તિ કરવી. કદાપિ એક સ્ત્રી મરી જાય તો બીજી સ્ત્રી પરણીને પણ પુત્રની ઉત્પત્તિ કરવી. તેમજ ધણી મરી જાય તો દિયર વગેરે કુંવારો હોય, તેને પરણીને સ્ત્રીયે પણ પુત્રની ઉત્પતિ કરવી. એજ રીતે જૂના હિંદુશાસ્ત્રમાં લખેલું છે. અને આજ તો કાયદો એવો છે કે એક નાત્યમાંથી કન્યા મળે નહીં, તો બીજી પોતાના વર્ણની નાત્યમાંથી પણ કન્યા લેવાય નહીં ત્યારે એ બિચારો પુત્રની ઉત્પત્તિ શા ઉપાયે કરે?” (પૃ. ૧૨૮).
કર્મશીલ રાજુ સોલંકી જણાવે છે કે દલપતરામ બિચારા પુત્રની ઉત્પતિ વિના કેટલા દુઃખી દુખી હતા! (સોલંકી, ૨૦૨૫). લેખક પર માર્મિક કટાક્ષ કરે છે. બ્રાહ્મણોને કેવા પ્રશ્નો નડે છે તેની વાત કરે છે. જેમ કે ઘરમાં મૃત્યુ થયું હોય ત્યાર પરનાતનો વ્યક્તિ કામ આવતો નથી. કોના ત્યાં પાણી પીવી અને કોના ત્યાં પાણી ન પીવી તેની ચાલ. જ્યારે કોઈ રસોઈ બનાવનાર બ્રાહ્મણ જ્ઞાતિનો વ્યક્તિ ન મળે ત્યારે જાતે જ રસોઈ બનાવવી પડે છે. વધારે કામના કારણે ફુરસદ માનતી નથી. તે ગેરફાયદો થયો છે (પૃ. ૧૩૨).
પ્રકરણ ૩૫માં ગામ નંદબારના શ્રીમાળીને નાત્યથી હરકત થઈના તેનો દાખલો આપે છે. કેવી રીતે નાતનો કાયદો તોડે તો તેને નાત બહાર મૂકવામાં આવે છે. પ્રકરણ ૩૬ માં ગુરુ શિષ્યનો સંવાદમાં લેખક કહે છે એક પંગતીમાં સો પચાસ બ્રાહ્મણો ઊભા હોય, ને તે સર્વેના હાથમાં સોટીઓ હોય, તેણે કરીને એક એકને અદકેલા હોય, તેમાંથી એકજાણ ઢેડિઓ અડકે, તો તેઓમાંથી કેટલા જાણ અભડાય?…. એના જવાબમાં જણાવે છે કે એક બીજાને અડનાર જણ ૩ સુધી નહાવું. પણ ઘાસ, લાકડાં, વગેરેથી અડકે, તો એકે જ નાહાવું બીજાએ આચમન કરવું (પૃ. ૧૩૭). આગળ ગુરુ શિષ્યનો સંવાદમાં લેખક જણાવે છે કે કોઈ બ્રાહ્મણ ભંગિયાનું એઠું અન્ન ખાય તો એ પાપ કેવું હશે? અંગીરા ઋષિના વચન એ વિશે સ્મૃતિમાં લખ્યાં છે કે, એવા પાપથી એક મહિનાની મહેનતે બ્રાહ્મણ છૂટે, ને ક્ષત્રી સાત દિવસે છૂટે, વૈશ્ય ૬ દાહાડાની મહેનતે છૂટે, ને શુદ્ર ૩ દાહાડે છેડે (પૃ. ૧૩૮). પ્રકરણ ૩૭ માં જૈનમતમાં જાતિભેદનો વિચારમાં લેખક લખે છે કે શ્રાવક ઢેડિયાને અડકે છે, ત્યારે પાણી અથવા અગ્નિને અડકે છે; કોઈ તો મુસલમાનને અડકે તો ત્યારે તેનો વહેમ મટે છે. ઢેડિયા ઉપર પાણીનો છાંટો અથવા અગ્નિનો તણખો નાંખીને પછી લે છે (પૃ. ૧૪૬).
રાજુ સોલંકીની આ વિષય પરની ફેસબૂક પોસ્ટની કોમન્ટમાં ડૉ. મનીષ સોલંકી લખે છે કે આજના સમયમાં આ કાકો હયાત હોત તો એના એવા હાલ થાત કે એનું નામ દલપતરામથી બદલીને તડપત-રામ થઈ જાત! દલપતરામ અને જાતિબા ફુલે વચ્ચે તુલના કરતાં કર્મશીલ, રાજુ સોલંકી જણાવે છે કે “દલપતરામ જન્મ ૧૯૨૦માં અને જાતિબા ફુલેનો જન્મ ૧૮૨૭માં એટલે બંને સમકાલીન સમાજ સુધારકો અને અંગ્રેજી શાસનના સમર્થકો. પરતું બંનેના દ્રષ્ટિકોણમાં આભજમીનનો ફરક છે. દલપતરામે અંગ્રેજ કલેક્ટરને ગુજરાતી શીખવાડવાની જહેમત કરી, જ્યારે જોતિબા ફુલે સાવિત્રીબા ફુલેએ વંચિત સમુદાયોને કલમ દિક્ષા આપી. દલપતરામે કોળી ભીલને ભાંડયા, જ્યારે જોતિબાએ એ જ સમુદાયોને જાગૃત કર્યા. જોતિબાએ ‘ગુલામગીરી’ (૧૮૭૩) પુસ્તક લખ્યું અને શુદ્રો અને અતિશુદ્રોનું વૈચારિક રતાંધળાપણું દૂર કર્યું. અંગ્રેજ રાજમાં પણ યથાવત રહેલી વર્ણવ્યવસ્થાની નાગચૂડનો પર્દાફાશ કર્યો. આજે જોતિબાના વૈચારિક વારસદારો દેશભરમાં મચી પડ્યા છે બહુજન ક્રાંતિને સાકાર કરવા. અને દલપતરામના વૈચારિક વંશજો એમના જ નાટક મિથ્યાભિમાનના નાયક જીવરામ ભટ્ટની જેમ રતાંધળા બનીને વિધવિધના વૈભવમાં મહાલી રહ્યા છે. આજે આપણા સૌનું વૈચારિક રતાંધળાપણું દૂર થાય તેવી શુભેચ્છા” (સોલંકી, ૨૦૨૫).
મહાત્મા જ્યોતિરાવ ફુલેએ ‘ગુલામગીરી’ (૧૮૭૩) પુસ્તકમાં ભારતના સૌથી શોષિત અને ઉપેક્ષિત સમાજના અછૂતો અને શુદ્રોના અધિકારોની ઘોષણા કરી હતી. ‘બ્રાહ્મણ સંસ્કૃતિ’ ની કલ્પિત અને હાસ્યાસ્પદ કહાનીઓમાં ન ફસાવવા અને તાર્કિક અભિગમ અપનાવવા સ્પષ્ટ રજૂઆત કરે છે. મહાત્મા ફુલે કહે છે કે પ્રાચીન ભારતની હિન્દુ સમાજ-વ્યવસ્થા, જાતિ-વ્યવસ્થા બીજું કાંઇ જ નહીં, બલ્કે વાસ્તવમાં ગુલામીની જ વ્યવસ્થા હતી. શુદ્રો અને અતિશુદ્રને કેવી રીતે ગુલામ બનાવવામાં આવ્યા તથા તેમની સંપત્તિ, માલ-મિલકત, જમીન-જાયદાદ અને શિક્ષણથી કેવી રીતે વંચિત કરવામાં આવ્યા, તેની તાર્કિક અને તથ્યસભર રજૂઆત કરી છે (બૌદ્ધ, ૨૦૨૪). છેલ્લે જ્ઞાતિ નિબંધ પુસ્તક ઉપરથી કહી શકાય કે આ જ્ઞાતિ નિબંધ નથી પણ “બ્રાહ્મણ જ્ઞાતિ નિબંધ” છે. કેમ કે મોટાભાગની જ્ઞાતિની ચર્ચા બ્રાહ્મણને લક્ષ્યમાં રાખીને જ કરવામાં આવી છે. બીજી બાબત લેખકને વર્ણ અને જ્ઞાતિ વચ્ચેનો ભેદ વિશે સમજ ખરી? મોટાભાગની માહિતી ચાર વર્ણ વિશે જ આપવામાં આવી છે. આ ફક્ત જ્ઞાતિ નિબંધ નહિ, ‘ચાતુર્વર્ણ્ય જ્ઞાતિ’ નિબંધ કહી શકાય?
સંદર્ભસૂચિ:
દલપતરામ. (૧૮૮૭). જ્ઞાતિ નિબંધ (ચોથી આવૃતિ). આર્યોદય પ્રેસ.
જાની, ગૌરાંગ. (૨૦૨૩, નવેમ્બર ૮). ગુજરાતની જ્ઞાત પરંપરા: દલપતરામનો જ્ઞાતિ નિબંધ. દીવાદાંડી કૉલમ, ફૂલછાપ, પંચામૃત, પૃ. ૨.
હટ્ટન, જે. એચ. (૧૯૪૬). ભારતમાં જાતિ: તેનું સ્વરૂપ, કાર્ય અને ઉદ્ભવ. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
કોલેન્ડા, પૉલિન. (૨૦૦૩). કાસ્ટ, મેરેજ એન્ડ ઇનઇક્વાલિટી: એસેઝ ઑન નૉર્થ એન્ડ સાઉથ ઇન્ડિયા. રાવત પબ્લિકેશન્સ.
ફૂલે, જ્યોતિરાવ. (૧૮૭૩/૨૦૨૪). ગુલામગીરી (ગુજરાતી અનુવાદ: હરપાલ બૌદ્ધ). નવભારત સાહિત્ય મંદિર. (મૂળ ગ્રંથ પ્રકાશન ૧૮૭૩)
રીઝલે, એચ. એચ. (૧૮૯૧). બંગાળની જાતિઓ અને વર્ણો: માનવશાસ્ત્રીય આંકડા, ૧. કલકત્તા.
સોલંકી, રાજુ. (૨૦૨૫, ઓગસ્ટ ૧૫–૧૬). દલપતરામ, જોતિબા ફૂલે અને બહુજનોની આઝાદી [ફેસબુક પોસ્ટ]. ફેસબુક.