ઉનાકાંડના ચૂકાદાને સરકાર ઉપલી કોર્ટમાં પડકારે, નહીંતર અમે પડકારીશું’

ઉનાકાંડમાં દસ વર્ષ બાદ આવેલા ચુકાદામાં મોટાભાગના આરોપીઓ નિર્દોષ છૂટતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભારે નારાજગી વ્યક્ત કરી સરકારને પડકાર ફેંક્યો છે.
Jignesh Mevani say on the Una case verdict

ઉનાકાંડમાં 10 વર્ષના લાંબા ગાળા બાદ નીચલી કોર્ટે પોતાનો આખરી ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં કુલ 42 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાંથી કોર્ટે 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે માત્ર 5 આરોપીઓને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટના આ નિર્ણયથી પીડિત સરવૈયા પરિવાર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીમાં ભારે રોષ અને અસંતોષની લાગણી વ્યક્ત કરી છે. પાલનપુર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા મેવાણીએ આ ચુકાદાને પીડિતો સાથેનો મોટો અન્યાય ગણાવ્યો છે અને રાજ્ય સરકારની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે.

આ ચૂકાદાથી હું સ્તબ્ધ અને દુઃખી છું: મેવાણી

જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે, પીડિત વશરામભાઈ અને બાલુભાઈ સરવૈયાએ તમામ આરોપીઓને અદાલતી કાર્યવાહી દરમિયાન ઓળખી કાઢ્યા હોવા છતાં આટલી મોટી સંખ્યામાં આરોપીઓ નિર્દોષ છૂટે તે ન્યાયતંત્ર અને તપાસ એજન્સીઓ સામે પ્રશ્નાર્થ ઉભો કરે છે. મેવાણીએ જણાવ્યું કે, “આ ચુકાદાથી હું વ્યક્તિગત રીતે સ્તબ્ધ અને અત્યંત દુઃખી છું. જે પરિવારે જાહેરમાં અમાનવીય અત્યાચાર સહન કર્યો છે, જેમના વીડિયો આખા દેશે જોયા છે, તેમને આજે દસ વર્ષે પણ યોગ્ય ન્યાય મળ્યો નથી.”

આ પણ વાંચો: મંદિરમાં મહંતની મહિલા સાથેની લિવ-ઈન રિલેશનશીપથી બાળક જન્મ્યું!

પીડિત પરિવારને આરોપીઓથી જીવનું જોખમ

મેવાણીએ વધુમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં વર્ષ 2018 અને 2023માં જામીન પર છૂટેલા આરોપીઓએ ફરી એકવાર આ પરિવાર પર હુમલા કર્યા હતા, જે સ્પષ્ટ દર્શાવે છે કે પીડિતોના જાનમાલનું જોખમ હજુ પણ અકબંધ છે. સરકાર પીડિતોને પૂરતી સુરક્ષા આપવામાં અને કોર્ટમાં મજબૂત રીતે કેસ લડવામાં સદંતર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ તેમણે કર્યા હતા.

આનંદીબેન પટેલે આપેલા વચનો હજુ પણ અધૂરાં

જિગ્નેશ મેવાણીએ સરકારને ખુલ્લું અલ્ટીમેટમ આપતા કહ્યું કે, જો સરકાર આ ચુકાદાને સત્વરે ઉપલી અદાલતમાં નહીં પડકારે, તો તેઓ પોતે પીડિત પરિવારના પડખે રહીને હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. તેમણે ચેતવણી આપી હતી કે જો ન્યાયની આ પ્રક્રિયામાં વિલંબ થશે અથવા તો પીડિતોને ન્યાયથી વંચિત રાખવામાં આવશે, તો આગામી દિવસોમાં ફરી એકવાર દલિત સમાજને સાથે રાખીને રસ્તા પર ઉતરીને જન આંદોલન છેડવામાં આવશે. મેવાણીએ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા તે સમયે આપવામાં આવેલા વચનોની યાદ અપાવતા કહ્યું કે, સરકારે પીડિતોને ખેતીની જમીન અને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું હતું, જે હજુ સુધી પૂર્ણ થયું નથી. પીડિતોને આત્મસન્માન પૂર્વક જીવવા માટે આ સુવિધાઓ પૂરી પાડવી એ સરકારની નૈતિક જવાબદારી છે.

આ પણ વાંચો: ઉના કાંડમાં 10 વર્ષે ચુકાદોઃ 5 ગૌરક્ષકો દોષિત, 38 નિર્દોષ

2016ની એ ગોઝારી ઘટના

ઉલ્લેખનીય છે કે, ઉનાના મોટા સમઢીયાળામાં વર્ષ 2016માં કથિત ગૌરક્ષકોના નામે આવેલા ટોળાએ દલિત સમાજમાંથી આવતા બાલુભાઈ સરવૈયાના પરિવારના યુવકોને ગાડી પાછળ બાંધીને જાહેરમાં લાકડીઓ અને પાઈપો વડે ફટકાર્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

તે સમયે રાહુલ ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓએ પીડિતોની મુલાકાત લઈને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. જોકે, દાયકા બાદ આવેલા આ ચુકાદામાં આરોપીઓનો મોટો ભાગ નિર્દોષ છૂટતા ફરી એકવાર આ મુદ્દે રાજ્યમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. જિગ્નેશ મેવાણીએ માંગ કરી છે કે આરોપીઓને કડકમાં કડક સજા થાય જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

આ પણ વાંચો: ન્યાય કે મજાક? ઉના કાંડમાં 10 વર્ષ બાદ 5 આરોપીને માત્ર 5 વર્ષની સજા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x