ઈન્દીરા ગાંધીના સમયમાં ભારતના બંધારણના આમુખમાં ‘સમાજવાદી'(socialist) અને ‘ધર્મનિરપેક્ષ’ (secular) આ બે શબ્દો દાખલ કરવામાં આવ્યા હતા. હવે, આ બે શબ્દોને બંધારણમાંથી દૂર કરવા માટે ભાજપ અને આરએસએસ દ્વારા કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલા RSS ના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબોલેએ દિલ્હીમાં ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના 50 વર્ષ પર આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, બંધારણમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોને હટાવવા વિશે વિચારવું જોઈએ.
સૌથી પહેલા આપણે ઇન્દિરા ગાંધીને બાજુ પર રાખીને આ બે શબ્દોનો અર્થ શું છે તે સમજીએ અને પછી નક્કી કરીએ કે આ બે શબ્દોને દેશના બંધારણમાંથી દૂર કરવા તમારા, મારા અને દેશહિતમાં છે કે નહિ?
સમાજવાદી (socialist) નો શું અર્થ છે?
સમાજવાદ એક આર્થિક અને સામાજિક વ્યવસ્થા છે, જેમાં ઉત્પાદનના સાધનો (જેમ કે ફેક્ટરીઓ, જમીન, સંસાધનો) પર સામૂહિક અથવા સરકારી નિયંત્રણ હોય છે. તેનો મુખ્ય ઉદ્દેશ આર્થિક અને સામાજિક સમાનતા પ્રસ્થાપિત કરવાનો છે, જેથી સંપત્તિ અને સંસાધનોનું વિતરણ ન્યાયી રીતે થાય અને સમાજના દરેક વર્ગને તેનો લાભ મળે. સમાજવાદમાં વ્યક્તિગત લાભ કરતાં સમાજના સામૂહિક હિતને પ્રાથમિકતા આપવામાં આવે છે.
સમાજવાદી રાષ્ટ્ર એટલે શું?
સમાજવાદી રાષ્ટ્ર એ એવું રાષ્ટ્ર છે જેની નીતિઓ અને વ્યવસ્થા સમાજવાદના સિદ્ધાંતો પર આધારિત હોય. આ પ્રકારના રાષ્ટ્રમાં, સરકાર આર્થિક અસમાનતા ઘટાડવા માટે નીતિઓ ઘડે છે. જેમ કે પ્રગતિશીલ કરવેરા, મફત શિક્ષણ, આરોગ્યસંભાળ, આરક્ષણ અને ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ. સમાજવાદમાં સંસાધનોનું સામૂહિક નિયંત્રણ થાય છે. એટલે કે, મુખ્ય ઉદ્યોગો, બેંકો, અને સંસાધનો પર સરકારનું નિયંત્રણ હોય છે, જેથી તેનો ઉપયોગ સમાજના લાભ માટે થાય. લિંગ, જાતિ, ધર્મ કે આર્થિક સ્થિતિના આધારે ભેદભાવ થતો નથી અને દરેકને સમાન તકો મળે. રાષ્ટ્રનું ધ્યેય નાગરિકોના જીવનધોરણને ઉચ્ચ બનાવવાનું અને ગરીબી દૂર કરવાનું હોય છે. ઉદાહરણ તરીકે, ભારતે 1950ના બંધારણમાં ‘સમાજવાદી’ શબ્દ 1976માં 42મા સુધારા દ્વારા ઉમેર્યો, જે દર્શાવે છે કે ભારત સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે પ્રતિબદ્ધ છે. જોકે, ભારતનો સમાજવાદ મિશ્ર અર્થવ્યવસ્થા પર આધારિત છે, જેમાં ખાનગી અને સરકારી ક્ષેત્ર બંને સહઅસ્તિત્વ ધરાવે છે.
ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર (Secular State) નો શું અર્થ છે?
‘ધર્મનિરપેક્ષ’ રાષ્ટ્ર એ એવું રાષ્ટ્ર છે જે કોઈ ચોક્કસ ધર્મને રાષ્ટ્રીય ધર્મ તરીકે સ્વીકારતું નથી અને રાજ્યની નીતિઓ, કાયદાઓ તથા શાસન વ્યવસ્થા ધર્મથી અલગ રહે છે. આવા રાષ્ટ્રમાં ધર્મ અને રાજ્યનું કાર્યક્ષેત્ર સ્પષ્ટપણે જુદું હોય છે, અને સરકાર નાગરિકોના ધર્મ, વિશ્વાસ કે આસ્થાના આધારે ભેદભાવ કરતી નથી. ધર્મનિરપેક્ષ રાષ્ટ્રની મુખ્ય લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે.
આ પણ વાંચો: દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત ભણાવાશે?
ધર્મની તટસ્થતા: સેક્યુલર રાષ્ટ્ર કોઈ એક ધર્મને પ્રોત્સાહન આપતું નથી કે નફરત કરતું નથી. દરેક ધર્મના અનુયાયીઓને સમાન અધિકારો અને સ્વતંત્રતા આપવામાં આવે છે.
સમાનતા: નાગરિકોની જાતિ, ધર્મ, લિંગ કે અન્ય બાબતને આધારે ભેદભાવ નથી કરવામાં આવતો. બધાને કાયદા સમક્ષ સમાન ગણવામાં આવે છે.
ધાર્મિક સ્વતંત્રતા: નાગરિકોને પોતાનો ધર્મ પાળવાનો, તેનો પ્રચાર કરવાનો અને ધર્મ પરિવર્તન કરવાનો અધિકાર હોય છે, જ્યાં સુધી તે જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડે.
રાજ્યની નીતિઓ: રાજ્યના કાયદા, શિક્ષણ, અને વહીવટ ધાર્મિક ગ્રંથો કે માન્યતાઓને બદલે તર્ક, ન્યાય અને બંધારણીય મૂલ્યો પર આધારિત હોય છે.
ભારતના સંદર્ભમાં ધર્મનિરપેક્ષતા: ભારતનું બંધારણ 1976ના 42મા સુધારા દ્વારા ‘ધર્મનિરપેક્ષ’ (Secular) શબ્દને પ્રસ્તાવનામાં ઉમેરીને ભારતને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરે છે. ભારતીય ધર્મનિરપેક્ષતા એ ‘સર્વધર્મ સમભાવ’ (સમાન ધર્મ સન્માન) ના સિદ્ધાંત પર આધારિત છે, જેનો અર્થ છે કે રાષ્ટ્ર દરેક ધર્મનું સમાન રીતે સન્માન કરે છે, પરંતુ કોઈ ધર્મમાં હસ્તક્ષેપ કરતું નથી.
હિંદુ રાષ્ટ્ર (Hindurashtra) નો શું અર્થ છે?
હવે BJP-RSS જેની તરફેણ કરે છે તે હિંદુરાષ્ટ્રનો અર્થ સમજીએ. કારણ કે, દેશના બંધારણમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ – આ બે શબ્દો કાઢવા માટે જે લોકો મૂવમેન્ટ ચલાવી રહ્યા છે તેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે. ત્યારે હિંદુ રાષ્ટ્ર એટલે કેવું રાષ્ટ્ર તે સમજીએ.
હિંદુ રાષ્ટ્રનો ખ્યાલ મોટાભાગે હિંદુવાદી સંગઠનો, જેમ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા ચર્ચાયેલો એક વિચાર છે. જોકે, હિંદુ રાષ્ટ્રનું કોઈ સ્પષ્ટ અને સર્વસંમત બંધારણીય માળખું અસ્તિત્વમાં નથી, કારણ કે તે હજુ સૈદ્ધાંતિક ચર્ચાનો વિષય છે. તેમ છતાં, હિંદુ રાષ્ટ્રની કલ્પના કરતી વખતે ધર્મ, વર્ણ, જાતિ, લિંગ, આર્થિક, સામાજિક, ધાર્મિક અને કાયદાના સંદર્ભમાં રાજ્ય વ્યવસ્થા કેવી હોઈ શકે તેનું વિશ્લેષણ નીચેના મુદ્દાઓ પર આધારિત કરી શકાય,
પરંપરાગત હિંદુ ધર્મનો પ્રભાવ:
હિંદુ રાષ્ટ્રનો ખ્યાલ હિંદુ ધર્મની સંસ્કૃતિ અને પરંપરાઓ પર આધારિત છે. હિંદુવાદી ચિંતકો વર્ણવ્યવસ્થા (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર) ને હિંદુ સમાજના સામાજિક માળખાના ભાગરૂપે જોવે છે. હિંદુ ધર્મના સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ ગણાતા ગુરુ શંકરાચાર્ય છે. જેઓ વર્ણ અને જાતિને હિંદુ ધર્મનું અભિન્ન અંગ ગણે છે. વર્ણ અને જાતિ વગર હિંદુ ધર્મની કલ્પના શક્ય નથી તેવું માને છે. હમણાં બ્રાહ્મણોએ યાદવોને કથાવાચન કરતા રોક્યા, માર્યા અને અપમાનિત કર્યા તે હિંદુ ધર્મ શાસ્ત્રો મુજબ યોગ્ય છે. આજે ભારતના સંવિધાન મુજબ બ્રાહ્મણ સિવાય કોઈપણ હિંદુ કથાવાચન કરી શકે છે પણ જ્યારે હિંદુરાષ્ટ્ર બનશે ત્યારે હિંદુ ધર્મ મુજબના કાયદા બનશે અને તે મુજબ બ્રાહ્મણ સિવાય કોઈ કથાવચન કરી શક્શે નહિ.
વર્ણ અને જાતિ વ્યવસ્થા:
વર્ણ અને જાતિવ્યવસ્થા હિંદુ ધર્મનો ઐતિહાસિક ભાગ રહી છે. હિંદુ ધર્મ શાસ્ત્રો વર્ણ આધારિત, જાતિ આધારિત નિયમોથી ભરી પડ્યા છે. એટલે જ્યારે હિંદુ રાષ્ટ્ર બનશે ત્યારે હિંદુ ધર્મ ગ્રંથો મુજબના વર્ણ અને જાતિ ભેદભાવોનો કાયદાકીય મંજૂરી મળશે. સત્તા ફકત ક્ષત્રિય (રાજપૂત, ઠાકુર જેવી કોમને મળશે) શૂદ્ર ગણાતા કોળી, ઠાકોર, આહિર, યાદવને નહિ. તે જ રીતે શિક્ષણ જગતમાં ફકત બ્રાહ્મણ જ શિક્ષક બની શકશે, અન્ય જાતિના લોકો શિક્ષક બની શકશે નહિ. વેપાર ધંધો ફકત વૈશ્ય જ કરી શકશે અન્ય જાતિના લોકો વેપાર, ધંધો કરી શકશે નહિ. આ જ રીતે કેજરીવાલ, યાદવ, પટેલ, ઠાકરે વગેરે ચૂંટણીઓ લડી પ્રતિનિધિ બની શકશે નહિ.
રાજ્યની નીતિ:
હિંદુ ધર્મ ગ્રંથો મુજબ રાજ્ય ચલાવવાનો આગ્રહ રાખવામાં આવશે એટલે રાજ્યની નીતિઓ જાતિ અને વર્ણ આધારિત રહેશે. હિંદુ રાષ્ટ્રમાં અનામત નીતિ નાબૂદ થઈ જશે.
મહિલાઓનું સ્થાન
બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મ શાસ્ત્રો મુજબ તમામ મહિલાઓ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર) શૂદ્ર વર્ણ ગણાય છે. શૂદ્ર વર્ણને સત્તા, સંપત્તિ અને શિક્ષણનો અધિકાર નથી. એટલે તમામ મહિલાઓના આ અધિકારો નાબૂદ કરી ઘરના કામોમાં પરોવવામાં આવશે. પ્રોપર્ટીમાં ભાગ આપવામાં આવશે નહિ. છૂટાછેડા, પુનઃલગ્ન વગેરે અધિકારો નાબૂદ થઇ જશે. ટૂંકમાં, હિંદુરાષ્ટ્ર બનશે ત્યારે ‘હિંદુ કોડ બિલ’ આધારિત મહિલાઓના તમામ અધિકારો નાબૂદ કરવામાં આવશે.
આ પણ વાંચો: મુસ્લિમો પ્રત્યે નફરત હિન્દુ બાળકોનો સ્વભાવ બની રહી છે
હિંદુ રાષ્ટ્રના ખ્યાલમાં મહિલાઓને હિંદુ સંસ્કૃતિના આદર્શો (જેમ કે સીતા, દુર્ગા) ના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે. હિંદુવાદી સંગઠનો મહિલાઓના સશક્તિકરણની વાત કરે છે, પરંતુ આ સશક્તિકરણ હિંદુ પરંપરાઓના ચોકઠામાં હોય છે. મહિલાઓને કુટુંબની રક્ષક અને સંસ્કૃતિની વાહક તરીકે જોવામાં આવે છે. વળી, મહિલાઓના અધિકારોની ચર્ચા હિંદુ સંસ્કૃતિના ‘મર્યાદા’ સાથે જોડાયેલી છે અને હિંદુ સમાજ પુરુષ પ્રધાન સમાજ છે એટલે પિતૃસત્તાક વ્યવસ્થા પુનઃ લાગુ કરવામાં આવશે.
ધર્મ આધારિત શાસન
હિંદુ રાષ્ટ્રમાં રાજ્ય વ્યવસ્થા હિંદુ ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યો (જેમ કે ધર્મશાસ્ત્રો, મનુસ્મૃતિ, અથવા રામાયણ – મહાભારતના આદર્શો) પર આધારિત છે. આવી વ્યવસ્થામાં ધર્મનું મહત્વ વધી શકે, જેના કારણે બિન-હિંદુઓ જેવા કે શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ, લિંગાયત, મુસલમાન, વગેરેના અધિકારો પર પ્રશ્નો ઉભા થઈ શકે. અને એટલું જ નહિ, હિંદુઓમાં પણ દલિત, આદિવાસી, ઓબીસી, ક્ષત્રિય, વૈશ્ય, મહિલાઓ, વિગેરેના અધિકારો સીમિત થઈ જશે.
લોકશાહી કે સરમુખત્યારશાહી?
હિંદુ રાષ્ટ્રની કલ્પના કરનારા કેટલાક સંગઠનો લોકશાહીનું સમર્થન કરે છે, પરંતુ તે હિંદુ સંસ્કૃતિના ચોકઠામાં હોય છે. જો રાજ્ય વ્યવસ્થા અતિ-ધાર્મિક બને, તો સરમુખત્યારશાહી તરફ વળે છે, જે આપણે પાકિસ્તાનના ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ તેમ છે. વળી, નરેન્દ્ર મોદીના સમયમાં જે અઘોષિત ઇમરજન્સી જેવી સ્થિતિ ઊભી થઈ છે તે દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ કે હિંદુરાષ્ટ્ર લોકશાહી નહિ, પણ તાનાશાહી રાષ્ટ્ર બનશે.
બ્રાહ્મણરાજની સ્થાપના
હિંદુ ધર્મના તમામ ગ્રંથો માત્ર બ્રાહ્મણોએ લખ્યાં છે. અને તમામ ગ્રંથો બ્રાહ્મણ શ્રેષ્ઠ અને અન્ય લોકો ક્ષત્રિય, વૈશ્ય સહિત, તેમનાથી નીચા, ઉતરતા લખ્યા છે. વળી, અન્ય કોઈ વર્ણ કે જાતિના માણસે કોઈ કર્મ કરી બ્રાહ્મણ બનવું હોય તો તેવી કોઈ વ્યવસ્થા, વિધિ બ્રાહ્મણોએ ગ્રંથોમાં લખેલ નથી, એટલે હિંદુરાષ્ટ્ર બ્રાહ્મણ વર્ચસ્વવાળું રાષ્ટ્ર બનશે. જેમાં પુરુષ બ્રાહ્મણ સિવાયની તમામ જાતિ, ધર્મો, સ્ત્રીઓ વિગેરે ઉતરતા ક્રમના નાગરિકો હશે.
આશા રાખું છું કે, આ લેખ દ્વારા આ ત્રણ શબ્દોની પ્રાથમિક સમજ આપવામાં હું સફળ રહ્યો હોઈશ. આજે ઈન્દિરા ગાંધી અપ્રસ્તુત છે. ઈન્દીરા ગાંધીએ શબ્દો ઉમેર્યા કે ના ઉમેર્યા તે પ્રશ્ન નથી. પ્રશ્ન છે કે આ બે શબ્દો તમારા અધિકારોની રક્ષા માટે, દેશને કોમવાદી રાષ્ટ્ર બનતું અટકાવવા માટે અને તમારી મા, દીકરી, બેન, પત્નીના ગુલામ બનતી અટકાવવા માટે જરૂરી છે કે નહિ? આજે સવાલ ઈન્દીરા ગાંધી નથી. સવાલ છે મારું, તમારું અને આપણા દેશનું ભવિષ્ય.
– કૌશિક શરૂઆત (લેખક વિખ્યાત બહુજન બુક સ્ટોર શરૂઆત પબ્લિકેશનના ફાઉન્ડર છે.)
આ પણ વાંચો: શરૂઆત પબ્લિકેશનના પાંચ પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો