ડૉ.આંબેડકર અને સાવરકર વચ્ચે કેવો સંબંધ હતો?

ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે જાતિવાદ અંગેના વૈચારિક મતભેદો જગજાહેર છે. પરંતુ સાવરકર અને આંબેડકર વચ્ચે આ મુદ્દે કેવા સંબંધો હતા?
relationship between Dr Ambedkar and Savarkar

ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે જાતિવાદ અંગેના વૈચારિક મતભેદો જગજાહેર છે. બાબાસાહેબ હંમેશા દલિતો-પછાતો પરના ગાંધીજીના વિચારોના વિરોધી હતા. તેમને લાગતું હતું કે ગાંધીજી બે અલગ વ્યક્તિત્વ ધરાવે છે. આ જ કારણ હતું કે બંને વચ્ચે ક્યારેય બન્યું નહોતું. પરંતુ ગાંધીજી સિવાય, એક અન્ય વ્યક્તિ પણ હતી જે સામાજિક સુધારાઓના બાબાસાહેબના વિચારોને ટેકો આપતી વખતે, ઘણા મુદ્દાઓ પર સંપૂર્ણપણે અલગ મંતવ્યો ધરાવતી હતી. આ વ્યક્તિ એટલે વિનાયક દામોદર સાવરકર.

ડો.આંબેડકર આખી જિંદગી જાતિ ભેદભાવ સામે લડ્યા, તેમના માટે મહાડ જળ સત્યાગ્રહ તેમની લડાઈમાં એક મોટો વળાંક હતો. પરંતુ આ ચળવળ બાદ પણ કથિત સવર્ણોમાં જાતિભેદભાવ ઘટ્યો નહોતો. આ ચળવળના સમર્થનમાં કોઈ મોટા નેતા બોલ્યા નહોતા. ત્યારે સાવરકરે અહીં રાજકીય લાભ દેખાતો હોવાથી દલિતોના મંદિરોમાં પ્રવેશવાના અને જાહેર સ્થળોએ પાણી પીવાના અધિકારને ટેકો આપ્યો હતો. જોકે, જાતિ ભેદભાવ અંગેની વિચારધારા બંને વચ્ચે સંઘર્ષનું કારણ બની રહી.

બાબા સાહેબ સાવરકરના ઘોર વિરોધી હતા

12 એપ્રિલ, 1929 ના રોજ ‘બહિષ્કૃત ભારત’માં એક લેખ લખાયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે સાવરકરે રત્નાગિરીમાં દલિતો અને પછાત વર્ગો માટે બનાવવામાં આવી રહેલા પતિત પાવન મંદિરનું નિર્માણ શરૂ કર્યું હતું, ત્યારે બાબાસાહેબે તેનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આ મંદિર સમાનતાને બદલે જાતિ ભેદભાવનું પ્રતીક બની રહેશે. આજે જેને સામાજિક સુધારા અને સમાનતા તરફના પગલા તરીકે ગણાવવામાં આવી રહ્યું છે તે આખરે અસ્પૃશ્યોનું મંદિર બનીને રહી જશે, ત્યાં ફક્ત અસ્પૃશ્ય અને પછાત વર્ગો જ આવશે, કથિત ઉચ્ચ જાતિમાંથી કોઈ આ મંદિરમાં દર્શન કરવા નહીં આવે. પરિણામે, મંદિર પ્રવેશ માટે ચાલી રહેલ સંઘર્ષ વણઉકેલાયેલ રહેશે. અને બાબાસાહેબ સાચા પડ્યા હતા.

આ પણ વાંચો: માતા રમાબાઈ આંબેડકર: ત્યાગ, સમર્પણ અને સામાજિક ક્રાંતિની મૌન યોદ્ધા

ડૉ.આંબેડકર અને સાવરકરની વિચારધારા

હકીકતમાં, બાબા સાહેબ સાવરકર સાવરકરની વિચારધારાથી સારી રીતે વાકેફ હતા, બાબાસાહેબ એ વાત સારી રીતે સમજતા હતા કે, ભલે સાવરકર જાતિગત ભેદભાવની નાબૂદીની વાત કરતા હોય, પરંતુ હકીકત તેનાથી તદ્દન જુદી છે. તેઓ બ્રાહ્મણવાદી સર્વોપરિતા આધારિત હિંદુ ધર્મ અને તેની વર્ણવ્યવસ્થાના કટ્ટર સમર્થક છે. નવેમ્બર 1930 થી માર્ચ 1931 સુધી, ‘કેસરી’ અખબારમાં સાવરકરના અનેક લેખો પ્રકાશિત થયા હતા. આ એ જ ‘કેસરી’ હતું, જેણે ડો.આંબેડકરના સામયિક ‘મૂકનાયક’ની પૈસા આપવા છતાં જાહેરાત છાપવાનો ઈનકાર કરી દીધો હતો. કેસરીમાં છપાયેલા સાવરકરના લેખોએ તેમના બેવડા ધોરણોનો પર્દાફાશ કર્યો હતો. તેમાં સાવરકરે જણાવ્યું હતું કે તેઓ જાતિ ભેદભાવના વિરોધી છે, પરંતુ જાતિ વ્યવસ્થાને ટેકો આપે છે.

સાવરકરે વર્ણ વ્યવસ્થાને યોગ્યતાનો આધાર ગણાવી હતી

બાબા સાહેબ માનતા હતા કે વર્ણ વ્યવસ્થા જાતિવાદનું મૂળ છે. 1933માં, બાબા સાહેબે સાવરકરને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે તેમને સત્ય બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પત્રમાં, તેમણે સાવરકરના વિચારોની નિંદા કરી હતી, જેમાં તેઓ જાતિ વ્યવસ્થાને યોગ્યતાનો આધાર માનતા હતા. બાબા સાહેબે કટાક્ષમાં કહ્યું કે, ‘તેમને આશા છે કે સાવરકર આવી બિનજરૂરી શાબ્દિક ચાલથી મુક્ત થવાની હિંમત કરશે.’ પરંતુ સાવરકર તેમના વિચારોમાં અડગ રહ્યા, જેનાથી સાવરકરના કથિત સામાજિક સુધારાનું મહોરું ઉતરી ગયું હતું.

સાવરકરે બાબા સાહેબના વિચારોની ટીકા કરી હતી

બાબા સાહેબ કહેવું હતું કે, જો દલિતો હિંદુ ધર્મમાં રહીને જ સમાજમાં સમાનતા અને સન્માન મેળવી શકે એમ હોત, તો તેમને કોઈ અન્ય ધર્મમાં જવાની જરૂર જ શું કામ પડત? હિંદુ ધર્મ ચાર માળનું એક એવું મકાન છે, જ્યાં જ્યાં ઉપર કે નીચે ઉતરવા માટે કોઈ સીડી નથી. જે વ્યક્તિ, જે વર્ણમાં જન્મી છે, તેને તેમાં જ મરવાનું છે. જોકે એકવાર હિન્દુ ધર્મ છોડી દીધા પછી મંદિરોમાં જવાની જરૂર નહીં પડે.

આ પણ વાંચો: રામજી સકપાલ: ભીમરાવને ‘ડૉ.આંબેડકર’ બનાવનાર પ્રજ્ઞાવાન પિતા

સાવરકરે બાબા સાહેબના આ વિચારોની ટીકા કરી હતી. 1935ના ‘નિર્ભીત’ના અંકમાં, સાવરકરે લખ્યું હતું કે, ‘હિંદુ ધર્મમાં પણ દરેક બિન-હિન્દુ ધર્મની જેમ કેટલાક અતાર્કિક તત્વો છે, પરંતુ અન્ય ધર્મો પણ અતાર્કિકતાથી મુક્ત નથી. આંબેડકરે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ અને ધર્માંતરણ કરીને નહીં, પરંતુ હિન્દુ રહીને સામાજિક સુધારામાં યોગદાન આપવું જોઈએ. તેમણે ફક્ત 10 વર્ષ રાહ જોવી જોઈએ, અસ્પૃશ્યતાનો અંત ચોક્કસ આવશે.’

જોકે, બાબા સાહેબે સાવરકરને જવાબ આપ્યો કે, ‘હિન્દુ ધર્મમાં જાતિવાદ આવતા 100 વર્ષમાં પણ સમાપ્ત થશે નહીં.’ અને જિનિયસ ડો.આંબેડકરની એ વાત સો ટકા સાચી પડી.

એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે બાબાસાહેબ રત્નાગિરીના વિઠ્ઠલ મંદિરમાં એક કાર્યક્રમમાં સાવરકર સાથે સ્ટેજ શેર કરવા તૈયાર હતા. જોકે, જરૂરી કારણોસર બાબાસાહેબને મુંબઈ પાછા ફરવાની ફરજ પાડી. 1927માં, જ્યારે બાબાસાહેબે ચવદાર તળાવનું પાણી પીવા માટે જ્યારે મહાડ આંદોલન શરૂ કર્યું, ત્યારે સાવરકરે ખચકાટ વિના તેનું સમર્થન કર્યું હતું. જોકે આ આંદોલન નિષ્ફળ ગયું,

આ પણ વાંચો: સંત રવિદાસઃ કઠૌતમાં ગંગાનો મર્મ સમજાવનાર ક્રાંતિકારી સંત

સવર્ણોએ દલિત વસાહતમાં વિનાશ વેર્યો, જેના કારણે તળાવને ફરીથી શુદ્ધ કરવાની ફરજ પડી. સાવરકરે ફરી પોતાની મનુવાદી વિચારસરણીનું પોત પ્રકાશ્યું, તેમણે અસ્પૃશ્યતાની નિંદા તો કરી પરંતુ ધાર્મિક સિદ્ધાંતોના આધારે તેની નાબૂદીની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે, ‘ન્યાય અને માનવતાની વ્યવસ્થા અસ્પૃશ્યતાને ખતમ કરીને જ સ્થાપિત કરી શકાય છે. દરેક હિંદુની ફરજ છે કે તે દરેક હિંદુઓના અધિકારોનું રક્ષણ કરવાની દિશામાં પગલાં લે.’

સાવરકરને હિંદુ રાષ્ટ્ર બનાવવા દલિતોની જરૂર હતી

સાવરકર ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગતા હતા, પરંતુ તેઓ જાતિ વ્યવસ્થાના વિરોધી નહોતા, જેના કારણે બાબાસાહેબ સાવરકરના સામાજિક સુધારા માટેના વિચારોનો વિરોધ કરતા હતા. બાબાસાહેબ સાવરકરના કાર્યોને અન્ય હિંદુઓને દલિતોથી વિભાજિત કરનારા માનતા હતા. જેના કારણે બંનેના વિચારોમાં ભારે અસમાનતા હતી. સાવરકર સમાનતાનું મહોરું પહેરીને હિંદુ રાષ્ટ્ર માટે કામ કરતા હતા, જ્યારે બાબાસાહેબ સ્પષ્ટ રીતે દલિતોને સમાનતા, સ્વતંત્રતા અને મુખ્યધારામાં ભેળવવા માટે મહેનત કરતા હતા.

એ રીતે જોવા જઈએ તો સાવરકર અને બાબાસાહેબના કાર્યો વચ્ચેની તુલના પણ થઈ શકે તેમ નથી. સાવરકરના વિચારોમાં નર્યો સ્વાર્થ અને મનુવાદી પ્રપંચ ભર્યો હતો, જેમાં બ્રાહ્મણો જ સર્વોપરી રહે તેવો સ્વાર્થ હતો. જ્યારે બાબાસાહેબ પોતાના સમાજને મુખ્યધારામાં ભેળવીને સમાનતા સ્થાપિત કરવા માંગતા હતા. ક્યાં સાવરકર અને ક્યાં ડૉ.આંબેડકર?

આ પણ વાંચો: શું RSS એ ભારતની આઝાદી માટે બલિદાન આપ્યું હતું?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પરમાર નિલેશ
પરમાર નિલેશ
1 day ago

બી આર આંબેડકર એક યુગ છે એને વાંચવું હોય તો આજ જન્મ ઓછો પડે જય ભીમ

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x