ગયા વર્ષે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ભાષણ દરમિયાન ડૉ. આંબેડકરને લઈને કરવામાં આવેલા નિવેદનને લઈને હોબાળો થયો હતો. કોંગ્રેસ, સપા, આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સહિત ઘણી પાર્ટીઓ તેમના પર ડૉ.આંબેડકરના અપમાનનો આરોપ લગાવી રહી છે. અમિત શાહે પોતે તેમના પર લાગેલા આરોપોનો સામનો કર્યો અને મીડિયા સાથે વાત કરતી વખતે તેમના પર તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો.
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ હંમેશા આંબેડકરની વિરુદ્ધ હતી અને અનામતની પણ વિરુદ્ધ હતી. પરંતુ તે મારા ભાષણના એક ભાગને ખોટી રીતે રજૂ કરી રહી છે. દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને ડૉ.આંબેડકરના વિરોધની 4 ઘટનાઓ ગણાવી હતી. હકીકતે કોંગ્રેસ અને ડૉ.આંબેડકર વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા હતા. આંબેડકરના જીવનના અંતિમ દિવસોમાં કોંગ્રેસ તેમની વિરુદ્ધ હતી.
આ પણ વાંચો: ‘ગુજરાત એટલે મનુવાદીઓનો ગઢ’, રાજકોટમાં ડો.આંબેડકરના પૌત્રના પ્રહારો
હિંદુ કોડ બિલ સહિત અનેક મુદ્દાઓ પર કોંગ્રેસ અને નેહરુ સાથે વધતા મતભેદો બાદ તેમણે 27 સપ્ટેમ્બર 1951ના રોજ કાયદા મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ દેશના પહેલા કાયદા મંત્રી હતા. એ પછી, આંબેડકરે 1952 ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી તેમની પોતાની પાર્ટી, શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. બંધારણના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને કામદારો અને પછાત વર્ગોના પ્રશ્નો ઉઠાવનાર નેતાની છબી ધરાવતા ભીમરાવ આંબેડકરને આ ચૂંટણીમાં કારમી હાર મળી હતી. આજે પણ તેમની એ હારને યાદ કરવામાં આવે છે અને તેના માટે કોંગ્રેસને જવાબદાર ગણવામાં આવે છે. એ પણ હકીકત છે કે તત્કાલિન પીએમ પંડિત જવાહરલાલ નેહરુએ પોતે અહીં આંબેડકર વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.
કોણ હતા કાજરોલકર, જેમણે ડૉ.આંબેડકર સામે ચૂંટણી લડી હતી?
રસપ્રદ હકીકત એ છે કે આંબેડકરને જેમની સામે હારનો સામનો કરવો પડ્યો હતો, તે નારાયણ સાદોબા કાજરોલકર એક સમયે તેમના અંગત સહાયક હતા. કોંગ્રેસ દ્વારા તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને નહેરુએ પોતે કાજરોલકર માટે પ્રચાર કર્યો હતો. આંબેડકરને આ ચૂંટણીમાં 15,000 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભીમરાવ આંબેડકર આ હારથી ખૂબ જ દુઃખી થયા હતા અને ચૂંટણી પર સવાલો પણ ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો: ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?
પહેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે 489 લોકસભા સીટોમાંથી 364 સીટો જીતી હતી. આ સિવાય કોંગ્રેસે દેશભરની 3280 વિધાનસભા બેઠકોમાંથી 2247 બેઠકો જીતી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ, ડૉ.આંબેડકરે હાર વિશે કહ્યું હતું કે, ‘શા માટે બોમ્બેના લોકોનું આટલું મજબૂત સમર્થન ચૂંટણી પરિણામોમાં પ્રતિબિંબિત નથી થયું? આ તપાસનો વિષય છે, જેના પર ચૂંટણી પંચે વિચાર કરવો જોઈએ.’
બાબાસાહેબ ફરીથી ચૂંટણી લડ્યાં, ફરી હાર્યા
પહેલી હાર પછી ડૉ.આંબેડકર ફરી એકવાર 1954માં ભંડારા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ સામાન્ય ચૂંટણી નહીં પણ પેટાચૂંટણી હતી. અહીં પણ તેમને કોંગ્રેસના ઉમેદવાર સામે 8500 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં ડૉ.આંબેડકરે નેહરુના નેતૃત્વની આકરી ટીકા કરી હતી અને ખાસ કરીને તેમની વિદેશ નીતિને નિશાન બનાવી હતી. આ બંને ચૂંટણીમાં આંબેડકરની હાર માટે કોંગ્રેસને જવાબદાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કાજરોલકર, જેઓ એક સમયે ડૉ.આંબેડકરના અંગત મદદનીશ હતા, તેમને જ બાબાસાહેબ સામે મેદાનમાં ઉતારવાની વ્યૂહરચના નેહરુની હતી. ભંડારા બેઠક પરની હારને લઈને પણ આવા જ આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Vote Chori મામલે રાહુલ ગાંધી કોર્ટમાં કેમ નથી જતા?











ડૉક્ટર આંબેડકર ના સમય ની કોંગ્રેસ તે આજની બીજેપી હતી…..તેમાં કહેવાતી સવર્ણ જાતિઓ ની આજની ભાજપા ની જેમ વર્ચસ્વ હતું…તેમ છતાં…ડોક્ટર આંબેડકર એકવાર સંવિધાન સભા માં પ્રવેશ્યા પછી તેમની વિદ્વતાને લીધે… ભારત પાકિસ્તાન ના ભાગલા પછી..ડોક્ટર આંબેડકર જે વિસ્તાર માંથી ચૂંટાઈ જે સંવિધાન સભા માં પહોંચ્યા હતા…તે વિસ્તાર પાકિસ્તાન માં જવાથી…ડોક્ટર આંબેડકર ને ફરી થી સંવિધાન સભા માં ચાલુ રાખી શકાય માટે મુંબઈ માં જયકર ની ખાલી પડેલ સીટ પરથી ડૉક્ટર આંબેડકરે ઉમેદવારી નોંધાવી ત્યારે કોગ્રેસે કોઈ ઉમેદવાર ઊભા રાખ્યા નહીં…અને ડોક્ટર આંબેડકર નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા….તે જ રીતે 1952 ની લોકસભા ચૂંટણી માં હારી ગયા પછી…. મહારાષ્ટ્ર ના વિધનસભ્યો માં ઘણા કોંગ્રેસીઓ એ ડો. આંબેડકર ને ગુપ્ત મતદાન કરી રાજ્યસભા માં જવા માટે જીતાડ્યા હતા….આથી ડૉક્ટર આંબેડકર તેમના નિર્વાણ પામ્યા ત્યાં સુધી રાજ્યસભા ના મેમ્બર રહ્યા હતા