‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?

ગુજરાતમાં અટકોના ઈતિહાસના પ્રથમ પુસ્તક ગણાતા 'ગુજરાતી અટકોના ઈતિહાસ'માં લેખિકા વિનોદિની નીલકંઠે દલિતોની અટકો વિશે જે લખ્યું છે તે ચોંકાવનારું છે.

ભારતમાં અટકો (Surnames) અંગે અનેક અભ્યાસો થયા છે. ગુજરાતની વાત કરીએ તો પ્રો. વિનોદીની નીલકંઠ(Vinodini Neelkanth) દ્વારા ‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’ (૧૯૪૨) (History of Gujarati Surnames) પર પુસ્તક લખવામાં આવ્યું. જે ગુજરાત વર્નાકયુલર સોસાયટી, અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પ્રો. નીલકંઠના કહેવા મુજબ એકબીજાને ઓળખવા કોઈ પ્રકારની સંજ્ઞાની જરૂર (પૃ. ૩) ઊભી થઈ ત્યારે અટક અસ્તિત્ત્વમાં આવી. અટક વિશે ડૉ. વિદ્યુત જોશી જણાવે છે કે “નામ એ વ્યક્તિગત ઓળખ છે પરતું અટક એ જૂથગત ઓળખ છે. આ જૂથ જ્ઞાતિ, ગોત્ર, કુટુંબ સમૂહ, ગામ કે વ્યવસાયનું સ્વરૂપનું હોય શકે” (મહેરિયા, ૨૦૨૦).

પુસ્તક વિશે ડૉ. ગૌરાંગ જાની જણાવે છે કે પ્રો. વિનોદિની નીલકંઠ એ ગુજરાતી અટકોના સૌપ્રથમ સંશોધક છે. ગુજરાતમાં અટકોના સમાજશાસ્ત્ર અને ઇતિહાસનો પાયો નાંખ્યો છે. તેમને ગુજરાત આખું ન ઓળખે તો જ નવાઈ! (જાની, ૨૦૨૩) પ્રો. નીલકંઠ જણાવે છે કે અટક સંગ્રહ તૈયાર કરવામાં મુનિશ્રી જિનવિજયજી, પંડિત સુખલાલજી, શ્રી રસિકલાલ પરીખ, શ્રી. ઝવેરચંદ મેઘાણી, શ્રીમતી સરોજિનીબહેન મહેતા, શ્રી, વિદ્યાબહેન નીલકંઠ, શ્રી ગટુભાઈ ધ્રુ, શ્રી. બચુભાઇ રાવત, શ્રી, બચુભાઈ ધ્રુવ, અને શ્રી. ભાઈ નિઝમુદ્દીન કુરેશી વગેરે (પૃ. ૪-૫) મદદરૂપ થયા છે. આ પુસ્તકમાં કુલ ૧૩૫ પાનાંનો નિબંધ રજૂ કર્યો છે. પ્રસ્તુત સમીક્ષાત્મક લેખમાં અટકોના ઇતિહાસ, અટકોનું વર્ગીકરણ અને અટકો અને ભેદભાવ વિશે વિમર્શ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં દલિતોની 100 વર્ષ જૂની ચાલી અદાણી-પોલીસે તોડી પાડી

અટકોનો ઇતિહાસ

પ્રો. નીલકંઠના પુસ્તકના પ્રથમ પ્રકરણ- ‘પરિચય’માં કેવી રીતે અટકોની શરૂઆત થઈ તે અંગે માહિતી આપવામાં આવી છે. અટકની ઉત્પતિ સંસ્કૃતમાં મૂળ અવટંક ઉપરથી બનેલા ‘અડક’ અને ‘અટક’ બંને શબ્દો ગુજરાતમાં પ્રચલિત બન્યાં છે. અટકનાં ઇતિહાસ વિશે વાત કરીએ તો શરૂઆતમાં હું, તું, તે, પેલો, એ વગેરે સર્વનામોથી ઓળખવાની શરૂઆત થઈ. આ સર્વનામોનાં પ્રયોગથી સમાજમાં ગેરસમજ ઊભી થઈ. પરિણામે મનુષ્યની શારીરિક લક્ષણો, ખોડખાંપણ કે સૌંદર્યનાં કોઈ ચિન્હો જેવા કે લંગડો, મોટા કે ચીબા નાકવાળો, ચૂંચળી આંખોવાળા, હસતા મોંઢાવાળી કે ગોરી, કાળી વગેરે ઉપરથી માણસની ઓળખાણ અપાતી. ત્યારબાદ પરાક્રમો પરથી બહાદુર અને અન્ય શારીરિક વિશેષણો જેવા કે બાડો, ઠૂંઠો, ટાલવાળો વગેરે જેવા અપમાનજનક શબ્દોનો પ્રયોગ થતો. સાથે-સાથે ગુણાવગુણ અને સ્વભાવ આધારિત નામો પડવા લાગ્યા. પરતું જ્યારે કુટુંબ સંસ્થાનાં ઉદ્દભવ થયો ત્યારે અટકનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ હશે એવું માનવામાં આવે છે. પ્રાચીનકાળમાં રધુવંશ, સૂર્યવંશ, મૌર્યવંશ વગેરે કુટુંબનાં વંશ પ્રમાણે નામ હતા. ત્યારબાદ વ્યક્તિનાં નામની સાથે પિતાનાં નામ દેવાનો રિવાજ પણ દાખલ થયો. સમાન પુત્ર અને પિતાનાં નામવાળા વ્યક્તિઓને કેવી રીતે જુદા પાડી ઓળખી કાઢવા? એટલે અટકની આવશ્યતા પૂર્વજોને લાગી પરતું દરેક મનુષ્યને પોતાની અટક જાતે પસંદ કરવાની તક સમાજે આપી નથી. સમાજે પોતાને યોગ્ય લાગે તે અટક અર્પણ કરી છે. આવી અટકો લક્ષણો, વર્તન, કુટુંબ અને ધંધા આધારિત અટકો અસ્તિત્વમાં આવી. બ્રાહ્મણો ગોત્ર અને શાખાઓ, જ્યારે રજપૂતો કુળ ઉપરથી ઓળખાતા. દેશમાં પશ્ચિમની અસરથી અટકો થી સમાજનાં સભ્યોને ઓળખવાનો રિવાજ વધ્યો. ૨૦૦ વર્ષ પહેલા અટકોનો ઉપયોગ ઓછો કરતાં પોતાનાં નામ પાછળ પિતાનાં નામ વડે જ ઓળખતા. અટકોનો વપરાશ વધતાં નવી અટકો બનતી ગઈ. લોકોને મોટા થવાની તથા મોટા દેખાવની ઈચ્છાનાં કારણે કુટુંબને શોભાવવા માટે નવી અટકો પડવા લાગી. જેમ કે ‘સોની’માંથી ‘સુવર્ણકાર’, ‘જાની’માંથી ‘જ્ઞાની’ બને છે. ‘વાણિયા’ઓ ‘શાહ’ ઉપનામે ઓળખાવે છે. ‘બ્રાહ્મણો’ પોતાનાં ‘ગોત્ર’ અથવા તે પછીના જમાનામાં ધાર્મિક પ્રવૃતિઓ ઉપરથી – એટલે ત્રિવેદી, અધ્વર્યૂ, આચાર્ય વગેરે ઉપનામોથી ઓળખાતા. સમયાંતરે જૂની અટકો બદલી નવી અટકો ધારણ કરી. ગુજરાતી અટકોની વાત કરીએ તો અટકો બદલતા રહ્યાં છે કુટુંબ પ્રત્યે તેની સ્થિરતાની વફાદાર રહેતી નથી. ગામ, ધંધો અને પેઢી બદલતા અટકો બદલાય છે.

આ પણ વાંચોઃ દલિતને મર્યા પછી પણ જાતિ નડી, મનુવાદીઓ સ્મશાન આડે ઉભા રહ્યાં

અટકોનું વર્ગીકરણ

આ પુસ્તકમાં મુખ્યત્વે ધંધાદારી અટકો, સ્થળ અથવા ગામનાં નામ ઉપરની પડેલી અટકો, જાણીતા પૂર્વજોનાં નામ ઉપરથી પડેલી અટકો, કટાક્ષ અથવા મશ્કરીમાં પાડેલાં ઉપનામો, ધાર્મિક ક્રિયાને લગતી અટકો, જનાવર અથવા જીવજંતુ ઉપરથી પડેલી અટકો, નાતજાતનાં નામ ઉપરથી પડેલી અટકો, અંગ્રેજી અટકો, ગુજરાતી હિન્દુઓની મુસલમાની અટકો, રજપૂત અટકો, અટકો અને સ્ત્રીઓ (સ્ત્રીઓ અને વિધાર્થીઓની અટકો), અકળ અટકો તેમજ ગુજરાતી-મુસલમાની અટકો અને પારસી અટકો વગેરે વિશે વર્ણન કરવામાં આવ્યું છે. પ્રો. નીલકંઠ પુસ્તકના પ્રકરણ ૨ ‘હિન્દુ અટકો’ વિશે ચર્ચા કરતાં જણાવે છે કે સૌથી વધારે અટકો વ્યવસાય આધારે પડેલી છે જેમ કે અધિકારી, કંદોઇ, કંસારા, ખજાનચી, ચશ્માવાળા, પૂજારા, પારેખ વગેરે. આ સિવાય પણ અનેક અટકો જોઈએ તો ભંડારી – ભંડાર સાચવનારા, પારેખ – ચાંદી અને સોનાની પરીક્ષા કરનાર માટે વપરાતો શબ્દ છે. દાણી – દાણ લેવાનું કામ જેને સોંપાયું હોય તેને દાણી કહે છે. અટકો અને તેની પરિભાષાની વર્ણન કરવામાં આવ્યું છે. વધુમાં જોઈએ તો કવિ કહે છે કે – ગઈ પાદશાહી ઘણા દિવસથી, પણ શાહે રંગ રાખ્યો રે; બાંધી સાડા ત્રણ તાંતણે શહેરનો; ધંધો ધોકારે રાખ્યો-રમીએ ગુજરાતે. શાહ અટકનું વર્તન કરતાં એક કવિ કહે છે કે પાદશાહી ઘણા કાળથી અમદાવાદમાંથી ચાલી ગયા છતાં શાહે એટલે વણિક લોકોએ અમદાવાદની આબરૂ સૂતર અને રેશમના વણાટના ઉદ્યોગથી ટકાવી રાખી, એમ કવિ કહે છે. આ ગરબી લખાયાને ઘણો સમય થાઓ ગયો, છતાં હજી એ જ ‘શાહ’ લોકો સૂતરને તાંતણે અમદાવાદનો ધંધો ધમધોકારા ચલાવી રહ્યા છે. વધુ શાહ અટક માટે શું લખ્યું છે તે વાંચો, “મૂળ ‘સાધુ’ શબ્દ લોકોની બોલીમાં સાહુ થયો અને તે પરથી સાહ શબ્દ બોલાવા અને લખાવા લાગ્યો અને તે સાહ પરથી આજનો શાહ શબ્દ આવ્યો છે એમ મનાય છે. આ ઉપરથી કેટલાક લોકોની અટકળ એવી છે કે તે જમાનામાં વેપારી લોકો પણ સાધુચરિત હશે. જાણીતી સત્યનારાયણની મહાત્મ્ય કથામાં સાધુ વાણીયો આવે છે તે તો સર્વને વિદિત હશે જ. સાધુ વાણિયો એ સદગ્રહસ્થ વાણિયો. શાહ શબ્દ સાધુમાંથી ઉતરી આવેલો માનીએ તો વણિક લોકોને માટે તે ગૌરવભરેલું ગણાય” (પૃ. ૩૧-૩૨).

આ પણ વાંચોઃ દલિત વૃદ્ધની બકરી મંદિરમાં જતા પૂજારીએ વૃદ્ધના પગ ભાંગી નાખ્યા

surname history

આ પણ વાંચોઃ દલિત રિક્ષાચાલકે સાઈડ ન આપતા રસ્તો રોકી હત્યા કરી દેવાઈ

પ્રો. નીલકંઠ ‘અટકો’ વિશે વિસ્તારથી વર્ણન કરતાં કહે છે કે વાઘ અને હાથી જેવા પ્રાણીઓ ઉપરથી પડેલી અટકો જોવા મળે છે (પૃ. ૭૧). નાતજાતના નામ ઉપરથી પડેલી અટકો જેવી કે દરજી, કડિયા, કંસારા અને ધોબી વગેરે (પૃ. ૭૬) છે. અંગ્રેજી- ગુજરાતી અટકો જેવી કે ડૉકટર, એન્જીનિયર, પેઈન્ટર, ક્લાર્ક, માસ્ટર, બેન્કર અને સેલર વગેરે (પૃ. ૭૯). ગુજરાતી હિન્દુઓની મુસલમાની અટકો જેવી કે પાદશાહ, વહોરા, ઈનામદાર, બક્ષી, મુનશી, સૂબેદાર અને બાદશાહ વગેરે અટકો છે (પૃ. ૮૧). રજપૂત સમાજની અટકો ભૂતકાળના ગૌરવ નજર સમક્ષ ઊભું થાય છે, આવી અટકો જોઈએ તો દરબાર, વાધેલા, સિસોદિયા, ગોહિલ, ડાભી, પરમાર, ચૌહાણ, સોલંકી અને ચાવડા (પૃ. ૮૫) વગેરે અટકો છે. સ્ત્રીઓની અટકોમાં લગ્ન બાદ પતિ કે કુટુંબના આધારે અટક ધારણ કરાવવામાં આવે છે. વિધાર્થીનીઓની અટકો પટેલ પી. કે. અને પટેલ આર. સી. તેમણે ‘પીકે’ અને ‘આરસી’ એવા નામે બોલાવે છે. ન સમજાય એવી અકળ અટકો જેવી કે ઢેબર, રૂપેરા, ધરિયા, ગોરડીયા, ભૂછાડા, ખાંભોળજી, અહલપારા વગેરે (પૃ. ૯૪). ગુજરાતી મુસલમાની અટકો જેવી કે અમીન, કુરેશી, અન્સારી, ગાંધી, મન્સૂરી, વહોરા, મોમીન, મોલવી, સિદ્દીકી, અમદાવાદી, કાચવાળા, છબીવાળા, ફ્રેમવાળા, બૂટવાળા વગેરે (પૃ. ૧૦૧). પારસી અટકોમાં પણ ધંધા (કાંદાવાળા, કેરીવાળા, નેતરવાળા), સ્થળ કે ગામ (ગણદેવિયા, ઉધનાવાળા, સૂરતી), કટાક્ષ કે મશ્કરી (દાબુ, થૂથી, ગારડા, ખાન, ખરાસ) અને અંગ્રેજી (પ્રિન્ટર, પ્રેસ, કેપ્ટન, કેન્ટીનવાળા) નામ પરથી પડેલી અટકો જોવા મળે છે.

આ પણ વાંચોઃ ખેતરમાં ઘાસચારો લેવા ગયેલા દલિત યુવકની ગોળી મારી હત્યા

ઉચ્ચ જ્ઞાતિની અટકો અને તેની પરિભાષા જોઈએ તો પ્રો. નીલકંઠ લખે છે કે ‘દીક્ષિત’ અટક જેને સોમયજ્ઞ કર્યો હોય તે દીક્ષિત કહેવાતા. અને હોમવ્રત આરંભેલા કર્મની સમાપ્તિ સુધી જેણે તેના નિયમોનો સ્વીકાર કરેલ હોય તે માણસ દીક્ષિત કહેવાતો. તથા જે માણસને દીક્ષા મળી હોય તે માણસ દીક્ષિત કહેવાતો. નાગરો તથા બ્રાહ્મણોમાં આ અટક હયાત છે (પૃ. ૬૫). દ્વિવેદી એટલે વેદ જાણનર બ્રાહ્મણ અસલ દ્વિવેદી કહેવાતા (પૃ. ૬૫). પંચોળી એટલે બ્રાહ્મણના પાંચ કુલમાં જે સૌથી મુખ્ય તેને પંચોળી કહેવાય. પંડયા, પંડિત, પંડત વગેરેનો મૂળ અર્થ વિદ્વાન થાય છે. બ્રાહ્મણ જ્ઞાતિઓમાં અટક આવે છે (પૃ. ૬૬). પાઠક એટલે ભણાવનાર અથવા અધ્યયન કરાવનારને સંસ્કૃતમાં પાઠક કહે છે. તથા પુરાણ વાંચનાર પણ પાઠક કહેવાતા. આવી બીજી પુરોહિત એટકે ધાર્મિક વિધિ કરાવનાર પુરોહિત કહેવાતા (પૃ. ૬૬). પૂજારા એટલે મંદિરમાં પૂજા કરવાનું કામ જેણે સોંપાયું હોય તે પૂજારા કહે છે (પૃ. ૬૬). ભટ્ટ એટલે સંસ્કૃતમાં પંડિત અથવા વેદ જાણકાર બ્રાહ્મણ એવો થાય છે (પૃ. ૬૭). યાજ્ઞિક નો અર્થ યજ્ઞ કરનાર બ્રાહ્મણ થાય છે (પૃ. ૬૭). વ્યાસ એટલે પુરાણો શીખવનારને વ્યાસ કહેવાય છે (પૃ. ૬૮). વૈષ્ણવ એટલ વિષ્ણુના ભક્તોને વૈષ્ણવ કહે છે (પૃ. ૬૮). ભાવેશ બારિયા લખે છે કે “અમારે સૌરાષ્ટ્રમાં એવું કહેવાય કે ‘ટીલૂં લઈને આવ્યો છે કે શું? મતલબ કે તિલક એટલે પેલા બ્રાહ્મણ તિલક કરતા એ. એટલે કે Privileges ની ભાષામાં આવું કહેવાતું”.

આ પણ વાંચોઃ ‘સૈરાટ’ ફિલ્મ જેવી ઘટનાઃ મુસ્લિમ પ્રેમિકાની હત્યા, દલિત પ્રેમી ગુમ

નિમ્ન જ્ઞાતિઓની અટકો વિશે પ્રો. નીલકંઠ લખે છે કે “*ડ લોકોમાં આ અટક હોય તો તેમાં કશું આશ્ચર્યકારક નથી. પરંતુ આ અટક તે કોમ સિવાય અન્ય ગુજરાતી હિન્દુઓમાં પણ મળી આવે છે. આ અટક માટે એમ મનાય છે કે *ડ લોકોની સાથે ધીરધાર કરનારને કદાચ આવું ઉપનામ મળ્યું હોય અથવા એમ પણ બને કે *ડ લોકો ધૂળ ચાળીને તેમાં જે કીમતી વસ્તુઓ મળી આવે તે જે સાહુકારને વેચતા હોય તે સાહુકારને મશ્કરીમાં *ડીનું ઉપનામ મળ્યું હોય. કોઈ વાર માણસનો સ્વભાવ ખરાબ હોય તો તેને *ડ સ્વભાવનો કહેવામાં આવે છે. આવા સ્વભાવના કોઈ માણસ ઉપરથી પણ કુટુંબની અટક પડી ગઈ હોય તેમ બની શકે.” (પાનાં. ૫૪). પ્રો. નીલકંઠ લખે છે કે ધૂળધોયા અટક પણ *ડી અટકની માફક જ પડેલી જણાય છે. ધૂળ ચાળીને અંદરથી કીમતી વસ્તુઓ શોધનાર, એટલે ધૂળધોયા. *ડ લોકો સાથે જે સાહુકાર લોકો પૈસાની લેણદેણ કરતા હશે, તેમની આવી અટક પડી હશે (પાનાં. ૫૪). પ્રો. નીલકંઠ કહે છે કે હલકી ગણાતી કોમોમાં રજપૂત અટકો નજરે ચઢે છે, ત્યાં તે સર્વ લોકો અસલ રજપૂત જાતિના જ હોવા જોઈએ. બીજું તર્ક એવું છે કે સમાજમાં પોતાનો દરજ્જો કાંઈક ઊંચો દર્શાવવાના હેતુથી નીચી અથવા ઊતરતી ગણાતી આ કોમોએ રાજપૂત અટક ગ્રહણ કરી હોય એવું પણ બની શકે. અત્યારના સમાજમાં હરિજનો નીચા ગણાય છે. તેટલા પૂરતું આ રીતે લખાણ છે. કોઈ પણ કોમને હલકી પાડવાનો આ નિબંધમાં લેશમાત્ર પણ આશય નથી (પૃ. ૮૭-૮૮). ‘રૂપેરા’ અટક હરિજન લોકોમાંથી અટક મળી છે. રૂપાજી નામના કોઈ માણસના નામ ઉપરથી ‘રૂપેરા’ અટક પડી હોય એવો સંભવ છે (પૃ. ૯૮). નિમ્ન અટકોની અટકો વિશે ઉપરોક્ત ભાષામાં જે રીતે લખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ગાય ચોરીની શંકામાં દલિત યુવકને જાતિ પૂછી નગ્ન કરી ઢોર માર માર્યો

તેના વિરોધરૂપે ડૉ. મનીષ સોલંકી લેખક અટક ‘નીલકંઠ’ વિશે જણાવે છે કે પ્રો. વિનોદીની નીલકંઠની અટકનું Dissection (અંગ-વિચ્છેદન / સૂક્ષ્મ-પરીક્ષણ) કરીએ તો નીલકંઠ એટલે કે જેનો કાંઠલો નીલો છે તે એવો અર્થ થાય…! Religious Context માં નીલકંઠનો અર્થ શંકર/શિવ ભગવાન થાય કે જેમણે સમુદ્ર-મંથન દરમ્યાન નીકળેલ હળાહળ ઝેર પોતે ગ્રહણ કરીને એ ઝેરને પોતાના ગળામાં (કાંઠલામાં) સ્થિર કરી દીધું (જે Medically-Biologically Impossible છે). આમ કરવાથી એ ઝેરની (આડ કે ઊભી એ ખબર નઈ) અસર હેઠળ એમના ગળાનો રંગ બદલાઈને નીલો થઈ ગયો એટલે એ નીલકંઠ કહેવાયા! પ્રો. વિનોદીની નીલકંઠના કેસમાં આ અટકનું વિશ્લેષણ કરતાં એવું કહી શકાય કે એમની જાતિવાદી માનસિકતાનું વિષ એમણે (Metaphorically) ગળામાંથી ઓક્યું છે એટલે એ નીલકંઠ અટક એમના માટે ઉપયોગમાં લેવામાં આવી છે અને શાબ્દિક અને અલંકારિક એમ બંને રીતે આ અટક એમના માટે સર્વથા યોગ્ય (એટલે કે ચસોચસ બંધબેસતી) છે.

કર્મશીલ રાજુ સોલંકી કહે છે કે ‘વિનોદીનીએ જેન ઓસ્ટિનની પ્રસિદ્ધ નવલકથા પ્રાઈડ અને પ્રેજ્યુડાઈસનો અનુવાદ કરેલો. ‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’ પુસ્તકમાં પોતાની જાતિ માટે પ્રાઈડ અને દલિતો માટે પ્રેજ્યુડાઈસ- ગુજરાતી સાક્ષરોનો એ જ મુદ્રાલેખ રહ્યો. લેખિકા અત્યંત આધાતજનક વિશ્લેષ્ણ કરે છે. છેક 1930માં અમેરિકાની મિસિગન યુનિવર્સિટીમાં સમાજ વિજ્ઞાન અને શિક્ષણમાં માસ્ટર્સ ડિગ્રી કરવા ગયેલા પ્રોફેસર વિનોદીની નીલકંઠ કોઈપણ એંગલથી સમાજશાસ્ત્રી હોય એવું તમને લાગે છે? એમને ગુજરાતનું ગૌરવ ગણીને એમના ઉપર ગર્વ લેવા જેવું છે ખરું? દલિતો માટે Derogatory શબ્દ વાપર્યો છે. આ વાત છે સમાજશાસ્ત્રીની અને એમના સમાજશાસ્ત્રની. આવા બાયસ લોકોનું મહિમા મંડન બંધ કરો. તો જ આમાંથી બહાર નીકળી શકીશું (સોલંકી, ૨૦૨૫).

આ પણ વાંચોઃ દલિત સગીરા પર બ્રાહ્મણ યુવકે રેપ કરી બ્લિડીંગ બંધ ન થતા ઝાડીમાં ફેંકી દીધી

અટકો ક્યારે અટકશે?

અટકો ક્યારે અટકશે? આ પ્રશ્ન અંગે વિચાર કરીએ ત્યારે અક્ષર બિરાદરીમાં અટકો અંગે વિમર્શ કરવાની સાથે-સાથે સમાજમાં અટકો કારણે ઉદ્દભવતી સમસ્યાને વાચા આપી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ છે. કર્મશીલ, ચંદુ મહેરિયા લખે છે કે ‘અટક’ ઓળખ મટીને ઊંચનીચ માટેનું જ્ઞાતિગુમાન કઈ રીતે બની ગઈ? લેખમાં જણાવે છે કે ગુજરાતના અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૨૧ વર્ષના દલિત યુવાનને દરબાર જેવી અટક હોવાના લીધે માર મરવામાં આવ્યો છે. ઇ. સ ૧૮૯૬માં જાપાને કાયદો કરીન લગ્ન પછી પતિ-પત્નીએ એક સરખી અટક રાખવાનું ઠરાવ્યું હતું. પરતું ભારતમાં કહેવાતી ઉચ્ચજ્ઞાતિઓ માટે ગૌરવ, ગુમાન, શૌર્ય, અહમ કે ઉચ્ચતા દર્શાવતી અને દલિતો માટે અપમાન, અનાદર, ધૃણા અને નફરતા જન્માવતી જ્ઞાતિસૂચક અટકો નાબૂદ થાય તે જ્ઞાતિ નાબૂદીની દિશામાં પ્રથમ પગલું બની શકે (મહેરિયા, ૨૦૨૦).

નિમ્ન જ્ઞાતિની અટક અને તેના ખરા ઇતિહાસ વિશે ધમ્મચારી આનંદ શાકય જણાવે છે કે ઇ.સ.ની બારમી સદીના સોલંકી શાસક ભીમદેવ બીજા (૧૧૭૮-૧૨૪૨)ના સમયના તામ્રલેખોના ઉલ્લેખ પ્રમાણે બૌદ્ધો જ્યાં રહેતા હતાં તેના માટે ‘ઢેડવાસન’ શબ્દ પ્રયોજાયેલ છે. બૌદ્ધ શ્રમણ કે અનુયાયીઓને ‘થેર’ કહેવામાં આવે છે. આ થેર શબ્દનું અપભ્રંશ ઢેડ/ઢેઢ છે. ડૉ બાબા સાહેબે તેમના સંશોધિત ગ્રંથ “અસ્પૃશ્યો પૂર્વે કોણ?” મા પુરાવાઓ સાથે સાબિત કર્યું છે કે આજના અસ્પૃશ્યો એ પૂર્વના બૌદ્ધો છે. બૌદ્ધ ધર્મ સામે બ્રાહ્મણોની પ્રતિક્રાંતિના કારણે ગુપ્ત રાજાઓના શાસનકાળમાં ઇ.સ.ની ચોથી સદીથી બૌદ્ધોને અસ્પૃશ્ય બનાવવા મજબૂર કર્યાં. ત્યારબાદ આઠમી સદીમાં શંકરાચાર્યના સમયમાં વધુ ત્રાસદાયક સ્થતિ સર્જાઈ. ત્યારબાદ ગામ બહાર વસવાટ, ગાળામાં હાંડી-પાછળ જાડું અને ગંદા કામો કરવાં મજબૂર ક્યાં. બૌદ્ધ ધર્મમાંથી અસ્પૃશ્ય બનેલાં લોકો પોતાનું જીવન ટકાવવાં એક પશુ કરતાં પણ બદતર જીવન જીવવાં મજબૂર બન્યાં.

આ પણ વાંચોઃ દલિત એન્જિનિયર યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં દાતરડાથી કાપી નાખ્યો

અટક અને જ્ઞાતિ વ્યવસ્થા વિશે ટીકા કરતાં ડૉ. અરવિંદ અરહંત જણાવે છે કે “અટકોની માયાજાળમાં ફસાવવાથી વર્ણાશ્રમ ધર્મના વમળથી છૂટકારો મળી જવાનો નથી. અટકો જાતિ વ્યવસ્થાનો સ્ત્રોત નથી. બાબાસાહેબ આંબેડકર દ્રારા લખાયેલા ૧. ‘અસ્પૃશ્યો કોણ અને અસ્પૃશ્યોનો ઉદ્ભવ, ૨. Castes in India: Their Mechanism, Genesis and Development, ૩. જાતિનો વિનાશ, ૪. પ્રાચીન ભારતમાં ક્રાંતિ અને પ્રતિક્રાંતિ, ૫. હિંદુ ધર્મના કુટપ્રશ્નો આ પાંચ પુસ્તકો વાંચવાથી હું માનુ છું કે હિંદુ ધર્મની માયાજાળ જાતિવાદ અસ્પૃશ્ય બાબતે તમામ જ્ઞાન મળી રહેશે”.

ડૉ. અરહંત જણાવે છે કે હિંદુ ધર્મ જાતિવાદની જનની છે. ટકાઉ પરિણામ માટે ધર્મ પણ બદલો. બાબાસાહેબ બોધિસત્વ કહેવાયા કારણ કે જાતિવાદ નામની સંસ્કૃતિમાંથી પોતે અને સમાજને મુક્ત કર્યો. અટક બદલે ત્યાં સુધી વાંધો નથી પણ આપણા જ લોકોથી પછીથી જાતિ છુપાવતા થઈ જાય છે. આંબેડકર જયંતીની ઉજવણીમાં સામેલ થવાનું તો ઠીક શુભેચ્છા આપવાનું ટાળે છે કારણ કોઈ ઓળખી ના જાય એટલે. આગળ પ્રો. અરવિંદ અરહંત જણાવે છે કે જો શોષકોના ધર્મ સંસ્કૃતિ અને સાહિત્યને શોષિતો અપનાવશે તો શોષિતોની ગુલામી વધુ મજબૂત થશે. જયારે તમે હિદુ ધર્મની જાતિ વ્યવસ્થાનો સ્વીકાર કરો છો ત્યારે તમે યેનકેન પ્રકારે હિંદુ ધર્મ દ્રારા રચિત અસ્પૃશ્યોના માનહાનિ સજાના સાહિત્યને સ્વીકૃતિ આપો છો. જાતિની સ્વીકૃતિ થકી જ અત્યાચારની મુકસ્વીકૃતિ આવી જ જાય છે (અરહંત, ૨૦૨૫).

આ પણ વાંચોઃ જૂનાગઢના કાથરોટામાં દલિત યુવકની જાતિ પૂછી જીવલેણ હુમલો

શહેરોમાં વસવાટ કરતાં દલિતો પોતાની સામાજિક ઓળખ બદલવા ‘અટક’ બદલે છે. જેનાથી રાજ્યના ખાનગી ક્ષેત્રમાં ઘર મેળવવા, નોકરી માટે, શિક્ષણ અને વૈપાર જેવા ક્ષેત્રોમાં પ્રવેશ શક્યો બન્યો છે. પરતું જ્યારે મૂળ ઓળખ બહાર આવે ત્યારે ‘ઊંચ જાતિ’ દ્વારા સામાજિક સંબંધોથી વંચિત કરી દેવામાં આવે છે. અટક બદલવી એ ફક્ત ટૂંકા ગાળાનો તાત્કાલિક લાભ છે. અટક બદલવાથી થતો આર્થિક લાભ થતો હોય પરતું જ્ઞાતિ માળખું બદલી શકાતું નથી. વાસ્તવિક રીતે જોઈએ તો અટક બદલવાથી સુસંગત થવાનો પ્રયાસ કરનારા લોકો માટે એક નૈતિક દ્વંદ્વ (Moral Dilemma) ઊભો કરે છે. અટક બદલવી એ પ્રતિકાત્મક અને વ્યવહારુ વિકલ્પ નથી. અટકના પ્રતિકાત્મક મૂલ્ય (Symbolic Capital) ના કારણે અનેક લોકો અટક બદલવા પ્રેરિત કરે છે (Parmar, 2020).

આ સિવાય કર્મશીલ રાજુભાઈ સોલંકીની ‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’ પુસ્તક વિશેની Facebook પોસ્ટ પર ટીકા કરતાં સ્વરૂપ ધ્રુવ કહે છે કે ‘એ વાતનો પર્દાફાશ થાય છે કે કહેવાતા સુધારકો જ્ઞાતિ વ્યવસ્થાને દૂષણ ન હોતા ગણતા અને તેમની દમનકારી તાસીરમાં માનતા પણ હતા. શાના સુધારો?! એમ જુઓ તો ડૉ. આંબેડકર જ પહેલકર્તા કહેવાય, જેમણે તાર્કિક રીતે (Logically) આખી સમસ્યાનું વિશ્લેષ્ણ કર્યું હોય. સંતો ભક્તો દ્રષ્ટા હતા પણ આસ્થાવાન પણ ખરા. ખેર, સુધારક કુટુંબમાં જન્મેલા આ લેખિકાનું ઊંડાઈ મપાઈ જાય છે’ (ધ્રુવ, ૨૦૨૫).

આ પણ વાંચોઃ કાવડયાત્રા જોવા ગયેલા બે દલિત યુવકોને થાંભલા સાથે બાંધી માર્યા

છેલ્લે ડૉ. અરુણ વાઘેલાના મતે ઇતિહાસનું આલેખન અદ્વરતાલ કે નિરાધાર રીતે થતું નથી. પણ આધારભૂત સાધનોની મદદથી ઇતિહાસ લખાય છે. ઇતિહાસલેખન માટે માહિતીસ્ત્રોતો અગત્યની ભૂમિકા ભજવે છે (વાઘેલા, ૨૦૨૫). પ્રસ્તુત પુસ્તકમાં ઐતિહાસિક સંશોધન કરતાં વધારે અટકની પરિભાષાની સમજ આપેલ છે. જેમાં સંદર્ભસૂચિનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવ્યો હોત, તો કદાચ વધારે નક્કર માહિતી મળી હોત. ‘અટક’ વિશેના અભ્યાસમાં સમાજશાસ્ત્રીય અભિગમનો પદ્ધતિસરના ઉપયોગનો અભાવ જોવા મળે છે. સમાજમાં અટકનું વિશ્લેષ્ણ એક સામાજિક સમસ્યા તરીકે કરીશું તો જ ‘અટકો’ની આડઅસર અટકશે!

ડૉ. રાજેશ લકુમ, સમાજશાસ્ત્રી, અમદાવાદ

(ગ્રંથ સમીક્ષા: નીલકંઠ, વિનોદિની. (૧૯૪૨). ગુજરાતી અટકોનો ઇતિહાસ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ.)

સંદર્ભ સૂચિ:
1. જાની, ગૌરાંગ. (૨૦૨૩, જૂન ૨૧). ગુજરાતી અટકોના સૌપ્રથમ સંશોધક: વિનોદીની નીલકંઠ. દીવાદાંડી કૉલમ, ફૂલછાબ, રાજકોટ.
2. નીલકંઠ, વિનોદિની. (૧૯૪૨). ગુજરાતી અટકોનો ઇતિહાસ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ.
3. મહેરિયા, ચંદુ. (૨૦૨૦, ડિસેમ્બર ૧૬). ‘અટક’ ઓળખ મટીને ઊંચનીચ માટેનું જ્ઞાતિગુમાન કઈ રીતે બની ગઈ? BBC ગુજરાતી, ઉપલબ્ધ:[https://www.bbc.com/gujarati/india-55288593]
4. Parmar, R. (2020). Transacting caste in modern times: Changing social identity through surnames in urban Gujarat, Contemporary Voice of Dalit. Sage Publications.
5. સોલંકી, રાજુ. (૨૦૨૫, ઓગસ્ટ ૧). વિનોદિની નીલકંઠ – પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડાઇસ, ફેસબુક પોસ્ટ.
6. વાઘેલા, અરુણ. (૨૦૨૫). ભારતમાં શિક્ષણના ઇતિહાસલેખન માટેનાં સાધનો. સંપા. વાઘેલા, બૌદ્ધ અને ચૌધરી, ભારતમાં શિક્ષણનો ઇતિહાસ (પ્રાચીનયુગથી અર્વાચીન યુગ સુધી). ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ.

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ડૉ કે એસ પંચાલ 3/એ/21 દશેરા કોલોની સોનગઢ તાપી
ડૉ કે એસ પંચાલ 3/એ/21 દશેરા કોલોની સોનગઢ તાપી
3 months ago

ખૂબ જ સરસ અને સરળ ભાષા મા માહિતી આપી છે……. જે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને અનેકાનેક શુભેચ્છાઓ 🌹🌹🌹🌹🌹🌹🌹

Narsinhbhai
Narsinhbhai
3 months ago

*સૌને સપ્રેમ જયભીમ સાથે ખુબ ખુબ ધન્યવાદ સાધુવાદ પાઠવું છું. ખુદ વાંચો અને બીજાને પણ વંચાવો!
આ માહિતી યુગનું વાસ્તવિકતા સાથે સન્માન કરવું જોઈએ જેથી કરીને યુવાધન પણ તેની વાંચન વૃત્તિમાં વિશેષ જ્ઞાનનો સ્ત્રોત વધારીને જીવનને તેજોમય રાખી શકશે એમાં કોઈ સંદેહ રહેતો નથી. ભવંતુ સબ મંગલમ્!

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x