હિન્દી ફિલ્મોમાં હીરોની જાતિ હંમેશા ‘સવર્ણ’ જ કેમ હોય છે?

હિન્દી ફિલ્મોમાં હીરો-હીરોઈન હંમેશા કથિત સવર્ણ જાતિના જ હોય છે. આવું કેમ? AIR ના નિવૃત્ત અધિકારી ભરત દેવમણી પાસેથી સમજો.
caste of the hero

ભરત દેવમણી

ભારતીય સિનેમા જગત એટલે કે બોલીવૂડમાં વર્ષોથી ભારતમાં વસતાં લોકોની સંસ્કૃતિ, ભાષા, રહેણીકરણી , સુખ-દુઃખ, સંઘર્ષ, ઇતિહાસ,વગેરે વિષયોને લગતી સંખ્યાબંધ ફિલ્મો બનતી રહી છે. ખાસ કરીને બોલીવુડે ઇતિહાસ, ધર્મ, જાતિ, દેશ પ્રેમ, રહસ્ય, પ્રેમ, વેર જેવા માનવરસનાં વિવિધ વિષયો પર ઢગલાબંધ ફિલ્મો આપી છે, એક એકથી ચઢિયાતાં કલાકારો, લેખકો, નિર્દેશકો, નિર્માતાઓ, ગીતકારો, સંગીતકારો અને કેમેરામેન આપ્યાં છે. ભારતીય ફિલ્મો ભારતીયોના માનસ પર રાજ કરતી આવી છે. અને એટલે જ દુનિયામાં સૌથી વધારે ફિલ્મો ભારતમાં બને છે.

કહેવાય છે કે ફિલ્મો જે તે સમાજનું પ્રતિબિંબ હોય છે. ભારતીય સિનેમા ખાસ કરીને બોલીવુડમાં બનતી ફિલ્મોમાં ભારતીય જનમાનસ, સંસ્કૃતિ અને ઇતિહાસને જુદા જુદા વિષય વસ્તુ તરીકે લેવાયા છે. પરંતુ બોલીવુડની ચમકદમક પાછળ ઘણાં સત્યો છુપાયેલાં છે જેને હંમેશા અવગણવામાં આવ્યાં છે. આવા છુપાયેલાં સત્યો તો ઘણા છે પણ એક સત્ય બહુ ઓછા લોકો જોઈ શક્યાં છે. અને તે સત્ય છે – ‘હિન્દી ફિલ્મોનાં કથાનકોમાં નાયક અને નાયિકાની જાતિ’. હિન્દી ફિલ્મોના હીરો અને હિરોઈનની ભૂમિકાઓ કહેવાતી સવર્ણ જાતિઓના પાત્રોને જ ફાળે આવી છે. એકલદોકલ ક્યાંક કોઈ પછાત જાતિનાં  નાયક કે નાયિકા દેખાય છે ખરાં પણ હિન્દી ફિલ્મોની વણઝાર જોઈએ તો લગભગ બધા જ મુખ્ય પાત્રોની જાતિ કહેવાતા સવર્ણ સમાજની જ રહેલી છે.

નાયક-નાયિકાની જાતિ દર્શકો પર પ્રભાવ છોડે છે

ઘણાં ને થતું હશે કે આ તો કોઈ વિષય  છે ચર્ચા કરવાનો? હા, આ વિષય એટલો જ મહત્વનો છે જેટલો રોજબરોજની જિંદગીમાં આચરવામાં આવતો જાતિવાદ છે. ફિલ્મનો નાયક દર્શકોને દોરે છે, અચંબિત કરે છે, આગેવાની કરે છે. તેનામાં સંયમ, સાહસ છે. સંઘર્ષ સામે લડવાની અપાર શક્તિ, પ્રેમાળપણું  એવાં બધા જ ગુણો હોય છે. તે સમાજનું નેતૃત્વ કરતો હોય છે. તેના સંઘર્ષોથી દર્શક દુઃખી થાય છે અને તેના વિજયથી રાજી થાય છે. એટલે હીરો એ ફિલ્મમાં આવતું, દર્શકોને ગમતું સૌથી પ્રિય પાત્ર છે. હવે આ નાયક જયારે કોઈ વિશેષ જાતિની ઓળખ લઈને આવે છે ત્યારે જાણે કે તે તેની જાતિનું પ્રતિનિધિત્વ કરતો હોય તેવી છાપ ઉભી થાય છે, જે તે જાતિને એ પાત્ર તેની જાતિના હોવાનું ગૌરવ આપે છે એટલે નાયક અને નાયિકાની જાતિ પણ દર્શકો પર એટલી જ પ્રભાવી અસર છોડે છે.

આ પણ વાંચો:  મારી માં મને કહેતી, “તું તારી જાતિ વિશે કંઈ ન બોલતો..”

લેખકો-નિર્દેશકો-નિર્માતાઓ કથિત સવર્ણો હોવાની અસર

ખાસ તો હીરોની જાતિના લોકો તેને પોતાની જાતિનો નાયક સમજીને ગૌરવની લાગણી અનુભવે છે. દા. ત. બાજીરાવ પેશ્વા, જાટ, મંગલ પાંડે, ફૂલે વગેરે. આવી ફિલ્મો મનોરંજક હોય તો દર્શકો તો આનંદ લે છે, પણ જે તે ફિલ્મના નાયકની જાતિવાળા લોકોને આનંદ થાય છે અને તેને વધુ પ્રોત્સાહિત કરે છે. સતત એક જ સમાજ (દા.ત. સવર્ણ) નાયકોની તેમની જાતિના નામના પાત્રોની  ફિલ્મો અવિરત આવે ત્યારે કેટલીકવાર હીરો પ્રામાણિક, વિશિષ્ટ સિદ્ધિવાળો, નીડર હોય તો ધીરે ધીરે પ્રેક્ષકોમાં પણ એવી અસર પહોંચે છે કે અમુક જાતિનાં લોકો આવા હોય છે. હિન્દી ફિલ્મોમાં હીરો અને હિરોઈનની જાતિ મોટાભાગે કહેવાતી સવર્ણ જાતિ હોય છે. તેનું મહત્વનું કારણ તે ફિલ્મનાં સવર્ણ લેખકો, નિર્દેશકો અને નિર્માતાઓ છે.

caste of the hero

બોલીવૂડમાં લગભગ બધા જ નિર્માતાઓ, નિર્દેશકો અને લેખકો સવર્ણ જાતિમાંથી આવે છે. એટલે ઊંડે સુધી રહેલો જાતિવાદ પણ ફિલ્મ નિર્માણ, દિગ્દર્શન અને લેખનમાં દેખાય છે. ગળથૂંથીમાં જ હોવાથી ઘણીવાર તેમને તે બહુ સ્વાભાવિક લાગે છે અને તેનો તેમને અહેસાસ પણ હોતો નથી. આવા લેખકો, નિર્માતાઓ અને દિગ્દર્શકોની ફિલ્મો અને તેમનો દૃષ્ટિકોણ મોટાભાગે તેમની સામાજિક અને સાંસ્કૃતિક પૃષ્ટભૂમિને પ્રતિબિંબિત કરે છે, જે દલિત અથવા પછાત જાતિઓના અનુભવોથી અજાણ હોય છે.

યશ ચોપડાથી લઈને અયાન મુખરજી સુધીની યાદી જુઓ

બોલીવૂડના કેટલાક જાણીતાં અને સ્થાપિત નિર્માતા-નિર્દેશકો- લેખકો જેઓ કહેવાતા સવર્ણ સમાજ માંથી આવે છે તેની જોઈએઃ યશ ચોપડા, આદિત્ય ચોપડા, સુભાષ ઘાઈ, કરણ જોહર, અભિષેક ચૌબે, અનુભવ સિંહા, અતુલ અગ્નિહોત્રી, મહેશ ભટ્ટ, સુરજ બડજાત્યા, મનીષ શર્મા, અયાન મુખર્જી, રોહિત શેટ્ટી, વિજય કૃષ્ણ આચાર્ય, રાજકુમાર હીરાની, પ્રિયદર્શન, સંજય લીલા ભણશાળી, નીરજ પાંડે, અનુરાગ બાસુ, એકતા કપૂર, વિશાલ ભારદ્વાજ, અશ્વિન તિવારી, સુધીર મિશ્રા, વિશ્વાસ પંડ્યા, રણજિત તિવારી વગેરે.

બોલીવૂડની ફિલ્મોમાં મુખ્ય પાત્રોની જાતિ મોટાભાગે કહેવાતા સવર્ણ (બ્રાહ્મણ, ક્ષત્રિય, કે વૈશ્ય) અથવા અજ્ઞાત હોય છે. અજ્ઞાત એટલે કે જેમાં જાતિનો ઉલ્લેખ ટાળવામાં આવે છે પરંતુ પાત્રનું નામ, વ્યહવાર અને સામાજિક પૃષ્ટભૂમિ ઉચ્ચ જાતિની હોવાનું જણાયું છે. દા.ત, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'(1995)માં રાજ મલ્હોત્રા (શાહરુખ ખાન) અને ‘હમ આપકે હૈ કૌન’ (1994) મન પ્રેમનાથ (સલમાન ખાન).

આવી જ અન્ય કેટલીક ફિલ્મો અને નાયક-નાયિકાઓના નામ અને જાતિ પર નજર કરીએ.

ફિલ્મનું નામ                            મુખ્ય પાત્ર (નાયક/નાયિકા)

  1. નો એન્ટ્રી (2005) કિશન મલ્હોત્રા
  2. બંટી ઔર બબલી (2005) રાકેશ ત્રિવેદી
  3. લગે રહો મુન્નાભાઈ (2006) મુરલી પ્રસાદ શર્મા
  4. ધૂમ-2 (2006) જય દીક્ષિત
  5. ઓમ શાંતિ ઓમ (2007)                     ઓમપ્રકાશ માખીજા
  6. ગઝની (2008) સંજય સિંઘાનિયા
  7. બોડી ગાર્ડ (2010) લવલી સિંઘ
  8. બજરંગી ભાઈજાન (2015) પવન કુમાર ચતુર્વેદી
  9. બ્રહ્માસ્ત્ર (2022) શિવા ત્રિપાઠી
  10. તનુ વેડ્સ મનુ (2011) મનુ શર્મા
  11. રાંઝણા (2013) કુંદન શંકર (બ્રાહ્મણ)
  12. બરેલી કી બરફી (2017) ચિરાગ દૂબે
  13. બદ્રીનાથ કી દુલ્હનિયા (2017) બદ્રીનાથ બંસલ, વૈદેહી ત્રિવેદી
  14. ભૈયાજી સુપરહિટ (2018) લાલભાઈ સાહેબ દૂબે
  15. બત્તી ગુલ મીટર ચાલુ (2018) સુશીલ કુમાર પંત
  16. દિલ (1990) રાજા શર્મા
  17. દિલ તો પાગલ હૈ (1990) રાહુલ મહેરા
  18. દેવદાસ (2002) દેવદાસ મુખર્જી
  19. એલઓસી કારગીલ લેફ્ટ. મનોજ કુમાર પાંડે
  20. મૈ હું ના (2004) મેજર રામ પ્રસાદ શર્મા
  21. વિવાહ (2016) પ્રેમ કુમાર શર્મા
  22. ગુરુ (2007) ગુરુકાન્ત દેસાઈ
  23. દબંગ (2010) ચુલબુલ પાંડે
  24. RA .One (2011) શેખર સુબ્રમણ્યમ
  25. બરફી (2012) ઝિલમિલ ચેટર્જી
  26. 2 સ્ટેટ્સ (2014) ક્રિશ મલ્હોત્રા, અનન્યા સ્વામીનાથન
  27. હોલી ડે (2014) મેજર વિરાટ બક્ષી
  28. જય હો (2014) જય અગ્નિહોત્રી
  29. ગબ્બર ઇઝ બેક (2015) આદિત્ય સિંઘ
  30. જોલી LLB જજ સુંદરલાલ ત્રિપાઠી
  31. જોલી LLB 2 વકીલ જગદીશ મિશ્રા, જજ સુંદલલાલ ત્રિપાઠી
  32. ટોયલેટ એક પ્રેમ કથા (2017) કેશવ ત્રિપાઠી
OTT પ્લેટફોર્મ પરની વેબ સિરીઝના પાત્રોના નામ અને તેમની જાતિ
  1. પંચાયતઃ(એમેઝોન પ્રાઈમ) સચિવ- અભિષેક ત્રિપાઠી, પ્રધાન-બ્રિજભૂષણ દૂબે, સહાયક-વિકાસ શુક્લા, ઉપ પ્રધાન-પ્રહલાદ પાંડે, ડિરેક્ટર – દીપક કુમાર મિશ્રા
  2. ગુલ્લક (sony LIV) સંતોષ મિશ્રા, શાંતિ મિશ્રા, નિર્દેશક- શ્રેયાંશ પાંડે
  3. ક્રિમીનલ જસ્ટીસ (ડિઝની હોટ સ્ટાર) માધવ મિશ્રા
  4. દિલ્હી ક્રાઇમ (નેટફ્લિક્સ) વાર્તિક ચતુર્વેદી , નિર્દેશક- રિચા મહેતા
  5. આર્યા (ડિઝની હોટ સ્ટાર) આર્યા સારસ્વત
  6. the family man (એમેઝોન પ્રાઈમ) શ્રીકાન્ત તિવારી
  7. મિરઝાપુર – ગુડ્ડ પંડિત, કાલીન ભૈયા ત્રિપાઠી

આ પણ વાંચો:  બોલીવૂડમાં કોણ ક્યાં બેસશે, શું ખાશે તે જાતિ મુજબ નક્કી થાય છે…

આ યાદીમાં માત્ર મુખ્ય અને જાણિતી ફિલ્મો અને સિરિયલ્સનું છે. ભારતમાં ફિલ્મોની શરૂઆતથી માંડીને અત્યાર સુધીની ફિલ્મો અને બાદમાં આવેલી સિરિયલ્સ (ટીવી સાથે)નો  અભ્યાસ કરવામાં આવે તો સ્પષ્ટ દેખાશે કે ક્યાં સમાજનું સૌથી વધારે પ્રભુત્વ છે. દલીલ એવી થઇ શકે કે જે ફિલ્મ બનાવે તેનો અધિકાર છે કે તે કયું નામ રાખે? હા, વાત તો સાચી પણ મૂળ પ્રશ્ન સતત એકધારી રીતે  સમાજનાં સૌથી મોટા ભાગને અવગણવામાં આવે તેનો છે. આ કોઈ જોગાનુજોગ નથી પણ માનસિકતાનો પ્રશ્ન છે.

દર્શકોનો 80 ટકાથી વધુ ભાગ જયારે અવગણાયેલાં સમાજનો હોય અને તેનાથી જે તે નિર્માતાને આવક મળતી હોય તો તેને કઈ રીતે અવગણી શકાય? તો પછી નિર્માતાએ તેમની ફિલ્મ ફક્ત કહેવાતા સવર્ણ સમાજ માટે જ છે તેમ જણાવવું જોઈએ. જે તેમના માટે શક્ય નથી.

85 ટકા વસ્તી ધરાવતા સમાજનું નેતૃત્વ 15 ટકા વસ્તી ધરાવતા નાયકો કરે છે

હિન્દી ફિલ્મોમાં દલિત કે પછાત સમાજનો હીરો ભાગ્યે જ જોવા મળે છે. અને જો હોય તો તેની વાર્તા, ગરીબી, શોષણ અને સંઘર્ષની આસપાસ ફરે છે. અન્ય સવર્ણ હીરોની વાર્તાની જેમ મોટાભાગે તેની લાઈફ સ્ટાઇલ જોવા મળતી નથી. જે દેશની લગભગ 85 ટકા વસ્તી દલિતો, પછાત વર્ગો અને મુસ્લિમ લઘુમતીઓની હોય તેનો હીરો હંમેશા 15 ટકા ધરાવતી કહેવાતી સવર્ણ જાતિઓનો જ હોય છે. એટલે કે 85 ટકા વસ્તી ધરાવતા  સમાજની  ફિલ્મોનું  નેતૃત્વ 15 ટકા વસ્તી ધરાવતી જાતિઓનો નાયક કરે છે.

બોલીવૂડમાં બ્રાહ્મણ પાત્રોનું એકહથ્થુ સાશન

ઘણાંને થતું હશે કે આવી બાબતોમાં જાતિ શું જોવાની હોય? પણ સાવ એવું નથી. ફિલ્મો ભારતીય સમાજમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સતત એકધારી રીતે જયારે નાયકની ઓળખ કોઈ ચોક્કસ વર્ગની જાતિ દ્વારા કરાતી હોય ત્યારે તે આડકતરી રીતે બહુજન સમાજનાં માનસમાં અસર ઉભી કરે છે અને ધીરે ધીરે એવું સ્થાપિત થઇ જાય છે કે હીરો તો આ જ સમાજનો હોય. અને આ લોકો જ હીરો બનવા  સર્જાયા છે. ભારતીય સાહિત્યમાં નજર નાંખીયે તો આ પરંપરા ઘણાં સમયથી રહી છે. ગુજરાતી સાહિત્યની વાત કરીયે તો પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્ય અને આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રારંભકાળ સુધીમાં નાયક તરીકે કહેવાતી ઉચ્ચ જાતિના નાયક- નાયિકાનો દબદબો રહ્યો છે.

એમ જણાય છે કે બોલીવુડમાં બ્રાહ્મણ પાત્રો મુખ્ય ભૂમિકાઓમાં પ્રભુત્વ ધરાવતાં આવ્યાં છે. The Wire  નોંધે છે કે હીરોના નામ શર્મા, ત્રિવેદી, દૂબે કે શુક્લા હોય છે. પરંતુ યાદવ, પાસવાન,અથવા જાદવ કે જાટવ જેવાં દલિત/ઓબીસી નામો ભાગે જ જોવા મળે છે. આ જાતિઓના પાત્રો મોટા ભાગે વિલન, ગૌણ કે શોષણનો શિકાર તરીકે દર્શાવાય છે. યાદવ પોલીસ વિભાગમાં ડીજી તરીકે જોવા નહિ મળે, અને જો મળે તો ભ્રષ્ટ કે નેગેટિવ પાત્રમાં જોવા મળશે. એ જ રીતે શુક્લ કે દુબે પોલીસ વિભાગના વડા  હશે પણ એક કેરેકટર તરીકે હશે જે વાર્તાનું પૂરક હોય.

આ પણ વાંચો: પા. રંજિથની ફિલ્મ Thangalaan ને ગુજરાતમાં કેમ રિલીઝ થવા દેવાતી નથી?

ધ હિન્દુના અભ્યાસમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા

The Hindu નાં 2013-14 નાં અભ્યાસ મુજબ વર્ષ 2014 માં ફક્ત બે જ ફિલ્મોમાં પછાત જાતિઓનાં મુખ્ય પાત્રો હતાં એટલે કે SC/ST/OBC નું મુખ્ય પાત્ર તરીકેનું ઓન સ્ક્રીન નિરૂપણ માત્ર 1% જ હતું. દા. ત. મસાન (2015) માં  દીપક કુમાર (દલિત) એક મુખ્ય પાત્ર છે જે ઉચ્ચ જાતિની છોકરીના પ્રેમમાં પડે છે. જો કે આ ફિલ્મમાં  પણ મુખ્ય પાત્ર વિવશ અને અસહાય બતાવવામાં આવ્યું છે. હિન્દી ફિલ્મ આર્ટિકલ 15 (2019) દલિત મુદ્દાઓ તો ઉઠાવે છે પરંતું તેનો મુખ્ય નાયક અયન રંજન એક બ્રાહ્મણ છે. વાસ્તવમાં સમાજમાં આવા નાયકો ક્યાંય જોવા મળતાં નથી. નાગરાજ મંજુલે (દલિત) દ્વારા નિર્દેશિત ઝુંડ (2022) દલિત ઝુપડપટ્ટીનાં બાળકોની ફૂટબોલની ટિમ પર કેન્દ્રિત છે. પરંતું તેમાં મુખ્ય નાયક હેમંત બરસે (અમિતાભ બચ્ચન) બ્રાહ્મણ અગ્રણી નેરેટિવને અનુસરે છે.

બોલીવુડની ફિલ્મોમાં દલિત/આદિવાસી/ઓબીસી પાત્રો મોટાભાગે  ગૌણ ભૂમિકાઓમાં હોય છે. (નોકર, ગરીબ, ગુનેગાર, કોન્સ્ટેબલ વગેરે) અને ઉચ્ચ જાતિઓના નાયકોની તુલનામાં તેમને ઓછા શક્તિશાળી બતાવાય છે. લગાન(2001) માં ગૌણ પાત્ર કચરાની વેદના દર્શાવાઈ છે પણ મુખ્ય નાયક ભુવન (આમિર ખાન) ઉચ્ચ જાતિનું પ્રતિનિધિત્વ કરે છે.

ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં ચોક્કસ જાતિના લોકોનું વર્ચસ્વ

આપણી સામાજિક માનસિકતાને લીધે એ સાચું છે કે SC-ST-OBC કેન્દ્રિત ફિલ્મને ઓછું નાણાકીય સમર્થન મળે છે. કારણ કે નિર્માતાઓ તેને ‘બજારમાં ન ચાલનારી’ ફિલ્મો ગણે છે. અને આ સાચું પણ છે. કારણ કે મોટા બજેટની ફિલ્મો મોટા શહેરોમાં રિલીઝ થતી હોય છે અને તેની ટિકિટોનાં દર જોતાં  તેને મોટા ભાગે પૈસાદાર કે ઉચ્ચ મધ્યમ વર્ગ વધુ નિહાળે છે. એટલે નિર્માતાઓને એવા પ્રયોગો કરવા ધંધાની દ્રષ્ટિએ કદાચ નહિ પરવડતાં હોય. આ ઉપરાંત સામાજિક માનસિકતાને લીધે પણ નિર્માતાઓ દલિત/આદિવાસી/ઓબીસી ના નાયકોને અવગણે છે. જો કે, સૌથી મોટું કારણ તો ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો અને લેખકોમાં લગભગ 99 ટકા વર્ચસ્વ કહેવાતા સવર્ણોનું છે એટલે કહેવાતી નીચી જાતિનાં નાયકો ન હોય તે સ્વાભાવિક છે.

દક્ષિણ ભારતની ફિલ્મોમાં દલિત, ઓબીસી, આદિવાસી પાત્રો

જો કે દલિત, આદિવાસી કે ઓબીસી નાયકો ધરાવતી ફિલ્મો સફળ નથી થતી તેવું જરાય નથી. દક્ષિણ ભારતની, ખાસ કરીને તમિળ ભાષાની ફિલ્મો આવા નાયકોને લઈને બનાવાઈ છે અને સુપર ડુપર રહી છે. નિર્દેશક પા.રંજીત  દ્વારા બનાવાયેલ મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે. તેમની ફિલ્મોનો હીરો દલિત રહ્યો છે છતાં પણ તેમની ફિલ્મોએ રેકોર્ડ બ્રેક બિઝનેસ કર્યો છે. તેમની ફિલ્મોની વાત કરીયે તો વર્ષ 2012 માં આવેલી ‘અત્તાકાથી’ નો નાયક દિનાકર એક દલિત યુવાન છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો એવો બિઝનેસ કર્યો હતો. વર્ષ 2014 માં તેમની અન્ય ફિલ્મ ‘મદ્રાસ’ માં પણ કાર્થિ નામનો યુવાન દલિત નાયક છે જયારે વિલન તરીકે અપર કાસ્ટનો અરબુ છે. આ રાજકીય એક્શન ડ્રામામાં ફિલ્મે પણ નોંધપાત્ર દેખાવ કર્યો હતો અને સુપરહીટ રહી હતી.

પા.રંજિથ, નાગરાજ મંજુળે, મારી સેલ્વારાજ, વેટ્રી મારનની અલાયદી દુનિયા

પા. રંજીતની વર્ષ 2016 માં આવેલી ‘કબાલી’ જેમાં સુપરસ્ટાર રજનીકાન્તે કબાલેશ્વરન નામના દલિત નેતાનો રોલ કર્યો હતો. તેમાં પણ ટોની લી નામનો ઉચ્ચ જાતિનો વિલન હતો. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તેમની અન્ય સફળ ફિલ્મોની વાત કરીએ તો ‘કાલા ‘ (2018) જેમાં રજનીકાંત દલિત લીડર બન્યાં છે, જયારે વિલન હરિ દાદા ઉચ્ચ વર્ણમાંથી આવે છે. વર્ષ 2021 માં રિલીઝ થયેલી ‘ સરપટ્ટા પેરામ્બરાઈ’ નો હીરો કાબિલન એક દલિત બોક્સર છે જયારે વિલન રંગન અપર કાસ્ટનો છે. આ ફિલ્મ OTT હિટ ગણવામાં આવે છે.

caste of the hero

અન્ય દલિત ફિલ્મ સર્જકોમાં નીરજ ઘાઈવાન (મસાન), મારી સેલ્વારાજ (પેરિયેરમ પેરૂમલ અને કર્ણન), નાગરાજ મંજુલે (સૈરાટ, ઝુંડ, ફેન્ડ્રી) ગણાવી શકાય જેમની મોટાભાગની ફિલ્મોનો હીરો દલિત રહ્યો છે. અને આ ફિલ્મોએ નોંધનીય સફળતા પણ પ્રાપ્ત કરી છે.

દિગ્ગજ ગીતકાર શૈલેન્દ્રએ દલિત હોવાથી ઘણું વેઠવું પડ્યું

હિન્દી ફિલ્મોનાં જાણીતાં ગીતકાર શૈલેન્દ્ર (શંકર શૈલેન્દ્ર)એ પણ દલિત હોવાના લીધે બોલીવુડમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ વખતનાં ફિલ્મફેર એવૉર્ડ વિજેતા અને ‘જીના  યહાં મરના યહાં’  જેવા જીવનલક્ષી ગીતો આપનાર શૈલેન્દ્રની પાછળની જિંદગી ઘણી કષ્ટદાયક રહી હતી. આટલા મેધાવી ગીતકાર હોવા છતાં બોલીવુડે તેમની કદર નહોતી કરી.

caste of the hero

‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’ જેવું રોમેન્ટિક ગીત લખનાર શૈલેન્દ્રએ તેમની કારકિર્દીનાં 17 વર્ષોમાં 900 જેટલાં ગીતો લખ્યા. તેમણે રાજકપૂરની મોટાભાગની ફિલ્મોનાં ગીતો લખ્યા હતાં. શૈલેન્દ્રએ વર્ષ 1966 માં ‘તીસરી કસમ’ નામની ફિલ્મ બનાવેલી. આ ફિલ્મનાં નિર્માણને લીધે તેમના પર ભારે દેવું થઇ ગયેલું. એ વખતે તેમની ખૂબ જ  નજીકના બોલીવુડનાં કહેવાતાં મિત્રોએ તેમની મદદ નહોતી કરી. આખરે દુઃખી અવસ્થામાં તેમનું નિધન થયું.

આ પણ વાંચો: તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?

તેમના મરણ  બાદ ‘તીસરી કસમ’ ને મોસ્કો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. પરંતુ આ સફળતા જોવા તેઓ હાજર નહોતા. ‘ચલત મુસાફિર’, સજનવા બૈરી હો ગયે હમાર’, ‘પાન ખાયે સૈયા હમાર’, અને ‘દુનિયા બનાનેવાલે ક્યાં તેરે મન મેં સમાઈ, કાહેકો દુનિયા બનાઈ’ જેવા સુપરહિટ ગીતોનાં રચયિતા શૈલેન્દ્રની તેમની જાતિને લીધે મેઈન સ્ટ્રીમ મીડિયા અને બોલીવુડનાં સ્થાપિત હિતોએ સંપૂર્ણ અવગણના કરી છે.

‘આર્ટિકલ 15’નો વિરોધ કેમ ન થયો અને ‘ફૂલે’નો થયો?

‘આર્ટિકલ 15’ અને ‘ફૂલે’ ફિલ્મોનાં નિર્માતાઓ કહેવાતાં સવર્ણ સમાજનાં છે છતાં ‘આર્ટિકલ 15’ ની સરખામણીમાં ‘ફૂલે’ ફિલ્મને કહેવાતા સવર્ણોએ વધાવી નહોતી. તેનું મુખ્ય કારણ આ લખનારને એ લાગે છે કે ‘આર્ટિકલ 15’ માં બ્રાહ્મણ હીરો હતો જે દલિતોનાં ઉત્થાન માટે લડે છે જયારે ‘ફૂલે’ માં એક ઓબીસી (જ્યોતિબા ફૂલે) ની હીરોની ભૂમિકા હતી અને વિલન કહેવાતો સવર્ણ સમાજ હતો. જો કે, ‘ફૂલે’ ને ગુજરાતના દલિતો સહિત સમગ્ર ભારતનાં દલિતોએ આવકારી હતી.

caste of the hero

વિવાદો વચ્ચે પણ ‘ફૂલે’ નાં આગવા શૉ દલિત સમાજે ગુજરાતભરમાં યોજ્યાં હતાં. (ઓબીસી સમાજનો હીરો હોવા છતાં ઓબીસી સમાજ આ ફિલ્મ પ્રત્યે ઉદાસીન રહ્યો એ પણ નોંધવું રહયું). ભૂતકાળમાં ‘તમે કેવા?’ ( નિર્દેશક ડો. કે.આર. દેવમણિ ) જેવી દલિત વિષય વસ્તુ પર આધારિત ગુજરાતી ફિલ્મના વિશેષ શો દલિત અગ્રણીઓ  દ્વારા યોજાયા હતાં અને સ્વાભાવિક રીતે જ ગુજરાતનાં કહેવાતાં મેઈન સ્ટ્રીમ મીડિયાએ તેની નોંધ પણ નહોતી લીધી.

સમય જતા પરિસ્થિતિ બદલાશે ખરા?

જે લોકો એમ કહે છે કે સમાજમાં હવે જાતિવાદ રહ્યો નથી, તેઓ શાહમૃગની જેમ વર્તે છે. એક બહુજન નેતાએ કહ્યું હતું કે કોઈપણ ક્ષેત્રમાં રહેલો જાતિવાદ હું સાબિત કરી શકું તેમ છું. ફિલ્મો માત્ર મનોરંજન નથી, ખાસ કરીને ભારતીય ફિલ્મોએ વિચારસરણી અને સંદેશ પણ લોકો સુધી પહોંચાડ્યા છે. અહીંની પ્રજા ફિલ્મી નાયકોની ચાહક છે અને તેમની રહેણીકરણીનું અનુકરણ કરે છે, આથી ફિલ્મ જેવા જાહેર માધ્યમની અસરોને અવગણી શકાય નહીં. યુવાનો ફિલ્મોની ઐતિહાસિક કથાને સાચો ઇતિહાસ માની લે છે. એટલે જ, પોતાના અનુકૂળ ઇતિહાસ દર્શાવીને નવી પેઢીમાં ચોક્કસ વિચારધારાનું નિરૂપણ કરવાની પ્રવૃત્તિ ફિલ્મો અને સોશિયલ મીડિયા દ્વારા ચાલી રહી છે. પહેલાં પ્રચલિત કથાવસ્તુ પર ફિલ્મો બનતી, પરંતુ આજે પૂર્વગ્રહો અને વિચારધારા સ્થાપિત કરવા આયોજનપૂર્વક ફિલ્મો બનાવવામાં આવી રહી છે. એવું નથી કે હિન્દી ફિલ્મો અને સિરિયલોના લેખકો અને નિર્દેશકો આ સત્યથી અજાણ છે, પરંતુ તેઓ આ બાબતને ગંભીરતાથી લેતા નથી.

અમદાવાદમાં યોજાયેલ ‘સિનેમા ઔર ઓટીટી- એક આઈના કઈ ચહેરે’ કાર્યક્રમમાં આ લખનારે ફિલ્મ રાઇટર અને કલાકાર અતુલ તિવારી (બોસ-ધ ફાઇટર ફિલ્મના લેખક અને ‘થ્રી ઈડિયટ્સ’માં ચતુરની સ્પીચ વખતે મંત્રીના પાત્રમાં હતા તે)ને જાહેરમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ફિલ્મોમાં હીરોના પાત્રની જાતિ હંમેશાં ઉચ્ચ વર્ણની જ કેમ હોય છે? ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે દેશમાં જાતિવાદ એક કડવું સત્ય છે, પરંતુ સમય જતાં પરિસ્થિતિ ચોક્કસ બદલાશે.

બે દાયકામાં બે હાથની આંગળીઓ જેટલી દલિતવિર્મશની ફિલ્મો નથી બની

દલિત વિષયોનાં જાણકાર અને લેખક નટુભાઈ પરમાર ગુજરાત સરકારનાં નિવૃત્ત અધિક મુખ્ય સચિવ અને બૉલીવુડની ફિલ્મો સંદર્ભે દળદાર ગ્રંથો લખનાર વિજય રંચનનાં પુસ્તક ‘બૉલીવુડ કે અતિરિક્ત (હિન્દી સિનેમા મેં દલિત વિમર્શ) ની ‘Opinion’માં કરેલી  સમીક્ષામાં પુસ્તકનાં લેખકનાં મતને ટાંકીને લખે છે કે, 21મી સદીનાં પહેલાં બે દાયકામાં બે હાથની આંગળીઓ જેટલી ય દલિતવિમર્શની ફિલ્મો નથી બની કે, જેમાં નાયક કે નાયિકા દલિત હોય. બોલીવુડની શરૂઆતથી જ પૌરાણિક કથાઓ છવાયેલી રહી છે. જેમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને સમાજનાં નીચલા વર્ગ માટે કેવળ અન્યાય  જ છે.

શું બહુજન સમાજ આધારિત સશક્ત વિષયો પર ફિલ્મો બની શકે તેમ નથી? ‘કેસરી’ની જેમ બેટલ ઓફ કોહિમામાં ચમાર રેજિમેન્ટના યોગદાન પર ફિલ્મ બની શકે છે. માનગઢ ક્રાંતિના મહાનાયક શ્રી ગુરુ ગોવિંદ અને 1507 આદિવાસી શહીદોની કથા રોમાંચક છે. પ્રજા માટે જીવન સમર્પિત કરનાર પાટણના વીર મેઘમાયાની કથા પરથી પણ ઉત્તમ ફિલ્મ બની શકે છે. ભૂતકાળમાં દલિત વિષય પર ફિલ્મો બની છે, જે નોંધનીય છે. જો કે, આ ફિલ્મોમાં દલિતોના શોષણની કહાણીઓ વધુ છે, જેમ કે શ્યામ બેનેગલની ‘અંકુર’ (1974), ગૌતમ ઘોષની ‘પાર’ (1984), શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’, પ્રકાશ ઝાની ‘આરક્ષણ’, ‘દામુલ’, અમિત માસુરકરની ‘ન્યુટન’, કેતન મહેતાની ‘ભવની ભવાઈ’ (1980) અને વેબ સિરીઝમાં ‘દહાડ’ અને ‘કટહલ’ (બંનેમાં દલિત મહિલાઓ પોલીસ છે).

દાર્શનિક કન્ફ્યુશિયસે કહયું છે કે જે વ્યક્તિ પ્રશ્ન પૂછે છે તે એક મિનિટ માટે મૂર્ખ હોય છે, પણ જે પ્રશ્ન પૂછતો જ નથી તે જીવનભર મૂર્ખ રહે છે. પ્રશ્ન પૂછવાથી જવાબો મળે તે જરૂરી નથી. પણ પાણીમાં પથ્થર ફેંકતાં જે રીતે તરંગો પેદા થાય છે તેવા તરંગો જરૂર પેદા કરી શકાય છે. આપણે સહુ મનુષ્ય છીએ એટલે ગમે તેવા પ્રશ્નોનો ઉકેલ આખરે તો સમાનતા અને ન્યાય જ હોઈ શકે.

(લેખક આકાશવાણી સમાચાર અમદાવાદના પૂર્વ ઉપનિર્દેશક અને અનુ.જાતિ-અનુ.જનજાતિ પત્રકાર સંઘ(અજાજ મીડિયા)ના મહામંત્રી છે.)

(માહિતી સોર્સઃ हिंदी सिनेमा में दलित विमर्श : विजय रंचन , /નટુભાઈ પરમાર /Opinion Magazine, The Wire : for caste analysis, The Hindu : for 2013-2014 study, IMDb)

આ પણ વાંચો: સેન્સરની કાતર જાતિવાદ ઉજાગર કરતી ફિલ્મો પર જ કેમ ચાલે છે?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x