રૂ.26 લાખ કરોડની લોન માફી માં એક પણ દલિત-OBC કેમ નથી?

રાજ્યસભામાં આરજેડીના સાંસદ સંજય યાદવે સવાલ ઉઠાવ્યો કે છેલ્લાં 10 વર્ષમાં મોદી સરકારે મૂડીપતિઓના 26 લાખ કરોડ માફ કર્યા છે, તેમાં એક પણ દલિત-પછાત નથી.
not a single Dalit-OBC in the loan waiver

રાજ્યસભામાં ‘ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (સુધારો) બિલ’ પરની ચર્ચા દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના સાંસદ સંજય યાદવે કેન્દ્રની મોદી સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સરકાર પર મૂડીપતિ મિત્રોના તુષ્ટિકરણનો ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં સરકારની નીતિઓને કારણે ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે, પરંતુ આ આર્થિક રાહતોનો લાભ દેશના વંચિત વર્ગો સુધી પહોંચ્યો નથી. સંજય યાદવે આંકડાકીય વિગતો સાથે સરકારને ઘેરતા સવાલ કર્યો હતો કે, 26 લાખ કરોડની લોન માફીમાં એક પણ દલિત-OBC કેમ નથી?

મૂડીપતિઓ માટે તિજોરી ખૂલ્લી મૂકી, ગરીબો પાસેથી વસૂલી

સાંસદ સંજય યાદવે સંસદમાં દાવો કર્યો હતો કે મોદી સરકારે પોતાના માનીતા મૂડીપતિ મિત્રો માટે દેશના બજેટના લગભગ અડધા ભાગ જેટલી એટલે કે આશરે 26 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે અથવા તેને બટ્ટે ખાતે નાખી દીધી છે. તેમણે સરકારના બેવડા ધોરણોની આકરી ટીકા કરતા કહ્યું કે એક તરફ મોટા ઉદ્યોગપતિઓ હજારો કરોડ રૂપિયા ઓહિયા કરી જાય છે છતાં સરકાર તેમના પર મહેરબાન રહે છે, જ્યારે બીજી તરફ દેશનો સામાન્ય ખેડૂત કે મજૂર જ્યારે પોતાના બાળકોના શિક્ષણ કે લગ્ન માટે પાંચ-દસ હજારની નાની લોન લે છે, ત્યારે બેંકો તેની સામે કડક વસૂલાત શરૂ કરે છે. વસૂલાતના નામે ગરીબોની ગાય અને ભેંસ પણ લઈ લેવામાં આવે છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અન્યાયી છે.

આ પણ વાંચો: વસ્તી ગણતરી પછી પણ દેશમાં OBC કેટલા તે ખબર નહીં પડે

લોન માફીના લાભાર્થીઓ પર સવાલ

સંજય યાદવે લોન માફીના લાભાર્થીઓની સામાજિક પૃષ્ઠભૂમિ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવ્યો હતો. તેમણે સરકારને પૂછ્યું કે જે 26 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે, તે યાદીમાં દલિત, પછાત કે આદિવાસી વર્ગનું પ્રતિનિધિત્વ ક્યાં છે? શું આ દેશની સંપત્તિ પર માત્ર અમુક ખાસ વર્ગનો જ અધિકાર છે? તેમણે આરોપ લગાવ્યો કે આ લોન માફી માત્ર સરકારના નજીકના ગણાતા ઉદ્યોગપતિઓ સુધી સીમિત છે, જ્યારે બહુજન સમાજ અને વંચિત વર્ગોને આર્થિક મુખ્યધારામાંથી જાણીબુઝીને બહાર રાખવામાં આવ્યા છે. આ નીતિ સામાજિક ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

દેશની આર્થિક અસમાનતાનું ભયાનક ચિત્ર

‘વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ’ના રિપોર્ટનો ઉલ્લેખ કરતા સાંસદે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વના સૌથી વધુ આર્થિક અસમાનતા ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયું છે. તેમણે આંકડા આપતા કહ્યું કે દેશની માત્ર 1 ટકા વસ્તી પાસે કુલ સંપત્તિનો 40 ટકા હિસ્સો છે, જ્યારે દેશના 60 ટકા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે માત્ર 3 ટકા સંપત્તિ જ બચી છે. સરકાર દ્વારા ભારતને ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે માથાદીઠ આવકની બાબતમાં ભારત વિશ્વના 195 દેશોની યાદીમાં 141મા ક્રમે ફેંકાઈ ગયું છે.

આ પણ વાંચો: મોદી સરકારે SC વિદ્યાર્થીઓની Scholarship 57 ટકા ઘટાડી?

ગરીબ વિરોધી નીતિઓનો વિરોધ

સંજય યાદવે અંતમાં જણાવ્યું હતું કે સરકારની આર્થિક નીતિઓ માત્ર અમીરોને વધુ અમીર અને ગરીબોને વધુ પાયમાલ કરી રહી છે. તેમણે માંગ કરી કે સરકારે પોતાની નીતિઓમાં ફેરફાર કરીને સામાન્ય માનવી, ખેડૂત અને વંચિત વર્ગોના હિતમાં નિર્ણયો લેવા જોઈએ. આ લોન માફી એ દેશના સંસાધનોની બલી ચડાવવા સમાન છે અને જો તેમાં સામાજિક સંતુલન જળવાશે નહીં, તો દેશમાં આર્થિક ખાઈ વધુ ઊંડી થશે.

આ પણ વાંચો: મોદી સરકારે 11 વર્ષમાં જાહેરાત પાછળ ₹5,987 કરોડનો ખર્ચ કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x