અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આજે વહેલી સવારે એક સફાઈકર્મી મહિલાનું કારની ટક્કર લાગતા સારવાર દરમિયાન મોત થઈ ગયું. 49 વર્ષના મહિલા પોતાના રૂટિન મુજબ સફાઈ કામે જવા માટે ઘરેથી નીકળ્યા હતા. એ દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે શશાંક રાય નામના કારચાલકે તેમને ટક્કર મારી હતી. જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. એ પછી તેમને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ મામલે હવે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની મળતી વિગતો મુજબ, દરિયાપુરમાં રહેતા વાલ્મિકી સમાજના 49 વર્ષના ડાહીબેન ચૌહાણ સફાઈકર્મી તરીકે કામ કરે છે. આજે વહેલી સવારે તેઓ વાલ્મિકી વાસમાં આવેલા પોતાના ઘરેથી ચાલીને બીઆરટીએસ બસનો રોડ ક્રોસ કરીને જઈ રહ્યા હતા. એ દરમિયાન દિલ્હી દરવાજા તરફથી આવેલી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેમને ટક્કર મારી હતી અને રેલિંગ સાથે અથડાઈ હતી.
આ પણ વાંચો: મહાકુંભ ભાગદોડના મૃતકોના પરિવારોને હજુ સુધી વળતર ચૂકવાયું નથી
આ અકસ્માતમાં ડાહીબેનને શરીર અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેમને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ અંગે કારચાલક શશાંક રાય નામના 25 વર્ષીય યુવક સામે ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી છે.
ડાહીબેનની દીકરી નિકિતા ચૌહાણે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કારચાલકની ઓળખ શશાંક રાય તરીકે થઇ છે, જે અમદાવાદના નરોડાનો રહેવાસી છે. પોલીસે ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકો રોષે ભરાયેલા સફાઈ કામદારોએ ટ્રાફિકના કડક રીતે નિયમોનું પાલન અને પીડિતને ન્યાય અપાવવા કાર્યવાહીની માગ કરતા દેખાવો કર્યા હતા.
આ પણ વાંચો: ગૌતસ્કર સમજી બે દલિત યુવકોને માથું મુંડી, 2 કિમી. સુધી ઘૂંટણિયે ચલાવ્યા