ભારત દેશમાં કહેવા માટે લોકશાહી છે પણ જાતિવાદી તત્વોને જાણે કાયદો વ્યવસ્થાની કોઈ બીક જ ન હોય તેમ દલિતો પર નજીવી બાબતે દલિતો પર હુમલા કરી દે છે. આવી જ એક ઘટનામાં એક દલિત પરિવાર પર મધરાતે એટલા માટે હુમલો કરવામાં આવ્યો, કારણ કે તેમણે જાતિવાદી તત્વોને રાત્રે ગુટકા આપવા માટે દુકાન નહોતી ખોલી.
મામલો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ઝમટૂલી ગામનો છે. આ આખી ઘટના બુધવારની મધરાતે બની હતી. દલિત સમાજમાંથી આવતા અરવિંદ અહિરવાર અને તેમના પિતા બિસલા અહિરવાર પોતાના ઘરમાં જ કરિયાણાની નાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે અંદાજે 12 વાગ્યાની આસપાસ, જ્યારે આખો પરિવાર ગાઢ નિદ્રામાં હતો, ત્યારે ગામના જ રાણા સિંહ, શૈલેન્દ્ર સિંહ અને ડરરુ પટેલ સહિતના કેટલાક શખ્સો તેમના ઘરનો દરવાજો જોરજોરથી ખખડાવવા લાગ્યા.

આ પણ વાંચો: દલિત યુવકોને રસ્તામાં રોકી જાતિવાદીઓએ ઢોર માર માર્યો
આ લોકો દારૂના નશામાં ચૂર હતા અને તેઓ મધરાતે ગુટખા અને સિગરેટની માંગ કરી રહ્યા હતા. મધરાત થઈ ગઈ હોવાથી અને અંધારામાં અજાણ્યા લોકો સામે દુકાન ખોલવી જોખમી જણાતા, દુકાનદાર બિસલા અહિરવારે નમ્રતાપૂર્વક દુકાન ખોલવાની મનાઈ કરી દીધી. આ ઇનકાર સાંભળતા જ આરોપીઓનો અહંકાર ઘવાયો અને તેઓએ પળવારમાં જ હિંસક રૂપ ધારણ કરી લીધું હતું.

જાતિસૂચક ગાળો ભાંડી ઘરમાં ઘૂસીને બર્બરતા આચરી
એક દલિત દુકાનદારે ગુટકા આપવાની મનાઈ કરી દેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે જાતિસૂચક અપશબ્દો બોલીને ગાળાગાળી શરૂ કરી અને પડકાર ફેંક્યો કે “તારી હિંમત કેવી રીતે થઈ અમને ના પાડવાની?”. ત્યારબાદ આરોપીઓએ લાતો મારીને ઘરનો દરવાજો તોડી નાખ્યો અને ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશી ગયા. હાથમાં લાઠી, ડંડા અને અન્ય હથિયારો લઈને આવેલા આ 10 જેટલા શખ્સોએ વૃદ્ધ બિસલા અહિરવાર પર જીવલેણ હુમલો કર્યો.
આ પણ વાંચો: ‘જો તારા હાથનું રાંધેલું ખાઈએ તો અમારા ભગવાન શ્રાપ આપે!’
જ્યારે પિતાને બચાવવા માટે પુત્ર અરવિંદ અને તેની માતા વચ્ચે પડ્યા, ત્યારે આ નરાધમોએ સ્ત્રી-પુરુષનો પણ મલાજો ન રાખ્યો અને આખા પરિવારને બેરહેમીથી માર માર્યો. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, આરોપીઓએ માત્ર લાઠી-ડંડાથી મારપીટ જ નથી કરી, પરંતુ આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાવવા માટે ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો. એટલું જ નહીં, ગ્રામજનોમાં ફફડાટ ફેલાવવા માટે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. આ હિંસાને કારણે આખા ગામમાં હાલ સન્નાટો અને ભયનો માહોલ છે.
આ પણ વાંચો: અમદાવાદના દલિતો-આદિવાસીઓ સાથે મોટો ખેલ થઈ ગયો!
આરોપીઓ બુટલેગરો હોવાથી ફરિયાદીઓમાં ભય
પીડિત બિસલા અહિરવારે વધુમાં વિગત આપતા જણાવ્યું કે, આ હુમલો કરનાર મુખ્ય આરોપીઓ ગામમાં ચાલતા દારૂના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા છે. ગામમાં પ્રવીણ અને નવીન નામના વ્યક્તિઓના દારૂના કોન્ટ્રાક્ટ છે, અને રાણા સિંહ તથા તેના સાથીઓ આ વ્યવસાયમાં સક્રિય છે. સત્તા અને દારૂના જોરે તેઓ ગામમાં કોઈને પણ દબાવવાની કોશિશ કરતા હોય છે. પીડિત પરિવારે હિંમત દાખવીને આ આખી ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો, જે હવે પોલીસને પુરાવા રૂપે સોંપવામાં આવ્યો છે.
10 આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
બમીઠા પોલીસ સ્ટેશનના પ્રભારી આશુતોષ શ્રોતીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુટખા ન આપવા જેવી નજીવી બાબતે થયેલા વિવાદમાં 10 લોકો સામે ભારતીય ન્યાય સંહિતા અને એસસી/એસટી (SC/ST) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમને પકડવા માટે પોલીસની ટુકડીઓ કાર્યરત છે.
આ પણ વાંચો: બોલો લો! ઉનામાં બે વર્ષથી ચાલતી નકલી બીએડ કોલેજ ઝડપાઈ










