પાટણના સાંતલપુર તાલુકામાં એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં બે અલગ અલગ ગામમાં નદીમાં નહાવા ગયેલા કુલ 12 યુવકો ડૂબ્યા છે. જેમાં નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા હતા. જેમાંથી 4નો આબાદ બચાવ થયો છે. જ્યારે બે યુવકોના મોત થયા છે. તેમજ 3 યુવકો લાપતા છે. આ ઉપરાંત રણમલપુરા ગામ પાસેની નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી બેનો બચાવ થયો છે. જ્યારે એક લાપતા છે.
મળતી માહિતી મુજબ આજે બપોરે આ તમામ યુવકો ખારી નદીમાં નહાવા માટે ગયા હતા. એ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા 9 યુવકો તણાઈ ગયા હતા. જે બાદ ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોની મદદથી પાંચ યુવકોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી તેનો મૃતદેહ વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ગુમ થયેલા યુવકોની શોધખોળ માટે SDRFની ટીમને બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે-પટ્ટે ફટકાર્યો
SDRFની ટીમ દ્વારા શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન એક યુવકની લાશ મળી આવી છે. જેથી હાલ 3 યુવકો લાપતા છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે હાજર છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છે.

વારાહીના મામલતદાર દિનેશ પંડયાએ જણાવ્યું હતું કે, કુલ 9 યુવકો હતા. સ્થાનિકોએ 5ને બહાર કાઢ્યા છે અને 4 લાપતા છે. જેઓને SDRFની 26 લોકોની ટીમ શોધખોળ કરી રહી છે. જ્યારે એક યુવાન વધુ પાણી પી જતા 108 મારફતે તેને સારવાર માટે ખેસડવામાં આવ્યો હતો, જોકે, સારવાર દરમયાન તેનું મોત થયું છે.
બીજી તરફ સાંતલપુરના રણમલપુરા ગામ પાસેથી પસાર થતી નદીમાં નહાવા ગયેલા ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાં રાજુસરા ગામના સ્થાનિક તરવૈયાઓની મદદથી બે યુવકોને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે એક યુવાનની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો: ત્રણ યુવકોઓ મૂકબધિર દલિત યુવતી પર ગેંગરેપ કર્યો, પીડિતાએ ગળેફાંસો ખાધો










