ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડો રૂપિયા પાણીમાં ગયા!

Malnutrition in Gujarat: ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર છે. આદિવાસી પટ્ટામાં કરોડોનું બજેટ ખર્ચાયા બાદ પણ સ્થિતિ વધુ વણસી.
Malnutrition in Gujarat

Malnutrition in Gujarat: ગુજરાત એક તરફ વૈશ્વિક સ્તરે ‘વિકસિત રાજ્ય’ તરીકેની છબી રજૂ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ રાજ્યનું ભાવિ ગણાતા બાળકો કુપોષણના કારણે ગંભીર સ્થિતિમાં છે. વિધાનસભામાં રજૂ થયેલા લેટેસ્ટ આંકડાઓએ સરકારના ‘કુપોષણમુક્ત ગુજરાત’ના અભિયાનની હવા કાઢી નાખી છે. રાજ્યના માત્ર 20 જિલ્લાઓના ડેટા તપાસતા માલૂમ પડે છે કે 2,57,634 બાળકો કુપોષણનો શિકાર છે. આ ગંભીર સમસ્યામાં 2,11,000 બાળકો ઓછું વજન ધરાવે છે, જ્યારે 45,634 બાળકો અતિ કુપોષિત (Severe Acute Malnutrition) છે. આ આંકડા સાબિત કરે છે કે આજે પણ ગુજરાતના લાખો બાળકોને પૂરતું અને પૌષ્ટિક ભોજન મળી રહ્યું નથી.

બજેટનું આંધણ: વિકાસ કોનો, મળતિયાઓનો?

કુપોષણ નાથવા માટે રાજ્ય સરકાર દર વર્ષે બજેટમાં જંગી વધારો કરે છે, પરંતુ આ નાણાં ક્યાં જાય છે તે મોટો પ્રશ્ન છે. વિધાનસભામાં રજૂ થયેલા ખર્ચના આંકડા અને કુપોષણના વધતા આંકડા વચ્ચે કોઈ મેળ બેસતો નથી.

છોટા ઉદેપુરનો દાખલો જોઈએ તો, આ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૮.૬૫ કરોડ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૫.૪૯ કરોડ મળીને કુલ ૫૪ કરોડથી વધુની રકમ ખર્ચવામાં આવી. આમ છતાં, આ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા ઘટવાને બદલે વધી છે. નર્મદા જિલ્લામાં બે વર્ષમાં અંદાજે ૩૬ કરોડ રૂપિયા ખર્ચાયા છે. છતાં ત્યાં પણ સ્થિતિ જેમની તેમ છે.

આ પણ વાંચો: ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી છે, પણ ન્યાયાધીશો કેમ પૂર્વગ્રહી?

સવાલ એ થાય કે, કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ કુપોષણ વધતું હોય, ત્યારે સ્પષ્ટ થાય છે કે આ નાણાં બાળકોના પેટ સુધી પહોંચવાને બદલે વચેટિયાઓ અને ભ્રષ્ટ તંત્રના ખિસ્સામાં જઈ રહ્યા છે. વિપક્ષનો આક્ષેપ પણ આ જ છે કે સરકારી યોજનાઓનો અમલ માત્ર કાગળ પર છે અને પોષણ મેળવવાના હકદાર બાળકો આજે પણ ભૂખ્યા પેટે સુઈ રહ્યા છે.

શહેરી અને આદિવાસી વિસ્તારોમાં સમાન દુર્દશા

કુપોષણ હવે માત્ર અંતરિયાળ આદિવાસી વિસ્તારો પૂરતું મર્યાદિત નથી રહ્યું. આશ્ચર્યજનક રીતે ભાવનગર, વડોદરા, ખેડા અને જામનગર જેવા વિકસિત અને શહેરી જિલ્લાઓમાં પણ કુપોષણનો વ્યાપ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. ખેડા, મોરબી અને અમરેલીમાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો એ સરકારની પોષણ નીતિઓની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે. આંગણવાડીઓમાં અપાતા આહારની ગુણવત્તા અને તેની વિતરણ વ્યવસ્થામાં વ્યાપક ખામીઓ હોવાને કારણે બાળકો સુધી જરૂરી પ્રોટીન અને વિટામિન્સ પહોંચી શકતા નથી.

મંત્રીનો અતાર્કિક બચાવ, જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ

જ્યારે કોઈ ગંભીર મુદ્દે સરકાર પાસે જવાબ માંગવામાં આવે, ત્યારે ઘણીવાર વિચિત્ર તર્ક રજૂ કરવામાં આવે છે. મંત્રી મનિષા વકીલે ગૃહમાં જે નિવેદન આપ્યું તે અત્યંત આઘાતજનક છે. તેમણે કુપોષણ માટે સરકારની નિષ્ફળતાને બદલે બાળકોની ‘ફૂડ હેબિટ’ (ખાવાની આદતો)ને જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે, “પહેલાના બાળકો પેટને ગમે તેવું ખાતા હતા, હવે સ્વાદ અને સુગંધ પાછળ દોડે છે.”

આ પણ વાંચો: ‘OBC માં ક્રીમીલેયર માત્ર માતાપિતાની આવકના આધારે નક્કી ન થઈ શકે’

આ નિવેદન એવા ગરીબ પરિવારોના બાળકો માટે અપમાનજનક છે જેમને સ્વાદ તો ઠીક, સાદું ભોજન પણ નસીબ નથી થતું. સાધન-સંપન્ન પરિવારોમાં બાળકો જંક ફૂડ ખાઈ શકે છે, પરંતુ આદિવાસી અને પછાત વિસ્તારોના ૨.૫ લાખ બાળકો ‘સ્વાદ પાછળ’ દોડીને કુપોષિત થયા છે તેવો તર્ક રજૂ કરવો એ માત્ર બચાવનું સાધન છે. મંત્રીનું આ નિવેદન સાબિત કરે છે કે સરકાર મૂળ સમસ્યાને સ્વીકારવાને બદલે તેને લોકોના માથે થોપવા માંગે છે.

બે દાયકાની નિષ્ફળતા અને ભવિષ્ય સામે સવાલ

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ૨૦૦૪ના રિપોર્ટનો ઉલ્લેખ કરીને ધ્યાન દોર્યું હતું કે ૨૧ વર્ષ પછી પણ ગુજરાત કુપોષણની સમસ્યામાં અન્ય પછાત રાજ્યોની હરોળમાં ઊભું છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત’ના દાવાઓ વચ્ચે ૨.૫૭ લાખ બાળકોનું કુપોષિત હોવું એ રાજ્ય માટે શરમજનક બાબત છે. જો ૩૦-૪૦ કરોડ રૂપિયા એક જ જિલ્લામાં ખર્ચાયા પછી પણ બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો ન આવતો હોય, તો આ યોજનાઓનું સોશિયલ ઓડિટ થવું અનિવાર્ય છે. ગુજરાતમાં કુપોષણની સ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી છે.

કરોડો રૂપિયાની ફાળવણી છતાં જો આંકડા વધી રહ્યા હોય, તો તે સાબિત કરે છે કે સરકારી યોજનાઓ માત્ર ‘મળતિયાઓને પોષવા’ માટે છે, બાળકોને નહીં. જ્યાં સુધી સરકાર વાસ્તવિકતા સ્વીકારીને આંગણવાડી સ્તરે ભ્રષ્ટાચાર નાબૂદ નહીં કરે, ત્યાં સુધી ગુજરાત ક્યારેય કુપોષણ મુક્ત બની શકશે નહીં.

આ પણ વાંચો: વંચિત વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના કરોડો રૂપિયા સરકારે વાપર્યા જ નહીં!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x