ગુજરાતના વિકાસનો પરપોટો ફૂટી ગયો છે. સામાન્ય માણસનું જીવવું હરામ થઈ ગયું હોય તેમ રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. આર્થિક સંકડામણ, પ્રેમસંબંધ અને ટેન્શનના કારણે દરરોજ 25 લોકો આપઘાત કરી રહ્યાંનું સામે આવ્યું છે. છેલ્લાં બે વર્ષમાં 42 પરિવારો એ સામૂહિક આત્મહત્યા કરી છે. ગુજરાતની ભાજપ સરકારના રાજમાં મોંઘવારી, બેરોજદારી, બેકારીએ માઝા મૂકી છે. સરકારી નોકરીઓ માટે યુવાનો મહેનત કરીને થાકી જાય છે પરંતુ સરકાર સમયસર ભરતી કરતી નથી. પરિણામે યુવાનો હતાશ થઈને આપઘાત કરી લે છે.
ધંધા-રોજગારમાં મંદીએ ભરડો લેતા લોકોનું દેવું થઈ ગયું છે અને તે પુરી ન શકાતા પણ આપઘાત કરે છે. કારમી મોઘવારીમાં જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યાં છે. બેરોજગારી અને આર્થિક સંકડામણ કારણે ગુજરાતમાં આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યાનાકિસ્સા ચિંતાજનક હદે વધી રહ્યાં છે. ત્રણ વર્ષમાં 25,478 લોકોએ આત્મહત્યા કરી છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ મોખરે છે.

આ પણ વાંચો: દલિત મહિલાની આરોપીએ રસ્તા વચ્ચે છરીના ઘા મારી હત્યા કરી
છેલ્લા એક વર્ષમાં 9,000 લોકોએ મોત વ્હાલું કર્યું
એક અહેવાલ મુજબ ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 9,000 લોકોએ આત્મહત્યા કરી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ મુજબ, વર્ષ 2023માં આત્મહત્યા કરનારાઓમાં 6,260 પુરુષો, 2,685 મહિલાઓ અને 3 ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ગરીબીના કારણે 67 લોકોએ આત્મહત્યા કરી, બેરોજગારી 207 આત્મહત્યાઓનું કારણ બની હતી. આત્મહત્યાનું મુખ્ય કારણ બીમારી પણ બની છે, સરેરાશ દરરોજ પાંચ લોકો બીમારીને કારણે આત્મહત્યા કરે છે. આ ઉપરાંત પ્રેમ સંબંધ, આર્થિક સંકટ, બીમારી, માનસિક તણાવ પણ મુખ્ય પરિબળ છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓમાં વધારો થયો છે. છેલ્લાં 3 વર્ષમાં 495 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ ઉપરાંત મજૂરોમાં આત્મહત્યાઓમાં 50 ટકાનો વધારો થયો છે, જેનું મુખ્ય કારણ ઓછા વેતન અને સામાજિક સુરક્ષાનો અભાવ છે. આમ ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

છેલ્લાં 24 કલાકમાં 3 પોલીસકર્મીઓનો આપઘાત
ગુજરાતના પોલીસના માનસિક સ્વાસ્થ્ય અને કામના ભારણ સામે સવાલો ઉભા થયા છે કેમકે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં ત્રણ પોલીસ કર્મચારીઓએ આત્મહત્યા કરી છે. ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જ્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહે ઝેરી દવા ગટગટાવી જીવન લીલા સંકેલી લીધી હતી. ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પણ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.
આ પણ વાંચો: ગાંધીજી સ્થાપિત મજૂર મહાજન સંઘે મજૂરો પાસેથી કરોડોની ‘ખંડણી’ વસૂલી!
ભરૂચમાં મહિલા પોલીસકર્મીએ રૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આમ સરકારી નોકરીયાતો પણ કામના કારણે આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે.
આપઘાત કોઈપણ સમસ્યાનું સમાધાન નથી
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે તેનો લાભ લઈ શકો છો.
આ પણ વાંચો: મુસ્લિમ યુવકે 24 વર્ષ જેલ ભોગવી, હવે નિર્દોષ છૂટ્યો, જવાબદાર કોણ?










