એક તરફ ભારત ડિજિટલ ક્રાંતિ, સ્માર્ટ સિટી અને સ્પેટ ટેકનોલોજીમાં ડંકો વગાડી રહ્યું છે, ત્યારે બીજી તરફ તમિલનાડુના મદુરાઈ શહેરના વંડિયૂર પાસે આવેલા તીર્થકાડુ ગામમાંથી શરમજનક સમાચાર સામે આવ્યા છે. અહીંના 360 દલિત પરિવારો છેલ્લા 40 વર્ષથી વીજળી, પીવાનું શુદ્ધ પાણી, પાકા રસ્તા અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. આ પરિવારો માટે આઝાદીના અમૃતકાળમાં પણ જીવન જાણે આદિમ યુગમાં અટવાયેલું હોય તેવી સ્થિતિ છે.
વહીવટી સંકલનનો અભાવ અને પીસાતા દલિતો
આ સમગ્ર વિવાદનું મૂળ જમીનના પટ્ટા (માલિકી હક) સાથે જોડાયેલું છે. આ દલિત પરિવારો જે 9 એકર અને 13 સેન્ટ જમીન પર દાયકાઓથી વસેલા છે, તે જમીનની કાયદેસરની ફાળવણી બાબતે મદુરાઈ નગર નિગમ અને રાજ્યના મહેસૂલ વિભાગ (Revenue Department) વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. એક વિભાગ ફાઈલ બીજાને મોકલી દે છે, પરિણામે 40 વર્ષ વીતવા છતાં આ પરિવારોને જમીનના પટ્ટા મળ્યા નથી. કાયદેસરના પટ્ટા ન હોવાને કારણે વીજ કંપની કનેક્શન આપતી નથી અને નગર નિગમ રસ્તા કે ગટરની વ્યવસ્થા કરવા તૈયાર નથી.

આ પણ વાંચો: શરમજનક! એક ડોલ પાણીમાં માત્ર બે પેકેટ દૂધ નાખી બાળકોને પીવડાવ્યું
જીવનમરણનો સંઘર્ષ અને સુરક્ષાનો અભાવ
તીર્થકાડુના રહેવાસીઓએ પોતાની હૃદયદ્રાવક આપવીતી જણાવતા કહ્યું કે, આ વિસ્તારમાં રહેતા મોટા ભાગના લોકો દૈનિક મજૂરો છે. તેમની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે તેઓ અન્ય કોઈ જગ્યાએ ભાડે મકાન લઈને જઈ શકતા નથી.

વીજળીના અભાવે સૂરજ આથમતા જ આખું ગામ ઘોર અંધકારમાં ડૂબી જાય છે. અંધારાનો ફાયદો ઉઠાવીને અવારનવાર ચોરી, લૂંટફાટ અને અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જાય છે. મહિલાઓ અને બાળકો રાત્રે બહાર નીકળતા પણ ડરે છે.
જે બાળકો દેશનું ભવિષ્ય છે, તેઓ દીવા કે મીણબત્તીના અજવાળે ભણવા મજબૂર છે. ડિજિટલ શિક્ષણના જમાનામાં આ બાળકો પાસે વીજળી સુધ્ધાં નથી, જે તેમને સ્પર્ધાત્મક યુગમાં પાછળ ધકેલી રહી છે.
ડ્રેનેજ અને સફાઈની કોઈ વ્યવસ્થા ન હોવાથી ગંદકીના ગંજ જામ્યા છે. ચોમાસામાં સ્થિતિ નરકાગાર જેવી બની જાય છે, જેના કારણે રોગચાળો ફેલાવાનો સતત ડર રહે છે.
આ પણ વાંચો: ઠાકોર સમાજના DJ પ્રતિબંધ સામે વિક્રમ ઠાકોરે કહ્યું, ‘મને ફોન કરજો’
રાજકીય પક્ષોના પોકળ વાયદા
છેલ્લા 40 વર્ષોમાં તમિલનાડુમાં અનેક સરકારો બદલાઈ. દ્રવિડિયન રાજનીતિમાં દલિતોના ઉત્થાનની વાતો તો બહુ થઈ, પણ તીર્થકાડુની વાસ્તવિકતા અલગ છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ, દરેક ચૂંટણી સમયે રાજકીય નેતાઓ અહીં આવીને જમીનના પટ્ટા અને વીજળીના વાયદાઓ કરીને વોટ લઈ જાય છે, પણ ચૂંટણી જીત્યા પછી કોઈ ડોકાતું પણ નથી.
આ પણ વાંચો: દલિત યુવક બાકી રૂપિયા ન ચૂકવી શકતા મુર્ગા બનાવી માર માર્યો
ચૂંટણી બહિષ્કારનો આખરી નિર્ણય
હવે આ પરિવારોની ધીરજ ખૂટી છે. ‘તીર્થકાડુ SC રેસિડેન્ટ્સ પ્રોટેક્શન વેલફેર એસોસિએશન’ એ એક થઈને મક્કમ નિર્ણય લીધો છે કે જો વહેલી તકે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ આગામી તમામ ચૂંટણીઓનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. તેમણે નારો આપ્યો છે કે “જો પટ્ટા અને રોશની નહીં, તો વોટ પણ નહીં.”
તંત્ર આશ્વાસન આપ્યું પણ પુરું થશે કે નહીં?
જ્યારે આ મામલે ભારે જનઆક્રોશ જોવા મળ્યો અને મીડિયામાં અહેવાલો વહેતા થયા, ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. સરકારી અધિકારીઓએ હવે દાવો કર્યો છે કે જમીન વિવાદનો ફાઈલ નિકાલ કરીને જલ્દીથી કામગીરી શરૂ કરવામાં આવશે. જોકે, સ્થાનિક લોકો પૂછી રહ્યા છે કે જે કામ 40 વર્ષમાં ન થયું, તે હવે રાતોરાત કેવી રીતે થશે? શું ખરેખર તેમની જિંદગીમાં રોશની આવશે કે ફરી એકવાર સરકારી વચનોના અંધકારમાં તેમને જીવવું પડશે?
આ પણ વાંચો: મહારાષ્ટ્રનું સૌંદળા ગામ બન્યું દેશનું પ્રથમ ‘જાતિમુક્ત ગામ’










