યોગી આદિત્યનાથ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી ઉત્તરપ્રદેશ(Uttar pradesh)માં ચોક્કસ કોમના જાતિવાદી તત્વોનું જોર વધ્યું છે. આ લોકોને જાણે રાજ્યાશ્રય મળી ગયો હોય તેવી સ્થિતિ છે. યોગીજી દલિતોના મત મેળવવા, ચૂંટણી જીતવા જાહેરમાં પગ ધોવાના નાટકો કરે છે પણ જ્યારે ખરેખર દલિતોને ન્યાય અપાવવાની વાત આવે ત્યારે તેઓ પીએમ મોદીની જેમ જ મૌન ધારણ કરીને બેસી જાય છે. આવું અનેક ઘટનાઓમાં થયું આપણે જોયું છે અને આવી બીજી એક ઘટના સામે આવી છે.
મામલો ઉત્તરપ્રદેશના મેરઠ(Meerut)ના જલાલપુર જોરા ગામનો છે. જ્યાં 40 દલિત પરિવારો(40 Dalit Families)એ ગામના માથાભારે તત્વો દ્વારા તેમની જમીન પર કબ્જો જમાવી લેતા તેનાથી નારાજ થઈને સંસદ ભવન(Parliament)ની સામે જ સામૂહિક આત્મહત્યા (mass suicide) કરવાની ધમકી આપી છે. આ મામલે તેમણે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પણ સુપરત કર્યું છે. કલેક્ટરે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.
ગંગા નદીના કિનારે આવેલા જલાલપુર જોરામાં રહેતા દલિત સમાજના લોકોનો આરોપ છે કે ગામની માથાભારે કોમના લોકો તેમના હકની જમીન તેમને ન મળે તે માટે સતત ધમકી આપી રહ્યા છે. તેઓ દલિતોને જમીન ન મળે તે માટે જાતભાતના પેંતરાઓ રચે છે. અગાઉ તત્કાલીન કલેક્ટર દીપક મીણાના નિર્દેશ પર, ગામમાં જમીનના એકત્રીકરણ માટે કલમ 6 પણ બનાવવામાં આવી હતી, પરંતુ પ્રક્રિયા પૂર્ણ થવા દેવામાં આવી ન હતી. પછી માપણી માટે એક ટીમ બનાવવામાં આવી હતી. જેમાં તેમની 350 વીઘા જમીન કાઢવામાં આવી હતી. પરંતુ સીમાંકન થયા પછી પણ તેમને સંપૂર્ણ જમીનનો કબજો આપવામાં આવ્યો ન હતો.
હસ્તિનાપુરના જલાલપુર જોરા ગામના 40 દલિત પરિવારોએ જમીન હડપ કરવાના મામલે સંસદ સામે આત્મહત્યા કરવાની ધમકી આપી છે. તેમનું કહેવું છે કે તેમની જમીન ગામના 10-15 માથાભારે લોકોએ હડપ કરી લીધી છે. #Meerut #Dalit #LatestNews #UttarPradesh pic.twitter.com/pEJd8Fcs7R
— khabar Antar (@Khabarantar01) March 21, 2025
તેમણે આ અંગે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને એસસી-એસટી કમિશનને પણ ફરિયાદ કરી હતી. ઉચ્ચ અધિકારીઓને પણ અરજી કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. જેનાથી હતાશ થઈને દલિત સમાજના 40 પરિવારોએ 27 માર્ચે સંસદ ભવન પર સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી છે. જેમાં દલિત સમાજના વિજયપાલ સિંહ, નરેન્દ્ર, ઇન્દલ સિંહ, બબલુ, સુંદર, નિશા, ઉષા, સંતોષ, પૂનમ, ઇશ્વરી, ભોપાલ, રેખા, અજબ સિંહ, બાબુ વગેરેનો સમાવેશ થાય છે.
મનરેગામાં કૌભાંડ આચરવા ઓબીસીને એસસી બનાવ્યા
ઉપરોક્ત પરિવારોનો આરોપ છે કે ગામમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સરકારી યોજનાઓનો લાભ આપવા માટે અંદાજે 50 OBC લોકોને SC માં સમાવવામાં આવ્યા છે. જ્યારે ગામના મજૂરો પાસે કામ કરાવવાને બદલે નંગલા ચાંદ, સૈફપુર કર્મચંદપુર, લતીફપુર, ભીકુંડ, સિર્જેપુર વગેરે જેવા દૂરના ગામોના મજૂરોના ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા છે. પીઆરઓ અને એસડીએમ મવાનાને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ડરને કારણે ગામમાં નથી જતા
આ 40 દલિત પરિવારના લોકો કહે છે કે તેઓ ડરના કારણે ગામમાં જતા નથી. તેમનો પરિવાર શહેરના મનોહરપુર કોલોનીમાં રહે છે. એડીઓ પંચાયત ધીર સિંહ કહે છે કે ફરિયાદ મળતાં જ તપાસ કરવામાં આવશે. ત્યારબાદ જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
મેરઠના કલેક્ટર ડૉ. વિજયકુમાર સિંહ કહે છે કે, સોમવારે જલાલપુર જોરા ગામના લોકો મળવા આવ્યા હતા. માથાભારે લોકો દ્વારા તેમની જમીન પર કબજો કરવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલાની તપાસ કરવા માટે SDM અને DPRO ને નિર્દેશ આપવામાં આવ્યા છે. આત્મહત્યા કરવાની કોઈ વાત નથી. વહીવટીતંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે. તપાસ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ જલાલપુર જોરા ગામના સરપંચ મહેન્દ્ર સિંહ કહે છે કે તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. બધા કામ તેમણે કોઈપણ પક્ષપાત કે ભેદભાવ વિના કર્યા છે. તેમને જમીન સંબંધિત બાબતો સાથે કોઈ લેવાદેવા નથી. તે તાલુકા વહીવટીતંત્રની જવાબદારી છે. આ મામલામાં તપાસ બાદ જે પણ નિર્ણય આવશે તેનું અમે સ્વાગત કરીશું.
આ પણ વાંચો: થરાદમાં DEO સહિત 6 લોકોએ મળી દલિત શિક્ષકનો ભોગ લીધો?