સાબરકાંઠા: એક બાજુ ગુજરાત સરકાર સમરસ ગ્રામ પંચાયતની વાતો કરી જાતિવાદી તત્વોનું રાજ કાયમ રહે તે માટે પ્રયત્નશીલ છે, બીજી તરફ ગામડાઓમાં લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા સરપંચોને જાતિવાદી તત્વો હેરાન કરવાની એક તક ચૂકતા નથી. આવી જ એક ઘટના સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામમાંથી સામે આવી છે. જ્યાં એક દલિત ઉપસરપંચ પર ચબૂતરો હટાવવા જેવી બાબતે ગામના જ 8 સવર્ણ શખ્સોએ જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ચબૂતરો હટાવવા બાબતે વિવાદ થયો
ઘટનાની વિગત એવી છે કે મેમદપુર ગામમાં એક પક્ષીઓને દાણા નાખવાનો ચબૂતરો (બર્ડ ફીડિંગ ટાવર) આવેલો હતો. આ ચબૂતરો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો અને ગમે ત્યારે પડી જવાની ભીતિ હતી. ગામના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયતે સર્વાનુમતે આ ટાવરને હટાવી ત્યાં નવો ચબૂતરો બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ઉપસરપંચ તરીકે કાનજીભાઈએ પોતાની ફરજના ભાગરૂપે 25 ફેબ્રુઆરીના રોજ આ સ્થળની મુલાકાતે ગયા હતા. આ સમયે ગામના કેટલાક શખ્સોએ ત્યાં આવીને વિરોધ કર્યો કે આ ચબૂતરો તેમના પૂર્વજોએ બનાવ્યો છે, તેથી તેને અડવું નહીં. ઉપસરપંચે લોકશાહી ઢબે સમજાવ્યું કે આ પંચાયતનો નિર્ણય છે અને રાત્રે ગ્રામજનોની બેઠકમાં આ મુદ્દે શાંતિથી ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: કેરળમાં નોકરીના માત્ર 4 મહિનામાં દલિત પૂજારીએ રાજીનામું આપ્યું
સભામાં ઉપસરપંચનું જાહેરમાં અપમાન
રાત્રે 8.30 વાગ્યે જ્યારે ગામના આગેવાનો અને ગ્રામજનોની બેઠક મળી, ત્યારે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આઠ જેટલા શખ્સોએ ભેગા મળીને પંચાયતના નિર્ણયનો વિરોધ કરવાને બદલે વ્યક્તિગત રીતે ઉપસરપંચ કાનજીભાઈને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ ભરી સભામાં કાનજીભાઈને તેમની જ્ઞાતિ પ્રત્યે અત્યંત હીન અને અપમાનજનક શબ્દો કહ્યા હતા. આરોપીઓની દલીલ એવી હતી કે “અમારા પૂર્વજોના સ્મારક સમાન આ ચબૂતરાને હટાવવાનો નિર્ણય લેનાર તું કોણ?” આ શબ્દોમાં સ્પષ્ટપણે એવો અહંકાર છલકાતો હતો કે એક દલિત વ્યક્તિ તેમના પૂર્વજોના કામ પર નિર્ણય કઈ રીતે લઈ શકે.
આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી
આ હુમલા બાદ ઉપસરપંચ કાનજીભાઈએ આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અતુલસિંહ પરમાર, રમેશજી ચૌહાણ અને અન્ય છ શખ્સોએ કાનજીભાઈને માત્ર ગાળો જ નહોતી ભાંડી, પરંતુ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એક ચૂંટાયેલા પ્રતિનિધિને આ રીતે જાહેરમાં ધમકાવવા એ લોકશાહીના મૂલ્યોની હત્યા સમાન છે. આ શખ્સોએ કાનજીભાઈને માનસિક રીતે તોડી પાડવાનો પ્રયાસ કર્યો જેથી ભવિષ્યમાં કોઈ દલિત વ્યક્તિ ગામના વહીવટમાં અવાજ ઉઠાવવાની હિંમત ન કરે.
આ પણ વાંચો: મહિસાગરમાં મહિલા PSI એ આદિવાસી વેપારીને ઢોર માર માર્યો

પોલીસ કાર્યવાહી અને ન્યાયની માંગ
આ અન્યાય સામે ઝૂકવાને બદલે ઉપસરપંચ કાનજીભાઈએ હિંમતપૂર્વક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાંતિજ પોલીસે અતુલસિંહ પરમાર સહિત આઠેય આરોપીઓ વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો (Atrocity Act) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સાબરકાંઠા પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. દલિત સંગઠનોએ માંગ કરી છે કે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સુરક્ષિત ન હોય, તો સામાન્ય દલિત નાગરિકોની સ્થિતિ કેવી હશે? આરોપીઓ સામે કડક પગલાં ભરીને દાખલો બેસાડવો અનિવાર્ય છે જેથી સામાજિક સમરસતા જળવાઈ રહે.
આ પણ વાંચો: દલિત યુવકે ઈન્ટરકાસ્ટ મેરેજ કરતા યુવતીના પરિવારે ઘર સળગાવ્યું













*જર્જરિત ચબૂતરો અને એક દલિત વ્યક્તિ પર જાતિવાદી માનસિકતા ધરાવતાં આઠ લોકોનો હુમલો
હવે તો હિન્દુ ધર્મની જર્જરિત અને જાતિય ભેદભાવ વાળી માનસિકતામાંથી મુક્ત થવાનો સમય પાકી ગયો છે! જાતિવાદીઓ સુધરશે એવું હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું નથી, નર્કમાં ધગધગતો લાવા જેવો જાતિવાદ હવે સ્વર્ગમાં પણ પહોંચી જશે એમાં કોઈ બેમત નથી!
દલિતોની ક્રાન્તિકારી વિચારધારા જ જાતિવાદને ઢીલો પાડી શકશે! ધન્યવાદ સાધુવાદ જયભીમ!