પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં ચાલી રહેલા બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો માલસામાન વહન કરતો રોપ-વે તૂટી પડતા 6 લોકોના કરૂણ મોત થયા છે. આ રોપ-વેનો ઉપયોગ માંચીથી પાવાગઢના મુખ્ય મંદિર સુધી બાંધકામ સામગ્રી પહોંચાડવા માટે કરવામાં આવતો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
ગુડઝ રોપવે તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ચાલી રહેલા નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવાતા ગુડ્સ રોપ-વે (માલસામાનનો રોપ-વે) માં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બાંધકામની સામગ્રી ઉપર પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતો આ રોપ-વે અચાનક તૂટી પડ્યો, જેના પરિણામે એક મોટી દુર્ઘટના બની.
આ પણ વાંચો: લો બોલો! જાહેર શૌચાલય પર કબ્જો જમાવી તેને મંદિર બનાવી દીધું
કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા
આ ગમખ્વાર ઘટનામાં કુલ 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટરો, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાએ પાવાગઢમાં ચાલી રહેલા વિકાસકાર્ય પર પણ ગંભીર સવાલ ઉભા કર્યા છે. આ ગુડ્સ રોપ-વેનો ઉપયોગ પાવાગઢના માંચી વિસ્તારથી લઈને નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રીને સરળતાથી પહોંચાડવા માટે કરવામાં આવતો હતો.
ફાયર ફાયટરોએ બચાવ કામગીરી હાથ ધરી
ઘટનાની ગંભીરતાને જોતા તરત જ પોલીસ અને ફાયર વિભાગની ટીમોને જાણ કરવામાં આવી હતી. બંને ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને તે સુનિશ્ચિત કરી શકાય. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે.
પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે જણાવ્યું હતું કે, આ બનાવમાં કુલ 6 લોકોના મોત થયા છે અને આગળની તપાસ જારી છે. તમામ 6 લોકોના મૃતદેહને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. ભારે પવનના કારણે શ્રદ્ઘાળુઓને લાવવા-લઇ જવા માટેનો રોપ-વે પણ બંધ કરવામાં આવ્યો છે અને આગામી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી પેસેન્જર રોપવે પણ બંધ રહેશે.
જાન્યુઆરી 2003માં પણ 7 લોકોના મોત થયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે 19 જાન્યુઆરી, 2003ના રોજ પણ પાવાગઢના ઉડનખટોલામાં મોટી દર્ઘટના સર્જાઇ હતી. જેમાં એક કેબલ કારનો કેબલ તૂટી જવાથી બે મહિલાઓ, એક બાળક સહિત સાત લોકોના ખીણમાં ખાબકતાં મોત થયા હતા અને અન્ય 24 લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: કોંગ્રેસે ફરી દલિતોની પીઠમાં ઘા કર્યો, કર્ણાટકમાં SC અનામતમાં ભાગલા પાડ્યાં














Users Today : 54