કર્ણાટક(Karnataka)માં કોંગ્રેસ(Congress)ની સિદ્ધારમૈયા સરકારે SC અનામત(SC reservation)માં મોટો ફેરફાર કર્યો છે અને અનુસૂચિત જાતિઓ(Scheduled Caste)ને 3 ભાગમાં વહેંચી નાખી છે. હવે ભાજપસાશિત હરિયાણાની જેમ કર્ણાટકમાં પણ અનામત ક્વોટામાં ક્વોટા લાગુ કરવામાં આવશે. કર્ણાટક સરકારે અનુસૂચિત જાતિ (SC) માટે આંતરિક અનામત લાગુ કરીને ફરી એકવાર જાહેરમાં સાબિત કરી દીધું છે કે પણ અન્ય મનુવાદી પાર્ટીઓની જેમ સવર્ણોની તરફદાર અને દલિત વિરોધી માનસિકતા ધરાવે છે.
રાહુલ ગાંધીની કથની અને કરણીમાં ફરક
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વર્ષ 2024ની લોકસભા ચૂંટણી વખતથી હાથમાં દેશનું બંધારણ લઈને ફરે છે અને દલિતો-આદિવાસીઓના બંધારણીય હકો-અધિકારોના રક્ષણની વાતો કરે છે. પરંતુ તેમના આ દાવાઓ ખુદ તેમની જે રાજ્યોમાં સરકારો છે, ત્યાં પોકળ સાબિત થઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસસી-એસટીની અનામતમાં (SC-ST reservation) પેટાવર્ગીકરણ અને ક્રિમીલેયર દાખલ કરવાની સૌથી પહેલી જાહેરાત કોંગ્રેસશાસિત તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે કરી હતી. હવે ફરી કોંગ્રેસશાસિત કર્ણાટકમાં દલિતોની અનામતમાં ભાગલા પાડવામાં આવ્યા છે. કોંગ્રેસ જાણે છે કે, દલિતોને મળેલી અનામત તેમની ગરીબી દૂર કરવા માટે નથી પરંતુ સામાજિક ભેદભાવ દૂર કરવા માટે અપાયેલું પ્રતિનિધિત્વ છે. તેમ છતાં તે સતત તેને આર્થિક આધાર પર ખેંચી જઈ રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે લીધેલો આ નિર્ણય સાબિત કરે છે કે, તે દલિતોના હિતોની વાતો કરે છે, પણ તે અન્ય મનુવાદી પાર્ટીઓ જેમ ઘોર દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ખુદ દલિત સમાજમાંથી આવે છે અને કર્ણાટકના વતની છે. તેમ છતાં તેઓ આ નિર્ણયને અટકાવવામાં જરાય રસ દાખવતા નથી. જેના પરથી એ પણ સાબિત થાય છે કે, તેમનું પણ પક્ષમાં કશું ચાલતું નથી અને તેઓ માત્ર મહોરું છે.
કર્ણાટકની કોંગ્રેસ સરકાર SC અનામતમાં પેટાવર્ગીકરણ લાગુ કરશે
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારના SC અનામતમાં ભાગલા પાડવાના આ નિર્ણય બાદ હરિયાણાની જેમ હવે કર્ણાટકમાં પણ એસસી અનામતમાં ભાગલા પાડવામાં આવશે. કર્ણાટક સરકારે અનુસૂચિત જાતિ (SC) અનામતમાં પેટાવર્ગીકરણ લાગુ કરવાનું નક્કી કર્યું છે. નવી ફોર્મ્યુલા મુજબ 17 ટકા SC અનામતમાંથી એસસી ડાબેરી સમાજ માટે 6 ટકા, એસસી જમણેરી સમાજ માટે 6 ટકા અને લંબાણી, ભોવી, કોરચા, કોરમા જેવી અન્ય પેટા જાતિઓ માટે 5 ટકા અનામત નક્કી કરવામાં આવી છે.
નાગમોહન દાસ કમિશનની ભલામણોનો આધાર લેવાયો
આ નિર્ણય ન્યાયાધીશ એચ.એન. નાગમોહન દાસ કમિશનની ભલામણો પર આધારિત છે. કમિશને છ ટકા એસસી ડાબેરી, પાંચ ટકા એસસી જમણેરી, લંબાણી, ભોવી, કોરમા અને કોરચા જેવી સ્પૃશ્ય જાતિઓ માટે ચાર ટકા અને આદિ કર્ણાટક, આદિ દ્રવિડ અને આદિ આંધ્ર જેવા વિચરતી સમુદાયો માટે એક-એક ટકા અનામત રાખવાનું સૂચન કર્યું હતું. જોકે, મંત્રીમંડળે વિચરતી જાતિઓ અને આદિ કર્ણાટક, આદિ દ્રવિડ, આદિ આંધ્ર માટે અલગ એક ટકા અનામત દૂર કરીને ત્રણ કેટેગરીના નવા મેટ્રિક્સને સ્વીકાર્યું છે.
कर्नाटक में SC आरक्षण में बड़ा बदलाव, 3 भागों में बंटी अनुसूचित जातियां
◆ नए फॉर्मूले के तहत, 17% आरक्षण में से 6% SC लेफ्ट समुदाय, 6% SC राइट समुदाय और 5% लंबानी, भोवी, कोरचा, कोरमा जैसी अन्य उप-जातियों के लिए निर्धारित किया गया है#Karnataka | Karnataka | Reservations pic.twitter.com/O8cAwKRMA5
— News24 (@news24tvchannel) August 20, 2025
કર્ણાટકમાં અનુસૂચિત જાતિની 101 પેટાજાતિઓ
કર્ણાટકની કોંગ્રેસ સરકારે સુપ્રીમ કોર્ટના ૧ ઓગસ્ટ, ૨૦૨૪ ના ચુકાદાના આધારે આ પગલું ભર્યું છે. જેમાં રાજ્યોને અનુસૂચિત જાતિઓમાં પેટા-વર્ગીકરણ કરવાની સત્તા આપવામાં આવી હતી. કર્ણાટકમાં અનુસૂચિત જાતિની ૧૦૧ પેટાજાતિઓ છે, જેમાંથી માદિગા (એસસી ડાબેરી) અને હોલેયા (એસસી જમણેરી) મુખ્ય છે. કોંગ્રેસનો તર્ક છે કે, માદિગા સમાજ લાંબા સમયથી દલીલ કરે છે કે તેઓ સામાજિક-આર્થિક રીતે પછાત છે અને હાલની અનામત મુખ્યત્વે સ્પૃશ્ય જાતિઓ અને હોલેયા સમાજને લાભ આપે છે. આમ તેણે અનુસૂચિત જાતિ સમાજમાં જ અંદરોઅંદર લડાઈના બીજ રોપી દીધા છે.
નાગમોહન દાસ કમિશનને સર્વે કર્યો હતો
નાગમોહન દાસ કમિશને મે થી જુલાઈ 2025 દરમિયાન કર્ણાટકની અંદાજિત 1.16 કરોડ અનુસૂચિત જાતિની વસ્તીના 93 ટકા લોકોને આવરી લેતા એક વ્યાપક સર્વેક્ષણ હાથ ધર્યું હતું. આ સર્વેક્ષણમાં 27.24 લાખ પરિવારોમાંથી 1.07 કરોડ લોકોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. કમિશને 4 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને તેનો 1,766 પાનાનો અહેવાલ સુપરત કર્યો હતો, જે 7 ઓગસ્ટના રોજ મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. મંત્રીમંડળે કમિશનનો અહેવાલ સ્વીકાર્યો હતો, પરંતુ તેમાં કેટલાક ફેરફારો કર્યા હતા.
નવી ફોર્મ્યુલા શું છે?
નવા ફોર્મ્યુલા હેઠળ, 17 ટકા SC અનામતમાંથી, SC (જમણેરી) અને SC (ડાબેરી) ને 6-6 ટકા અનામત મળશે, જ્યારે ‘સ્પૃશ્ય’ દલિત સમાજો (લંબાણી, ભોવી, કોરમા અને કોરચા) અને અતિ પછાત અને વિચરતી જાતિને 5 ટકા અનામત મળશે. જોકે, કેટલાક સમાજોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. લંબાણી અને ભોવી જેવા સ્પૃશ્ય સમાજોએ પાંચ ટકા અનામતને અપૂરતી ગણાવી છે અને તેને વધારીને છ ટકા કરવાની માંગ કરી છે. એક ટકા અલગ અનામત દૂર કરવા પર વિચરતી જાતિઓએ નારાજગી વ્યક્ત કરી છે.
કેબિનેટની બેઠક પછી મંત્રીએ શું કહ્યું?
કેબિનેટ બેઠક પછી કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે કહ્યું કે કેબિનેટ બેઠક ‘સાર્થક’ રહી અને તમામ SC સમાજોનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીઓ સંતુષ્ટ છે.(મતલબ, એક પણ દલિત નેતાએ આટલી ગંભીર બાબતનો વિરોધ નથી કર્યો.) તેમણે કહ્યું કે બેઠક લગભગ અઢી કલાક ચાલી. અમે બધા ખુશ અને સંતુષ્ટ થઈને કેબિનેટ રૂમમાંથી બહાર આવ્યા. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, તેથી વિગતો શેર કરવાનો કોઈ અવકાશ નથી.
BREAKING
Karnataka has become the second state after Telangana to implement internal reservation for Scheduled Castes (SC).
Group A (SC Left): 6%
Group B (SC Right): 6%
Group C: 5%Congress has proved that it is the true champion of social justicepic.twitter.com/hPvp0tHLyZ
— Surbhi (@SurrbhiM) August 20, 2025
પછાત વર્ગ વિકાસ મંત્રીએ શું કહ્યું?
પછાત વર્ગ વિકાસ મંત્રી શિવરાજ તંગડાગીએ પુષ્ટિ કરી કે એસસી અનામતને ત્રણ કેટેગરીમાં વહેંચીને પેટા વર્ગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ નિર્ણયને ‘ઐતિહાસિક’ ગણાવ્યો.(યાદ કરો, બીજો ક્યો પક્ષ તેના દરેક દલિત વિરોધી નિર્ણયને ઐતિહાસિક ગણાવે છે?) તેમણે કહ્યું કે આ ત્રણ કેટેગરીઓ માટે – 6-6 અને 5 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે માહિતી આપી કે કમિશનના ગ્રુપ A (સૌથી પછાત સમુદાયો) ને ‘સ્પૃશ્ય’ દલિતો (ભોવી, બંજારા, કોરમા અને કોરચા) ના જૂથમાં સમાવવામાં આવ્યા છે, જ્યારે ગ્રુપ E ને ગ્રુપ B અને C માં ઉમેરવામાં આવ્યા છે.
ભાજપ સાશિત હરિયાણામાં અનામતમાં ભાગલા પાડેલા છે
ઉલ્લેખનીય છે કે, ભાજપસાશિત હરિયાણામાં, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC-ST) માટેની 20 ટકા અનામતને બે ભાગમાં વહેંચવામાં આવી છે. આમાં, વંચિત અનુસૂચિત જાતિઓ માટે 10 ટકા ક્વોટા અને અન્ય અનુસૂચિત જાતિઓ માટે 10 ટકા ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. આ રીતે, દલિત સમાજમાં વધુ પછાત જાતિઓને 10 ટકા અનામત આપવામાં આવી રહી છે, જે કુલ 20 ટકા ક્વોટાનો એક ભાગ છે.
આ નિર્ણયની શું અસર થશે?
આધારભૂત સૂત્રોના મતે, કોંગ્રેસનો આ નિર્ણય દલિતો માટે ઘાતકી સાબિત થશે અને દલિત સમાજની વિવિધ પેટા જાતિઓમાં આંતરિક ખેંચતાણ વધુ તીવ્ર બનશે. કોંગ્રેસ-ભાજપ સહિતના સવર્ણ હિંદુઓનું રાજકારણ કરતા પક્ષો દલિતોને મળેલી બંધારણીય અનામતને ખતમ કરવા માટે દેશ આઝાદ થયો ત્યારથી મથી રહ્યાં છે. એ રીતે તેઓ સવર્ણોને રાજી રાખવા માંગે છે. આ નિર્ણયથી અન્ય રાજ્યો પણ એસસી-એસટીની અનામતમાં ભાગલા પાડવા પ્રેરાશે. સરવાળે તેનું નુકસાન દલિતો-આદિવાસીઓને થશે. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોનો મંત્ર અપનાવ્યો હતો. તેને હવે કોંગ્રેસ-ભાજપે આઝાદી બાદ દલિતો-આદિવાસીઓ માટે અપનાવી લીધો છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારના આ નિર્ણયે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, તે માત્ર દલિત હિતોની વાત કરે છે. પરંતુ જ્યારે ખરેખર તેમના હકોની રક્ષા કરવાની વાત આવે ત્યારે તે કટ્ટર દલિત વિરોધી બની જાય છે. કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસે એસસી અનામતમાં પાડેલા ભાગલા તેનું સૌથી મોટું ઉદાહરણ છે. દલિતોએ કોંગ્રેસથી શું કામ ચેતવું જોઈએ, તે આ નિર્ણયથી સમજી શકાય છે.











Users Today : 1661