IPS Birdev Siddhappa Dhone: ગત મંગળવારે યુપીએસસી(UPSC)ની ફાઈનલ પરીક્ષાના પરિણામો આવ્યા અને અનેક યુવાનોની સફળતા અને તેની પાછળની મહેનતની કહાની મીડિયામાં ચમકી ગઈ. જો કે, એ બધી સક્સેસ સ્ટોરી વચ્ચે મહારાષ્ટ્રના એક ભરવાડ યુવકની સફળતાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. કારણ કે તે યુવકે ઘેટાંબકરાં ચરાવવાના પરંપરાગત વ્યવસાયની સાથે અઘરી ગણાતી યુપીએસસી(UPSC)ની પરીક્ષા પાસ કરી છે. હવે પશુધન ચરાવતા પરિવારનો એ દીકરો આઈપીએસ(IPS) બની ગયો છે.
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના કાગલ તાલુકાના નાનકડા ગામ યમગેના ભરવાડ પરિવારના બિરદેવ સિદ્ધપ્પા ધોણે (Birdev Siddhappa Dhone) નામના 27 વર્ષના એક યુવકે લાખો યુવાનો જે સ્વપ્ન જુએ છે તે પ્રાપ્ત કર્યું છે. મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં પોતાની મહેનતના બળે બિરદેવ UPSC 2024 ની પરીક્ષામાં 551મો રેન્ક મેળવીને IPS અધિકારી બન્યા છે.
ઘેટાંબકરાં ચરાવતો હતો અને મિત્રે ફોન કરી જાણ કરી
ખાસ વાત એ હતી કે જ્યારે UPSC પરિણામ જાહેર થયું ત્યારે બિરદેવ કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ પર આવેલા બેલગામમાં તેના માતાપિતા સાથે ઘેટાં-બકરાં ચરાવી રહ્યો હતો અને તેના મિત્ર નિશાંત દેશમુખે તેને ફોન કરીને આ ખુશખબર આપી હતી.
બિરદેવની આ સફળતા દેશના દલિત-વંચિત સમાજના એવા સેંકડો યુવાનોમાં નવી આશાનો સંચાર કરશે, જે એકાદ-બે પ્રયત્નોમાં જ હાર માની લે છે.
આ પણ વાંચો: ફી ન ભરી શકતા સ્કૂલે પરીક્ષા દેતા રોકી, દલિત દીકરીનો આપઘાત
બિરદેવનું સપનું પહેલેથી સિવિલ સર્વિસમાં જોડાવાનું હતું
બિરદેવના પિતા ઘેટાંબકરાં ચરાવે છે અને માતા ગૃહિણી છે. ગરીબ પરિવારમાંથી આવતો બિરદેવ શરૂઆતથી જ ઊંચા સપના અને ઉચ્ચ વિચારો ધરાવતો હતો. તેનું સપનું ભારતીય વહીવટી સેવામાં જોડાવાનું અને દેશની સેવા કરવાનું હતું. શાળાના દિવસોથી જ અભ્યાસમાં ટોપર રહેતો બિરદેવ ગામની પ્રાથમિક શાળાથી લઈને મુરગુડની શિવરાજ વિદ્યાલય જુનિયર કોલેજ સુધીની દરેક પરીક્ષામાં ટોપર રહ્યો હતો. તે ધોરણ ૧૦ અને ૧૨ માં મુરગુડ સેન્ટરમાં પ્રથમ સ્થાને રહ્યો અને ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા હતા.
બાદમાં તેણે વર્ષ 2020 માં પુણેની COEP કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું. પરંતુ તેનું લક્ષ્ય સ્પષ્ટ હતું – UPSC પાસ કરવાનું. આ માટે તે દિલ્હી ગયો અને ત્યાંના કોચિંગમાં પ્રવેશ મેળવ્યો. આ સમય દરમિયાન તેણે પોતાની અંગ્રેજી પર પણ ધ્યાન આપ્યું. તેના મિત્રોએ પણ તેને આમાં મદદ કરી. અંતે ત્રીજા પ્રયાસમાં તેણે પોતાનું સ્વપ્ન સાકાર કર્યું અને UPSC પાસ કરી.
પૈસાની તંગી પડતા મિત્ર પાસેથી ઉછીના લીધાં
બિરદેવની સફળતામાં તેના પરિવારનો ફાળો પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. તેના મોટા ભાઈ વાસુદેવ ધોણે ભારતીય સેનામાં નાયક તરીકે સેવા આપી રહ્યા છે. તેણે બિરદેવને તેના અભ્યાસમાં મદદ કરી. જ્યારે દિલ્હીમાં કોચિંગ માટે પૈસાની તંગીનો સામનો કરવો પડ્યો ત્યારે તેણે તેના મિત્ર નિશાંત દેશમુખની મદદ લીધી હતી.
એક વર્ષ પોસ્ટમેન તરીકે કામ કર્યું
બિરદેવ કહે છે, મારો ભાઈ પોલીસ અધિકારી બનવા માંગતો હતો પરંતુ આર્થિક મુશ્કેલીઓને કારણે તેને સેનામાં જોડાવું પડ્યું. તેમણે હંમેશા મને આગળ વધવામાં મદદ કરી છે. મેં નક્કી નાખ્યું હતું કે મારે યુપીએસસી પાસ કરવાની જ છે, ભલે ગમે તે થાય. શરૂઆતમાં મારા પિતા ઇચ્છતા હતા કે હું કોઈ નોકરી કરું. મેં વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૧ સુધી પોસ્ટમેન તરીકે કામ કર્યું પણ સિવિલ સર્વિસીસની તૈયારી માટે રાજીનામું આપી દીધું હતું. હવે તેનું પરિણામ સૌની સામે છે.
કાગલ તાલુકાનો પહેલો આઈપીએસ બન્યો
બિરદેવ આજે કાગલ તાલુકાના પહેલા IPS અધિકારી બન્યા છે. તેમની સિદ્ધિ પર સમગ્ર જિલ્લો ગર્વ અનુભવી રહ્યો છે. બિરદેવ ઢોણાની આ કહાની અહીં એટલા માટે શેર કરીએ છીએ, જેથી દલિત-બહુજન સમાજના એસ્પિરન્ટ્સ તેમાંથી પ્રેરણા મેળવે અને હિંમત હાર્યા વિના મહેનત કરવાનું ચાલું રાખે. આજ નહીં તો કાલ, સફળતા ચોક્કસ મળશે.
આ પણ વાંચો: તેલંગાણામાં SC પેટાવર્ગીકરણ લાગુ, કોંગ્રેસે 14મી એપ્રિલે જ દલિતોની પીઠમાં ઘા કર્યો?