ભાજપના કેટલાક નેતાઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ બધું જાણે તેમની કૌટુંબિક પ્રોપર્ટી હોય તેવું વર્તન કરતા હોય છે. આવો જ એક કિસ્સો આણંદ જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં બોરસદ અને ઉમરેઠના ધારાસભ્યોએ સરકારી શાળાના ઉદ્ઘાટનમાં પોતે હાજર રહેવાને બદલે તેમના પુત્રોને કાર્યક્રમમાં મોકલ્યા હતા અને તેમના હસ્તે શાળાના ઓરડાઓનું ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું હતું.
સરકારી પ્રોટોકોલ મુજબ ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાથી તેમના હસ્તે સરકારી શાળાનું ઉદ્ઘાટન કે ખાતમૂહુર્ત થાય તે બરાબર છે પરંતુ તેમના પુત્રોના હસ્તે શાળાને ખૂલ્લી મૂકાય તે પ્રોટોકોલનો ભંગ ગણાય. હાલ તો સમગ્ર જિલ્લામાં આ મુદ્દે ચર્ચા જામી છે. સૂત્રોના મતે બંને ધારાસભ્યોનો પુત્રપ્રેમ છેક ગાંધીનગર કમલમ સુધી પહોંચી ગયો છે.
આણંદ જિલ્લાના ભાજપના ધારાસભ્યો રાજકીય ક્ષેત્રે તૈયાર કરવાની ગણતરીએ પોતે જે કાર્યક્રમમાં ના જઇ શકે ત્યાં દિકરાઓને મોકલી પ્રજા વચ્ચે નવી ઓળખ ઉભી કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. એ રીતે તેઓ તેમના સંતાનો માટે પણ રાજકીય પીચ તૈયાર કરવાની ઈચ્છા ધરાવતા હોય છે.
બોરસદના ધારાસભ્ય અને વિધાનસભા દંડક રમણ સોલંકી અને ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે પોતાની જગ્યાએ દીકરાઓને કાર્યક્રમમાં મોકલી ખાતમુહુર્ત કરાવતા હોબાળો મચી ગયો છે. બંને ધારાસભ્યોએ પક્ષની છબીને હાનિ પહોંચાડવાની સાથે સરકારી પ્રોટોકોલનો પણ ભંગ કર્યો હોવાની ચર્ચા જામી છે. સાથે જ આણંદ જિલ્લામાં કોંગ્રેસ બાદ ભાજપના નેતાઓ પણ પરિવારવાદ તરફ વળી રહ્યાં હોવાનો આ સંકેત હોવાનું પણ જાણકારો માને છે.
ઘટના શું હતી?
આણંદ જિલ્લાના હાલ વિવિધ વિકાસના કામો ખાતમુહુર્ત ગ્રામ્ય કક્ષાએ ચાલી રહ્યાં છે. ત્યારે સરકારી પ્રોટોકોલ મુજબ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવે છે. પરંતુ ભાજપના ધારાસભ્યો હાલમા નવો ચિલો ચાતરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ગત શનિવારે બોરસદના કોઠાગાળાની કોઠીયા ખાડ નાની શેરડી આદર્શ પ્રાથમિક શાળાના સાત જેટલા ઓરડાનું ગુજરાત સરકાર સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત હેઠળ ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોરસદના ધારાસભ્ય અને નાયબ દંડક રમણભાઈ સોલંકીના હસ્તે ખાતમૂહુર્ત થવાનું હતું.
આ પણ વાંચો: યે હમ કશ્મીરિયોં કે મહેમાન હૈ, ઈન્હે મત મારો..
પરંતુ તેઓ પહેલગામ આતંકી હુમલાને પગલે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હોવાથી શાળાના ઓરડાનું ખાતમૂહુર્ત કરવા જઈ શક્યા નહોતા. તેના બદલે તેમણે પોતાના દીકરા સિદ્ધાર્શ સોલંકીને કાર્યક્રમમાં મોકલ્યો હતો અને તેના હસ્તે ઓરડાઓના ખાતમૂહુર્તની વિધિ કરાવી હતી. જેનો વિડીયો તથા ફોટા વાયરલ થતાં રાજ્ય સરકારના પ્રોટોકોલનો ભંગ થયો હોવાની ચર્ચા ઉઠી છે.
તેવી જ રીતે ઉમરેઠના ધારાસભ્ય ગોવિદ પરમારે પણ પોતાના પુત્રને ઓરડાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મોકલી આપ્યો હતો અને ધારાસભ્યને બદલે તેણે ખાતમૂહુર્ત કર્યું હતું.
ગાંધીનગર સુધી મામલો પહોંચતા પગલાં લેવાય તેવી શક્યતા
આ ઘટનાના ભાજપ સંગઠન સહિત છેક ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે અને આણંદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોના મતે ગાંધીનગર કમલમ સુધી આ ઘટના પહોંચી છે અને આવા પુત્રઘેલા નેતાઓ સામે ભાજપ પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે બંને ધારાસભ્ય વિરૂદ્ધ પ્રદેશ કક્ષાએ સ્થાનિક નેતાઓ દ્વારા રજૂઆત કરાઈ છે. મીડિયા દ્વારા આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યોહતો પરંતુ તેઓ વિદેશમાં હોવાથી તેમની સાથે વાતચીત થઈ શકી નહોતી.
આ પણ વાંચો: ઓઢવ ચર્ચ ગુંડાગીરી મામલે પોલીસનું ‘જૂઠ્ઠાણું’ પકડાયું?