ગુજરાતમાં ચોતરફ નકલીની બોલબાલા છે. નકલી પીએમઓ, સીએમઓ અધિકારીથી લઈને સરકારી કચેરીઓ, ટોલનાકા પણ નકલી ઉભા થઈ ગયા છે, ત્યારે નકલીઓની આ યાદીમાં વધુ એક ઉમેરો થયો છે. જેમાં એક ગામમાં આદિવાસી સમાજના ન હોવા છતાં એક જ પરિવારના ત્રણ લોકોએ નકલી એસટી સર્ટિફિકેટ કઢાવી સરકારી નોકરી મેળવી લીધી છે.
ચોંકાવનારો આ મામલો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વસાઈ ગામનો છે. જ્યાં સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ, હિંમતસિંહ ગુલાબસિંહ અને સુમિત્રાબેન ગુલાબસિંહ નામના ત્રણ સરકારી કર્મચારીઓએ આદિવાસી ન હોવા છતાં એસટી સર્ટિફિકેટ કઢાવી સ્થાનિક કક્ષાએ તાલુકા પંચાયત, મામલતદાર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ પાસેથી દાખલા મેળવી સરકારી નોકરી મેળવી લીધી છે. જો કે, હવે તેમના તમામના આધારભૂત પ્રમાણપત્રો ખોટા સાબિત થતા તમામની સામે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પરિવારના ત્રણ લોકોએ નકલી અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવી લીધી છે. એટલું જ નહીં, તેઓ વર્ષ 2012થી આજ દિન સુધી સરકારી નોકરી કરી રહ્યાં છે. ત્રણેય લોકો અનુક્રમે 2003, 2007 અને 2012થી અત્યાર સુધીમાં અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો બનાવી તેના આધારે સરકારી કર્મચારી તરીકે સરકારી નોકરી કરી રહ્યા છે.
આ પણ વાંચો: બ્રાહ્મણ શખ્સે નકલી OBC સર્ટિ. પર 40 વર્ષ પોલીસની નોકરી કરી
આજના સમયે સરકારી નોકરી મેળવવી આસાન નથી. આજની તારીખે કોઈપણ દાખલો મેળવવા માટે અરજદારોએ સવારથી જ લાંબી લાઈનો લગાવી સરકારી દાખલો મેળવી, તેના આધારે વિવિધ પરીક્ષાઓ આપી સરકારી નોકરી મેળવવી આકરી મહેનત કરવી પડે છે. પરંતુ આ પરિવારે કશી જ મહેનત કર્યા વિના માત્ર નકલી આદિવાસી સર્ટિ રજૂ કરી આસાનાથી નોકરી મેળવી લીધી હતી.
આ પરિવારે વર્ષ 2012થી અત્યાર સુધીમાં ત્રણ વાર સ્થાનિક તંત્રને અંધારામાં રાખી ખોટા એસટી પ્રમાણપત્રો બનાવડાવી સરકારી નોકરી મેળવી લીધી હતી. હવે સ્થાનિક મામલતદાર દ્વારા વિજયનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
સમગ્ર મામલે તપાસ કર્યા બાદ વિજયનગર મામલતદારને ગાંધીનગર ખાતેની નિયામક કચેરીથી ફરિયાદ નોંધાવવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિજયનગર મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હતી.
જો કે પોલીસ દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે હજુ ત્રણ પૈકીના એક પણ આરોપીની ધરપકડ કરી નથી.
જો કે, ગુજરાતમાં આ રીતે નકલી પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવવાની ઘટનાઓ નવી નથી. અગાઉ અનેક કિસ્સાઓમાં જનરલ કેટેગરીના લોકો દ્વારા નકલી એસસી કે એસટી સર્ટિફિકેટ કઢાવી તેના આધારે ચૂંટણીઓ જીતી ગયાના દાખલા છે. જો ગુજરાતભરમાં તમામ સરકારી કર્મચારીઓના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવે તો હજુ બીજા કેટલાય સરકારી બાબુઓના પગ નીચેથી જમીન ખસી જાય તેમ છે.
કોની કોની સામે ફરિયાદ નોંધાઈ?
સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ, વેસ્ટન રેલ્વે, અમદાવાદ
સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ, સી.આર.પી.એફ. અમદાવાદ
સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ, લોકરક્ષક દળ, અમદાવાદ શહેર
સોલંકી કલ્યાણસિંહ ગુલાબસિંહ, લોકરક્ષક દળ, સાબરકાંઠા જિલ્લો
આ પણ વાંચો: નકલી ST સર્ટિફિકેટ કઢાવી બ્રાહ્મણ યુવક Deputy Collector બની ગયો
Have tene ,, suspend karo toy,, su??? Pagar lai ne ghar to bari lidhu
*ST નું સર્ટિફિકેટ આપનારને જેલ ભેગો કરવો જોઈએ નહિ તો 🐯વાઘ SC ST નું લોહી ચાખી જશે!