ધર્મના નામે કરોડોનો ધંધો ખોલીને બેઠેલા તિરૂપતિની આ ઘટના છે. અહીં એક એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા દલિત વિદ્યાર્થીનું અપહરણ કરી તેને ચાર દિવસ સુધી ગોંધી રાખી પેશાબ પીવડાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઘટનાને લઈને રાજ્યભરમાં આક્રોશ ફેલાયો છે. તિરુચનુર પોલીસે બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) ની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં અપહરણ, ગંભીર ઈજા પહોંચાડવી, જાતિવાદી હુમલો, ત્રણ દિવસથી વધુ સમય માટે ગેરકાયદેસર રીતે બંધક બનાવવું અને જાનથી મારી નાખવાની ધમકીનો સમાવેશ થાય છે.
દલિત વિદ્યાર્થીએ જાતિગત સતામણીનો આરોપ લગાવ્યો
કેસ 16 મેના રોજ નોંધવામાં આવ્યો હતો. દલિત વિદ્યાર્થીની ઓળખ એ. જેમ્સ તરીકે થઈ છે. તે વિદ્યા નિકેતન કોલેજનો બી.ટેકનો અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે અને નેલ્લૂર જિલ્લાના રેડ્ડીપાલેમ ગામનો રહેવાસી છે. જેમ્સ અને તેના મિત્ર ગુરુ સાઈ રેડ્ડીનું હોસ્ટેલની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું. યશવંત નામના આરોપીએ કિરણ, જગ્ગા, લલિત, સાઈ ગૌડા, વંશી, રૂપેશ અને કેટલાક અજાણ્યા લોકોનો સાથે મળીને અપહરણનો કારસો રચ્યો હતો.
ચાર દિવસ સુધી પુરી રાખી માર માર્યો
જેમ્સે એક વીડિયો સ્ટેટમેન્ટમાં કહ્યું, “હું મારા પિતરાઈ ભાઈને મળવા જઈ રહ્યો હતો ત્યારે કેટી રોડ કટ્ટી, નાની, જગ્ગા જેવા લોકોએ ગ્રુપ બનાવી મને રોક્યો અને મને એક રૂમમાં બંધ કરી દીધો. તેમણે મને ત્રણ-ચાર દિવસ સુધી નિર્દયતાથી માર માર્યો.”
આ પણ વાંચો: કોડીનારમાં સમૂહ લગ્નમાં 27 યુગલોએ બૌદ્ધ વિધિથી લગ્ન કર્યા
દલિત વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ તેને જાતિસૂચક ગાળો ભાંડી પેશાબ પીવા માટે મજબૂર કર્યો હતો. આરોપીઓ માર મારતી વખતે બોલતા હતા કે, દલિત થઈને તારી આટલી હિંમત કેવી રીતે થઈ કે અમારી સામે બોલે છે. આરોપીઓએ તેને માર મારી જાતિસૂચક અપશબ્દો બોલતા હતા.
હોટલના રૂમમાં પુરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ જેમ્સ અને તેના મિત્રને શ્રીનિવાસપુરમની એલીટ પાર્ક હોટેલના રૂમ નંબર 209 માં બંધ કરી દીધા હતા, અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને હાથ, લાતો, બેલ્ટ અને લોખંડના સળિયાથી માર મારવામાં આવ્યો હતો. જેમ્સને આંખ પાસે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે તેના મિત્રને પણ અનેક જગ્યાએ ઈજાઓ પહોંચી છે. બંને વિદ્યાર્થીઓ જેમતેમ કરીને હોટલમાંથી ભાગી છૂટ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અન્ય આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આ ઘટનાની નિંદા કરી
આ ઘટનાની આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ વાયએસ જગન મોહન રેડ્ડીએ સખત નિંદા કરી અને તેને દલિતો પર વધતા અત્યાચાર અને રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું ઉદાહરણ ગણાવ્યું.
తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025
જગન રેડ્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “રાજ્યમાં દલિતો માટે કોઈ સુરક્ષા બચી નથી. આ ઘટના દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થા કેવી રીતે નબળા વર્ગોને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.”
દલિત ફરિયાદ કરવા જાય તો તેની સામે કેસ નોંધાય છે
જગન મોહન રેડ્ડીએ એવો પણ આરોપ લગાવ્યો કે, “રાજકીય હસ્તક્ષેપને કારણે પોલીસે આ કેસમાં સમયસર અને યોગ્ય કાર્યવાહી કરી નથી. હવે એ સામાન્ય વાત બની ગઈ છે કે જ્યારે કોઈ પીડિત પોલીસ સ્ટેશને જાય છે તો પોલીસ તેની સામે જ કેસ નોંધી દે છે. તિરુપતિમાં બનેલી આ ઘટના પોલીસની નિષ્ક્રિયતા અને શાસક પક્ષના દબાણનો પુરાવો છે. આ કેસના દોષીઓને તાત્કાલિક કેસ નોંધીને સજા થવી જોઈએ અને દલિત વિદ્યાર્થીને ન્યાય મળવો જોઈએ.”
આ પણ વાંચો: અસલાલીના ભાતમાં દલિતના લગ્નપ્રસંગમાં ઠાકોરોએ હુમલો કર્યો