ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે(GSSSB) હાલમાં જ 1900 ગ્રેડ પેની મહેસૂલ તલાટી વર્ગ 3ની 2389 જગ્યા માટે ભરતી જાહેર કરી છે. હવે તેના સિલેબસને લઈને રાજ્યભરમાં ઉમેદવારોએ વિરોધ શરૂ કરી દીધો છે. ઉમેદવારનું કહેવું છે કે મંડળ દ્વારા તલાટી માટે કલેક્ટર જેવી પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે, જે ખોટું છે.
ગૌણ સેવા પસંદગી મંડળ તલાટીની ભરતી માટે પહેલા પ્રીલિમ લેશે, જેમાં 200 માર્કના એમસીક્યુ પૂછશે અને ત્યાર બાદ 350 માર્કની મેઇન્સ લેશે, જે ડિસ્ક્રિપ્ટિવ હશે. ઉમેદવારો આ પરીક્ષાનો વિરોધ એટલા માટે કરી રહ્યાં છે કેમ કે, મંડળ દ્વારા આ જ મહિને જાહેર થયેલી અધિક મદદનીશ એન્જિનિયરની રૂ. 49 હજાર પગારની નોકરી માટે 210 માર્કના એમસીક્યુનું એક જ પેપર લેવાનું નક્કી કરાયું છે. આ સિવાય વર્ક આસિસ્ટન્ટની વર્ગ 3ની પરીક્ષા માટે પણ એક જ પેપર લેવાશે, પણ તલાટી માટે પ્રીલિમ અને મેઇન્સ રાખવામાં આવતા વિવાદ ઊભો થયો છે અને ઉમેદવારો આ ભેદભાવનો વિરોધ કરી રહ્યાં છે.
તલાટી માટે કલેક્ટર જેવી પરીક્ષા લેવાશેઃ પ્રશાંત લેઉઆ
કલોલના યુવા પત્રકાર પ્રશાંત લેઉઆ આ મામલે વિસ્તારથી છણાવટ કરતા જણાવે છે કે, “ગૌણ સેવા પસંદગી મંડળે તલાટીની ભરતી માટે કલેક્ટરની કક્ષાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોય તેમ જણાય છે. અગાઉ માત્ર 200 માર્ક્સની પરીક્ષા લેવાતી હતી અને તેના આધારે મેરિટ બનતું હતું. પરંતુ હવે મંડળે તેમાં પ્રિલીમ્સ અને મેઈન્સ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. આ બંને લેવલ એટલા અઘરાં બનાવી દેવાયા છે કે, જાણે ક્લાસ વન માટેની પરીક્ષા લેવાની હોય. ઉમેદવારો મહેનત કરવા તૈયાર છે પરંતુ આ તો વર્ગ 3ની પરીક્ષામાં વર્ગ 1નું પેપર લેવાશે.”
આ પણ વાંચોઃ GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી
બંને પરીક્ષાઓનો અભ્યાસક્રમ એકસમાન કરી રીતે હોઈ શકે?
પ્રશાંત લેઉઆ વધુમાં જણાવે છે કે, “આ પરીક્ષા બાદ નાયબ મામલતદાર અને DYSO તરીકે બઢતી મળશે. સવાલ એ છે કે બંનેનો અભ્યાસક્રમ એકસરખો કઈ રીતે હોઈ શકે. DYSO અને નાયબ મામલતદારની જેમ રેવન્યૂ તલાટીમાં પ્રિલીમ્સમાં 200 માર્ક્સની પેટર્ન સમાન છે. મેઈન્સમાં DYSO અને નાયબ મામલતદારમાં 400 માર્ક્સ છે તો રેવન્યૂ તલાટીમાં 50 માર્ક્સનો જ તફાવત છે. DYSO ઓનો પગાર 49600 છે અને તલાટીમાં 26000 પગાર છે. બંનેનો અભ્યાસક્રમ એકસમાન કેવી રીતે હોઈ શકે? હાઈકોર્ટ DYSO ઓમાં મેઈન્સમાં MCQ આધારિત સવાલો છે અને તલાટીમાં પણ ગુજરાતી, અંગ્રેજી અને જનરલ નોલેજ આધારિત 350 માર્ક્સના વર્ણનાત્મક પેપર છે. સવાલ એ છે કે, રેવન્યૂ તલાટી DYSO અને નાયબ મામલતદાર કરતા નીચેના વર્ગનો હોદ્દો છે તો બંને પરીક્ષાઓનો અભ્યાસક્રમ એકસમાન કરી રીતે હોઈ શકે?”
આ પણ વાંચોઃ પાટણના દલિત વિદ્યાર્થીએ 6 મિનિટમાં 200 દાખલા ગણી રેકોર્ડ સર્જ્યો
આવા નિર્ણયોથી ઉમેદવારો નિરાશ થશેઃ યુવરાજસિંહ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે વિરોધ નોંધાવતા જણાવ્યું છે કે, થોડા સમય પહેલા જાહેર કરાયેલી વિવિધ કેડરની 4200 ગ્રેડ પેની નાયબ ચિટનિસની નોકરી માટે માત્ર એક જ 200 MCQ ની પરીક્ષા છે. આ સિવાય તાજેતરમાં DYSOઓની પરીક્ષા લેવાઈ હતી, જેનો ગ્રેડપે 4400 અને શરૂઆતનો પગાર 70 થી 72 હજાર છે. આ પરીક્ષા બે તબક્કામાં લેવાઈ હતી, પણ બંનેમાં MCQ જ હતા. જીપીએસસમાં અંગ્રેજી ફરજિયાત નથી, ક્વોલિફાય માટે છે, પણ તલાટી માટે અંગ્રેજી ફરજિયાત કરાયું છે, જે તર્કવિહિન છે. આવા નિયમોથી છેવાડાના ઉમેદવારોને ન્યાય નહિ મળે.
તલાટીને નાયબ મામલતદારનું પ્રમોશન મળતું હોવાથી નિર્ણય લેવાયો
GSSSB ના ચેરમેન તુષાર ધોળકિયાએ જણાવ્યું છે કે, ટેકનિકલ પોસ્ટની ભરતીમાં 120 માર્ક પોસ્ટ સંબંધિત વિષયના અને બાકીના 90 માર્કના પ્રશ્નો હોય છે. તલાટીને પ્રમોશન બાદ નાયબ મામલતદારનું પ્રમોશન મળે છે, જેથી બે પરીક્ષા લેવાય છે.
આ પણ વાંચોઃ હસમુખ પટેલનું વલણ જાતિવાદી, GPSC માંથી હટાવો’
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો શું માને છે?
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વહીવટી વિભાગે વર્ગ 3 સંવર્ગના કર્મચારીઓની સીધી ભરતી કરવા માટે કમ્બાઈન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ (સીસીઈ) લેવાના નિયમો બનાવાયા હતા, જેમાં વર્ગ 3ને એ ગ્રૂપ અને બી ગ્રૂપમાં વિભાજિત કરાયા હતા, પરંતુ તલાટીની આ ભરતી ગ્રૂપ બી હેઠળ પણ જાહેર કરાઈ નથી. જેને લઈને ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા યુવાનોનું માનવું છે કે, પ્રિલીમ, મેઈન્સ આપ્યા બાદ પણ જો વર્ગ 3ની જ નોકરી મળવાની હોય, તો એટલી જ મહેનત કરીને વર્ગ1-2 અધિકારી ન બનીએ?
આ પણ વાંચોઃ ઘેટાં-બકરાં ચરાવતો યુવક UPSC પરીક્ષા પાસ કરી IPS બન્યો