એકબાજુ ગુજરાતમાં સામાન્ય માણસના કોઈપણ સરકારી કામ એક ધક્કામાં પૂર્ણ થતા નથી. નિયમિત મુજબ સરકારી કચેરીઓ સમયસર ખૂલતી નથી અને સરકારી બાબુઓની ગેરહાજરીઓની ફરિયાદો સતત આવતી રહે છે. કહેવા માટે તો અઠવાડિયામાં 6 દિવસ સરકારી કચેરીઓ ખૂલ્લી હોય છે પરંતુ સામાન્ય લોકોનો અનુભવ છે કે સરકારી બાબુઓ કદી પણ પુરેપુરા 6 દિવસ કચેરીઓમાં હાજર હોતા નથી. પરિણામે રાજ્યભરમાં સેંકડો લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાતા રહે છે.
સરકારી બાબુઓની આવી કામચોર અને આળસુ તરીકેની છાપ વચ્ચે ગુજરાત સરકારમાં કાર્યરત સરકારી બાબુઓ સરકાર સમક્ષ મોટી માંગણી કરી છે. મળતી માહિતી મુજબ તેમણે સપ્તાહમાં પાંચ દિવસ કામ અને બે દિવસ આરામ એટલે કે પાંચ દિવસનું સપ્તાહ (ફાઇવ ડે વીક) કરવાની માંગણી કરી છે. આ સાથે તેમણે સરકારી કચેરીઓનો સમય વધારીને સવારે 9-45થી સાંજે 6-10 કરવાની પણ રજૂઆત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વહીવટી સુધારણામાં પરિવર્તન લાવવા માટે સરકારી કચેરીઓનો સમય વહેલો કરવાનું સૂચન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હવે તેની સામે રાજ્યના ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સહિતના વિવિધ સરકારી કર્મચારી મંડળો અને સંઘો દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે, જો રાજ્ય સરકારે સરકારી કચેરીઓનો સમય વહેલો કરવો હોય તો ભલે કરે. પરંતુ સરકારે કર્મચારીઓને દર અઠવાડિયે એક નહીં, બે રજાઓ આપવી પડશે.
આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને 94.14 લાખની આવક થઈ
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા એવી પણ રજૂઆત કરાઇ છે કે, ગુજરાત સરકારના કર્મચારીઓને દરેક શનિ-રવિવારની જાહેર રજા જોઈએ છે. કર્મચારી મહામંડળ દ્વારા જણાવાયું છે કે, દુનિયામાં મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ જેવી કે, માઇક્રોસોફ્ટ, ગૂગલ, એપલ, એમેઝોન, યુનિલિવર, ડેલોઇટ, એક્સેન્ચર સહિતની કંપનીઓ પોતાના કર્મચારીઓ પાસેથી ગુણવત્તાયુક્ત કાર્ય લેવા માટે અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરાવે છે અને શનિ અને રવિવારે રજા આપે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા એવું જણાવાયું છે કે, આ માટે તેઓ સોમવારથી શુક્રવારે રોજ વહેલી સવારે 9-45 વાગ્યે સરકારી કચેરીમાં આવશે અને સાંજે 6.10 સુધી કામ કરશે. વિવિધ કર્મચારી મંડળો અને સંઘો દ્વારા એવો દાવો કરાયો છે કે, અન્ય રાજ્યોમાં 5 દિવસ કામ અને 2 દિવસ આરામ મળે છે, તો ગુજરાતમાં કેમ 5 દિવસ કામ અને 2 દિવસ આરામ કરવાની પદ્ધતિ લાગુ કરવામાં આવતી નથી.
રાજ્ય સરકારના કર્મચારીઓએ પણ મોટી મોટી કોર્પોરેટ કંપનીની જેમ પાંચ દિવસ સપ્તાહ ની માંગણી કરી છે. પાંચ દિવસ સપ્તાહ એટલે સોમવારથી શુક્રવાર સુધી કામ કરવાનું અને દરેક શનિ અને રવિવારે રજા. જો કરાય તો સરકારી કર્મીઓ એક મહિનાના 30 દિવસમાંથી 8 દિવસ રજા પર જ હોય. એટલે કે, જો પાંચ દિવસ સપ્તાહની પ્રણાલી અપનાવવામાં આવે તો 2 મહિનામાંથી અડધો મહિનો તો માત્ર રજાઓમાં પૂરો થઈ જાય.
આ પણ વાંચો: રાજકોટમાં દલિત દંપતિના 1 માસના પુત્રને બિલાડીએ બચકાં ભરતા મોત
ગુજરાત સરકારના વહીવટી સુધારણા વિભાગ દ્વારા કચેરી સમયમાં ફેરફાર કરવા સૂચન કર્યું છે. ત્યારે કર્મચારીઓના વિવિધ મંડળો અને સંઘો દ્વારા અન્ય રાજ્યોની જેમ પાંચ દિવસ સપ્તાહની માંગણી કરી છે. જ્યારે સરકારને બાકીના કલાકો અન્ય દિવસોમાં સરભર કરવાની પણ તેમણે માગણી કરી છે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓ સવારે 10:30 થી સાંજે 6:10 સુધી કાર્યરત છે. જેને સવારે 9:30 થી સાંજે 5:00 સુધી કરવાનું સૂચન કરાયું છે. ત્યારે પાંચ દિવસ સપ્તાહની સાથે કચેરી સમય સવારે 9:45 થી સાંજના 6:10 સુધીનો સમય કર્મચારીઓના વિવિધ મંડળો અને સંઘો દ્વારા સૂચન કરાયા છે.
આ પણ વાંચો: કોડીનારના કંટાળામાં આહિરો દલિતોથી અભડાતા કલેક્ટરને રજૂઆત