વેરાવળની વતની અને બોગસ અનુસૂચિત જનજાતિ(ST) પ્રમાણપત્ર કઢાવી રાજ્ય સરકારના કાયદા વિભાગમાં ક્લાસ વન અધિકારી સુધી પહોંચી સસ્પેન્ડ થનાર લક્ષ્મી કટારિયા વિરુદ્ધ હવે તેના જ વતન વેરાવળમાં ફરિયાદ નોંધાઈ છે. લક્ષ્મીએ કરેલા કૌભાંડ મામલે વેરાવળ મામલતદાર દ્વારા વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. તેણે આદિવાસી ન હોવા છતાં બોગસ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર કઢાવીને આદિવાસી ક્વોટામાં સરકારી નોકરી મેળવી હતી. એટલું જ નહીં ગાંધીનગર કાયદા વિભાગમાં ક્લાસ વન અધિકારી તરીકે પ્રમોશન પણ મેળવી લીધું હતું. પરંતુ ડોક્યુમેન્ટની ચકાસણીમાં ભાંડો ફૂટતાં હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
નકલી આદિવાસી પ્રમાણપત્ર પર પ્રમોશન મેળવ્યું
આ મામલાની મળતી વિગતો મુજબ, ગાંધીનગરમાં કાયદા વિભાગના તત્કાલીન ઉપસચિવ લક્ષ્મી કટારીયા 2014-15માં જીપીએસસીની પરીક્ષાના પરિણામ અને વેરાવળ મામલતદાર દ્વારા આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્રના આધારે અનુસૂચિત જનજાતિ (એસટી)વર્ગમાં નિમણૂંક પામ્યા હતા. જે બાદ અનુસૂચિત જનજાતિના પ્રમાણત્રની ખરાઈને આધીન પ્રમોશન આપવામાં આવ્યું હતું.
બોગસ પ્રમાણપત્રનો ભાંડો ફૂટતા ફરજમુક્ત કરાયા
વિભાગીય વિશ્લેષણ સમિતિ, ગાંધીનગર-૨ના હુકમ મુજબ લક્ષ્મી કટારિયાએ તેમને ૧૯/૦૮/૨૦૦૬ના રોજ તત્કાલીન મામલતદાર, વેરાવળ દ્વારા અપાયેલ જાતિ પ્રમાણપત્રનો ઉપયોગ કરીને પ્રમોશન મેળવ્યું હતું. પરંતુ ફેરચકાસણી દરમ્યાન આ પ્રમાણપત્ર ખોટું હોવાનું સાબિત થયું હતું. સમિતિએ સુપ્રીમ કોર્ટના ૧૯૯૪ના માર્ગદર્શક ચુકાદા તથા વિવિધ કાયદાકીય દસ્તાવેજોના આધારે તેમને અપાયેલ એસ.ટી. પ્રમાણપત્ર રદ કરવાની ભલામણ કરી હતી, જેને અનુસરતા રાજ્ય સરકારે તેઓને ફરજ પરથી તાત્કાલિક અસરથી મુક્ત કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 10 વર્ષમાં નકલી જાતિ પ્રમાણપત્રની 1084 ફરિયાદો મળી
અત્યાર સુધી ભોગવેલા અને મેળવેલા લાભો પાછા ખેંચાશે
લક્ષ્મી કટારીયાએ રજૂ કરેલ જાતિનું પ્રમાણપત્ર વેરાવળ મામલતદાર દ્વારા ગત ૧૬મી મેના રોજ રદ્દ કરવામાં આવ્યું હતું. જેના આધારે સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા તેમની સેવાઓનો તાત્કાલિક અસરથી અંત લાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ નિમણૂંકને આધિન તેમણે ભોગવેલા અને મેળવેલા લાભો પણ પાછો ખેંચવાનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો: કડાણામાં ના. મામલતદારે અડધા દિવસમાં 357 ST પ્રમાણપત્ર કાઢતા સસ્પેન્ડ
વેરાવળ મામલતદારે ફરિયાદ નોંધાવી
વેરાવળ શહેર મામતલદાર જેઠાભાઇ નાથાભાઈ શામળા દ્વારા લક્ષ્મી સરમણ કટારીયા (રહે. નવા રબારી વાડા, વેરાવળ, જિલ્લો ગીરસોમનાથ, હાલ ગાંધીનગર) વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ અનુસુચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ જાતિ પ્રમાણપત્રો કાઢી આપવાનું અને તેની ખરાઇ કરવા બાબત અધિનિયમ 2018ની કલમો 12 (1) (ચ), 12(1)(મ) મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હજુ કેટલા નકલી એસસી, એસટી અધિકારીઓ છે?
આ મામલો સાબિત કરે છે કે, સવર્ણો એકબાજુ દલિતો, આદિવાસીઓની બંધારણીય અનામતનો વિરોધ કરે છે અને બીજી બાજુ બોગસ એસસી-એસટી બનીને ગરીબ દલિતો, આદિવાસીઓના હકની નોકરીઓ પર તરાપ મારે છે. જો ગુજરાતમાં તમામ અધિકારીઓના જાતિ પ્રમાણપત્રની યોગ્ય રીતે ચકાસણી થાય તો હજુ પણ સેંકડો નકલી એસટી, એસટી અધિકારીઓ પકડાય તેમ છે તેમ જાણકારોનું માનવું છે.
આ પણ વાંચો: ઝૂંપડપટ્ટીની સરકારી સ્કૂલમાં ભણેલો દલિત છોકરો દેશનો CJI બન્યો