ભૂદાન આંદોલનમાં ગુજરાતમાં જે જમીનો મળી તેનું શું થયું?

ભૂદાન આંદોલનના 75 વર્ષ પૂર્ણ થયા. વિનોબા ભાવેએ શરૂ કરેલું આ આંદોલન શા માટે ધારી સફળતા ન મેળવી શક્યું, ગુજરાતમાં શું થયું તે સમજીએ.
bhoodan movement vinoba bhave

ચંદુ મહેરિયા

દેશ આઝાદ થયાને હજુ તો છ મહિના ય થયા નહોતા અને ગાંધીજીની હત્યા થઈ. ગાંધી હત્યાએ સર્જેલ શૂન્યાવકાશ, આઘાત અને વિષાદમાંથી ઉબરવા જ શાયદ વિનોબા ભાવેએ પહેલ કરી. માર્ચ ૧૯૪૮માં મહારાષ્ટ્રના સેવાગ્રામ(જિ.વર્ધા)માં ગાંધીજનોનું સંમેલન યોજ્યું. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ, મૌલાના આઝાદ સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સેવાગ્રામ સંમેલનમાં ગાંધીજીના કાર્યોને આગળ વધારવાની વિચારણા થઈ હતી.

ઈ.સ. ૧૯૦૪માં ગાંધીજીએ રસ્કિનનું ‘અનટુ ધિસ લાસ્ટ’ વાંચ્યું હતુ. અને તે તેમના દિલોદિમાગમાં છવાઈ ગયું હતું .૧૯૦૮માં તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો ત્યારે ગાંધીજીએ તેના શીર્ષક તરીકે  ‘સર્વોદય’ શબ્દ સૂચવેલો. ‘હિંદ સ્વરાજ’  (૧૯૦૯)માં તેમણે સર્વોદયનો ખ્યાલ સ્પષ્ટ કર્યો હતો. સર્વોદય અર્થાત વધારેમાં વધારે માણસોનો વધારેમાં વધારે ઉદય એ ગાંધી વિચારનો અર્ક હતો.

એટલે તેની આસપાસની સઘળી વિચારણાઓ પછી સેવાગ્રામ સંમેલનમાં ‘વિચારની મુક્ત સંગતિની યોજના’  તરીકે ‘સર્વોદય સમાજ’  અને ‘કાર્યની સુગઠિત વ્યવસ્થા કાજે’  ‘સર્વ સેવા સંઘ’ ની રચના કરવામાં આવી. જવાહરલાલ નહેરુના આગ્રહથી વિનોબાએ પાકિસ્તાનથી આવેલા ચાળીસ લાખ નિરાશ્રિતોના પુનર્વાસનું ગંજાવર કામ હાથ પર લીધું. પુનર્વસનના કામ દરમિયાન વિનોબાને અમલદારશાહીના જડસુ, લોકવિરોધી અને વિચારહીન વલણોનો અનુભવ થયો. એટલે તેઓ લોકશક્તિ જાગ્રત કરવા દેશ આખામાં ઘૂમવા માંડ્યા.

bhoodan movement vinoba bhave

સર્વોદય સમાજના વાર્ષિક સંમેલનોની પરંપરામાં એપ્રિલ ૧૯૫૧માં આંધ્રના શિવરામપલ્લીમાં સંમેલન હતું. વિનોબા સેવાગ્રામથી ત્રણસો કિલોમીટરની પદયાત્રા કરીને સંમેલનમાં ગયા હતા. તેલંગાણાના એ વિસ્તારમાં ત્યારે ભૂમિ સમસ્યા ચરમ પર હતી. સામ્યવાદીઓએ મોટા જમીનદારો સામે જમીનવિહોણાઓને સંગઠિત કરી હિંસા, લૂંટફાટ તથા ખૂનામરકીથી જમીનો મેળવી હતી. એટલે વિનોબાએ તે વિસ્તારની જાતતપાસ માટે પદયાત્રાનું આયોજન કર્યું. ૧૫મી એપ્રિલ ૧૯૫૧ને રામનવમીના દિવસે હૈદરાબાદથી તેમણે પદયાત્રા આરંભી.

આ પણ વાંચો: 50 ડ્રાઈવરોની હત્યા કરી મગરને ખવડાવી દેનાર ડોક્ટર ઝડપાયો

૧૮મી એપ્રિલ ૧૯૫૧ના દિવસે પદયાત્રા તેલંગાણાના નલકોંડા જિલ્લાના પોચમપલ્લી પહોંચી હતી. ૭૦૦ ઘરની વસ્તીના આ ગામમાં પોણા ભાગના જમીનવિહોણા ખેતમજૂરો હતા. સવાર સવારમાં જ પદયાત્રા પોચમપલ્લીની દલિત વસ્તીમાં ગઈ. દલિતોએ વિનોબાને કહ્યું, ‘અમે હાડતોડ મહેનત કરીએ છીએ પણ તો ય બે ટંક રોટલા ભેળા થતા નથી. અમારે પેટ માટે રોટલો અને રોટલા માટે જમીન જોઈએ છે.’ વિનોબાએ તેમની અરજ સાંભળી વળતાં પૂછ્યું તો દલિતોએ કહ્યું કે ‘૮૦ એકર જમીન મળે તો ભયો ભયો. ભલે તેમાં અડધી સૂકી કે બિનફળદ્રુપ હોય.’  સરકાર પાસે સરકારી પડતર જમીન મેળવવા વિનોબા વિચારતા હતા. એવામાં તેમણે સાથી પદયાત્રીઓ અને ગ્રામવાસીઓને પૂછ્યું કે ‘શું ગામમાંથી તેમને જમીન આપી શકાય તેમ છે?’  એ જ સમયે રામચંદ્ર રેડ્ડીએ તેમના પિતાની સ્મૃતિમાં તેમની ઈચ્છાનુસાર ૧૦૦ એકર જમીન દાન આપવાનું કહ્યું અને જાણે કે નવી દિશા ઉઘડી.

ભૂમિસમસ્યાગ્રસ્ત તેલંગાણાની એ પદયાત્રામાં વિનોબાએ બીજા દિવસે  પણ કોઈ સજ્જન ભૂમિવાન મળી રહેશેની આશે લોકો પાસે જમીન માંગી અને એ દિવસે પણ ૨૫ એકર મળી. એટલે વિનોબાને સર્વોદયનો  માર્ગ મળી ગયો. જમીનના દાને નવી વિચારસૃષ્ટિ ઉઘડી. ભારતની ભૂમિ સમસ્યાનો કરુણા, સદભાવના અને સમજાવટના માર્ગે ઉકેલ જડ્યો. ત્રીજા દિવસે ૨૦મી એપ્રિલ ૧૯૫૧ના રોજ વિનોબાએ ભૂદાનયજ્ઞ શબ્દ જાહેર કર્યો અને તેમની શેષ યાત્રા તેને જ સમર્પિત કરી. આજે તો હવે તે હકીકતને પંચોતેર વરસ થયાં.

આ પણ વાંચો: GPSCના ઇન્ટરવ્યુમાં SC-ST-OBC યુવકોને અન્યાય

bhoodan movement vinoba bhave

બાદમાં ભૂદાનયજ્ઞ વિસ્તરીને આખા દેશમાં ભૂદાન આંદોલન અને અંતે ભૂદાન આરોહણ બન્યો. તેમાં ગ્રામદાન, સંપત્તિદાન, સાધનદાન અને જીવનદાન જેવા નવા આયામો ઉમેરાતાં રહ્યાં. જમીન એ તો શોષણનું સૌથી મોટું સાધન છે. સ્વતંત્ર ભારતમાં જમીનોની માલિકી રાજા-મહારાજા, નિઝામો- નવાબો અને મોટા જમીનદારોની હતી. એ સંજોગોમાં વિનોબાએ હવા અને પાણીની જેમ જમીન પર પણ કોઈની વ્યક્તિગત માલિકી ન હોઈ શકે, તે લોકોની મઝિયારી સંપત્તિ છે એવો અલખ જગવ્યો. તે  જમીનદારોને અપીલ કરતાં કે ‘હું દાન નહીં ગરીબોનો હક માંગુ છું’ . દાનં સંવિભાગના ન્યાયે દાન એટલે સમ્યક વિભાજન.’ ખેતીલાયક જમીનનો છઠ્ઠો ભાગ મને છઠ્ઠો ભાઈ  ગણી આપો’ એવી તેમની લાગણીસભર અપીલની ભૂમિવાનો પર ખાસ્સી અસર થતી અને જમીનો મળવા માંડી. ભૂદાન આંદોલનમાં જમીનોનું વિતરણ પણ સાથે જ થતું હતું.

૧૮મી એપ્રિલ ૧૯૫૧થી ૧૦મી એપ્રિલ ૧૯૬૪ના તેર વરસો સુધી ભૂદાન આંદોલન ચાલ્યું. ૫૮,૭૪૧ કિલોમીટરની પદયાત્રામાં ૪૨ લાખ એકર જમીન મળી. જે ૧૮ લાખ જમીનવિહોણા પરિવારોને વહેંચવામાં આવી. તેમાં મોટાભાગના નિર્ધન દલિત, આદિવાસી, પછાત હતા. દેશમાં જે કુલ ૧૩,૦૦૦ ગ્રામદાન રજિસ્ટર થયા તેની બધી જમીન કે ભૂમિવાનોની વીસ ટકા જમીનો ગામની માલિકીની બની.

ભૂદાન આંદોલન એક અહિંસક ક્રાંતિ હતી. તેણે કતલ કે કાનૂનના બદલે કરુણાના રસ્તે ગરીબી મિટાવી અને અમીરી ઘટાડી હતી. દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ ભૂદાન આંદોલનની વ્યાપક અસર થઈ હતી. ગુજરાતે ભૂદાન આંદોલનમાં ૧૯૫૨થી ૧૯૫૮ના ગાળામાં ૧૮,૩૨૭ ભૂદાતાઓ પાસેથી ૧,૦૩,૫૪૩ એકર જમીન મેળવી હતી. પોણી સદીએ ભૂદાન આંદોલનના લેખાંજોખાં માંડતા જણાય છે કે ભારતની ભૂમિસમસ્યા ઉકેલવામાં તેનો અલ્પ ફાળો જરૂર છે.

જમીનદારી નાબૂદીના કે જમીન ટોચમર્યાદાના કાયદા ઘડાયા કે તેને અદાલતી સમીક્ષાથી વેગળા રખાયા તેમાં ભૂદાન આંદોલનનું મહત્વનું યોગદાન છે. મોટા જમીનદારોને જ્યારે ભૂદાનયાત્રીઓ મળતા ત્યારે તેઓ અભિમાન કે ગૌરવને બદલે દબાતા અવાજે પોતાની માલિકીની જમીનનો મોટો આંકડો કહેતા હતા. એટલે તેમને ભાવનાત્મક સ્તરે શરમિંદા કરવાનું કામ આંદોલને કર્યું હતું. આ આંદોલનામાં ‘શબરીના બોર અને સુદામાના તાંદુલ’  જેવા દાન મળ્યા હતાં તો પોતે ખપજોગી રાખીને બાકીની બધી જ જમીન દાન કરી હોય તેમ પણ બન્યું છે. એ અર્થમાં આંદોલનની વૈચારિક અને ભાવનાત્મક અસર બહુ પ્રબળ થઈ હતી.

bhoodan movement vinoba bhave

ભૂદાન આંદોલનની ભૌતિક સફળતા ખાસ જોવા મળતી નથી. ૧૯૫૧માં ખુદ વિનોબાજીએ આંદોલનના આરંભે દેશના સઘળા ભૂમિહીનો માટે પાંચ કરોડ એકર જમીનની જરૂરિયાત ગણાવી હતી. પરંતુ લગભગ સવા દાયકાના અંતે આંદોલન સમેટાયું ત્યારે માંડ અડધો કરોડ એકર પણ જમીન મળી નહોતી. એટલે આવશ્યકતાના દસમા ભાગ જેટલી જમીન મળી હતી. ગુજરાતમાં જમીન તો એક લાખ એકર મળી પણ તેમાંથી અડધી  (૫૦,૯૮૪ એકર) જ વિતરિત કરી શકાઈ કેમ કે બાકીની જમીનો કોર્ટકચેરી અને હકદાવાના ચકકરમાં અટવાયેલી હતી. એટલે મળ્યા છતાં ના મળ્યા બરાબર હતી. આવું આખા દેશમાં પણ બન્યું હશે. ૧૯૫૧માં  દેશમાં આશરે પાંચ લાખ ગામડામાંથી માત્ર તેર હજાર ગામો જ ગ્રામદાની બન્યા તે  સિધ્ધિ પણ સામાન્ય ગણાય.

આ પણ વાંચો: હિન્દીએ અવધી, બુંદેલી સહિત 25 ભાષાઓનો નાશ કર્યો: MK Stalin

ભૂદાન આંદોલનની એક અન્ય મર્યાદા એ રહી કે લોકોમાં ખાસ કરીને અમીરો અને જમીનદારોમાં દાનની લાગણી અને ભાવનાના જે ઉભરા વહેતા થયા તેને યોગ્ય રીતે અને સમયસર ચેનલાઈઝ અને ઈન્સ્ટિટ્યુલાઈશન ના કરી શકાયું. ભૂદાન કરનાર જમીનદારો અને જમીન મેળવનાર જમીનવિહોણાઓનું કોઈ સંગઠન ના બનાવાયું.  ભૂદાન અને અને ગ્રામદાનના કાયદા ઘડાયા તેમ ભૂદાનથી ઉભા થયેલા માહોલનો લાભ લઈને જમીન સુધારાના પ્રગતિશીલ કાયદા ઘડવા સરકાર પર દબાણ ઉભું કરવાની અમૂલ્ય તક પણ આંદોલને ન ઉઠાવી.

ભૂમિ સમસ્યા આજે ય વણઉકલી છે. હવે તે વધુ તીવ્ર બની છે. ખેતીની જમીનોનું ઉદ્યોગો અને વિકાસ કામો માટે સરકાર બળજબરીથી અધિગ્રહણ કરે છે. મસમોટા ફાર્મ હાઉસો અને કોર્પોરેટ ફાર્મિંગના જમાનામાં ખરા ખેડૂતો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ભૂદાન આંદોલનનું અમૃત વરસ  ભૂમિ સમસ્યાને આજે અને અબઘડી ઉકેલવાનું આહવાન તો કરે છે પણ  રસ્કિન-ગાંધી વિચાર ‘સર્વોદય’ થી આરંભાયેલી મજલ આજે તો ‘સબ કા વિકાસ’ના રાજકીય ‘બણગાંએ આવી ઉભી છે તે અંગે વિચારવા વિવશ કરે છે. સાંભળો છો કોઈ?

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: કોડીનારના કંટાળામાં આહિરો દલિતોથી અભડાતા કલેક્ટરને રજૂઆત

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x