રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી છે. બીજી તરફ ભાવનગરમાં 14 ઈંચ વરસાદને પગલે કાલે તમામ શાળાઓમાં રજા રાખવા આદેશ કરાયો છે.
બોટાદમાં પાંચ લોકો લાપતા, અમરેલીમાં બેના મોત
ભારે વરસાદના પગલે બોટાદના લાઠીદડમાં ઈકો કાર તણાઈ જતા પાંચ લોકો લાપતા છે. જેમની શોધખોળ કરાઇ રહી છે. જ્યારે રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે. બીજી તરફ ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ 59 દરવાજા એક ફૂટ સુધી ખોલાયા છે.
આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે 18 જૂનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: પ્લેન ક્રેશના મૃતક ડૉક્ટર્સ-સ્ટાફના પરિજનોને વળતર માટે સુપ્રીમમાં અરજી
આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. અને આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભરેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ભાદર ડેમ-1માં નવા નીરની આવક થઈ
સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા અને જીવાદોરી સમાન ગણાતા ભાદર ડેમ-1 માં નવા નીરની આવક થઈ છે. પાણીની સપાટી 22.30 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે ડેમમાં બે ફૂટ નવા પાણીનો ઉમેરો થયો, પાણીની સપાટી 22.30 ફૂટની ઉંચાઈએ પહોંચી છે, નવા નીરની આવક પહેલા ભાદર-1 ડેમની જળસપાટી 20.65 ફૂટ હતી, હાલ ડેમમાં 6528 ક્યૂસેક પાણીની આવક ચાલુ છે, ભાદર ડેમની કુલ ઉંડાઈ 34 ફૂટ છે.
થાનગઢ -વગડીયા રોડ પર ડાયવર્ઝન વાળો રસ્તો ધોવાયો
સુરેન્દ્રનગરના થાનગઢ -વગડીયા રોડ પર ઓવરબ્રિજ નિર્માણાધિન છે ત્યાં ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે તે ડાયવર્ઝન વાળો રસ્તો વરસાદમાં ધોવાઈ જતા વાહન ચાલકોને તેમજ લોકોને અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ હતી તે જગ્યાની ચોટીલા નાયબ કલેક્ટર તેમજ થાનગઢના મામલતદાર દ્વારા રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ વૈકલ્પિક રસ્તો જેવો કે પરબધણી પેટ્રોલપંપ વાળી ચોકડી – થાન રેલવે સ્ટેશન – થાનગઢ ઓવરબ્રિજ સુધીનો રસ્તાનો ઉપયોગ કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વૈકલ્પિક રસ્તો હાલ ચાલુમાં હોય અવરજવર અંગે કોઈ હાલાકી પડતી હોવાનું જણાતું નથી.
સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. હિંમતનગર શહેરમાં ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. શહેરના મહાવીરનગર, મહાકાળી વિસ્તાર, ગાયત્રી મંદિર રોડ, સહકારી જીન, મેડિસિટી, મોતીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ. પ્રાંતિજ, તલોદ, વિજયનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં વિસ્તારમાં પણ હળવો વરસાદ. હિંમતનગરના કાંકણોલ, આગીયોલ, ગામડી, ગાંભોઈ, ડેમાઈ, નવા, બેરણાં સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ.
આ પણ વાંચો: ભાવનગરના જેસરમાં 9 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
સૌરાષ્ટ્ર-કચ્છમાં 167 ગામોમાં 1181 ફીડર બંધ થતા અંધારપટ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદને પગલે વીજળી ગૂલ થયાની અનેક ફરિયાદો સામે આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 167 ગામોમાં 1181 ફીડર બંધ થયા હતા. જેથી વીજ પૂરવઠો ખોરવાયો હતો. જેથી પીજીવીસીએલની ટીમ ફિલ્ડમાં ઉતરી ગઈ છે અને વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. 23 TC ડેમેજ થઈ ગયા છે અને 1181 ફીડર બંધ હોવાનું સામે આવ્યું છે. ભાવનગરમાં 74, મોરબીમાં 26, અમરેલીમાં 20 ગામોમાં અંધારપટ છવાઇ ગયો છે.
રાજકોટ ગ્રામ્યમાં એગ્રીકલ્ચરના 90 ફીડર બંધ થઈ ગયા છે તો 60 વીજ પોલ ડેમેજ થયા. મોરબીમાં 26 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો. જ્યારે 19 વીજ પોલ ડેમેજ થયા. ભાવનગરમાં 74 ગામોમાં વીજ પૂરવઠો બંધ થઈ ગયો છે ત્યારે 174 વીજ પોલ ડેમેજ થયા છે. મોરબીમાં 26, જામનગરમાં 2, અંજારમાં 13, બોટાદમાં 11, અમરેલીમાં 20 અને સુરેન્દ્રનગરમાં 21 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો. કુલ 167 ગામોમાં અંધારપટ છવાયો છે તો 545 વીજ પોલ ડેમેજ થઈ ગયા છે. જ્યારે 23 TC ડેમેજ થયા છે.
આ પણ વાંચો: અમરેલીમાં ભર વરસાદે દલિત પરિવાર ન્યાય માટે ઉપવાસ પર બેઠો