સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામે ભારે વરસાદ દરમિયાન એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા આદિવાસી પરિવારના બે બાળકોના મોત થયા છે, જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. 7 અને 4 વર્ષના બે બાળકોના અચાનક મોતને પગલે નાનકડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે આદિવાસી પરિવારે પોતાના બે વહાલસોયા બાળકોને ખોવાનો વારો આવ્યો છે. બે બાળકોનાં મોતને પગલે પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયું છે અને સમગ્ર ગામમાં શોકમાં ગરકાવ થઈ ગયું છે.
એક જ પરિવારના ત્રણ બાળકો દટાયા હતા
આ બનાવની મળતી વિગતો પ્રમાણે ખેડબ્રહ્માના રતનપુર ગામે ભારે વરસાદને કારણે આદિવાસી પરિવારના કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. વહેલી સવારે ભારે વરસાદને કારણે કાચા મકાનની દિવાલ નરમ પડીને ધરાશાયી થઈ હતી. જેમાં કુલ ત્રણ બાળકો દબાયા હતા. જેમાંથી એકની ખેડબ્રહ્મા ખાતે સારવાર ચાલી રહી છે. જ્યારે બેના હોસ્પિટલે લઈ જતી વખતે રસ્તામાં જ મોત નીપજ્યા હતા.
આ પણ વાંચો: ધોળકાના સાથળમાં દલિતો અંતિમક્રિયા માટે 12 કિ.મી. દૂર જાય છે
સરકારે મકાન બનાવી આપ્યું હોત તો જીવ બચી જાત
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં ગરીબ આદિવાસી પરિવારોને પીએમ આવાસ યોજના હેઠળ પાકું મકાન બનાવી આપવા માટેની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ હજુ સુધી તેનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. જો આ આદિવાસી પરિવારને પીએમ આવાસ યોજના હેઠળ પાકું મકાન બનાવી અપાયું હોત, તો તેમના બાળકોનો જીવ ન ગયો હોત.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ગઈકાલે ભારે વરસાદને પગલે રતનપુરના આદિવાસી પરિવારના કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં પરિવારના ત્રણ બાળકો દિવાલ નીચે દટાયા હતા. જેમને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે બહાર કઢાયા હતા. એક બાળકને ખેડબ્રહ્મા ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે અન્ય બે બાળકોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક એક બાળક અને બાળકીનું હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં મોત નીપજ્યું હતું.
વહેલી સવારે તલાટી કમ મંત્રીને ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળનું પંચનામું કર્યું હતું અને પોલીસ સ્ટેશને જઈ પોલીસને જાણ કરી હતી. ખેરોજ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સ્થળનું નિરીક્ષણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક બંને બાળકોને મટોડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
આ પણ વાંચો: ભૂદાન આંદોલનમાં ગુજરાતમાં જે જમીનો મળી તેનું શું થયું?