ધોળકાના સાથળમાં દલિતો અંતિમક્રિયા માટે 12 કિ.મી. દૂર જાય છે

આઝાદીના 78 વર્ષ અને દેશનું બંધારણ લાગુ થયાના 75 વર્ષ બાદ પણ અમદાવાદના ધોળકા તાલુકાના સાથળ ગામમાં દલિતોની અંતિમક્રિયા માટે સ્મશાન નથી.
iconic image
પ્રતીકાત્મક તસવીર

દેશ આઝાદ થયાને 78 વર્ષ થઈ ચૂક્યા છે અને ડો.આંબેડકર લિખિત બંધારણ લાગુ થયાને 75 વર્ષ વીતી ગયા છે, છતાં દેશમાં દલિતો, આદિવાસીઓને પાયાની સુવિધાઓ માટે પણ ઝઝૂમવું પડે છે. તેનો તાજો દાખલો અમદાવાદના ધોળકા તાલુકાના સાથળ ગામમાંથી સામે આવ્યો છે. અહીં આઝાદીના 78 વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ સમાજના લોકો પાસે અંતિમક્રિયા માટે સ્મશાન નથી. પરિણામે જ્યારે પણ દલિત સમાજની કોઈ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેને અંતિમક્રિયા માટે 12 કિલોમીટર દૂર વૌઠા લઈ જવી પડે છે. આ મામલે હવે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને લેખિતમાં ફરિયાદ કરીને વહેલીતકે સ્મશાન માટે જમીન ફાળવવા વિનંતી કરી છે.

કાંતિલાલ પરમારે કરેલી અરજીમાં લખ્યું છે કે, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સાથળ ગામે આઝાદીના 78 વર્ષ પછી અને ભારતીય બંધારણ લાગુ થયાને 75 વર્ષ પુરા થવા આવ્યા છતાં ગામમાં અનુસૂચિત જાતિના લોકો માટે મરણ બાદ અંતિમક્રિયા(દફનાવવા) માટે સ્મશાનની જમીન નથી. ગામમાં સ્મશાનની જમીન નીમ કરેલ નથી. જેના કારણે સાથળ ગામે અનુસૂચિત જાતિની કોઈ વ્યક્તિનું શિયાળો, ઉનાળો કે ચોમાસાની સીઝનમાં મરણ થાય ત્યારે તે વ્યક્તિની મરણ બાદની સન્માનપૂર્વક અંતિમક્રિયા કરવા માટે 12 કિલોમીટર દૂર વૌઠા જવું પડે છે. જેમાં લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો

સાથળ ગામના વર્તમાન સરપંચ નાનીબહેન કાંતિભાઈ ડોડીયા કહે છે, “અમે ઠરાવો કરેલા છે પણ ગામમાં જમીન નથી, જેથી આ પરિસ્થિતિ ઉભી થઇ છે. આઝાદીના 78 વર્ષના વહાણા વાયા પણ અનુસૂચિત જાતિના લોકોની આ જ હાલત છે, ગામમાં જીવતા તો અનેક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પણ મરણ બાદ પણ પોતાનું સ્મશાન ન હોવાના લીધે સન્માનપૂર્વક અંતિમક્રિયા પણ કરી શકાતી નથી. ગામે તાત્કાલિક અનુસૂચિત જાતિના લોકો માટે અંતિમવિધિ (દફનક્રિયા) કરવા માટે સ્મશાનની જમીન નીમ કરવામાં આવે, જો ગામમાં સ્મશાનની જમીન નીમ કરવા જમીન ઉપલબ્ધ ન હોય તો સરકાર જમીન ખરીદીને અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાનની જમીનની ફાળવણી કરી નીમ કરે. અમે સાથળ ગામે અનુસૂચિત જાતિના લોકોના બંધારણીય અને માનવ અધિકારોના ભંગ સામે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરી તેઓના બંધારણીય હક અને માનવ અધિકારોનું રક્ષણ કરવા માંગણી કરીએ છીએ.”

સાથળ ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકોની કેટલીક માગણીઓ છે. જેમ કે, સૌ પ્રથમ સાથળ ગામમાં અનુસૂચિત જાતિના લોકો માટે તાત્કાલિક સ્મશાનની જમીન નીમ કરવામાં આવે. એ સ્મશાનની જમીન આસપાસ પ્રોટેક્શન વોલ(સંરક્ષણ દિવાલ) બનાવવામાં આવે. સ્મશાનની જમીન નીમ કર્યા બાદ સ્મશાનમાં બાંકડા મુકવામાં આવે, સ્મશાન છાપરી બનાવવામાં આવે, ફૂલછોડ રોપવામાં આવે. જમીનનું લેવલિંગ કરવામાં આવે, પાણીનો બોર અને ટાંકી બનાવવામાં આવે અને ઇલેક્ટ્રિક મોટર મુકવામાં આવે તેમજ રસ્તાની સુવિધા કરવામાં આવે.

અનુસૂચિત જાતિના લોકો સાથે સરકારી તંત્ર દ્વારા જ્ઞાતિ આધારિત ભેદભાવ રાખી સ્મશાનની જમીન નીમ કરવામાં આવતી નથી. જે બાબતે જમીન નીમ કરવામાં આવે અને પ્રાથમિક અને મૂળભૂત જાહેર સુખાકારીની સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવી અને ભારતીય બંધારણમાં આર્ટિકલ 21 હેઠળ દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ રીતે આપવામાં આવેલ જીવન જીવવાના અધિકાર, આર્ટિકલ 17 હેઠળ આભડછેટ દૂર કરવા, આર્ટિકલ 14 હેઠળ કાયદાની સમાનતા અને આર્ટિકલ 15 હેઠળ જાતિ, જ્ઞાતિ, ધર્મ, વંશ કે જન્મ સ્થળના આધાર પર ભેદભાવ પર પ્રતિબંધના અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે.

આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ- નવી દિલ્હી, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગરને ફરિયાદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: દલિત RTI કાર્યકરની ગોળી મારી હત્યા, લાશ પુલ નીચે ફેંકી દીધી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x