ગુજરાતમાં એકબાજુ ગરીબો આખી જિંદગી મથે તો પણ ઘરનું ઘર બનાવી શકતા નથી. બીજી બાજુ ભાજપના ધારાસભ્યો, નેતાઓ સત્તાનો ઉપયોગ કરીને સરકારી યોજનાનો લાભ લઈ લે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના જામનગરમાંથી સામે આવી છે. જ્યાં ભાજપના ધારાસભ્યના પુત્રે પીએમ આવાસ યોજનાનો લાભ લેતા વિવાદ સર્જાયો છે.
નિયમ મુજબ પીએમ આવાસ યોજનાનો લાભ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મળતો હોય છે. જેના માટે આવકમર્યાદાથી લઈને અનેક નિયમો નક્કી કરેલા છે. પણ ભાજપ ધારાસભ્યના પુત્રે એ તમામ નિયમોનો ઉલાળીયો કરીને પિતાની લાગવગના દમ પર પીએમ આવાસ યોજનાનો લાભ લઈને મકાન બનાવી લીધું હતું.
જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ પીએમ આવાસ યોજનાનો લાભ લીધો હોવાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે. ધારાસભ્યના પુત્રને પીએમ આવાસ યોજનાનો લાભ મળતા વિવાદ સર્જાયો છે અને જામનગરમાં રાજકારણ ગરમાયું છે. વિવાદ વધતા ધારાસભ્યએ પણ આ વાત સ્વીકારી છે.
આ પણ વાંચો: કડીના વણસોલમાં બુટલેગરે દલિત દંપતી પર જીવલેણ હુમલો કર્યો
આરટીઆઈની માહિતી મુજબ, ધ્રોલના ૭૬-કાલાવડ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડા દ્વારા ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી સહાય મેળવીને પોતાનું મકાન બાંધવાનું કામ પણ શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાએ ભાજપના વધુ એક ધારાસભ્ય પુત્રને વિવાદમાં લાવી દીધો છે અને ‘કયા નિયમો અનુસાર આ લાભ લેવામાં આવ્યો છે?‘ તેવા અનેક સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ મોહિત ચાવડા ભપકાદાર લાઈફ જીવે છે. તેમ છતાં તેણે ગરીબોનો હક મારીને ગરીબો અને મધ્યમ વર્ગ માટેની આવાસ યોજનાનો લાભ લેતા સ્થાનિકો રોષે ભરાયા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમો અનુસાર, આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબમાં કોઈપણ સભ્ય ભારતભરમાં કોઈપણ જગ્યાએ પોતાની માલિકીનું પાકું મકાન ધરાવતો ન હોવો જોઈએ. આ ઉપરાંત, વાર્ષિક આવક મર્યાદા રૂ.૩ લાખ નિર્ધારિત કરવામાં આવી છે. ત્યારે એક ધારાસભ્યના પુત્ર દ્વારા આ યોજનાનો લાભ કયા આધાર પર લેવામાં આવ્યો તે મોટો પ્રશ્ન છે.
સામાન્ય ગરીબ લોકોને આવાસ યોજનામાં લાભ લેવા માટે અનેક દસ્તાવેજો રજૂ કરવા પડે છે અને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે, ત્યારે ધારાસભ્યના પુત્રને આવાસમાં લાભ લેવા માટે કોઈ નીતિ-નિયમો લાગુ પડતા નથી? તેવો સવાલ સામાન્ય લોકોના મનમાં ઉભો થયો છે. આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટરે આ મામલાની સઘન તપાસ કરવામાં આવે તેવી માગ કરી છે.
આ પણ વાંચો: સામાજિક બહિષ્કાર કરાતા આદિવાસી પરિવારે સામૂહિક આપઘાત કર્યો