પાટણ જિલ્લાના સિદ્ધપુર પંથકમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપીને પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતી એક માસૂમ દલિત સગીરાને ગામના જ બે લુખ્ખા તત્વો માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળીને સગીરાએ ઝેર પી લીધું હતું. નરાધમોના અસહ્ય ત્રાસ અને સામાજિક બદનામીના ડરથી ફફડી ગયેલી આ દીકરીએ અંતે ઝેર ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે, જે હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
મામલો શું હતો?
ઘટનાની વિગતો અનુસાર, સિદ્ધપુર તાલુકાના એક ગામમાં રહેતી દલિત સગીરા જ્યારે બોર્ડની પરીક્ષા આપવા માટે સિદ્ધપુરની એક ખાનગી સ્કૂલે જતી હતી, ત્યારે ગામના જ બે શખ્સો વિપુલજી ઠાકોર અને સાહરજી ઠાકોર તેને સતત પરેશાન કરી તેની છેડતી કરતા હતા. ગત 5 માર્ચ, 2026ના રોજ જ્યારે સગીરા પરીક્ષાની તૈયારીઓ સાથે પેપર આપવા જઈ રહી હતી, ત્યારે આ બંને શખ્સોએ બાઈક પર આવી તેનો રસ્તો રોક્યો હતો. આરોપીઓએ સગીરાને રસ્તા વચ્ચે ઊભી રાખી મોબાઈલમાં તેના ફોટા બતાવીને ધમકી આપી હતી કે, “જો તું અમારી વાત નહીં માને અને અમારી સાથે સંબંધ નહીં રાખે તો તારા આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશું” આટલું જ નહીં, આરોપીઓએ સગીરા સાથે ઝપાઝપી પણ કરી હતી, જેના કારણે વિદ્યાર્થીની અત્યંત ભયભીત થઈ ગઈ હતી.

આ પણ વાંચો: કેરળમાં નોકરીના માત્ર 4 મહિનામાં દલિત પૂજારીએ રાજીનામું આપ્યું
જો કે, સગીરાએ હિંમત ભેગી કરી ઘરે પહોંચીને આ ઘટનાની જાણ તેના પિતાને કરી હતી. દીકરીની વાત સાંભળી પિતા જ્યારે આ શખ્સોને ઠપકો આપવા પહોંચ્યા, ત્યારે આરોપીઓનો અહંકાર ઓગળવાને બદલે વધુ ભભૂકી ઉઠ્યો હતો. આરોપીઓએ પિતાને તેમની ભૂલ સ્વીકારવાને બદલે જાતિસૂચક અપમાનિત શબ્દો કહીને આખા પરિવારને હડધૂત કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
દલિત દીકરીએ કંટાળીને ઝેર પી લીધું
એક બાજુ દીકરીની મર્યાદાનો સવાલ અને બીજી બાજુ જાતિવાદી માનસિકતા ધરાવતા આ તત્વોનો આતંક – આ બેવડા દબાણ હેઠળ સગીરા મનોમન ભાંગી પડી હતી. તેને લાગ્યું કે જો આ ફોટા વાયરલ થશે તો તે સમાજમાં ક્યાંય મોઢું બતાવી શકશે નહીં. બદનામીના આ ખોટા ડર અને નરાધમોના ત્રાસથી છૂટવા માટે 6 માર્ચના રોજ જ્યારે ઘરના સભ્યો કામમાં હતા, ત્યારે આ દીકરીએ ઘઉંમાં નાખવાની દવા પી લીધી હતી. આત્મહત્યાના પ્રયાસ બાદ જ્યારે તેની તબિયત લથડી ત્યારે પરિવારને જાણ થઈ અને તાત્કાલિક તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
આ ઘટનાની ગંભીરતા અને દલિત પરિવાર પર થયેલા અત્યાચારને ધ્યાનમાં લેતા સિદ્ધપુર પોલીસે બંને આરોપીઓ ઠાકોર વિપુલજી લીલાજી અને ઠાકોર સાહરજી અભુજી સામે પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટ(SC-ST ACT) હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો: વાળંદો દલિતોના વાળ નહોતા કાપતા, સરકારે દલિતો માટે ‘સરકારી સલૂન’ ખોલ્યાં
આ ઘટના માત્ર એક સામાન્ય છેડતીનો કિસ્સો નથી, પરંતુ તે બતાવે છે કે આજે પણ દલિત સમાજની દીકરીઓ માટે શિક્ષણનો માર્ગ કેટલો કાંટાળો છે. બોર્ડની પરીક્ષાના મહત્વના સમયે જ્યારે એક વિદ્યાર્થિનીને શાંતિ અને સુરક્ષાની જરૂર હોય, ત્યારે લુખ્ખા તત્વોએ તેને ઝેર પીવા મજબૂર કરી દીધી. સ્થાનિક દલિત સંગઠનો અને ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા તત્વોને કડક સજા મળવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ દીકરીની આબરૂ અને શિક્ષણ સાથે ચેડાં કરવાની હિંમત ન કરે.
પોલીસે બંને મુખ્ય આરોપીઓને ઝડપી લીધાં?
તાજેતરની માહિતી મુજબ, આ કેસની તપાસ ડીવાયએસપી (DySP) પરેશ રેણુકા પોતે સંભાળી રહ્યા છે. પોલીસની વિવિધ ટીમો દ્વારા આરોપીઓ ઠાકોર વિપુલજી લીલાજી અને ઠાકોર સાહરજી અભુજીને પકડવા માટે તેમના નિવાસસ્થાને અને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે બંને મુખ્ય આરોપીઓની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળે છે. સગીરા હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી પોલીસ તેની તબિયત સુધર્યા બાદ વધુ વિગતવાર નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરશે. ફોટા વાયરલ કરવાની ધમકી આપવા માટે જે મોબાઈલનો ઉપયોગ થયો હતો, તેને પણ જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવાની તજવીજ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીની પર શિક્ષકે 20 દિવસ સુધી રેપ કરી ગર્ભપાત કરાવ્યો












BJP ni sarkaar ma aava likhaa tatvo ke je Hindu jatankvadi ane aatankvadi ni paidsh che,,, tene police no Dar jaray nathi karan ke police tena virudhh kaydeser ni karyvahi nathi karati,,,
Aava jatankvadi o na ancounter karo ya fanshi do ya aajivan jail ma nakho