આજના યુગમાં એકબાજુ માનવી કોમ્પ્યુટર, ટેકનોલોજી અને વિજ્ઞાનની સાથે ડગ માંડી આગળ વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ કેટલાક એવા લોકો પણ છે જેમને મંત્ર-તંત્ર, ભૂવા-ભારાડી અને કાળા જાદુ થકીમાં આંધળો વિશ્વાસ હોય છે. આવા લોકો જાદુટોણાં કરાવી વગર મહેનતે પૈસાદાર થવાની લ્હાયમાં જાણે-અજાણે ભુવા-તાંત્રિકની જાળમાં ફસાઈ જાય છે. છેલ્લે જ્યારે તેઓ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ભોગ બને છે ત્યારે તેમની હાલત કફોડી થઈ જાય છે.
ગુજરાતીમાં એક કહેવત છે કે, લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સાબરકાંઠા જિલ્લામાંથી. જ્યાં બે વર્ષ અગાઉ હિંમતનગરના પાણપુરમાં રહેતા અને ફેબ્રીકેશનનું કામ કરતાં એક સામાન્ય પરિવારના વ્યક્તિ પાસેથી ઈડરના રાવોલ ગામના એક શખ્સે કાળા જાદુ અને તાંત્રિક વિધિથી રૂપિયાનો વરસાદ કરવાનું કહીને રૂ. 6 લાખની છેતરપિંડી આચરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, છેતરપિંડી કરનાર શખ્સ હાલમાં જ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાવોલના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો છે. તેણે ભોગ બનનારને હું ચમત્કારિક કાળો જાદુ જાણું છું અને પૈસાનો વરસાદ કરી આપીશ તેમ કહીને રૂપિયા ૧૧ લાખ લઈ તેના રૂપિયા બે કરોડ કરવાની લાલચ આપી રૂ. 6 લાખની છેતરપિંડી કરી હતી. આ મામલે ઈડરના જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: વીરમગામમાં ઠાકોરોએ દલિત મામા-ભાણેજના પગ ભાંગી નાખ્યા
આ ઘટનાની મળતી વિગતો મુજબ, હિંમતનગરના પાણપુર ગામના તૌફીક ઉર્ફે બિલાલ ઈસ્માઈલભાઈ સારોલીયાએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ વર્ષ ર૦ર૩માં તેણે રાવોલ ગામના અલ્પેશ સોમાજી ઠાકોરના નવા મકાનમાં બારીબારણાં અને ચોકઠાં સહિત જાળી બનાવવાનું કામ રાખ્યું હતું. જે પૂર્ણ થયા બાદ અલ્પેશ પાસેથી રૂ.૪.પ૦ લાખ લેવાના નીકળતા હતા. એ દરમ્યાન તેમને એવી માહિતી મળી હતી કે અલ્પેશ ઠાકોર મહાકાળી માતાજીનો ભુવો છે અને બધાંના કામ કરી આપે છે. જેથી તૌફીકએ અલ્પેશ ઠાકોરને વાત કરી હતી. જેમાં અલ્પેશે કહ્યું હતું કે, હું ચમત્કારિક કાળો જાદુ જાણું છું અને પૈસાનો વરસાદ કરી આપીશ.
એમ કહીને તેણે રૂ.૧૧ લાખનું રોકાણ કરવા લાલચ આપીને તેના રૂ.ર કરોડ કરી આપવાનું કહ્યું હતું. જેથી તોફીક લાલચમાં આવી ગયો હતો. અલ્પેશે તૌફીકને ખાલી ઝોળી બતાવી તેમાંથી રૂ.પ૦૦ના દરની ચાર નોટો કાઢી બતાવી જાદુ બતાવ્યો હતો. જેના લીધે તૌફીકએ મજૂરી પેટેના રૂ.૪.પ૦ લાખ અને બીજા પ૦ હજાર ઉમેરી રૂ. પ લાખ આપ્યા હતા. એટલું જ નહીં બાકીના પૈસા પુરા કરવા માટે એક ખાનગી બેંકમાંથી રૂ.૬ લાખની લોન લઈ અલ્પેશ ઠાકોરને આપ્યા હતા.
એ પછી રાવોલ ગામના સ્મશાનમાં અલ્પેશ ઠાકોરે કાળા જાદુની કથિત વિધિ કરી હતી. એ પહેલા તેણે એક ઘાસ, અત્તર અને રાખ ભરેલી મટકી જમીનમાં દાટી આવવા માટે કહયું હતું અને તેને વિધિના બીજા દિવસે ખોલવા માટે કહ્યું હતું. જો કે બીજા દિવસે તૌફિકે ત્યાં જઈને શોધતા મટકી મળી નહોતી. આથી તેણે અલ્પેશ ઠાકોરનો સંપર્ક કર્યો હતો. જેથી અલ્પેશએ ફરીથી વિધિ કરાવવી પડશે તેવું આશ્વાસન આપ્યું હતું. જો કે તૌફિકે રૂપિયા પરત માંગતા અલ્પેશ બહાના બતાવવા માંડ્યો હતો.
ભારે દબાણ બાદ અલ્પેશ ઠાકોરે રૂ.11 લાખ પૈકી 5 લાખ બે તબક્કામાં પરત આપ્યા હતા, જયારે બાકીના રૂ.૬ લાખ આપવા માટે વાયદો કર્યો હતો. પરંતુ વાયદા મુજબ અલ્પેશએ રૂ.૬ લાખ પરત ન કરતાં તૌફીકએ મંગળવારના રોજ અલ્પેશ વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે ગુનો નોંધી ઠગ અલ્પેશ ઠાકોરને ગણતરીના સમયમાં દબોચી લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે આ ઠગ ના ઝાંસામાં વડાલીના બે વ્યક્તિઓને પણ છેતર્યા હોવાનું પણ બહાર આવ્યું છે. જેમાં આ છેતરપિંડીનો ભોગ બનેલા બંને સામાન્ય વ્યક્તિઓ છે. જેઓ પણ આ તાંત્રિક અલ્પેશના સકંજામાં સપડાયા હતા અને વિશ્વાસમાં આવી જઈને એક વ્યક્તિએ ૩૨ લાખ જ્યારે બીજાએ ૧૮ લાખ રૂપિયા આમ આશરે ૫૦ લાખ રૂપિયા આ ઠગને આપ્યા હોવાના આક્ષેપો સાથે બંને જણ જાદર પોલીસ મથકે તાંત્રિક અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધવા પહોંચ્યા હતા. ત્યારે આ ઠગ અલ્પેશના કાળા જાદુના શિકારમાં હજુ કેટલા નિર્દોષ લોકો ફસાયા હશે તે પણ સવાલ ઉભો થયો છે.
અગાઉ આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું
તૌફીકભાઈ સારોલીયાએ અલ્પેશ ઠાકોર પાસે કડક ઉઘરાણી કરતાં ગોલવાડાના ભરત અળખાજી ઠાકોર, ગૌતમ ભટ્ટ તથા ભીખુસિંહ સોમસિંહ ડાભીએ દરમ્યાનગીરી કરી સમાધાન કરાવ્યું હતું અને એક મહિનામાં પૈસા પરત આપવાની બાહેધરી આપી હતી.
આ પણ વાંચો: નાગા બાવાઓએ દલિત વ્યક્તિને જાતિસૂચક ગાળો ભાંડતા પોલીસ ફરિયાદ
રકમ લીધા અંગે નોટરી કરાવી લીધી
તૌફીક સારોલીયાને ઠગ અલ્પેશ ઠાકોરને તબક્કાવાર રૂ.૬ લાખ આપ્યા હતા. જેના માટે તૌફીકએ ગત તા.રપ-૧-ર૦રપના રોજ સ્ટેમ્પ કરાવ્યો હતો. ત્યારબાદ શિવરાત્રીના દિવસે તૌફીક રાવોલ ગામે ઉઘરાણીએ ગયો હતો. ત્યારે મારી પાસે હાલ પૈસા નથી તેવું ઠગ અલ્પેશે કહી માતાજીનો આદેશ મળી ગયો છે અને કાળા જાદુથી પૈસાનો વરસાદ કરી ફરીથી વિધિ કરાવી હતી.
ઈડર ડીવાયએસપીએ શું કહ્યું?
ઈડરના ડીવાયએસપી સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે, રાવોલના અલ્પેશ સોમાજી ઠાકોર પોતે તાંત્રિક વિધિ કરીને પૈસાનો વરસાદ કરી શકે છે તેમ કહી લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. તેણે તૌફિક પાસેથી લીધેલા રૂ.૬ લાખ પરત ન આપતા આખરે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધ્યો છે, જેની હાલ તપાસ પીઆઈ આર.ડી.તરાલ ચલાવી રહ્યા છે. અમારી પાસે એક અરજદાર આવેલ છે અને ફરિયાદ દાખલ કરેલ છે અને આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આ પ્રકારની પદ્ધતિમાં વિશ્વાસમાં આવીને પૈસા રોક્યા હોય તેમને શોધીને તેમના નિવેદનો નોંધીશું.
આ પણ વાંચો: બ્રાહ્મણોએ OBC કથાકારનું માથું મુંડી, માનવમૂત્ર છાંટી, નાક રગડાવ્યું