દેશમાં જ્યારથી હિંદુત્વવાદી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી દલિતો પર અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થતો રહ્યો છે. આવું કોઈ વ્યક્તિ નહીં પરંતુ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ કહે છે. ભાજપ સાશિત રાજ્યો યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઓડિસામાં દલિતો પર અત્યાચારની ઘટનાઓમાં છેલ્લાં પાંચ વર્ષમાં ચિંતાજનક વધારો થયો છે. એક બાજુ વડાપ્રધાન મોદી અને ભાજપના નેતાઓ દલિતોના મતો મેળવવા માટે ચૂંટણી આવે ત્યારે દલિતોના ઘરે જઈને ભોજન કરે છે, વડાપ્રધાન ચૂંટણી આવે એટલે સફાઈકર્મીઓના પગ ધુએ છે. પરંતુ જ્યારે સવર્ણ હિંદુઓ દલિતો પર અત્યાચાર કરે છે ત્યારે મૌન થઈ જાય છે.
ઓડિશા, છિંદવાડાની ઘટના ચોંકાવનારી
દેશમાં દર વર્ષે દલિતો પર અત્યાચારમાં વધારો થયો છે. દેશના કોઈને કોઈ ખૂણે દરરોજ દલિતો અને આદિવાસીઓ પર અત્યાચારની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. તાજેતરની ઘટનાઓમાં સૌથી વધુ ચર્ચિત ઘટના ઓરિસ્સામાંથી સામે આવી છે. જ્યાં પોતાની જ ગાય લઈને જઈ રહેલા બે દલિતોને જાતિવાદી તત્વો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને તેમના માથા મુંડી તેમને બે કિ.મી. સુધી ઘૂંટણિયે ચાલવા, ઘાસ ખાવા અને ગટરનું પાણી પીવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ પણ વાંચો: અઢી વર્ષની દલિત બાળકી સાથે ક્રૂરતા આચરનારને આજીવન કેદ
દલિત અત્યાચારની ઘટનાઓથી દેશની છબિ ખરડાય છે
બે દિવસ પહેલા દેશમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ અંગે દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ રાજેન્દ્ર પાલ ગૌતમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું, “દેશમાં દલિતો, આદિવાસી, પછાત વર્ગો અને લઘુમતીઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં પરિસ્થિતિ ખરાબ છે અને આ ઘટનાઓ પ્રત્યે સરકારનું વલણ ખૂબ જ બેજવાબદાર લાગે છે. આ ઘટનાઓ એટલી શરમજનક છે કે તે આખા દેશને શરમજનક સ્થિતિમાં મૂકે છે અને વિશ્વ સમક્ષ દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. સરકારે પોતે સંસદમાં SC/ST વિરુદ્ધના ગુનાઓની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.”
ભાજપ શાસિત રાજ્યોમાં દલિતો પર અત્યાચારો વધ્યાં
ભાજપ શાસિત રાજ્ય હરિયાણામાં દલિતો પર થતા અત્યાચારના બનાવોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “વર્ષ 2017માં હરિયાણામાં દલિત અત્યાચારની 762 ઘટનાઓ બની હતી, જે વર્ષ 2021 સુધીમાં વધીને 1628 થઈ ગઈ હતી. મધ્યપ્રદેશમાં એક વર્ષમાં 5982 ઘટનાઓ બની હતી જે એક વર્ષમાં વધીને 7214 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં એક વર્ષમાં 1689 ઘટનાઓ બની હતી, તે વધીને 2503 થઈ ગઈ છે. ઓડિશામાં એક વર્ષમાં 1669 ઘટનાઓ બની હતી અને તે એક વર્ષમાં વધીને 2327 થઈ ગઈ છે. રાજસ્થાનમાં એક વર્ષમાં 4238 ઘટનાઓ બની હતી, જે વધીને 7224 થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશમાં એક વર્ષમાં સૌથી વધુ 11,444 ઘટનાઓ બની હતી, જે એક જ વર્ષમાં વધીને 13,144 થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં એક વર્ષમાં 96 ઘટનાઓ બની હતી, એ આંકડો એક જ વર્ષમાં વધીને 130 એ પહોંચી ગયો છે.”
રાજેન્દ્ર પાલ ગૌતમે દલિતો પર થતા અત્યાચારના વધતા જતા બનાવો અંગે સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે “આવી ઘટનાઓ છતાં, સરકારનું વલણ શરમજનક છે. જો આપણે 2018-2021 વચ્ચેના ડેટા પર નજર કરીએ તો, SC/ST વિરુદ્ધ ગુનાઓની ઘટનાઓમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે.”
વર્ષ 2018-2022 વચ્ચે દલિત અત્યાચારની ઘટનાઓમાં 35 ટકાનો વધારો
રાજેન્દ્ર પાલે દેશમાં દલિતો પર થયેલા તાજેતરના અત્યાચારોનો ઉલ્લેખ કર્યો. તેમણે મધ્યપ્રદેશના છિંદવાડામાં એક દલિત યુવકને પેશાબ પીવા માટે મજબૂર કરવા અને ઓડિશામાં ગાયની તસ્કરીના આરોપસર બે લોકોનું માથું મુંડ્યા પછી ઘૂંટણિયે ચાલવા માટે મજબૂર કરવા જેવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. NCRB રિપોર્ટને ટાંકીને, તેમણે 2018-2022 વચ્ચે SC/ST વિરુદ્ધ ઉત્પીડનની ઘટનાઓમાં 35% નો વધારો થયો હોવાનો દાવો કર્યો. જેમાંથી 26 ટકા કેસ એકલા યુપીના છે.
આ પણ વાંચો: ‘મનુવાદીઓ સાંભળી લો, ડૉ.આંબેડકરની પ્રતિમા હાઈકોર્ટમાં જ લાગશે’