ટેકનોલોજી બેધારી તલવાર જેવી હોય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ. પરંતુ અમદાવાદના ચાંદખેડામાં એક માસુમ દલિત દીકરી તેનો ભોગ બની છે. મોબાઈલ ફોનમાં કેમેરા આવ્યા પછી અશ્લીલ વીડિયો વાયરલ થવાની ઘટનાઓ ખાસ કરીને યુવતીઓ માટે એક ઘાતક સમસ્યા બની ગઈ છે. અંગત પળોના આવા વીડિયો અનેક જિંદગીઓનો ભોગ લઈ ચૂકી છે અને આજે એક માસુમ દલિત દીકરી તેનો ભોગ બની છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના ચાંદખેડામાં એક 21 વર્ષની દલિત દીકરીએ તેના પ્રેમીએ ઉતારેલો અશ્લીલ વીડિયો વાયરલ થવાની બીકે એપાર્ટમેન્ટના 14 મા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ મામલે હવે પોલીસે તેના પ્રેમી અને તેના મિત્ર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક યુવતી અને આરોપી વચ્ચે થોડા દિવસ પહેલા જ અશ્લીલ વીડિયોને લઈને માથાકૂટ થઈ હતી. બાદમાં પોલીસની હાજરીમાં જ વીડિયો ડિલિટ કરાવાયા હતા અને સમાધાન થતા પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી. પરંતુ ત્યાર બાદ પણ મૃતક યુવતીને સતત ડર રહેતો હતો કે તેનો વીડિયો વાઈરલ થઈ જશે. એ ટેન્શનમાં જ તેણે આપઘાત કરી લીધો હતો.
ચાંદખેડાના એપાર્ટમેન્ટના 14મા માળેથી કૂદીને આપઘાત કર્યો
આ ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદ પાસે આવેલા એક ગામમાં રહેતી મોહિની(નામ બદલ્યું છે)એ અમદાવાદના ચાંદખેડામાં આવેલા એક એપાર્ટમેન્ટના 14માં માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળનું કારણ તેના પ્રેમીએ ઉતારેલો તેનો અશ્લીલ વીડિયો હતો, જે તેણે તેના એક મિત્રને શેર કર્યો હતો. આ વીડિયો બતાવીને પ્રેમીનો મિત્ર તેને બ્લેકમેઈલ કરશે અને વીડિયો વાયરલ થઈ જશે તે બીકે મોહિની સતત ટેન્શનમાં રહેતી હતી.
આ પણ વાંચો: ભરબજારે ધોળા દિવસે દલિત યુવકની ગોળી મારી હત્યા
પ્રેમીએ અશ્લીલ વીડિયો ઉતારી મિત્રને શેર કર્યો
મોહિનીના પ્રેમી મોહિતે તેનો અશ્લીલ વીડિયો ઉતારીને તેના મિત્ર હાર્દિક રબારીને શેર કર્યો હતો. એ પછી હાર્દિકે મોહિનીને ફોન કરી કહ્યું હતું કે, તમારો એક વીડિયો મારી પાસે છે અને તમારે તે જોવો હોય તો વૈષ્ણોદેવી સર્કલ પાસે મને મળો. જેથી મોહિની તેની બહેનપણી અને તેના પતિને લઈને તે જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં તેના પ્રેમીનો મિત્ર હાર્દિક રબારી હાજર હતો. તેણે મોહિનીને તેના મોબાઇલમાં તેના પ્રેમી મોહિત સાથેનો અશ્લીલ વીડિયો બતાવ્યો હતો, જે જોઈને ત્રણેય ચોંકી ગયા હતા. આ વીડિયો હાર્દિકે મોહિતના મોબાઇલમાંથી લીધો હોવાનું જણાવ્યું હતું. એ પછી તે ત્યાંથી નીકળી ગયો હતો. આ મામલે મોહિનીએ પ્રેમી મોહિતને મળીને વીડિયો ડિલિટ કરવા માટે કહ્યું પણ તેણે એમ કર્યું નહોતું. જેના કારણે મોહિની વીડિયો વાયરલ થઈ જશે તેના ડરમાં રહેતી હતી.
પ્રેમીએ રૂપિયા માંગ્યા પણ વીડિયો ડિલીટ ન કર્યો
એ દરમિયાન મોહિતનો ફોન આવ્યો હતો અને તેણે મોહિની પાસે રૂ. 2500 માંગ્યા હતા. મોહિનીએ તેને રૂપિયા આપવાના બહાને મળવા બોલાવીને વીડિયો ડિલીટ કરાવી દેવાનું મનોમન નક્કી કર્યું હતું. એ પછી તે તેની બહેનપણી અને તેના પતિ સાથે સોલા પહોંચી હતી. જ્યાં મોહિત આવ્યો હતો અને મોહિનીએ તેને વીડિયો ડિલીટ કરવા માટે કહ્યું હતું. પણ તે માન્યો નહોતો. એ પછી મોહિનીએ ફોન કરીને પોલીસને બોલાવી હતી. અને પોલીસે આવીને મોહિતના ફોનમાંથી વીડિયો ડિલીટ કરાવ્યો હતો.
બે આરોપીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ
આ ઘટનાને થોડા દિવસ વીતી ગયા હતા. પરંતુ મોહિનીને એ બાબતની શંકા હતી કે મોહિતે ડિલીટ કરેલો વીડિયો તેના મિત્ર હાર્દિક રબારી પાસે છે અને તે ગમે ત્યારે વાયરલ થઈ જશે. આ વિચારને કારણે તે સતત દબાણમાં રહેતી હતી. આ ચિંતામાં જ તેણે ચાંદખેડામાં આવેલા એપાર્ટમેન્ટના 14 મા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. મોહિનીની આત્મહત્યા મામલે ચાંદખેડા પોલીસે મોહિત અને તેના મિત્ર હાર્દિક રબારી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
દીકરીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
આ ઘટના યુવાન દીકરીઓ માટે એક લાલબત્તી સમાન છે. યુવકો પર કદી આંધળો વિશ્વાસ ન મૂકો, કદી પણ અજાણ્યા યુવકો સાથે ફોટા કે વીડિયો ન પડાવો. એઆઈના આજના જમાનામાં તેનો દુરુપયોગ થઈ શકે છે. જો તમારી સાથે આવું કંઈ થાય તો ગભરાયા વિના પરિવારને વિશ્વાસમાં લઈને પોલીસ સાયબર ક્રાઈમની મદદ લો. છેલ્લી અને સૌથી મહત્વની વાત- જિંદગી કિંમતી છે, તેને આ રીતે વેડફી ન નાખો. તમારી પાછળ તમારો પરિવાર આખી જિંદગી રિબાતો હોય છે. માટે સતર્ક રહો, સલામત રહો.
આ પણ વાંચો: અમરેલીના જશવંતગઢમાં સવર્ણોએ ગટરના પાણી દલિતવાસમાં વાળ્યા