સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. જેના પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બે અલગ અલગ ઘટનાઓમાં એક ઈડરના સપ્તેશ્વર પાસે આવેલી સાબરમતી નદીમાં, બીજી વિજયનગરના કણાદર ગામ પાસે બની હતી. બંને ઘટનાઓમાં યુવકોએ સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો હતો.
પ્રથમ ઘટનામાં ઈડર તાલુકાના સપ્તેશ્વર પાસે આવેલી સાબરમતી નદીના ચેકડેમ પાસે બની હતી. જેમાં રવિવારે બપોરે મહેસાણા જિલ્લાના કટોસણ (રાજપુરા) ગામનો ૨૩ વર્ષીય નિલેશ દેવજીભાઈ પરમાર સેલ્ફી લેવાના ચક્કરમાં અચાનક પગ લપસતા નદીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઈડર અને હિંમતનગર ફાયર વિભાગ તેમજ સ્થાનિકો દ્વારા સતત સાત કલાક સુધી શોધખોળ ચલાવવામાં આવી હતી. પરંતુ યુવકનો મૃતદેહ મળ્યો નહોતો. તેથી સવારે હિંમતનગર, ઈડર,વિજાપુર ફાયર વિભાગ અને SDRF ની ટીમ સહિત કુલ ૪૦ ફાયરમેને સવારે ૭ વાગ્યાથી ફરીથી શોધખોળ શરૂ કરી હતી. આખરે ૧૨ કલાકની સઘન શોધખોળ બાદ સોમવારે સવારે ૧૦ વાગ્યે નિલેશનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: અંબાજીના છાપરીમાં આદિવાસી બાળકો જીવના જોખમે ભણવા મજબૂર
બીજી દુઃખદ ઘટના વિજયનગરના કણાદર ગામ નજીક બની હતી. જ્યાં પ્રાકૃતિક ધોધ પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની માહોલ છવાઈ ગયો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ઓડ ગામનો ૧૮ વર્ષીય અલ્પેશ મેણાત તેના મિત્રો સાથે કણાદર ગામ પાસેના ડુંગરાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલા ધરતી માતાના મંદિરે દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને પરત ફરતી વખતે તે મંદિરના પાછળના ભાગમાં આવેલા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વહેતા ધોધ પર ચડીને મોબાઈલમાં સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન ધોધ પાસેના પથ્થરો પર પુષ્કળ લીલ હોવાને કારણે તેનો પગ લપસી ગયો હતો અને ગણતરીની સેકન્ડોમાં ધોધના પાણીમાં પડીને વહી ગયો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બનતાં જ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠા થઈ ગયાં હતાં. મૃતક અલ્પેશના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પ્રાકૃતિક સ્થળોએ સાવચેતી રાખવી જરૂરી
ઉલ્લેખનીય છેકે આ બંને ઘટનાઓ સર્જાયા બાદ ચોમાસા દરમિયાન કુદરતી સ્થળોએ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. આ ઘટના સેલ્ફીના શોખ અને બેદરકારીનાં ગંભીર પરિણામો દર્શાવે છે. ચોમાસા દરમિયાન આવાં પ્રાકૃતિક સ્થળોએ ખાસ કરીને સાવચેતી રાખવી અનિવાર્ય છે. પ્રવાસીઓ અને સ્થાનિકોને આવાં સ્થળોએ સાવચેતી રાખવા અને જોખમી કૃત્યોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. જો તમને તરતા ન આવડતું હોય તો કદી પણ વરસાદમાં ઝરણાં, તળાવ, નદી કે નહેર પાસે ન જવું.
આ પણ વાંચો: નેતાઓ માટે રસ્તો ખોલ્યો, પણ માતાનો મૃતદેહ લઈ પુત્રે 1 કિમી ચાલવું પડ્યું