ભારતમાં સામાન્ય માણસ માટે અને તેમના જ મતોથી ચૂંટાયેલા અને સત્તાના મદમાં બેશરમ થઈ ચૂકેલા નેતાઓ માટે કાયદો-નિયમો કેવા અલગ અલગ છે તેની આ વાત છે. મામલો નેતાઓની દાદાગીરી માટે જાણીતા ઉત્તરપ્રદેશનો છે. અહીં એક યુવક એમ્બ્યુલન્સમાં પોતાની માતાનો મૃતદેહ લઈને ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં એક બ્રિજ આવ્યો, જે સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હતો, તે એમ્બ્યુલન્સને પસાર થવા દેવા માટે ખોલવામાં ન આવ્યો. પરંતુ આ જ બ્રિજ નેતાઓ, ધારાસભ્યો અને વીઆઈપીઓ માટે તરત ખોલી દેવામાં આવે છે. એમ્બ્યુલન્સ માટે રસ્તો ન ખોલી અપાતા યુવકે તેની માતાના મૃતદેહને ઉચકીને, રડતા-રડતા 1 કિમી. સુધી ચાલીને બ્રિજ ક્રોસ કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો તેને શરમજનક ગણાવી કોન્ટ્રાક્ટર પર ફિટકાર વરસાવી રહ્યાં છે.

ઉત્તરપ્રદેશના હમીરપુરની શરમજનક ઘટના
યુપીના હમીરપુર જિલ્લામાંથી માનવતાને શરમાવતી આ ઘટના સામે આવી છે. અહીં એક પુત્ર એમ્બ્યુલન્સના ડ્રાઇવરોની મદદથી યમુના નદી પરનો પુલ પાર કરીને તેની માતાના મૃતદેહને સ્ટ્રેચર પર મૂકીને લઈ ગયો. લગભગ એક કિલોમીટર લાંબા પુલને પાર કરતી વખતે થાકને કારણે તેમણે મૃતદેહને પુલની વચ્ચે ત્રણથી ચાર વખત જમીન પર રાખવો પડ્યો. લાચારી અને દુઃખ વચ્ચે પુત્ર આંસુ વહાવતો સ્ટ્રેચર ઉપાડીને આગળ ચાલ્યો જાય છે. આ વીડિયો વાયરલ થયો છે.
મામલો શું હતો?
વાસ્તવમાં, હમીરપુર જિલ્લા મથકમાં યમુના પુલ આવેલો છે. અહીંના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ટેઢા ગામનો રહેવાસી બિંદા, તેના ઘર કાનપુરથી તેની માતાના મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઈને હમીરપુર જવા રવાના થયો હતો. તે હમીરપુરમાં પુલની બીજી બાજુ પહોંચ્યો, પરંતુ પુલ સમારકામ માટે બંધ હતો. બિંદાને આ યાદ નહોતું અને અહીં આવ્યા પછી તેને ખબર પડી કે પુલ બંધ છે.

બિંદાની લાચારી કોઈ સમજી શક્યું નહીં
પુલ બંધ હોવાથી બિંદાએ પુલ રિપેર કંપનીના કર્મચારીઓને મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સને બહાર કાઢવા વિનંતી કરી, પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહીં. એ પછી બિંદાને તેની માતાના મૃતદેહને સ્ટ્રેચર પર લાદીને પુલને પેલે પાર લઈ જવાની ફરજ પડી. ત્યાંથી તે મૃતદેહને ઓટોમાં ઘરે લઈ ગયો અને એમ્બ્યુલન્સ પૂલની પેલે પાર પડી રહી.
આ પણ વાંચો: Ayodhya માં દલિત યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો
બિંદાએ જણાવ્યું કે તેની માતા શિવદેવીના પગમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તેને સારવાર માટે કાનપુર દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બિંદા સવારે તેની માતાના મૃતદેહને એમ્બ્યુલન્સમાં હમીરપુર લઈ આવી રહ્યો હતો. પરંતુ પૂલનું સમારકામ ચાલી રહ્યું હોવાનું કહીને કોન્ટ્રાક્ટર કંપનીના કર્મચારીઓએ એમ્બ્યુલન્સને બ્રિજ પરથી પસાર થવા દીધી નહોતી. એ પછી લાચાર બની ગયેલા બિંદાએ એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની મદદથી તેની માતાના મૃતદેહને સ્ટ્રેચર પર લાદી એક કિમી લાંબો પુલ પાર ચાલીને પાર કરવાની ફરજ પડી હતી. બ્રિજની પેલે પાર ગયા પછી તે ઓટોરિક્ષામાં માતાના મૃતદેહને ગામ સુધી લઈ ગયો હતો.
પૂલનું કામ ચાલું હોવા છતાં VIP કારો પસાર થાય છે
આ આખી ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે, બિંદાને તેની મૃત માતાનો મૃતદેહ જે પૂલ પરથી નહોતો લઈ જવા દેવાયો, તે પૂલ પરથી વીઆઈપી કારો માટે તરત રસ્તો ખોલી દેવાય છે. નવભારત ટાઈમ્સના રિપોર્ટ મુજબ, શનિવારે સવારે 6 વાગ્યાથી પુલના સમારકામ માટે ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. એ દરમિયાન, જ્યારે હમીરપુર સદરના ધારાસભ્ય ડૉ. મનોજ પ્રજાપતિની કાર સવારે 7 વાગ્યે પુલ પર પહોંચી, ત્યારે પુલ પર ફરજ બજાવતા કર્મચારીઓએ તેમનો કોઈપણ પ્રકારનો વિરોધ કર્યો નહોતો અને તેમની કાર માટે રસ્તો ખોલી આપ્યો હતો અને પસાર થવા દીધી હતી.

એ જ રીતે, 21મી જૂને મુખ્ય સચિવ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર લખનૌથી હમીરપુર આવ્યા હતા, યમુના પુલ પર વાહનોની એન્ટ્રી ન હોવા છતાં તેમની કારને પણ પસાર થવા દેવાઈ હતી. એટલું જ નહીં, મંત્રીઓની ગાડીઓને પણ યમુના પુલ પરથી ખુલ્લેઆમ પસાર થવા દેવામાં આવે છે, પરંતુ દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોને પુલમાં પ્રવેશવાની મંજૂરી નથી. આજે, બિંદાને તેની માતાના મૃતદેહ સાથે પુલ પાર કરતા જોઈને માનવતા પણ શરમાઈ ગઈ છે.
લોકોએ કોન્ટ્રાક્ટર કંપની પર પ્રશ્નો ઉઠાવ્યા
એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની મદદથી પુત્ર તેની માતાના મૃતદેહને પુલ પાર લઈ જતો હોવાનો વાયરલ વીડિયો અને તસવીરોએ બધાને ચોંકાવી દીધા છે. લોકો પુલનું સમારકામ કરતી કંપની PNC પર ઘણા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે પુલ મંત્રીઓ અને અધિકારીઓ માટે ખુલ્લા છે પરંતુ સામાન્ય માણસને નિયમો બતાવાય છે. લોકોમાં આક્રોશ છે કે, બધા નિયમો અને કાયદાઓ ફક્ત સામાન્ય લોકો પર જ લાગુ કરવામાં આવે છે. બીજી તરફ, કંપનીના અધિકારીઓ આ મામલે કંઈ પણ કહેવાથી દૂર રહી રહ્યા છે. એ સ્થિતિમાં, તેમની કાર્યશૈલી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: અરવલ્લીમાં નદીકાંઠે દલિત યુવકનો મૃતદેહ મળ્યો, 9 સામે એટ્રોસિટી











Users Today : 1217