અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં એક દલિત યુવતીએ તેના પ્રેમી સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. 5 વર્ષ પહેલા યુવતી અને તેનો પ્રેમી એક જ કંપનીમાં નોકરી કરતા હતા. બન્ને વચ્ચે પ્રેમ થઈ જતા બંનેએ અનેકવાર હોટલમાં જઈને શારિરીક સંબંધો બાંધ્યા હતા. પ્રેમી પરિણીત હતો અને બાદમાં યુવતીને તેની જાણ થતા તેણે યુવક સાથે સંબંધ તોડી નાખીને એક મહિના પહેલા સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જોકે પરિણીત પ્રેમી તેને સંબંધ રાખવા દબાણ કરતો હતો પરંતુ યુવતી તાબે ન થતા પ્રેમીએ યુવતી સાથેના અંગત પળોનાં વિડીયો તેના પરિવારજનોને મોકલીને યુવતીનું ઘર તોડાવી નાખ્યું હતું. જેથી અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મૂળ રાજસ્થાનની અને હાલ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેલી 27 વર્ષીય દલિત યુવતી સોનાલી(નામ બદલ્યું છે) છેલ્લાં બે દિવસથી તેના માતાપિતા સાથે રહે છે. એક મહિનાં પહેલા તેનાં લગ્ન સમાજનાં એક યુવક સાથે થયા હતા. પરંતુ પતિ સાથે મનદુ:ખ થતા તે માતાપિતાનાં ઘરે રહેવા આવી હતી. જોકે તે દરમિયાન તેનાં પૂર્વ પ્રેમીએ તેના પોતાની સાથેનાં અંગત પળોનાં વિડીયો વાયરલ કરી નાખતા સોનાલીનું ઘર ભાંગ્યું હતું. આથી તેને લાગી આવતા તેણે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનાં કારણે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ પણ વાંચો: 15 વર્ષની દલિત છોકરી પર પોલીસકર્મીએ બંદૂક બતાવી રેપ કર્યો
સોનાલીના 5 વર્ષ પહેલા હિમાલયા મોલ પાસે વસ્ત્રાપુરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી, તે જ કંપનીમાં ટેલિકોલર તરીકે નોકરી કરતા દીપક વ્યાસ સાથે પરિચય થયો હતો. બાદમાં બન્નેની મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતી. એ દરમિયાન બંને અલગ અલગ હોટલમાં જતા હતા, જ્યાં બંને મરજીથી શારિરીક સંબંધ બાંધતા હતા. એ દરમિયાન દિપકે અંગત પળોના વિડીયો પણ બનાવ્યા હતા. જોકે દિપક પરિણીત હતો અને તે બ્રાહ્મણ હોવાથી તે સોનાલી સાથે લગ્ન કરવા માંગતો નહોતો. અંતે સોનાલીને આ બધી બાબતોની જાણ થતા તેણે દીપક વ્યાસ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને નવેસરથી જિંદગી શરૂ કરવા માટે પોતાના સમાજના એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા.
જો કે એ પછી દીપક વ્યાસ અવારનવાર તેને ફોન કરી પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. પરંતુ સોનાલીએ લગ્નેત્તર સંબંધો રાખવાનો ઈનકાર કરી દીધો હતો. આથી દીપકે બંનેના અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જોકે તેમ છતાં સોનાલી તેને તાબે થઈ નહોતી. આથી 3 જુલાઈનાં રોજ દીપક વ્યાસે સોનાલીના માતાપિતા, ભાઈ તેમજ સમાજના અલગ અલગ લોકોને વીડિયો મોકલીને વાયરલ કરી દીધા હતા. જેની જાણ સોનાલીના સાસરિયા અને તેના પતિને થતા તેમણે તેને સંબંધ તોડીને પિયરમાં મોકલી દીધી હતી. સોનાલીને આ બાબતે ભારે લાગી આવતા તેણે પિયરમાં ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને સમયસર સારવાર મળી જતા જીવ બચી ગયો હતો. અંતે આ મામલે સોલા હાઈકોર્ટમાં આરોપી દીપક વ્યાસ સામે દુષ્કર્મ, અંગત વિડીયો વાયરલ કરવા અને એટ્રોસિટીની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટના બહુજન સમાજની યુવતીઓ માટે લાલબત્તી સમાન છે. તમારો સાથી તમને ગમે તેટલો વફાદાર લાગતો હોય તો પણ કદી તેને અંગત પળોના વીડિયો ઉતારવા ન દો. જો વ્યક્તિ દગો કરીને વીડિયો વાયરલ કરી દેશે તો તમારી જિંદગી બરબાદ થઈ જશે. માટે સતર્ક રહો. સલામત રહો.
આ પણ વાંચો: ચાંદખેડાની દલિત યુવતીના આપઘાતમાં ચોંકાવનારો વળાંક આવ્યો